વિશ્ર્વભરમાં મૃત્યુદંડને ગળે ટૂંપો દઈ દેવાની માગણી બુલંદ બની રહી છે. કોઈ જીવનનો સમય પૂર્વે અંત આણી દેવો એ અમાનવીય કૃત્ય ગણાય એવી માન્યતા જોર પકડી રહી છે. આવી સજા કરવાને બદલે ગુનેગારને એક તક આપવાનો અભિપ્રાય વધુને વધુ વજનદાર બની રહ્યો છે. આનું તદ્દન વિરોધાભાસી પગલું ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં બનવા જઈ રહ્યું છે. ૭૦ ટકા બૌદ્ધ ધર્મ અનુયાયી ધરાવતો આ ટાપુ દેશ ફાંસીની સજાનો અમલ કરવા એકદમ મક્કમ છે. પણ આના અમલ આડે એક વિઘ્ન આવે છે. જલ્લાદનું. હા, આખા શ્રીલંકા દેશમાં આજેય સમ ખાવા પૂરતો એકેય જલ્લાદ નથી, પરંતુ આ સમસ્યા ઉકેલવા માટે શ્રીલંકન સરકારે કમર કસી લીધી છે. આમ કરવા પાછળનું કારણ? શ્રીલંકામાં કૅફી દ્રવ્યોના ધંધાએ બહુ ઉપાડો લીધો છે. આ મોતના સોદાગરો માટે મૃત્યુદંડની જ સજા હોઈ શકે એમ શ્રીલંકન સરકાર માને છે. એમાંય માદક પદાર્થનો ધંધો કરવા બદલ ગુનેગાર ઠરેલા બે કેદીએ જેલમાં રહીનેય કારોબાર ચાલુ રાખ્યો એ વાત બહાર આવી. આ એટલી ગંભીર બાબત હતી કે ખુદ રાષ્ટ્ર પ્રમુખ મૈત્રીપાલ સિરિસેનાએ જાહેરાત કરી કે હું કદાચ આ બંને કેદીને ફાંસીની સજા આપવાની લીલી બત્તી બતાવી દઉં. આ સાથે જ આખું તંત્ર એકદમ હરકતમાં આવી ગયું. એક જેલ અધિકારીએ વિગતો જાહેર કરી કે ર૦૧૪ના માર્ચથી ખાલી પડેલા ફાંસીગરના બે હોદ્દા ભરવા માટે બહુ જલદી જાહેરખબર આપીને અરજીઓ મંગાવાશે. આ એટલા માટે જરૂરી બન્યું. કારણ કે શ્રીલંકામાં ડ્રગ ટ્રાફિકિંગ બદલ મૃત્યુદંડની સજાની જોગવાઈ છે, પણ ૧૯૭૪થી એનો અમલ થયો નથી. '૭૪ બાદની મૃત્યુદંડની બધી સજાને જન્મટીપમાં ફેરવી નખાઈ હતી, પણ હવે સમય કરવટ બદલવાનો લાગે છે. અને હવે ખુદ પ્રમુખે સમાજ, ભાવિ અને આરોગ્ય માટે મૃત્યુદંડની હિમાયત કરી છે, ત્યારે વહીવટીતંત્રે એના અમલની તૈયારી કરવી જ રહે. કૅફી દ્રવ્યોના વેપાર બદલ તકસીરવાર ઠરેલા ૧૮ ગુનેગારોને તાત્કાલિક ફાંસીને માંચડે લટકાવી શકાય એમ છે. આ ઉપરાંત અન્ય ગુના સબબ કુલ ૩૫૬ ગુનેગારને મૃત્યુદંડ ફરમાવાયેલા છે. કૅફી દ્રવ્યોનો વેપાર સૌથી વધુ ઘાતકી અને માનવતા વિહોણી પ્રવૃત્તિ છે. ફિલિપાઈન્સના ડ્રગ્સના ધીકતા ધંધા માટે ચાલતા જંગમાં હજારોનાં કમોત થયાં છે. એવો જ સિનારિયો બંગલાદેશમાં છે. શ્રીલંકાએ તો ર૦૧૫માં ડ્રગ પેડલર માટે ફાંસીની સજાના સંયુક્ત રાષ્ટ્રસંઘના ઠરાવની તરફેણમાં મતદાન સુધ્ધાં કર્યું હતું. એશિયામાં ડ્રગના ધંધા માટે અવરજવર કરવા શ્રીલંકાને અડ્ડો બનાવાયું છે. આને પગલે કોલંબોનું આકરું થવું સ્વાભાવિક છે. જોકે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે શ્રીલંકાને અપીલ કરી છે કે મૃત્યુદંડનો અમલ ન કરો. આ ક્રૂર સજાની બાબતમાં શ્રીલંકાના ઉજળા રેકોર્ડની દુહાઈ માનવતાવાદી જાગતિક સંગઠન આપે છે. અગાઉ નોકરીએ રખાયા બાદ ફાંસીની સજા આપવાનું કામ ન સોંપાતા હતાશ થઈને અઠવાડિયાઓ અંદર જ બે જલ્લાદ નોકરી છોડી ગયા હતા. આ અગાઉ ર૦૧૩માં બે જલ્લાદની નિમણૂક થઈ હતી પણ તેઓ ક્યારેય ફરજ પર હાજર જ ન થયા. હવે શ્રીલંકાએ મૃત્યુદંડની સજા પર મૂકેલો એકપક્ષી પ્રતિબંધનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. આથી નવા જલ્લાદને મહિને રૂપિયા ૩૫ હજારની ઓફર કરાશે. પ્રમુખ સિરિસેનાએ ડેથ વૉરન્ટ પર સહી કરવાની તત્પરતા વ્યક્ત કરવા સાથે સ્પષ્ટ કરી દીધું છે કે એથી કૅફી દ્રવ્યોનો ધંધો કરનારાઓને ફાંસી અપાઈ જશે. પ્રમુખે ફિલિપાઈન્સનો દાખલો આપતા કહ્યું કે ત્યાં ડ્રગ ટ્રાફિકિંગની સમસ્યાને લશ્કર સફળતાપૂર્વક ઉકેલી રહી છે અને અમનેય તેમનું અનુકરણ કરવું ગમશે. અગાઉ વિવિધ અપરાધ બદલ ૯૦૦ માણસોને અદાલતે મૃત્યુદંડ ફરમાવ્યા હતા, પણ તેમણે આ ચુકાદાના અમલ સામે દયાની અરજી કરી હતી. પ્રવર્તમાન માહોલ જોતા શ્રીલંકામાં ફાંસીના ગાળિયાને લાંબો સમય અમસ્તુ અમસ્તુ હવામાં લટકી રહેવાનો સમય પૂરો થવામાં છે. એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે ર૦૧૮માં જાહેર કરેલા આંકડા મુજબ ર૦૧૭માં ર૩ દેશમાં ૯૯૩ ગુનેગારને ફાંસી અપાઈ હતી. આમાં સૌથી વધુ મૃત્યુદંડનો અમલ ચીન, ઈરાન, સાઉદી અરેબિયા, ઈરાક અને પાકિસ્તાનમાં થયો હતો. સવાલ માત્ર એ જ છે કે અબજો રૂપિયાનો ટર્ન ઓવર ધરાવતો કૅફી દ્રવ્યોનો ધંધો ફાંસીની સજાની બીકે બંધ થશે? સાથોસાથ નિર્ભયા બળાત્કાર જેવા અપરાધમાં તો ફાંસીય ઓછી સજા લાગે તો કરવું શું? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvRgn0Jz8-iAyacxXsy7a%3Ds5kq3q24-4hgmVc7Qd9%3D7Uw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment