Thursday, 26 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મળમાં લોહી (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મળમાં લોહી પડે એટલે ફક્ત હરસ જ હશે એમ ધારવું નહીં!
જિગીષા જૈન

 

 

મળમાં લોહી પડે ત્યારે મોટા ભાગે લોકોને લાગે છે કે આ હરસનું લક્ષણ છે. ૧૦માંથી ૯ લોકોને જ્યારે આ લક્ષણ હોય ત્યારે હરસ જ નીકળે છે, પરંતુ એક વ્યક્તિને આંતરડાનું કૅન્સર નીકળે છે. હવે જો આ વ્યક્તિ આ લક્ષણને હરસ માનીને પોતાની ઘરગથ્થુ દવા લીધા કરે અને લક્ષણ અવગણે તો કૅન્સર વધી જાય છે. હાલમાં મુંબઈની એક વ્યક્તિ જોડે આવું જ થયું. જાણીએ આ કેસ વિશે અને સમજીએ કે મળમાં લોહી પડવાનું લક્ષણ અવગણવા જેવું નથી.

 

મુંબઈના અબદુલ્લા સમશેર નામના ૬૫ વર્ષના એક ભાઈને મળ કાળા રંગનો હોવાની ક્યારેક ફરિયાદ જોવા મળી. પહેલાં તો તેમને લાગ્યું કે ખાવા-પીવામાં કંઈ આવી ગયું હશે, પરંતુ પછી તેમના ઘરના લોકોએ ધ્યાન દોર્યું કે તમને પાઇલ્સ એટલે કે હરસની સમસ્યા હોઈ શકે છે. એટલે થોડો સમય તેમણે પોતાને જે ખબર હતી એવી દવાઓ સાથે ઇલાજ ચાલુ કર્યો. આ સિવાય કેટલીક ઘરગથ્થુ દવાઓ કરી અને એક વૈદ પાસે પણ ગયા. આવી બધી દવાઓ ચાલતી હતી, જેમાં ક્યારેક વચ્ચે-વચ્ચે મળ કાળો દેખાય એટલું જ. બાકી કોઈ પ્રકારની બીજી તકલીફ તેમને હતી નહીં એટલે તેમને આ હરસની તકલીફ પણ એવી લાગી નહીં કે ખાસ કંઈ પ્રૉબ્લેમ હોય અને માણસ ડૉક્ટર પાસે દોડી જાય. એક દિવસ તેમનાં મમ્મીને કોઈ ડૉક્ટર પાસે બતાવવા લઈ જવાનું થયું અને ત્યાં સમશેરભાઈએ પોતાની આ હરસની તકલીફની વાત આ ડૉક્ટરને કરી. ડૉક્ટરે તેમને જરૂરી ટેસ્ટ કરાવવા કહ્યું અને ટેસ્ટમાં ખબર પડી કે તેમને કોલોરેક્ટલ કૅન્સર છે. ઘણા લોકો એને લાર્જ બાઉલ કૅન્સર પણ કહે છે. એ ખાસ કરીને મોટા આંતરડાનું કૅન્સર છે. જ્યારે ખબર પડી કે તેમને કૅન્સર છે ત્યારે બીજી ટેસ્ટ થઈ અને એમાં બહાર આવ્યું કે તેમને ત્રીજા સ્ટેજનું કૅન્સર છે. જોકે નસીબ એટલું સારું હતું કે તેમનું ઑપરેશન થઈ શકે એમ હતું. તેમનું ત્રણ કલાક લાંબું ઑપરેશન થયું અને કૅન્સરની ગાંઠ કાઢવામાં આવી. મોટા ભાગે જ્યારે આ સ્ટેજ પર કૅન્સર ફેલાય ત્યારે એ ઑપરેટ કરવું શક્ય બનતું નથી, પરંતુ આ કેસમાં શક્ય બન્યું અને હાલમાં તેમની કીમોથેરપી ચાલુ થઈ ગઈ છે જે તેમની હાલત મુજબ ઘણી લાંબી પણ ચાલી શકે છે. જોકે આ કેસ પરથી મહત્વની જે બાબત આપણે સમજી શકીએ છીએ એ છે કે જે ચિહ્નોને આપણે સામાન્ય સમજીએ છીએ એ એવું બને પણ ખરું કે સામાન્ય ન પણ હોય.

 

લક્ષણમાં સમાનતા

પાઇલ્સ કે હરસ એક અત્યંત સામાન્ય રોગ છે જેમાં મળમાં લોહી પડવાની સમસ્યા રહે છે. જે વ્યક્તિને પાચન સંબંધિત સમસ્યા હોય તેને પાઇલ્સ થતા હોય છે જેનો ઇલાજ પણ હંમેશાં લાંબો ચાલે છે. એટલે કે આ કોઈ એવી પરિસ્થિતિ નથી જે સરળતાથી મટી જાય. વળી ઇલાજ પછી પણ ધ્યાન ન રાખો તો એ પાછા આવી શકે છે. સામાન્ય રીતે હરસનું એક જ મહત્વનું લક્ષણ હોય છે અને આ રોગ ખૂબ જ સામાન્ય રોગ છે જેના આ લક્ષણ વિશે મોટા ભાગના લોકો જાણતા હોય છે જેને લીધે કોઈ પણ વ્યક્તિને મળમાં લોહી પડે એટલે લોકો એમ જ સમજે છે કે તેને પાઇલ્સ જ થયા છે. એ વિશે વાત કરતાં અબદુલ્લા સમશેરની સર્જરી કરનારા ગોરેગામની SRV હૉસ્પિટલના કન્સલ્ટન્ટ જનરલ અને લેપ્રોસ્કોપી સજ્યર્‍ન ડૉ. પ્રદીપ શ્રીયાન કહે છે, '૧૦ વ્યક્તિને જો મળમાંથી લોહી પડતું હોય તો એમાંથી ૯ જણને હરસ જ નીકળે છે. જોકે એમાંથી એક વ્યક્તિને હરસ નહીં, કૅન્સર નીકળતું હોય છે. આ સંજોગોમાં એ ગફલતમાં રહેવું કે મળમાં લોહી ફક્ત હરસને કારણે જ જાય છે એ જોખમી સાબિત થઈ શકે છે. લક્ષણ એક જ સરખું છે, પરંતુ રોગ અને એની ગંભીરતાઓ જુદી-જુદી છે.'

 

મોડું થઈ જાય ત્યારે મોટા ભાગે જ્યારે લોકોને ખબર પડે છે કે તેમના મળમાંથી લોહી પડે છે કે તેમના મળનો રંગ લગભગ કાળા જેવો છે ત્યાં સુધીમાં થોડુક મોડું થઈ ચૂક્યું હોય છે, કારણ કે જરૂરી નથી કે દરેક વ્યક્તિ એ ચેક કરતી હોય કે એના મળનો રંગ કેવો છે. વળી જ્યારે ખબર પડે અને વ્યક્તિ એવું ધારી લે કે તેને હરસ જ છે ત્યારે તે પોતાનો ઘરગથ્થુ ઉપચાર ચાલુ કરે છે અથવા તો મેડિકલ સ્ટોર પર જઈને ઓવર ધ કાઉન્ટર પિલ્સ લે છે. આ વિશે એક મહત્વની વાત જણાવતાં ડૉ. પ્રદીપ શ્રીયાન કહે છે, 'કૅન્સરમાં પણ એવું જરૂરી નથી કે મળમાં લોહી સતત પડે. વચ્ચે ક્યારેક બંધ પણ થઈ જાય. આવા સમયે દરદી જો હરસની દવા લેતો હોય તો તેને લાગે છે કે દવા કામ કરી રહી છે એટલે લોહી બંધ થઈ ગયું છે. આ ગફલતને કારણે સમય લંબાતો જાય અને કૅન્સર ફેલાતું જાય અને જેટલું એ ફેલાતું જાય એટલો એનો ઇલાજ કરવો અઘરો થઈ જાય. માટે આ પ્રકારની ગફલત ભારે પડે છે.'

 

સ્ટૂલ-ટેસ્ટ

આજકાલ રેગ્યુલર ચેકઅપ કરાવતા લોકોની સંખ્યા વધતી જાય છે, પરંતુ ક્યાં ટેસ્ટ કરાવવી જોઈએ અને ક્યાં નહીં એ બાબતે હજી પણ લોકો પૂરી રીતે માહિતગાર હોતા નથી. રેગ્યુલર ચેકઅપ પણ ડૉક્ટરની સલાહ અનુસાર જ કરાવવું જરૂરી છે. એમાં બેઝિક યુરિન અને સ્ટૂલ-ટેસ્ટનો સમાવેશ થાય છે. આ વિશે વાત કરતાં ડૉ. પ્રદીપ શ્રીયાન કહે છે, 'દર વર્ષે કે યુવાન વયે દર ત્રણ વર્ષે થતા રેગ્યુલર ચેકઅપમાં સ્ટૂલ-ટેસ્ટ ચોક્કસ કરાવવી. જો સ્ટૂલમાં લોહી પડતું હશે પરંતુ નરી આંખે એ લોહી દેખાતું ન હોય તો પણ એ ટેસ્ટની અંદર ખબર પડી જશે જેનાથી જલદી નિદાન કરવું શક્ય બનશે અને જો કૅન્સર હોય તો જલદી નિદાનને કારણે એનો ઇલાજ પણ ઘણો અસરકારક રીતે કરી શકાય છે.'

 

કોલોરેક્ટલ કૅન્સરનાં લક્ષણો

૧. ભૂખ ન લાગવી કે ઓછી થઈ જવી.

૨. વજન એકદમ જ ઘટી જવું.

૩. પેટમાં દુખાવો રહેવો.

 

આ પ્રકારનાં ચિહ્નો ત્યારે જોવા મળે છે જ્યારે કૅન્સર ખૂબ ફેલાઈ જાય છે જેને આપણે ત્રીજું-ચોથું સ્ટેજ કહીએ છીએ. ત્યાં સુધી કૅન્સર પહોંચી ગયા પછી મોટા ભાગે એનો ઇલાજ અઘરો બની જતો હોય છે. આ કૅન્સરનાં શરૂઆતનાં લક્ષણો બે જ છે અને એ છે:

૧. કબજિયાત કે ડાયેરિયા.

૨. મળમાં લોહી પડવું.

 

આ બન્ને લક્ષણો હરસમાં પણ જોવા મળે છે અને આ બન્ને લક્ષણો ખૂબ જ સામાન્ય છે, પરંતુ જો તમને આ લક્ષણો દેખાય તો તમારે હરસની દવાઓ જાતે ચાલુ ન કરી દેવી. એક વખત ડૉક્ટર જોડે વાત કરીને જરૂરી ટેસ્ટ કરાવી જ લેવી. જો આ લક્ષણો કૅન્સરનાં હશે તો શરૂઆતના સમયમાં જ એ પકડાઈ જવાથી એનો ઇલાજ સરળતાથી થઈ શકશે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuJ6socPFh-Wm4gaoVTuX4i%2BrmV-3Ahdrq-AC-J%2B3ELBw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment