Sunday, 29 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કથાસરિતા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કથાસરિતા!
મહેશ યાજ્ઞિક
 

 

બાંઠિયા જેવો કદરૂપો પુરુષ આરસની પૂતળી જેવી બૈરી લાવે એમાં આવું જ પરિણામ આવે.

 

એ વખતે મારી ઉંમર દસેક વર્ષની. સાંજે નિશાળેથી આવીને દફતર ફેંકીને રમવા ભાગી જવાનું. લીમડાનાં ત્રણ ઊંચાં ઝાડને લીધે અમારી શેરી લીમડા શેરી તરીકે ઓળખાતી. લીમડાની નીચેની ખુલ્લી જગ્યા એ અમારું રમવાનું મેદાન. હનકો,પશલો,ગટ્ટી અને બુધિયો એ મારા પાક્કા ભાઈબંધ. અમે પાંચેય એકજ ક્લાસમાં ભણતા હતા. બાબુ અને કાળિયો અમારાથી ચારેક વર્ષ મોટા, તોય અમારી સાથે રમવા આવે. રમત જામે પછી ઘેર જવાનું જરાયે મન ના થાય. ઓટલે ઊભી ઊભી રહીને મમ્મી બૂમ પાડે પણ ગણકારે કોણ? પપ્પા બૅન્કમાંથી છૂટીને આવે ને એ એક ઘાંટો પાડે ત્યારે જવાનું. અમારું ઘર તો અમદાવાદમાં. પપ્પાએ બૅન્કમાં પ્રમોશન લીધું એટલે અહીં આવેલા...

 

અમે રહેવા આવ્યા એના બે મહિના પછી સામેના ઘરમાં નવા ભાડુઆત રહેવા આવ્યા હતા. હૂતો-હૂતી બે જ માણસ, નવરાં પડે ત્યારે ઝઘડ્યાં કરે. બહેનની ઊંચાઈ ભાઈથી ત્રણેક ઈંચ વધારે. લાંબા કાળા વાળ છેક ઢીંચણને અડે અને એના જેટલો ગોરો રંગ તો આખા ગામમાં કોઈનોય નહોતો. રૂપ રૂપના અંબાર જેવી એ યુવતીને શેરીનાં બૈરાં ભૂરી કહીને જ બોલાવતાં હતાં. એના વરનો રંગ શ્યામ અને શરીર ગદડિયા જેવું. હું બાથ ભરું તોય મપાય નહીં એવડું મોટું એનું પેટ હતું. ઊંચાઈ ઓછી એટલે એ ખામી પૂરવા ને વટ પાડવા માટે એણે પૂળા જેવી મોટી મૂછો વધારી હતી. આંખો ગોળ લખોટી જેવી. ચાલે ત્યારે ચાવી દીધેલો ઢીંગલો ચાલતો હોય એવું લાગે. અમે લોકોએ એનું નામ બાંઠિયો પાડ્યું હતું. બાંઠિયાની કોમેડી ચાલ જોવા માટે જ અમે રોજ આવીએ છીએ એવું બાબુ અને કાળિયો કહેતા હતા, પણ પશલાએ ખાનગીમાં કહી દીધેલું કે એ બંને બદમાશ તો રોજ ભૂરીનાં દર્શન કરવા આવે છે. ભૂરી તાલુકા પંચાયતમાં નોકરી કરતી હતી. અમે રમતા હોઈએ એ જ વખતે એ નોકરીમાંથી છૂટીને ચાલતી ઘેર આવે. અમારી પાસેથી જ પસાર થઈને એ એના ઘેર જાય. પર્સમાંથી ચાવી કાઢીને બારણું ખોલીને ઘરમાં જાય અને અંદરથી બારણું બંધ કરે ત્યાં સુધી બાબુ અને કાળિયો એ તરફ એકીટશે તાકી રહેતા હતા. પશલાએ બાતમી આપ્યા પછી અમને આ વાતની ખબર પડી હતી...

 

બાંઠિયો શું કામ-ધંધો કરે છે એની શેરીમાં કોઈને ખબર નહોતી. ભૂરી ઑફિસ જાય ત્યારે એ એની સાથે જ ઘરમાંથી નીકળી જતો.એ પછી ક્યારેક વહેલો આવે,બાકી આખી શેરી ઊંઘી જાય ત્યારે આવે. એમના ઘરમાંથી ઘાંટાઘાંટની સાથે ભૂરીના રડવાનો પણ અવાજ આવે એના ઉપરથી ખબર પડે કે બાંઠિયો આવી ગયો છે. અગાઉ એ લોકો સોની શેરીમાં રહેતાં હતાં પણ એમના ઝઘડાથી ત્રાસીને મકાનમાલિકે કાઢી મૂક્યાં હતાં એવી બધા વાત કરતા હતા...

 

એ વખતે મારા બાપા પાસે સાઈકલ હતી એ મારા માટે ગર્વની વાત હતી. શેરીના ત્રીસેક ઘરમાં માંડ ત્રણ સાઈકલ હતી. આખા ગામમાં માંડ આઠ-દસ ઘરમાં મોટરસાયકલ હતી...

 

છ મહિના પછી આખી શેરીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. ભૂરી નોકરી પરથી આવી એના અડધા કલાક પછી બાંઠિયો મોટરસાઈકલ લઈને આવ્યો. ઘરની સામે વટથી બાઈક પાર્ક કરીને એ અંદર ગયો અને બારણું બંધ કર્યું. થોડી વાર પછી ચીસાચીસ અને ઘાંટાઘાંટના અવાજ પરથી બાઈકના મુદ્દે ઝઘડો જામ્યો હશે એવું બધાને લાગ્યું.સવારે ઑફિસ જવા ભૂરી તૈયાર થઈને નીકળી, બાંઠિયાએ કીક મારીને બાઈક ચાલુ કર્યું ને મોં મલકાવીને ભૂરી એની પાછળ બેસી ગઈ! આ બધું જોઈને એમના કંકાસની હવે કોઈને નવાઈ નહોતી. એ પછી તો આ ક્રમ રોજનો થઈ ગયો...

 

બે મહિના પછી બાઈક અદૃશ્ય થઈ ગયું. ભૂરી નિયમિત નોકરી પર જતી હતી. બાંઠિયો ક્યારેક અડધી રાત્રે ઘેર આવે ને ક્યારેક બે દિવસ દેખાય પણ નહીં, પણ ઝઘડવાનું તો કાયમ ચાલુ જ હતું.એ મસ્તીભર્યા દિવસોમાં અઢી વર્ષ ક્યાં વીતી ગયા એ ખબર પણ ના પડી. એક સાંજે પપ્પા બૅન્કમાંથી આવ્યા ત્યારે ખુશખુશાલ હતા. એમણે મમ્મીને કહ્યું કે સામાનનું પેકિંગ શરૂ કરી દો. પાછા અમદાવાદ જવાનો ઑર્ડર આવી ગયો છે. અહીં બીજો ઑફિસર આવે કે તરત આપણે નીકળી જઈશું. એ બંને રાજી રાજી હતાં પણ મને તો અહીં મજા આવતી હતી...

 

બીજા દિવસે મેં દોસ્તારોને વાત કરી તો એ બધા પણ દુ:ખી થઈ ગયા. એ પીડા વચ્ચે પણ બાબુએ પોતાના નિરીક્ષણથી આંખ મિચકારીને કહ્યું કે ભૂરીને બચ્ચું આવવાનું છે. એણે બીજી એ માહિતી આપી કે ભૂરી સવારે નોકરી પર જઈને સાંજે પાછી આવે છે, પણ બારણાં બંધ કરીને બાંઠિયો ઘરમાં પૂરાઈ રહે છે...

 

એના ચોથા દિવસે જ આખી શેરી હચમચી ઊઠી. બાંઠિયો રાત્રે બારેક વાગ્યે આવ્યો એ પછી અગાઉ ક્યારેય નહોતો થયો એવો મોટો ઝઘડો થયો. ભયાનક ચીસાચીસ સાંભળીને શેરીના માણસો જાગી ગયા. ઘરમાંથી બહાર નીકળીને પંદરેક વડીલ સ્ત્રી-પુરુષો શેરીની વચ્ચે આવ્યા. બાંઠિયાના ઘરની સામે તાકીને એ ટોળું ઊભું હતું. પતિ-પત્નીના ઝઘડામાં આપણાથી શું થઈ શકે એની એ લોકો ચર્ચા કરતા હતા. એ જ વખતે બારણું ખૂલ્યું અને બાંઠિયો ઘરમાંથી બહાર નીકળીને દોડતો ભાગ્યો. ઘરમાં ભૂરી ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી એટલે સ્ત્રીઓ એને છાની રાખવા અંદર ગઈ...

 

સવારે આઠ વાગ્યે પોલીસની જીપ ધમધમાટ કરતી આવી એટલે પાછા બધા ભેગા થઈ ગયા. બાંઠિયાએ ટ્રેનના પાટા નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો એ સમાચારથી શેરીમાં સન્નાટો છવાઈ ગયો!.

 

અમારે એ રાત્રે જ અમદાવાદ જવા નીકળવાનું હતું. પેકિંગની ધમાલ વચ્ચે શેરીની સ્ત્રીઓ પાસેથી મળેલી માહિતીના આધારે મમ્મી પપ્પાને કહેતી હતી કે બાંઠિયા જેવો કદરૂપો પુરુષ આરસની પૂતળી જેવી બૈરી લાવે એમાં આવું જ પરિણામ આવે!.

 

પોલીસની અને ગામના લોકોની ભીડ હતી એટલે એ સાંજે દોસ્તારો પણ ફરક્યા નહીં અને હું અમદાવાદ પહોંચી ગયો...

 

---એ પછી બેંતાળીસ વર્ષમાં અનેક વાર ઈચ્છા થતી હતી પણ સમય-સંજોગનો મેળ પડતો નહોતો. આજે ભાવનગર જતી વખતે તક મળી એટલે કારને ગામમાં ઘૂસાડી. કારને ત્યાં જ પાર્ક કરીને ધીમે ધીમે ચાલતી વખતે બધુંય જાણે બદલાઈ ગયું હોય એવું લાગતું હતું. સ્ટેશન રોડથી ગામ સુધીમાં ભરચક શોપિંગ સેન્ટરો ઊગી નીકળ્યાં હતાં. અચાનક કરિયાણાની મોટી દુકાનનું બૉર્ડ જોઈને આંખ ચમકી. બાબુના બાપાનું નામ રતિલાલ દલીચંદ મગજમાં જળવાઈ રહ્યું હતું. ઝડપથી પગ ઉપાડીને ત્યાં પહોંચ્યો. શરીર વધી ગયું હતું અને ટાલ પડી ગઈ હતી એ છતાં પહેલી જ નજરે હું બાબુને ઓળખી ગયો. ગ્રાહકને એ ચોખાના નમૂના બતાવી રહ્યો હતો...

 

હું ચૂપચાપ ઊભો રહ્યો. મારી સામે જોઈને એણે પૂછ્યું. "શેઠ,તમારે?" "એક સરસ મજાની ચા.." મેં કહ્યું એટલે એ ચમક્યો. આંખો ઝીણી કરીને તાકી રહ્યો ને પછી એકદમ ઉષ્માથી ભેટી પડ્યો. "અલ્યા, કેટલા વર્ષે તું મળ્યો?" એની બાજુની ખુરશી પર બેસાડીને એ અંતરના ઉમળકાથી બોલતો હતો. હનકો,પશલો,ગટ્ટી અને બુધિયો શું કરે છે એ મેં પૂછ્યું કે તરત એણે કહ્યું કે બધા ગામમાં જ છે, તું આવ્યો છે એમ કહીશ એટલે અડધો કલાકમાં હાજર થઈ જશે...

 

એ બોલતો હતો ત્યારે મારી નજર રોડ પરથી પસાર થતા માણસોમાં પરિચિતતાનો અણસાર શોધવા ભટકતી હતી. "અલ્યા,આ તો બાંઠિયો!" હું ખુરશી પરથી ઊભો થઈ ગયો. ચાલીસેક વર્ષના માણસને જોઈને મોં આશ્ચર્યથી ખૂલી ગયું. "ડિટ્ટો ટુ ડિટ્ટો બાંઠિયો જ છે. એ જ ચાલ ને એ જ થોબડું. એક માત્ર મૂછ નથી." "બાંઠિયો અત્યારે સ્વર્ગ કે નરક ગમે ત્યાં હશે પણ ત્યાં બેસીને એ એની આ ઝેરોક્સ કોપીને જોઈને પારાવાર પસ્તાવાથી પીડાતો હશે." બાબુ બબડ્યો પછી મારી સામે જોયું. "એ વખતે તમે જતા રહ્યા એ પછી આખી કથા બહાર આવેલી. બાંઠિયો ફૂલટાઈમ જુગારી હતો. જુગારના અડ્ડા ઉપર જ પડ્યો રહેતો હતો, અહીં ભાઈજીભાઈના અડ્ડે દેવું કર્યું એટલે એ બારણું બંધ થયું પછી રાનપુરમાં સિરાઝભાઈના અડ્ડે રમવા જતો હતો. ત્યાંય માથાના વાળ જેટલું દેવું કરેલું. બંને અડ્ડાવાળાએ દસ દિવસની મુદત આપી હતી. પછી એમના માણસો ઘેર આવીને ટાંટિયા ભાંગી નાખવાના હતા એ નક્કી હતું.".

 

લગીર અટકીને બાબુએ પૂછ્યું "મર્યો એ પહેલાં એ ઘરકૂકડી બનીને અઠવાડિયું સંતાઈ રહ્યો હતો એ તને યાદ છેને?" મેં માથું હલાવીને સંમતિ આપી એ પછી એણે આગળ કહ્યું. "માર ખાવાની અને શેરીમાં ધજાગરો થવાની બીકે મરણિયો બનીને ભૂરીને કહે કે ગમે તેમ કરીને પૈસાની જોગવાઈ કરી આપ. તારા દાગીના આપ ને તારા પિયરથી પૈસા મંગાવ. અગાઉ એક વાર ભૂરીના બાપે આવી મુશ્કેલીમાંથી ઉગારેલો. આ વખતે ભૂરી વિફરી.કહી દીધું કે એ અડ્ડાવાળા તમને મારી નાખે તોય મને કોઈ હરખશોક નથી.દાગીના કે પૈસા કશુંય નહીં મળે.".

 

ચાવાળો આવ્યો એટલે બાબુએ એક કપ મારી તરફ લંબાવીને બીજો પોતાના હાથમાં લીધો. "એ વખતે ભૂરી પ્રેગ્નન્ટ હતી.પાંચમો મહિનો જતો હતો. આમ પણ પત્નીના રૂપ સામે લઘુતાગ્રંથિથી પીડાતો બાંઠિયો છેલ્લા પાટલે બેઠો. મનમાં ધરબાયેલી સળવળતી શંકા ફૂંફાડો મારીને હોઠ પર ધસી આવી. ભૂરીના પેટ ઉપર લાત મારીને કહે કે આ છોકરું મારું નથી, જેનું હોય એની પાસેથી પૈસા લાવી આપ. ભૂરી તો સીતામાતા જેવી પવિત્ર હતી. આજ સુધી તમામ ત્રાસ સહન કરનારી એ સ્ત્રી પતિના ગલીચ આક્ષેપથી રણચંડી બની ગઈ. પૂરી તાકાતથી ધોકો લઈને એ બાંઠિયા ઉપર તૂટી પડી. જુગારિયા પતિનો ગંદો આક્ષેપ સાંભળીને એના રુંવાડે રુંવાડે આગ લાગી હતી. એ ઝનૂનના આવેશમાં એણે ધણીને ધોકાવી નાખ્યો. પૈસા મળવાના નહોતા, અડ્ડાવાળાઓ ઘરમાંથી ખેંચીને શેરી વચ્ચે હાડકાં ભાંગી નાખવાના હતા અને હાથ ઉપાડવા જેટલી બૈરીની હિંમત ખૂલી ગઈ હતી; બધી બાજી હારી ગયેલો એ જુગારી સીધો રેલવેના પાટા તરફ ભાગ્યો!".

 

હાથમાં ચાનો કપ હતો એ ભૂલીને હું બાબુની વાત સાંભળતો હતો. એ તરફ ઈશારો કરીને બાબુએ બોલવાનું ચાલુ રાખ્યું. "બાંઠિયાની મા અને મોટા ભાઈએ ખરી ખાનદાની દેખાડી. બાંઠિયાના અપલખ્ખણથી કંટાળીને એમણે સંબંધ કાપી નાખેલા, પણ આ બન્યું કે તરત એ બંને શેરીમાં આવીને ભૂરીની પડખે ઊભા રહ્યા. બાંઠિયાના ભાઈએ જુગારના દેવાની શેરીમાં બધાને વાત કહીને કીધું કે એ અવળચંડો આ લાગનો જ હતો. એ મા-દીકરાએ ભૂરીને પોલીસના લફરાથી પણ બચાવી. એ પછી સાસુ તો ભૂરીની સાથે જ રહી. આ નાના બાંઠિયાને ભૂરીએ ભણાવી-ગણાવીને મોટો કર્યો અને કૉલેજની સામે સ્ટેશનરીની દુકાન કરાવી આપી. મા-દીકરાને કોઈ ઉપાધિ નથી, પણ ભૂરી એક જ ચિંતામાં અટવાયેલી છે.."મારી સામે મોં મલકાવીને બાબુએ ઉમેર્યું."આ નમૂનો આટલો મોટો થયો પણ કન્યાનો મેળ પડતો નથી!".




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os8Gq1n%2BVBb_ZJ-DnOF%2Be11uTrAcrD3izDREw-tXYKF4A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment