Tuesday 31 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કારગિલ યુદ્ધનો હીરો એઠાં ગ્લાસ ધૂએ છે (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કારગિલ યુદ્ધનો હીરો એઠાં ગ્લાસ ધૂએ છે!
યુદ્ધ કેસરી-પ્રફુલ શાહ

૨૬મી જુલાઈએ કારગિલ વિજય દિન ઉજવાયો. વાહ. તેર જૂને શરૂ થયેલા અને ૨૬ જુલાઈએ પૂરા થયેલા કારગિલ સંગ્રામમાં ૫૨૭ જવાન શહીદ થયા અને ૧૩૦૦થી વધુ ઘાયલ થયા એટલે એ સૌના પરાક્રમને બિરદાવવા રાજકારણીઓએ પાડેલા બરાડા, અખબાર-ટીવીમાં આવેલી જાહેરખબરો થકી સન્માન વ્યક્ત કરવાનું સૌને સારું લાગ્યું. કારગિલ વિજય દિને જ પાકિસ્તાનમાં દેખાવે મોડર્ન પણ અંદરથી એકદમ રૂઢિચુસ્ત અને કટ્ટર તથા લશ્કરના ટેકાવાળા ઈમરાન ખાનનું સત્તાનશીન થવાનું નક્કી થઈ ગયું એ કેવો કારમો યોગાનુયોગ. એ તો ઠીક પણ આપણા પ્રધાનો જ નહિ, પ્રજા માટેય પંદરમી ઑગસ્ટ, છવ્વીસમી જાન્યુઆરી અને કારગિલ વિજય દિન એક ઔપચારિક્તા, દેખાડો અને સિઝનલ બાબત બનીને રહી ગઈ છે.

જો ખરેખર એવું ન હોય તો સતવીરસિંહ જ્યૂસની રેકડી ન ચલાવતા હોત અને પોતે બીજાનાં એઠાં ગ્લાસ ન ધોતા હોત અને તેઓ આ બધું ક્યાં કરે છે? રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, સંરક્ષણ પ્રધાન અને લોકસભા જ્યાં છે એ નવી દિલ્હીમાં. આ બધું જોઈ, જાણી અને સાંભળીને અંગેઅંગમાં લાય લાગી જાય છે. આંખના ખૂણાં ભીના થઈ જાય છે. પોતાના માટે, સમાજ માટે અને વ્યવસ્થા માટે નફરત થઈ જાય નફરત.

આ સતવીરસિંહજી લશ્કરી જવાન છે લાન્સનાયક સતવીરસિંહ. હાલ દિલ્હીના મુખમેલપુર ગામમાં રહે છે. પોતાની લાચારી, બીમારી, પત્ની અને બે દીકરા સાથે. તેઓ કારગિલ યુદ્ધમાં લડનારા દિલ્હીના એકમાત્ર જવાન છે. તેઓ લશ્કરનો સ્પેશ્યલ સેવા મૅડલ મેળવનારા પ્રથમ દિલ્હીવાસીય ખરા.

આજેય સતવીરસિંહજીને ૧૯ વર્ષ અગાઉનો એ દિવસ બરાબર યાદ છે, કેમ ન હોય? માભોમ માટે હથેળીમાં મોત લઈને નીકળ્યા હતા. મરવાનો લેશમાત્ર ભય નહોતો, માતૃભૂમિ માટે કામ લાગવાનો રોમાંચ હતો નસનસમાં. એ સમયે તેઓ સેક્ધડ રાજપૂતાના રાઈફલ્સમાં લાન્સનાયક હતા. તોલોલિંગના પર્વત પર પાકિસ્તાની ઘૂસણખોરોએ અડિંગો જમાવી દીધો હતો, ત્યાંથી તેઓ નેશનલ હાઈવે પર ઘડી ઘડી ગોળીબાર કરતા હતા. કોઈ પણ સંજોગોમાં તોલોલિંગ પર સાફસફાઈ જરૂરી હતી, પરંતુ આ કામગીરી આસાન નહોતી. ભારતીય લશ્કર માટે તોલોલિંગ પર ફરી કબજો જમાવવો એ લોઢાના ચણા ચાવવાથીય આકરું હતું, પરંતુ એમ પડકારથી ડરે તો ભારતીય જવાનો શાના?

આ કામ હાથમાં લીધું તો એમાં ઘણો સમય લાગ્યો અને ખાસ્સી ખુવારી પણ ખમવી પડી હતી, પરંતુ ખુમારી, વટ અને દેશદાઝ અકબંધ જ નહોતા, બે-પાંચ ગણા વધીય ગયા હતા.

અને તોલોલિંગ પરથી દુશ્મનોનો પૂરેપૂરો એકડો કાઢી નાખવા માટે પસંદ થઈ ૧૯૯૯ની ૧૨મી અને તેરમી જૂન વચ્ચેની રાત. આની જવાબદારી સોંપાઈ સેક્ધડ રાજપૂતાના રાઈફલ્સને. લાન્સનાયક સતવીરસિંહની આગેવાની હેઠળ નવ જવાનો જોશભેર આગેકૂચ કરતા હતા. છેક તેરમી જૂનની સવારે ભારતીય જવાનો અને પાકિસ્તાની ઘૂસણખોરો સામસામા આવી ગયા. ચિત્તાની ચપળતા વાપરીને સતવીરસિંહે એક હેન્ડગ્રેનેડ ઉછાળ્યો શત્રુઓ તરફ બરફાળ જમીન પર લગભગ છ સેક્ધડ બાદ ગ્રેનેડ ફૂટ્યો. એક ધડાકા સાથે સાત પાકિસ્તાનીના નામ આગળ મરહૂમનું વિશેષણ લાગી ગયું. બન્ને તરફથી ધાણીની જેમ ધડાધડ ગોળીઓ છૂટી રહી હતી. આમાં આપણા સાત જવાન શહીદ થઈ ગયા. સતવીરસિંહનેય ઘણી ગોળીઓ વાગી. આમાંથી એક પગમાં લાગીને નીકળી ગઈ, તો બીજી પગમાં વાગીને એડીમાં ઘૂસી ગઈ.

બેફામ લોહી વહી રહ્યું હતું. સતવીરસિંહજી ઢળી પડ્યા. સત્તર સત્તર કલાક પહાડ પર ઘાયલ અવસ્થામાં રહેવું પડ્યું. એમને લેવા માટે આપણા હેલિકૉપ્ટર આવ્યાં, પણ પાકિસ્તાનના સતત ગોળીબારને લીધે ઉતરાણ ન કરી શક્યાં. અંતે જવાનો જ તેમને લઈ ગયા. ઍરબેઝમાં સારવારથી કામ ચાલે એમ નહોતું, એટલે શ્રીનગર લઈ ગયા. નવ દિવસ બાદ ત્યાંથી ખસેડીને દિલ્હી મોકલી દેવાયા.

જોકે લાન્સનાયક સતવીરસિંહ અને સાથીઓના પ્રયાસ થકી તોલોલિંગમાં ફતેહ મળી અને કારગિલમાં ભારતના વિજયનો માર્ગ મોકળો થયો. પોતાની ગંભીર ઈજા છતાં સતવીરસિંહજીને બેહદ ખુશી હતી કે ભારતે આખરે કારગિલમાં જીત મેળવી જ. આ યુદ્ધનો આંચકો શમ્યા બાદ કારગિલના શહીદો અને ઘાયલોના પરિવારોને પેટ્રોલ પંપ અને જમીન ફાળવવાની જાહેરાત કરી હતી.

સતવીરસિંહના પગમાંથી એક ગોળી તો નીકળી ગઈ, પણ બીજીને કાઢવાનું શક્ય નહોતું. એક વર્ષથી વધુ સમય તેમની સારવાર દિલ્હીની લશ્કરી હૉસ્પિટલમાં ચાલતી રહી. તેઓ બહાર આવ્યા ત્યારે પેટ્રોલ પંપ વિતરણની પ્રક્રિયા પૂરી થઈ ચૂકી હતી એટલે પેટ્રોલ પંપ તો ગયો! આ તે વળી કેવી પદ્ધતિ? પછી જીવનનિર્વાહ માટે પાંચ વીઘા જમીન અપાઈ. આના પર તેમણે ફળનો બાગ બનાવ્યો, પરંતુ ત્રણ વર્ષ બાદ આ જમીન પણ આંચકી લેવાઈ.

બે દીકરાએ પૈસાના અભાવે ભણતર છોડવાનો વારો આવ્યો. સતવીરસિંહને મહિને ૨૨ હજારનું પેન્શન મળતું હતું પણ એનો મોટોભાગ એમની સારવારમાં ખર્ચાઈ જતો હતો. એક તો દિલ્હી જેવા શહેરની મોંઘવારી અને એમાં પાછી એમને હાયપર ટેન્શનની તકલીફ. હવે ઘર પાસે ઊભી રખાતી જ્યૂસની લારીથી માંડ માંડ ગુજારો થાય છે. પોતાની વેદનાને વાચા આપતા તેઓ કહે છે, "પૂરા તેર વર્ષ અને એક મહિનો લશ્કરમાં સેવા આપી. પછી મેડિકલ કારણસર મને અનફિટ ઘોષિત કરાયો. હૉસ્પિટલમાંથી બહાર આવ્યા બાદ એક નેતાએ ઓફર કરી કે પેટ્રોલ પંપ મારા નામે કરી દો. મે ઈનકાર કરતા જમીન સુધ્ધાં આંચકી લેવાઈ.

ઓગણીસ વર્ષ વીતી જવા છતાં આજે શત્રુની એક ગોળીએ પગમાં કાયમી ઘર કરી લીધું છે. આને પ્રતાપે સરળતાથી ચાલી શકાતું નથી. કાંખઘોડીની જરૂર પડે છે. કારગિલ યુદ્ધમાં જીતી ગયેલા અને મરીનેય જીવી ગયેલા આ યોદ્ધા સિસ્ટમ સામે હારી ગયા.

છેલ્લાં ઓગણીસ વર્ષથી ન્યાય મેળવવા માટેના પોતાના હક માટેના પેટ્રોલ પંપ અને જમીન મેળવવાની અરજની ફાઈલ રાષ્ટ્રપતિ, વડા પ્રધાન અને વિવિધ મંત્રાલયોમાં ધૂળ ખાઈ રહી છે. સરકારો આવી અને ગઈ. શું કૉંગ્રેસની કે શું ભાજપની, આ દેશભક્ત સૈનિકની સ્થિતિમાં લેશમાત્ર ફરક પડ્યો નથી. દર વર્ષે કારગિલ વિજય દિવસ ઉજવીએ છીએ, પણ આ કારગિલના હીરોના જીવનમાં ક્યારેય સાચો વિજય દિવસ આવશે? કંઈક એવી વ્યવસ્થા ગોઠવાવી જોઈએ કે આ ૧૩૫ કરોડની વસતિ એક-એક રૂપિયોય જમા કરાવીને ભ્રષ્ટ, નિંભર અને આળસુ અમલદારશાહીના મોઢા પર સણસણતો તમાચો મારી શકે.

લાન્સનાયક સતવીરસિંહની અંતહીન યાતનાથી માથું શરમથી ઝૂકી જાય છે. આપણે કંઈ જ ન કરી શકીએ?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvmDjfkv9kFKZsYqzspKoQi%2B3hnD8vEu3T7%2Bro7BdCO1g%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment