આરક્ષણ એટલે કે રિઝર્વેશનના પ્રશ્ર્ને આપણા દેશમાં વારનવાર ક્યાંક ને ક્યાંક પ્રકંપો પેદા થાય છે. ક્યારેક આ પ્રકંપો પ્રજામાંથી પેદા થયા હોય તો ક્યારેક આવા પ્રકંપો સ્વયં શાસકોએ પેદા કર્યા હોય છે. (પ્રજાકીય કહેવાતાં આવાં આંદોલનો પણ મોટા ભાગે શાસક કે શાસનવાંછુઓ પ્રેરિત જ હોય છે એ કહેવાની ભાગ્યે જ જરૂર છે.) ક્યારેક પાટનગર દિલ્હીમાં વિશ્ર્વનાથ પ્રતાપસિંહ નામનો માણસ પ્રધાનમંત્રી હોવા છતાં મંડલ કમિશનના નામે સાપનો ભારો છોડી દે છે. ક્યારેક ગુજરાત જેવા રાજ્યમાં માધવસિંહ સોલંકી, સનત મહેતા અને ઝીણાભાઈ દરજી જેવા બાહોશ, અભ્યાસુ અને સેવારત માણસો પણ ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસલમાન એમ ચારેયના નામની સાંકળ જોડતી ઊંઇંઅખ વિંયજ્ઞિુ વહેતી મૂકીને આંખ મીંચી દે છે. આટલું અધૂરું હોય એમ રાજસ્થાનના મીના કે ગુર્જરો અને ગુજરાતના પાટીદારો, જૈનો અને બ્રાહ્મણો સુધ્ધાં આ આરક્ષણની ભ્રામક ભુવનમોહિનીમાં અંજાઈ જાય છે. આરક્ષણનો આરંભ આપણા બંધારણના અમલની સાથે જ ૧૯૫૦માં થયો હતો. એનો હેતુ છેલ્લા થોડા સૈકાઓથી સામાજિક અવ્યવસ્થાને કારણે જેઓ નબળા પડ્યા હતા એમને એમના ખોવાયેલા અધિકારો પાછા મળે એ હતો. જે બળૂકાઓએ એમના આ અધિકારો છીનવી લીધા હતા એમની પાસેથી સમજાવટથી લઈને અથવા એને કાયદાના ઓઠા હેઠળ મૂકીને, જેઓ વંચિત હતા એમને આપવાનો હેતુ હતો. આરક્ષણ શબ્દનો અર્થ પણ સમજવા જેવો છે. સંસ્કૃત શબ્દકોશોમાં એકાક્ષરી 'આ'ના બે અર્થો આપેલા છે. આ એટલે થોડુંક અને આ એટલે સુધી. આજીવન, આમરણ ઈત્યાદિ શબ્દોમાં જીવન સુધી કે મરણ સુધી એવો અર્થ ઊપસે છે. આરક્ષણમાં આ બંને અર્થો તારવી શકાય એમ છે. જેઓ અરક્ષિતો છે એમને થોડુંક વધુ રક્ષણ મળે અથવા એમના રક્ષણ સુધીની વ્યવસ્થા ગોઠવાય એવો આનો અર્થ છે. આરક્ષણ શબ્દ જ સ્વયં પ્રકાશિત છે એ યાવદ્ચંદ્રૌ દિવાકરૌ હોઈ શકે નહિ. આરક્ષણને સરળતાથી સમજવા માટે આપણે પારિવારિક જીવનનું જ એક ઉદાહરણ લઈએ. આજે સરેરાશ ધોરણે એક માતા બે કે વધુમાં વધુ ત્રણ સંતાનોથી વધુ બાળકો ધરાવતી નથી. આગળની પેઢીમાં ચાર, પાંચ કે છ સંતાનો સહજ હતાં. ક્યારેક આ સંખ્યા આઠ-દશ સુધી પણ પહોંચતી. કોઈ વાર એવું બનતું કે આ પાંચ-સાત સંતાનો પૈકી એકાદ બાળક નબળું હોય. આ નબળાઈ શારીરિક પણ હોઈ શકે અને માનસિક પણ હોઈ શકે. બીજાં બાળકો જ્યારે પોતાના હિસ્સામાં આવેલાં ચોકલેટ કે ફળફળાદિને હાથવગાં કરી લે છે ત્યારે આ નબળું બાળક એમ કરી શકતું નથી. માતા આ નબળા બાળકની ખાસ સંભાળ લે છે. એના હિસ્સાના ખાદ્ય પદાર્થો એ જુદા તારવી લે છે. આનો અર્થ એવો નથી કે બળૂકાના મોંમાંથી એ આંચકી લે છે. માતાની વિશેષ સંભાળનો અર્થ એટલો જ થાય છે કે નબળાનો ભાગ કોઈ ઝૂંટવી ન જાય. આનું નામ આરક્ષણ છે. મહારાષ્ટ્રમાં હમણાં મરાઠા નામની જાતિએ પોતાને આરક્ષણ મળે એ મુદ્દા ઉપર શેરીમાં ઊતરીને સરકાર સામે સંઘર્ષ શરૂ કર્યો. મહારાષ્ટ્રમાં મરાઠાઓ આર્થિક કે સામાજિક કોઈ દૃષ્ટિએ પછાત ન ગણાય. મરાઠાઓ લડાયક જાતિ છે. શિવાજી પણ મરાઠા હતા અને શિવાજીના નેતૃત્વ હેઠળ આ મરાઠાઓએ દિલ્હી સુધી દોટ દીધી હતી. ગુજરાતમાં જે રીતે સુખી અને સમૃદ્ધ હોવા છતાં પાટીદારોએ આરક્ષણ માટે માગણી કરી એ જ રીતે આ મરાઠાઓની માગણીને સરખાવી શકાય. રાજસ્થાનના ગુર્જરો અને મીનાઓનું પણ આવું જ છે. આજ સુધી આપણે જેમને પછાત માનતા હતા એમને હલકું વરણ પણ કહેતા હતા. કોઈ કોમ પોતાને હલકા વરણ તરીકે વર્ગીકૃત કરવા માટે માગણી કરતી નહિ. એ અપમાનજનક ગણાતું. આજે આવા પછાત વર્ગમાં પોતાને ગણવા માટે એક હરીફાઈની જાણે શરૂઆત થઈ છે. બ્રાહ્મણ આપણી સામાજિક વ્યવસ્થામાં ટોચ ઉપર ગણાતો હતો. આજે આ શિખર સુધ્ધાં પોતાને ખીણમાં મૂકવા માટે જોરશોરથી માગણી કરે છે. આ વ્યતિક્રમ જોવા અને સમજવા જેવો છે. નબળા બાળક માટેની જનેતાની સંભાળની જેમ આરક્ષણની આ સામાજિક વ્યવસ્થાને બંધારણમાં સામેલ કરવાનો પ્રશ્ર્ન જ્યારે ઉપસ્થિત થયો ત્યારે આરક્ષણની આવી વ્યવસ્થા માત્ર દશ વરસ પૂરતી જ કરવાનો આગ્રહ સ્વયં ડૉક્ટર આંબેડકરે કર્યો હતો. આંબેડકર પોતે દલિત નેતા હતા અને બંધારણની ખરડા સમિતિના પ્રમુખ પણ હતા. નબળા વર્ગ માટે એને સબળો કરવા માટે થોડોક સમય એમને વિશેષ સવલત આપવામાં આવે એવી ગણતરી સાથે એમણે કહ્યું, "જેઓ નબળા છે એમને કાયમી આરક્ષણ આપીને કાયમ માટે નબળા નથી રાખવા. આરક્ષણ હાથલાકડી છે, બગલઘોડી નહિ. દુનિયાની કોઈ માતા પોતાના નબળા બાળકને કાયમ માટે એ નબળું જ રહે એવું ઈચ્છે નહિ. દવાદારૂથી માંડીને દોરાધાગા સુધીના બધા જ ઉપચારો એ અવશ્ય કરશે અને બાળકને બને એટલું તંદુરસ્તોની કક્ષામાં મૂકવા માટે પ્રયત્ન કરશે. આપણી વર્તમાન આરક્ષણ પદ્ધતિમાં આનાથી ઊલટું બન્યું છે. નબળાને સબળો બનાવવાની પ્રક્રિયાને બદલે સબળાને નબળો બનાવવાની એક આળવીતરી પદ્ધતિ અમલમાં મૂકવાની જાણે આપણે હોડ માંડી છે. આનું ખરું કારણ એ છે કે જે પરિચારિકા આ ઉપચાર કરી રહી છે એ માતા નથી. એ માત્ર પેટવડીયું રળવા માટે નોકરીએ વળગેલી મહિલા જ છે. એને નબળા કે સબળા એકેય બાળકની પડી નથી. એને તો માત્ર આની નબળાઈ કે પેલાની સબળાઈ એ બંનેમાંથી માત્ર લાભ મેળવવો છે. આ પરિચારિકા એ આપણા રાજકીય પક્ષો છે. આ પક્ષોને નર્યો સત્તાસ્થાને ટકી રહેવાનો જ રસ છે. પાટીદારો હોય કે મરાઠાઓ હોય, ગુર્જરો હોય કે મીનાઓ હોય, દલિતો હોય કે અન્ય પછાત કોમો હોય, આ સહુને વારાફરતી ખોળામાં લઈને આ પૂતનામાસી સ્તનપાન કરાવે છે પણ એનો ઉદ્દેશ એને દૂધ પાવાનો નહિ, વિષ પાવાનો જ હોય છે. આ વિષપાનમાંથી મુક્ત થવા માટે કોઈક બાળકનૈયાની જરૂર છે. પૂતનામાસીના સ્તનપાન માટે રઘવાયા થયેલા આ સહુને કોઈક તો સમજાવો કે આ દૂગ્ધપાન નથી પણ વિષપાન છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuNkoWd%2B-WMWEJ0U2oAsSWk8CtSVvErav4Pb5Kp-2eKsA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment