Monday, 30 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ પપ્પા બદલી કાઢ્યા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પપ્પા બદલી કાઢ્યા!
દિલની વાત -દિનેશ દેસાઈ

વેકેશન પૂરું થવામાં હતું ત્યાં જ સોનલને ટ્રાન્સફર લેટર મળ્યો. તેણે લેટર વાંચી લીધા પછી નાનકડા હર્ષ સામું જોયું અને આંખો ભીની થઈ ગઈ. વર્ગ-૩ શ્રેયાન કારકુનની નોકરીમાં બદલી એ કોઈ નવી વાત નહોતી. બદલીથી એ ક્યારેય નિરાશ પણ થઈ નહોતી. કોઈ શહેર કે નાનકડા નગરમાં તે ઠરીને ઠામ થાય ત્યાં જ ટ્રાન્સફર લેટર આવી જતો. અઢી-ત્રણ વર્ષ તો બહુ થઈ ગયા. એક વાર તો વરસમાં બે વાર તેની બદલી થવા પામી હતી. નાનકડા હર્ષ ઉપર જે વીતતી હતી એનાથી તે ચિંતિત રહેતી.

 

દરેક નવા શહેર કે નગરમાં જતાની સાથે જ સ્કૂલ એડમિશનના મામલાથી મુશ્કેલીની શરૂઆત થાય. નડિયાદની એક સ્કૂલમાં તો એડમિશનની સીધી ના જ પાડી દેવામાં આવી હતી અને વાત છેક પ્રિન્સિપાલ સુધી પહોંચી હતી.

 

બહેન, તમારી બધી વાત સાચી, પણ તમારે એડમિશન ફોર્મ તો યોગ્ય રીતે ભરવું પડે ને? તમારા દીકરાના બર્થ સર્ટિફિકેટમાં પિતાનું જે નામ છે અને છેલ્લા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં પિતાનું નામ છે, તે ડીફર થાય છે. ચાલો, તમારા ડાઈવોર્સ થયા છે એ વાત સમજ્યા પણ ચેન્જ ઑફ નેમની લીગલ પ્રોસિજર તમે કરાવી નથી અને પાછું સરકારી દબાણ લાવવાની વાત કરો છો? પ્રિન્સિપાલના શબ્દો રૂપાળી સોનલના શરીરે શૂળ બનીને ભોંકાયા હતા.

 

સોનલ બિચારી કરે તો કરે પણ શું? સ્કૂલોના ધક્કા અને પ્રિન્સિપાલ સાથેના સંવાદો. નવ-દસ વર્ષનો નિર્દોષ અને નાદાન હર્ષ વિસ્મયભરી આંખે બધું જોઈ રહેતો અને આશ્ર્ચર્યથી સાંભળ્યા કરતો. એક વાર તો હર્ષે મમ્મીને સુણાવી દીધું હતું કે મમ્મી, તેં પપ્પા કેમ બદલી કાઢ્યા? હવે આ નવા પપ્પા રહેવા દેજે. બદલી ના નાખતી, પાછી...

 

આ સાંભળીને ઘડીભર તો સોનલના હૈયે ધક્કો જ વાગ્યો હતો. દીકરાના માસૂમ સવાલનો શો જવાબ આપવો? છતાં તેણે હર્ષને સમજાવવાનો પ્રયાસ કરી જોયો: જો, બેટા. આપણે પપ્પાને બદલી કાઢ્યા નથી. એમણે જ આપણને બદલી કાઢ્યા છે. આપણાથી અલગ થઈ ગયા છે, આપણને છોડી દીધા છે. તું જ્યારે સાવ નાનો હતો ત્યારે તારા ચિરાગ ડેડીએ તને અને મને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. એમને આપણે બેઉ પસંદ નહોતા. તું મોટો થઈશ એટલે તને બધું જ સમજાશે. હવે નવા પપ્પા આપણે નહિ બદલીએ. ઈટ્સ માય પ્રોમિસ.

 

હર્ષ મમ્મીને એકીટશે જોઈ જ રહ્યો. સોનલની મેમરીલેનમાં મેરેજ ટાઈમ ફ્લેશ થવા લાગ્યો. સોનલનું રૂપ જોઈને તો ચિરાગે મેરેજ માટે પ્રપોઝ કર્યું હતું. તે એટલો તો દીવાનો થયો હતો કે જેમ બને તેમ જલદી મેરેજની તૈયારી કરવા પણ કહી દીધું હતું. સોનલના પપ્પાએ તો વેવાઈ પક્ષ પાસે ખુલાસો પણ કર્યો હતો કે આટલી જલદી તૈયારીઓ પોતે કરી શકશે નહિ. આ તરફ વેવાઈ પક્ષને ઉતાવળ જ એવી હતી કે મેરેજનો બધો ખર્ચો પણ ઊપાડી લીધો હતો. પાર્ટી પ્લોટના બુકિંગથી લઈને કેટરિંગ ઍન્ડ ડેકોરેશન વગેરે ખર્ચ ચિરાગ તરફથી કરવામાં આવ્યો હતો. સોનલના પપ્પાએ તો બસ કંકુ અને ક્ધયા યાને સાજન-માજન સાથે હાજરી જ આપી હતી.

 

લગ્ન લેવાઈ ગયા અને સોનલ ચિરાગને પરણીને સાસરે આવી હતી. હસમુખી અને કામગરા સ્વભાવની સોનલે સાસરે આવતાંની સાથે જ સાસરીમાં સૌનાં મન મોહી લીધાં હતાં. ઘરનું કામકાજ પણ સંભાળતી અને સમયસર નોકરીની જવાબદારીનું પણ વહન કરતી. સૌની સાથે હસતી બોલતી સોનલનો આ સ્વભાવ જ ચિરાગની તેના પ્રત્યેની ઈર્ષાનું કારણ બન્યો. પત્ની કોઈની પણ સાથે હસી-બોલીને વાત કરે તો એ પતિથી સહન થતું નહિ. પાડોશીઓ સાથે સ્મિત પણ કરી લે તો ચિરાગ પત્ની ઉપર ગુસ્સો કરતો. હવે તો નાની નાની વાતમાં ચિરાગ પત્ની ઉપર ચિડાતો રહેતો હતો. સોનલ પ્રત્યે તે વધુ પડતો પઝેસિવ થઈ ગયો હતો. ખુશમિજાજ રહેતી સોનલને તે સતત શંકાની નજરે જ જોવા લાગ્યો હતો.

 

સંબંધી હોય કે પાડોશી હોય, કોઈ પુરુષ સાથે જો સોનલ વાત કરતી હોય તો ચિરાગ સંભળાવી દેતો કે સોનું, તારે પેલાની સાથે હસી હસીને વાત કરવાની શી જરૂર હતી? એનો નેચર તને બહુ ગમી ગયો હોય તો...

 

સોનલ આવું બધું સાંભળીને અવાક્ બની જતી. એક વાર તો ચિરાગ રીતસર ઝઘડી જ પડ્યો હતો: હવે આજથી તારે નોકરી કરવાની નથી. તારી સેલરી આવશે તો જ ઘર ચાલશે, એવું પણ નથી. આજથી તારું ઘરની બહાર જવાનું પણ બંધ.

 

સોનલે પ્રતિકાર પણ કર્યો હતો: જો, ચિરાગ. તારી શંકા-કુશંકાઓ અને મહેણાં-ટોણાંઓનો મારી પાસે કોઈ જ જવાબ નથી. હવે હું તારાથી કંટાળી ગઈ છું. મેરેજ પહેલા તું મારા ઘરે આવ્યો ત્યારે જ તને અને તારાં મા-બાપને મેં સાફ કહ્યું હતું કે હું ગવર્મેન્ટ જોબ કરું છું અને એવા યુવાન સાથે જ મેરેજ કરવા માગું છું કે જે મને મેરેજ પછી પણ જોબ કરવા દેશે. સવાલ જોબનો કે સેલરીનો નથી. મેઈન પોઈન્ટ પગભર રહેવાનો અને જાત મહેનત કરવાનો છે. જે યુવાનને જોબવાળી ક્ધયા પસંદ ન હોય એવા યુવાન સાથે મેરેજ કરવાનો મારો કોઈ ઈરાદો જ નહોતો. ચિરાગ, આ બધી જ વાતો તને યાદ રહેવી જોઈએ અને કાન ખોલીને સાંભળી લે. હું પતિ તરીકે તને છોડી શકીશ પણ જોબ નહિ છોડું.

 

બસ, પછી તો શું થાય? ચિરાગ ચિડાયો હતો.

 

મેરેજ લાઈફનો એ કદાચ છેલ્લો ઝઘડો હતો. હર્ષ ચારેક વર્ષનો હતો. ચિરાગ વરસી જ પડ્યો હતો: તો પછી જોઈ શું રહી છે? તારી જીદ તને મુબારક. તને મારા કરતાં નોકરી વહાલી હોય તો ચાલી જા મારા ઘરમાંથી... - અને ચિરાગે મા-દીકરાને હાથ પકડીને ઘરમાંથી રીતસર કાઢી મૂક્યાં હતાં. એ અમાસી રાત પછી સોનલની જિંદગીમાં કદીય પુનમ આવી નથી.

 

હર્ષ સોનલને ઢંઢોળી રહ્યો: અરે, મમ્મી. શા વિચારોમાં ખોવાઈ ગઈ?

 

કંઈ નહિ, બેટા. બોલીને સોનલે દીકરાના બાપ તરીકે સર્ટિફિકેટમાંથી ચિરાગનું નામ હટાવી દેવાનો મક્કમ નિર્ધાર કરી લીધો. મેરેજ પહેલાની સરનેમ સરકારી નોકરીના દફતરે તો ચાલુ જ હતી, એ દીકરાને પણ આપવાનું ક્ધફર્મ કર્યું. હવેથી દીકરાને હર્ષ ચિરાગ મહેતાના બદલે હર્ષ સોનલ ભટ્ટ નામની નવી ઓળખ આપવી. સુપ્રીમ કોર્ટે પણ દીકરાના નામની પાછળ પિતાના નામના વિકલ્પે માનું નામ સ્વીકાર્યું જ છે. સ્કૂલમાં શરૂ શરૂમાં હર્ષનું નામ સાંભળવામાં લોકોને નવું નવું લાગવા માંડ્યું હતું પણ સમય જતા સૌ કોઈ આ નવા નામથી ટેવાઈ જ ગયા.

 

સોનલે હવે એકાકી અને સ્વમાનભેર જીવવાનું હતું. આ તરફ હર્ષ પણ હવે પંદર વર્ષનો થવા આવ્યો હતો. સોનલે પોતાની ઑફિસના જ એક ઑફિસર સાથે સંબંધ બાંધ્યો હતો. દીકરો પણ હવે સમજણો થઈ ચૂક્યો હતો. ક્યારેક દીકરો આશ્ર્ચર્યથી આ બધું જોતો રહે ત્યારે માએ તેને કહ્યું હતું: જો, બેટા. હું સમજી શકું છું કે તું શું વિચારે છે? પરંતુ એકલી રહેતી સ્ત્રીને સમાજ જીવવા જ દેતો નથી. કોઈ એક પુરુષ સાથે સંબંધ રાખવાનું કારણ એટલું જ કે રોજ ઊઠીને વેળા-કવેળાએ કોઈ પણ માણસ આવીને બારણે ટકોરા ના મારે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou37%2BHS4%2BNyDi%2BAbSA9zspioGFt3H4oNPVGQMEjuxHUEQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment