Monday, 30 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ કર્મચારીની બરખાસ્તગીનો નિર્ણય (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



કર્મચારીની બરખાસ્તગીનો નિર્ણય!
મેનેજમેન્ટઃ ડો. એ. સી. બ્રહ્મભટ્ટ

 

કોઈપણ ઔધોગિક એકમ, શૈક્ષણિક કે સામાજિક સંસ્થાના પ્રાધિકારીઓ માટે સૌથી વધુ અરુચિકર, અપ્રિય અને કપરો નિર્ણય હોય છે, કોઈ નક્કર કારણસર, કોઈ કર્મચારીને બરતરફ કરવાનો; તેમાંય વળી એવા કર્મચારી જેની સાથે વર્ષો સુધી કામ કર્યું હોય, જેના પ્રત્યે તમને અત્યંત આદર હોય, તેની બરખાસ્તગીનો નિર્ણય લેવાનું તમારે શિરે આવે ત્યારે એ કામ તમારે માટે અત્યંત પડકારરૂપ બનતું હોય છે. વળી એ સર્વને સુવિદિત હોય કે જે તે કર્મચારીની આવી બરખાસ્તગી તેના માટે કેટલી આઘાતજનક અને દુઃખદ બનવાની છે; તેના પરિવારજનો ઉપર તેની માઠી અસર પડવાની છે, તેનું જીવવું કેટલું દુષ્કર બની જવાનું છે. આવો નિર્ણય લેતાં તમારા મન અને મસ્તિષ્કમાં સહાનુભૂતિ, સમાનુભૂતિ, વ્યગ્રતાની લાગણીઓ ઉઠવાની વાસ્તવિક્તાથી તમે પૂરતા સભાન હો; તેની બરતરફીનું કારણ અત્યંત ન્યાયસંગત, તર્કસંગત અને અતિ અનિવાર્ય હોવા છતાં, આવો નિર્ણય લેતાં તમારા મનમાં અપરાધભાવ જેવું જરૂર કંઈક અનુભવશો. તેને આ નિર્ણય અંગે સ્પષ્ટ અને નિઃધક્ક પ્રમાણે જણાવી દેવું અને સાથે સાથે તમારી તેના પ્રત્યેની સંવેદનાઓને નિયંત્રિત કરી રાખવી આ બંને વચ્ચે સંતુલન જાળવી રાખવું તમારે માટે ઘણું અઘરું બની રહે છે.

 

અને છતાંય એવા કોઈ નક્કર કારણને લઈને તમારે કંપનીના શ્રેષ્ઠ હિતમાં આવો નિર્ણય લેવાની સ્થિતિ સર્જાય; આવાં શક્ય કારણ જેવાં કે જે તે કર્મચારીનું લાંબાગાળા દરમિયાનનું અત્યંત નબળું કાર્ય સંપાદન, તેની કોઈ ગંભીર ક્ષતિથી કંપનીને થયેલું પારાવાર નુકસાન, તેને જે તે હોદ પર ચાલુ રાખવું કંપની માટે અત્યંત ખર્ચાળ કે જોખમી હોય કે પછી કંપનીનો કોઈ એકાદ વિભાગ અચાનક બંધ કરી દેવાયો હોય કે કંપની સાથેનો કોઈ પ્રકલ્પસંબંધી રાજ્ય સરકાર સાથેનો કોઈ કરાર, તેની મુદત પહેલાં જ કોઈ કારણસર રદ થયો હોય અને જે તે કર્મચારી કે કર્મચારીઓની નિમણૂક તે પ્રકલ્પ માટે જ થઈ હોય ઈત્યાદિ હોઈ શકે.

 

પરંતુ આવી પરિસ્થિતિમાં પણ પૂરતી કાબેલિયત અને વિવેકબુદ્ધિથી કેવી રીતે કામ પાર પાડવું; તેના વિશે ઉદ્યોગ-વેપારના સંચાલનક્ષેત્રે પીઢ-અનુભવી વ્યક્તિઓનાં સૂચનો અને આ સંબંધી હાથ ધરાયેલ કેટલાક અભ્યાસોના તારણોને આધારે; કેટલુંક માર્ગદર્શન પ્રાપ્ત થાય છે.

 

સૌ પ્રથમ તો જે તે કર્મચારીને વ્યક્તિગત મળી, અત્યંત વિનમ્રતાથી અને પ્રમાણિકપણે જણાવવુંં જોઈએ કે, "મારે તમને એક દુઃખદ સમાચાર આજે આપવાના છે; મારે દુઃખ સાથે કહેવું પડે છે કે, કદાચ આ કંપની સાથેનો તમારો આ છેલ્લો દિવસ હશે," ત્યારબાદ તેણે કંપનીને આપેલા પ્રદાન અને યોગદાનની કદર કરી. બહુ સંક્ષિપ્તમાં પણ, સુસ્પષ્ટ રીતે કારણ જણાવી, કહેવું જોઈએ કે કંપનીના ઉચ્ચ સ્તરીય સંચાલને આવો નિર્ણય લીધો છે; જો તે કર્મચારી કોઈ કરારબદ્ધ એવા પ્રકલ્પનો ભાગ હોય તો, એ કરાર હવે અદ્યવચ્ચે જ તૂટી ગયો છે, અને એટલે તેમાં કામ કરતા કર્મચારીઓને હવે ચાલુ રખાય એમ નથી- એ બાબત જણાવવી જોઈએ.- તમે આ નિર્ણય તેને કઈ રીતે પ્રત્યાપિત કરો છો, તેની ઉપર કંપનીના તમામ કર્મચારીઓની સતત નજર હોય છે; તમે આ દુઃખદ અનિવાર્યતામાં કઈ રીતે વર્તો છો, તેની સમગ્ર કંપનીમાં નોંધ લેવાય છે.- આવો નિર્ણય જણાવતાની સાથે જ જે તે કર્મચારી સ્વાભાવિક પ્રત્યાઘાતો આપે જ – તે રડવા માંડે, ભાંગી પડે, પ્રશ્નો કરે, ઉગ્ર પણ થાય- આ સઘળા પ્રત્યાઘાતોને તમારે મૌન રહી, ચર્ચામાં ઉતર્યા સિવાય સહન કરવા પડશે.

 

 પરંતુ તેના ઉપર આવી પડેલ આ આફતને તમે અનેક રીતે હળવી બનાવી શકો છો- ત્યાં ને ત્યાં તેના હાથમાં તમે કંપનીના ધારાધોરણ મુજબનો બરતરફી પેકેજનો ચેક, બધી ચડેલી રજાઓ સામેનાં વળતરને દર્શાવતો અન્ય એક ચેક, હવે થોડા સમય દરમિયાનની બેરોજગારી કેવા વીમાની, કેવી રીતે અરજી કરવી તેનું ફોર્મ અને તેની વિગત, અન્ય કઈ કંપનીઓમાં તે જોડાઈ શકે તેની પૂરતી વિગતો, તમારો ભલામણ પત્ર અને તમારા તમામ સંપર્કોનો તે કેવી રીતે ઉપયોગ કરી શકે તેની સઘળી વિગતો, ઈત્યાદિ તેને સુપ્રત કરવાં જોઈએ.

 

'એરોજેટસ' નામની એક કંપનીને, અમેરિકાના સંરક્ષણ વિભાગે, એક દિવસે જણાવ્યું કે, અણધારી નાણાકીય કટોકટીને કારણે તેમની સાથેનો કરાર તોડી નાખવામાં આવે છે, જેના પરિણામે- સારી સારી નોકરીઓ છોડી, અહીં જોડાયેલા ૨૬ કર્મચારીઓને છૂટા કરવાની નોબત આવી. 'એરોજેટ્સ' કંપનીના HR મેનેજરે એ સૌ માટે ઉપરોક્ત જણાવ્યા મુજબના વળતર પેકેટો તૈયાર કર્યાં, અન્યત્ર ક્યાં જોડાઈ શકે તેની વિગતો ભલામણ પત્રો સાથે આપી, કંપનીના અન્ય સંપર્કો આપ્યા અને બોર્ડરૂમમાં સૌને બોલાવી પેલા સંરક્ષણ વિભાગનો પત્ર વાંચી સંભળાવી, કારણો સમજાવ્યાં અને તે સૌની કદર કરતાં કહ્યું કે, 'તમે ભલે છોડી રહ્યા, તમે બધા અમારા Ambarradors જ રહેશો, અમે પણ તમારા સતત સંપર્કમાં રહીશું.'

 

આવો દુઃખદ નિર્ણય જણાવવાનો દિવસ, સમય પણ વિચારપૂર્વક નક્કી કરવો જોઈએ; નિષ્ણાતોનું કહેવું છે કે, અઠવાડિયાના અંતિમ દિવસે, આ નિર્ણય પ્રત્યાપિત કરવો જોઈએ, જો તમે પ્રથમ દિવસે સોમવારે આ વાત કરો તો તેની અસર સમગ્ર માહોલ પર પડશે- આખું અઠવાડિયું અન્ય કર્મચારીઓ કાનફૂસી કરતા રહેશે. આવો નિર્ણય લીધા બાદ બીજે જ દિવસે, હાલના કર્મચારીઓની એક મિટિંગ બોલાવી, આગલા દિવસે લીધા નિર્ણયની દુઃખ સાથે જાણ કરો, છૂટા કરેલા કર્મચારીઓની પ્રમાણિક પણે કદર કરી આભારની લાગણી વ્યક્ત કરો અને હવે નવી ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી છૂટા કરાયેલ કર્મચારીઓના કાર્યભારને અંદરોઅંદર કેવી રીતે વહેંચી લેવો તેની ચર્ચા કરી છૂટા પાડો. આવી સદ્ભાવના પૂર્ણ મિટિંગ કરવાથી કર્મચારીઓની, પ્રાધિકારીઓ પ્રત્યેની નિષ્ઠામાં ઓટ નહીં આવે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsM2ZahdfU7seQk_yterBYWuzDxkKeRTB%2ByYg63s3hMWw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment