આ લેખમાળા શરૂ કરી તેના પ્રારંભના પ્રકરણમાં જ સાત પ્રકારના સ્વાસ્થ્ય સુખોની વાત કરવામાં આવી હતી. ત્યારે કલ્પના પણ ન હતી કે તેમાં સૌથી પહેલાં જે સામાજિક સ્વસ્થતા(સોશિયલ વેલનેસ) ની વાત કરવામાં આવી હતી તેનો આટલો જલદી ઉલ્લેખ કરવાની વેળા આવશે. તાજેતરમાં જ રીટા ભાદુરીના થયેલા આકસ્મિક અવસાને પરવીન બાબી અને સંજીવકુમારના અકાળે થયેલા અવસાનની યાદો પણ તાજી કરી દીધી. આ ત્રણેમાં જો કોઇ સામાન્ય બાબત હોય તો એ છે કે તેમના અપરિણીત એકાકી જીવન. અલબત્ત આ એક જ બાબત તેમના અકાળે અવસાન થવામાં કારણભૂત હશે તેવું કહેવાનો બિલકુલ આશય નથી, પરંતુ સામાજિક નિ:સ્વાર્થ અને પોતીકા સંબંધો તમારા જીવનને ક્વોલીટી(ગુણવત્તા) અને ક્વોન્ટીટી (આયુષ્ય)થી ભરી દે છે એવું આજનું વિજ્ઞાન પણ કહે છે. ભારતીય સંસ્કૃતિમાં તો અલબત્ત, લગ્ન કેવળ ભોગવિલાસ નહિ પણ એક સંસ્કાર ગણાય છે અને હવે વિદેશની ધરતી પર પણ એવા સર્વેક્ષણો અને સંશોધનો થઇ રહ્યા છે કે શું લગ્ન થકી માણસ વધુ તંદુરસ્ત અને સુખી થાય છે? તેમના સંશોધન પ્રમાણે કેટલાક તત્ત્વો જ્ેવા કે કારકિર્દી અને લગ્નની માણસના સ્વાસ્થ્ય અને આયુષ્ય પર અસર પડે જ છે. જેમ કે, હૃદયનું સ્વાસ્થ્ય અમેરિકાની ન્યૂયોર્ક યુનિવર્સિટીના લાગોન મેડિકલ સેન્ટરના સંશોધકોના જણાવ્યા મુજબ પરિણિત સ્ત્રીપુરુષોને હૃદય સંબંધી તકલીફો આવવાની શક્યતા,એકલવાયું જીવન જીવતાં સ્ત્રીપુરુષ કરતાં પાંચ ટકા ઓછી હોય છે. બીજા એક અભ્યાસ અનુસાર એકાકી જીવન જીવતાં અને સમાજથી વિખૂટા પડી ગયેલા લોકોમાં હૃદયસંબંધી બીમારી આવવાની શક્યતા ૨૯ ટકા જેટલી વધારે તો હૃદયરોગનો હુમલો થવાની શક્યતા ૩૨ ટકા જેટલી વધી જાય છે. શા માટે આમ થતું હશે તે બાબતે ડૉક્ટરો કોઇ ચોક્કસ તારણ પર આવ્યા નથી પરંતુ તેમનું માનવું છે કે લગ્ન વ્યક્તિને લાગણીસભર સપોર્ટ સિસ્ટમ પૂરી પાડે છે. વળી શારીરિક અને બૌદ્ધિક નિકટતા અને કુટુંબ સાથેનું ઊંડાણપૂર્વકનું સામાજિક બંધન બ્લડપ્રેશરને નીચું રાખવામાં કારણભૂત બને છે જેથી હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે. જોકે, આને માટે સારુ લગ્નજીવન અનિવાર્ય છે. અમેરિકાની જ મિશિગન યુનિવર્સિટીના એક અભ્યાસ પ્રમાણે અગર લગ્નજીવન ખરાબે ચડ્યુ હોય તો હૃદયસંબંધી તકલીફો વધી પણ શકે છે. માનસિક સ્વાસ્થ્ય તમારી પત્ની તમને પાગલ કરી મૂકવાની ક્ષમતા ધરાવી શકે, પણ બીજી બાજુ વિખૂટાં પડવું અને એકલતામાં રાચવું પણ તમને પાગલ કરી શકે છે એવામાં તમે કેવો રસ્તો અપનાવશો? વેકફોરેસ્ટ યુનિવર્સિટીના સોશિયોલોજીના પ્રોફેસર રોબિન સિમોન અનુસાર, સેંકડો કિસ્સાઓના અભ્યાસથી એક વાત તો નક્કી થાય છે કે લગ્ન અને માનસિક સ્વાસ્થ્ય સાથે ઘનિષ્ટ સંબંધ છે જ. અપરિણીત કરતાં પરિણીત સ્ત્રી પુરુષોમાં હતાશા(ડિપ્રેશન)નું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આનું કારણ એ છે કે લગ્ન માનવીને સંશાધનો, નાણાકીય અને લાગણીની દૃષ્ટિએ ઉત્તમ સામાજિક સહકાર પૂરો પાડે છે. એકાકી જીવન જીવતાં સ્ત્રીપુરુષોના મગજમાં કોઇ વિચારોના પૂર ઉમટે તો તેઓ કોઇ વ્યક્તિ આગળ વાણી દ્વારા વ્યક્ત કરી શકતાં નથી. જેમ મળમૂત્ર દ્વારે દબાણ આવે ત્યારે તેનાથી છુટકારો મેળવી રાહત થવી જરૂરી છે એમ મનમાં ચાલતા વિચારોનો ઊભરો સામેવાળા પાત્ર આગળ ઠાલવીને રાહત મેળવવાનું આ લોકોના ભાગ્યમાં હોતું નથી. સામેવાળાના વિચારો કે અનુભવનો લાભ મળતો નથી. મનની મૂંઝવણ મનમાં જ રહી જતાં અનેક પ્રકારની માનસિક ઉપરાંત શારીરિક વ્યાધિ થવાની શક્યતાઓ વધી જાય છે. મેદસ્વિતા આ એક મુદ્દો એવો છે જે થોડો અપરિણતોની તરફેણમાં જાય છે. અપરિણીતો કરતાં પરિણીતોમાં મેદસ્વી થવાની શક્યતા પચીસ ટકા જેટલી વધી જાય છે. એક તો વિજાતીય પાત્ર સાથે સંસારમાં ઠરીઠામ થયા પછી પોતાના દેહસૌષ્ઠવ બાબતે સ્ત્રી પુરુષ બેઉ બેદરકાર બની જાય છે, જ્યારે એકલાં સ્ત્રી પુરુષો વિજાતીય પાત્રોને આકર્ષવાના પ્રયાસરૂપે શરીરનો આકાર (શેપ) જાળવી રાખવાની બાબતમાં વધુ સજાગ હોય છે. બીજા એક અભ્યાસ અનુસાર પરણ્યા પછી વ્યક્તિની નિયમિત કસરત કરવાની આદત છૂટતી જાય છે. અલબત્ત મેદ્સ્વિતા અંગે જાગૃત કપલ્સ એકબીજાના વજન અંગે ધ્યાન રાખે તો પરણ્યા પછી પણ તેઓ વજનને અંકુશમાં રાખી શકે છે. આયુષ્ય એક સંશોધન અનુસાર લગ્ન કરવા એ લાંબું જીવન જીવવા માટેનો ઉત્તમ રસ્તો છે. જીવનસાથી અને સંતાનો સાથેનું ભર્યુંભાદર્યું કુટુંબ તમને જીવવા માટેનો ઉદ્દેશ પૂરો પાડે છે. છોકરાંઓને જન્મ આપવો તેમને નજર સામે ઉછરતાં જોવાં, તેમને ભણાવી ગણાવીને મોટા કરવા- આ બધી ઇચ્છાઓ લાંબું જીવન જીવવા માટેની પ્રેરણા પૂરી પાડે છે. એટલું જ નહીં સ્વક્ેન્દ્રિત જીવન જીવતા એકલવાયા સ્ત્રીપુરુષોમાં,બીજા માટે જીવી જાણનારા પરિણીત સ્ત્રીપુરુષો કરતાં આત્મહત્યાનું પ્રમાણ પણ ઘણું વધારે હોય છે. પરિણીત વ્યક્તિનું ડૉક્ટર પાસે જવું, ચેક અપ કરાવવું, આલ્કોહોલ કે ધૂમ્રપાન બાબતે મર્યાદા રાખવી,દવા લેવી આ બાબતો નિયમિતપણે થતી રહેતી હોય છે કારણ કે, જીવનસાથીનું સતત નિરીક્ષણ અને ટકોર તેમને સતર્ક રાખે છે. એક અભ્યાસ એમ પણ દર્શાવે છે કે ઓપરેશન (શસ્ત્રક્રિયા) બાદ અપરિણીત સ્ત્રીપુરુષો કરતાં પરિણીત સ્ત્રીપુરુષો ઝડપથી સાજાં થાય છે. કારણ કે ઑપરેશન બાદ તેમની નિ:સ્વાર્થ સંભાળ રાખનારું કોઇક તેમની સતત નજીક હોય છે. જોકે, ઉપરોકત વાતોથી કોઇ પણ કારણસર લગ્ન ન કરી શકનાર લોકોએ સાવ નિરાશ થવાની જરૂર નથી. તેમણે પોતાના નહીં તો પોતાના ભાઇબહેનના બાળકોના ઉછેર, વિકાસ અને આનંદમાં સહભાગી થવાના ઉત્તમ પ્રયાસો કરવા જોઇએ. એ શક્ય ન હોય તો કોઇ અનાથાશ્રમમાં જઇ એક બાળક કે બાળકીને દત્તક લઇ તેના ઉછેરમાં ઓતપ્રોત થવું જોઇએ કે પછી સમાજ સેવાના કાર્યો કરવામાં વિશેષ રુચિ રાખવી જોઇએ. સારા મિત્રો સાથે સંબંધો જાળવી રાખવા જોઇએ. પોતાની સમસ્યા કે દુખોને અન્ય સાથે વહેંચીને હળવા થવાનો પ્રયત્ન કરવો જોઇએ. દિવસે તો ઠીક, પણ જેમ જેમ ઉંમરની અસર વર્તાતી જાય એમ રાત્રે ફ્લેટમાં એકલાં સૂઇ રહેવાનું ટાળવું જોઇએ. રૂમમાં કોઇની સાથે વાતચીત કરી શકાય એવો જોડીદાર હોવો જરૂરી છે. આ ઉપરાંત તબિયતની બાબતમાં સ્વયં શિસ્ત જાળવવી, શરીરની દાક્તરી તપાસ અને દવા લેવાની બાબતમાં નિયમિતતા તેમ જ સકારાત્મક વિચારો ધરાવનાર અપરિણીત કે એકાકી વ્યક્તિ પણ આયુષ્યમય અને ગુણવત્તાયુક્ત જીવન જીવી શકે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou-xRwV-OtfW9mxLET4zras3x8C4Hm%3DVzEQ7s3oWu1eBA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment