Saturday 28 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સોનાને ક્યાંથી લાગે કાટ (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સોનાને ક્યાંથી લાગે કાટ!
વાર્તાકાર: મુકેશ સોજીત્રા

 

 

સને ૧૯૮૫ની આ વાત છે.

 

                
"મારુતિ ૮૦૦ ટોપ મોડેલ કીમત અમદાવાદ શો રૂમ ૬૫૦૦૦ સરળ લોનની સુવિધા ઉપલબ્ધ.. ફક્ત રૂપિયા ૧૦૦૦૦ ભરો અને બાકીના સરળ હપ્તા. સરકારી નોકરિયાતોને વિશેષ ફાયદો આજે જ સંપર્ક કરો."


નવનીતભાઈ છાપાની અંદર આવેલ એક પતાકડું વાંચી રહ્યા હતા. એમના પત્ની રસીલાબેન શાક સમારતાં હતા. એની સામે જોઇને એ બોલ્યાં.


              
 "એ કહું છું  સાંભળો છો આ કાર લીધી હોય તો કેમ રહે..આમેય હવે કાર તો જોઈએ જ.શું કહેવાનું છે તમારું" નવનીતભાઈ એ હળવેકથી પ્રસ્તાવના મૂકી.


            
"એ કાર તો ભાગ્યમાં હશે તો આપણા છોકરા લેશે.. આપણે રહ્યા શિક્ષકો આપણને કાર ના પોસાય. દૂધ ના પૈસા પેટ્રોલ કે ડીઝલમાં  જાય. આપણે તમારું આ રાજદૂત છે ને એમાં જ સંતોષ રાખોને. બીજા શિક્ષકોને તો મોપેડ કે રાજદૂતનો પણ વેંત નથી. બિચારા સાઈકલ પર આવે ને જાય છે એના કરતા તમારું આ ભટભટીયું બરાબર છે.નકામાં શું ખોટા ખર્ચા કરવા" નવનીતભાઈને આવા જ જવાબની અપેક્ષા જ હતી. થોડી વાર પછી એ ધૂંધવાઈ ને બોલ્યા.


             
"એ તો મનેય ખબર જ હતી કે પહેલે ધડાકે તું ના જ પાડવાની છો. કોઈ દિવસ મેં કીધું ને તે પહેલે જ ધડાકે હા પાડી હોય એવું બન્યું નથી. તારી દરેક વસ્તુમાં મારે હા પાડવાની અને મારી દરેક વસ્તુમાં તારે ના જ પાડવાની હોય.. હું જયારે સંબધ જોવા આવ્યો ત્યારે પહેલે ધડાકે હા પાડી હતી. બાકી તે કોઈ દિવસ હા પાડી છે??? તે આજ પાડે?


         
"તે ઈ વખતે તમારે ના પાડી દેવી હતીને?? મેં ક્યાં બળજબરી કરી હતી! ત્યારે તો કેવું મીઠું મીઠું અને ચીપી ચીપીને બોલતા હતા કે રસુ તું કહે તો દિવસ અને તું કહે તો રાત.. મારા ઘરમાં તું કહેશે એ જ થશે! ભૂલી ગયા એ વાત" રસીલાએ પણ મીઠો છણકો કર્યો!


         
"ઈ વખતે બુદ્ધિ બહેર મારી ગઈ હતી, આમેય માણસ ક્યારેક તો ભૂલ કરેજ ને! જીવનમાં સુખ જ કાઈ સર્વોપરી થોડું છે?? એટલે તો માણસ લગ્ન કરે છે! હશે ભાગ્ય મારા બીજું શું??!" નવનીતલાલ નો મગજ ફાટીને ધુમાડે ગયો હતો.


         
"હવે બે છોકરાના બાપ બન્યા અને પ્રાથમિક શાળાના આચાર્ય છો હવે તો કંઇક લાજો! નાના નથી જાતિ જીંદગાનીએ આવી બળતરા કરો છો તે શરમ આવવી જોઈએ! આ તો ભાગ્યમાં હતી તે હું મળી બાકી આપણી શાળામાં પેલી દમું છે એવી ભટકાણી હોત ને તો ખબર પડત કે કેટલી વિસે સો થાય??? દમું એના ધણી શૈલેશ ને કેવી દબડાવે છે એ કયા નથી ખબર?? બિચારો શૈલેશ ને ઘરે રાંધવુય પડે છે અને પોતાના કપડા પોતે ધોવા પડે છે! એના જેવું તો નથી ને તમારે! હું દમુને ઘણુય સમજાવું કે અલી આવું નો કરાય તો કહે કે શૈલેશ ને ડબલ પગાર ખાવો હોય તો કરવુય પડે એને પોસાણ ના હોય તો મારી નોકરી મુકાવી દે હું ક્યાં એને ના પાડું છું! બાકી એની જેમ હુય પગાર લાવું છું. તો કામેય સરખે ભાગે કરવું પડે કે નહિ???! બોલો આવી મળી હોતને તો આ બધી હવા અને ચરબી ઉતરી જાત! રસીલા ના બાઉન્સર સામે નવનીતરાયે દાવ ડીકલેર કર્યો. અને ઘરની બહાર જતા રહ્યા.આજે રવિવાર હતો એટલે શાળાએ જવાનું તો હતું જ નહિ!


              
૧૯૮૫ ની આ વાત.. નવનીતરાય અને રસીલા બને પતિ પત્ની અને બને ને શિક્ષક્ની નોકરી હતી. નોકરીના પાંચ વરસ પુરા થઇ ગયેલા. પાંચ વરસના સફળ દામ્પત્યના ફળ સ્વરૂપ એક દીકરો અને દીકરીના મા બાપ બનેલા! દીકરો હજુ ચાર વરસનો હતો નામ હતું વિભાકર અને દીકરી બે વરસની નામ હતું સ્નેહા!


        
ભલે બને એક બીજા સાથે ગરમાગરમ ચર્ચા કરે. પણ  એકબીજાને અપાર ચાહતા હતા. બને ને એકબીજા વગર લગીરેય ના ચાલતું હતું.  બનેનો સબંધ જ્યારે બને પીટીસી કરતા હતા ત્યારથી જ થઇ ગયો હતો. અને બને ને એકસાથે જ એક જ શાળામાં નોકરી પણ મળી. બને ત્રીજું ચોથું ધોરણ ભણાવતા હતા. આમ તો નવનીતરાય આચાર્ય થયેલા એક વરસથી એટલે ખાલી એ ત્રીજા ધોરણના હાજરી પત્રકમાં એનું વર્ગશિક્ષક તરીકે નામ જ ચાલતું બાકી બને ધોરણ રસીલા જ ભણાવતી! કયારેક કોઈ કામ ના હોય અને સાવ નવરા ધૂપ હોય ત્યારે નવનીતભાઈ ભણાવવા જાય..બાળકોને જીથરાભાભાની વાર્તા કહે..એકાદ લોકગીત ગાય.. એકાદ લોક વાર્તા કહે અને બાળકોને મજો મજો પડી જાય! નાના એવા ગામમાં નોકરી. અને પોતે પૈસે ટકે સુખી એટલે રાજદૂત રાખે અને એમાં ભારત સરકારે નવી  સ્વદેશી કાર મારુતિ બનાવેલી અને એની છાપામાં જાહેરાત પણ આવતી.અને નવનીતભાઈ એ જાહેરાતનો એક એક અક્ષર વાંચતા અને મગજમાં ભૂત સવાર થઇ ગયું કે લેવી તો આ મારુતિ ૮૦૦ જ બીજી કોઈ કાર નહિ!


                
ઘરે બે ત્રણ દિવસ નવનીતભાઈ અને રસીલાબેન વચ્ચે શાબ્દિક વ્યંગબાણો છૂટ્યા. એક દિવસ શાળામાં નવનીતભાઈએ વાત કરી કે મારુતિ ૮૦૦ લેવાની ગણતરી છે.


              
 "જીવવું હોય તો જીપ ફરવું હોય તો ફિયાટ આરામ કરવો હોય તો એમ્બેસડર અને મરવું હોય તો મારુતિ લેવાય" શાળાના એક શિક્ષક ભાનુભાઈ એ  પોતાનો અભિપ્રાય આપ્યો. જોકે ભાનુભાઈ પાસે વરસો જૂની પંખા અને બ્રેક વગરની બાબા આદમના વખતની હર્ક્યુલીસ સાઈકલ હતી. સાયકલમાં ઘંટડી પણ નહોતી એટલે મોઢેથી સિસોટી વગાડતા વગાડતા એ સાયકલ લઈને નીકળતા.


         
"એમ્બેસડર જેવી બથ્થ્ડ ગાડી એકેય ના આવે. બાકી નવી ગાડીના પતરા ના ગેઇજ સાવ ઓછા અને હલકા હોય છે. અમે તો ભૂલેચૂકેય સપનામાં ય કાર નથી લેવાના આજ કાલ એક્સીડેન્ટ વધી ગયા છે કાર લઈને તમે જાવ તો ખરા પણ પાછા આવવાની ગણતરી નહિ..આવો તો આવો નહીતર જય સીયારામ" બીજા એક શિક્ષક શંભુભાઈ એ પોતાનો મત દર્શાવ્યો! પણ નવનીતલાલ ના મગજમાં એવું ભુંસું ભરાઈ ગયું હતું કે એણે કાર લીધેજ છૂટકો કર્યો!


             
એક દિવસ નવનીતભાઈ એ પોતાનો અંતિમ ફેંસલો જણાવી જ દીધો.


              
"જો રસીલા હું કાર લેવાનો છું એ મારા પગારમાંથી લેવાનો છું.  એટલે તું ના ન પાડતી.


               
" ઓકે હું પણ મારા પગારમાંથી મને ગમે ઈ લઈશ" રસીલાએ  સામા શીંગડા માંડ્યા.


                
" ઓકે  તું કહે એ તને લઇ દઈશ.પણ ભલી થઈને હવે તું હવનમાં હાડકા ના નાખતી. અને રસીલાએ સહમતી બતાવી. અને એણે કાર જેટલા રૂપિયાની  આવે એટલા રૂપિયા નું  સોનું લેવાનું નક્કી કર્યું! પતિ પત્ની બને દીકરા અને દીકરી સાથે અમદાવાદ ગયા. એ વખતે એટલી બધી મોંઘવારી નહિ. મારુતિ ૮૦૦ કાર એમણે જોડાવી લગભગ ઓન રોડ કીમત એ વખતે ૬૫૦૦૦ની થઇ. બને નોકરી કરતા હતા. અને ઘર ખમતીધર એટલે પૈસાનો કોઈ જ વાંધો ના આવ્યો તેમ છતાં લોન લીધી. શિક્ષક શરાફી મંડળીમાંથી બને એ પૈસા ઉપાડ્યા. કાર લીધા પછી રસીલાબેને પોતાના માટે સોનાના ઘરેણા બનાવ્યા. ૧૯૮૫માં સોનાનો એક તોલાનો ભાવ લગભગ ૧૯૦૦ ની આસપાસ હતો. રસીલાબેને ત્રીસ તોલા સોનાના ઘરેણા કરાવ્યા. નવનીતલાલ ખુશ અને રસીલાબેન પણ ખુશ!


               
 કાર લઈને નવનીતલાલ ગામમાં આવ્યા. ગામ આખું ડખ્ખે ચડ્યું. ગામમાં પેલી વેલી જ કાર આવી હતી. ગામમાં શિક્ષક્નો માભો એ વખતે માપ બહારનો હતો અને એમાં આ તો કાર વાળા માસ્તર એટલે ગામ આખામાં ડંકો વાગી ગયો. રોજ સવારે એ કારને ધોઈને સાફ કરે અને ગામની મોટી ધાર સુધી એક મોટું ચક્કર મારે! ક્યારેક કાર એ નિશાળે લાવે. અને છોકરા દ્વારા કારને ધોવરાવે!


              
પછી આવ્યો શિયાળો.. લગ્ન ગાળાની ઋતુ એટલે જેટલા વરરાજા પરણ્યા એ બધા જ નવનીતભાઈની મારુતિ ૮૦૦ માં જ પરણ્યા. સગા સબંધી પણ ખુશ થઇ ગયા. બધા સગા સબંધીને ત્યાં એ કાર લઈને જઈ આવ્યા. ધીમે ધીમે સમય વીતતો ચાલ્યો.સંતાનો મોટા થતા ગયા સાથોસાથ પગાર અને ખર્ચા વધતા ગયા. કાર સાથે નવનીતભાઈ ને એક જાતનો લગાવ જ થઇ ગયો. પછી તો માર્કેટમાં અનેક પ્રકારની ગાડીઓ આવી પણ નવનીતભાઈ એની જૂની મારુતિ ૮૦૦ ને જ વળગી રહ્યા.હા સંજોગો પ્રમાણે રીનોવેશન કરાવતા ગયા.અંદર મ્યુઝીક સીસ્ટમ ફીટ કરાવી.સીટ બદલાવી. પાવર વિન્ડો પણ નંખાવી.. એસી પણ બેસાર્યું! વાતને લગભગ બાવીસ  વરસ જેટલો સમય વીતી ચુક્યો હવે સંતાનો મોટા થઇ ગયા હતા. વિભાકર આયુર્વેદિક ડોકટર બની ગયો હતો. દીકરા અને દીકરીને ભણાવવા પાછળ બને આ શિક્ષક દંપતીની મોટાભાગની મૂડી વપરાઈ ગઈ હતી. નોકરીના વરસો પણ હવે પુરા થવાના હતા.


                    
દીકરા અને દીકરીના લગ્ન ધામધૂમપૂર્વક થઇ ગયા. સામે પુત્રવધુ પણ ડોકટર જ હતી. દીકરી ને એક એન્જીનીયર સાથે પરણાવી હતી. લગ્ન બાદ એક દિવસ વિભાકર બોલ્યો.


              
"પાપા સુરત ઈચ્છા છે એક મકાન રાખવું અને દવાખાનું કરવું. તમે કોઈ સારી જગ્યા ગોતી આવો તો હું અને રૂપલ ત્યાં જતા રહીએ.તમે નિવૃત થાઓ પછી ત્યાં આવી જજો!


            
 "વાત તો સાચી બેટા પણ સુરત મકાન કે દવાખાનું રાખવું હોય તો પૈસા નો મેળ કરવો પડે ને.. તારા અને બેનના લગ્નમાં તમામ જી પી એફ ઉપડી ગયું છે. હવે પગાર સારા છે પણ મોંઘવારી પણ એટલી જ છે ને! તને અને સ્નેહાને ભણાવવામાં બેય પગાર વપરાઈ જતા હતા. આતો બને નોકરી કરીએ છીએ એટલે બધું જ પાર ઉતરી ગયું છે તેમ છતાં થોડી ઘણી રકમ વધી છે.તારી મમ્મી અને મારા બેંક એકાઉન્ટ માં બધું ભેગું કરો તો હવે વધુમાં વધુ આઠ લાખ જેટલું હશે! અને એટલામાં સુરતમાં કા નાનકડું ઘર આવે અને કા નાનકડું દવાખાનું થાય અને એ પણ દુરના એરિયામાં!  વરસ હતું ૨૦૦૯ નું! એમ કરો ભાડે મકાન રાખી લો અને ભાડે દવાખાનું રાખો અને તમારી મેળે કમાઈ ને લેજો! અમારું બોર્ડ હવે પૂરું સમજો! છેલ્લે અમે બે નિવૃત થઈએ ત્યારે કશોક મેળ પડે એ સિવાય કશું થઇ શકે તેમ નથી! નવનીતભાઈ એ વાસ્તવિકતા કીધી.


            
"પણ તમે સુરત આંટો મારી આવો. સારું મોકાનું અને વિકસિત વિસ્તાર હોય તો ભાવતાલ કરતા આવો.પછી જોયું જશે આમેય છેક સુધી આપણે વિભાકરને કોઈ વસ્તુની ના નથી પાડી તો છેલ્લે છેલ્લે શેઢો આવતા શિરામણ શું કામ કરવું??" રસીલાબેને કહ્યું.


                    
આખરે નવનીતભાઈ સુરત ગયા. મોટા વરાછાની ઉપર અબ્રામા બાજુ  એક નવી બંધાતી સોસાયટીમાં જગ્યા જોઈ. એ વિસ્તારમાં ઘણી સોસાયટીઓ બંધાઈ રહી હતી. ભાવ પણ થોડો સસ્તો હતો. એક મોકાની જગ્યા જોઈ. દવાખાનું કમ રેસીડેન્સ થઇ શકે એમ હતું અને સોળ લાખ કેશમાં વહીવટ લગભગ પતી જાય એમ હતો. દસ્તાવેજ વાળી જગ્યા હતી.થોડીક સંકડાશ પડે એમ હતી પણ રોડ ટચ બે ત્રણ સોસાયટીના નાકા વાળી જગ્યા હતી. નવનીતલાલ ઘરે આવ્યા વાત કરી. રસીલાબેન બોલ્યા.


                
"એ સારું મુહુર્ત જોઇને એ રાખી લો.દસ્તાવેજ કરાવી નાંખો. તમે કાર લીધી તી ને ત્યારે મેં ઘરેણા લીધા હતા ને ત્રીસ તોલા એ વેચી નાંખો.અત્યારે ભાવ પણ સારા છે સોનાના!લગભગ આઠ લાખ જેટલી રકમ તો આવશે જ ને! અત્યાર સુધી તો મેં એ ઘરેણા પહેર્યા જ છે ને હવે વેચી નાંખીએ! તમે જેટલા રૂપિયા કારમાં નાંખ્યા તા એટલા જ મેં ઘરેણામાં નાખ્યા હતા.હવે એ કારના કોઈ દસ હજાર પણ ના આપે પણ મારા ઘરેણા ના આઠ લાખ ઉપજશે એ પાકું! બાકીના આઠ લાખની સગવડ તો આપણી પાસે તો છે જ ને તો કરો કંકુના" વાતાવરણમાં એક સન્નાટો છવાઈ ગયો.  અને પંદર દિવસમાં ત્યાં જગ્યા રખાઈ ગઈ. છ મહિના પછી દવાખાનાનું ઉદ્ઘાટન થયું.  અઠવાડિયું રોકાઈ ને પતિ પત્ની રાતની ટ્રાવેલ્સમાં વતનમાં પાછા આવતા હતા. અને નવનીતભાઈ બોલ્યા.


             
 "રસુ તારા પર આજ દિલથી માન ઉપજે છે. એ વખતે સોનામાં તે જે રૂપિયા નાંખ્યા એ વખતે મેં ય જો કાર ના લીધી હોત અને એટલાનું સોનું લીધું હોત તો કેટલો ફાયદો હોત! હા એ સાચું કે કાર માં આપણે ફર્યા. બધે ગયા. એમ તે પણ ઘરેણાનો ઉપયોગ લગ્ન પ્રસંગે કર્યો જ છે ને ફર્ક માત્ર એટલો કે તારી રોકેલી મૂડી વધતી જતી હતી.જયારે મારી મૂડી ઘટતી જતી હતી.  એટલે જ કદાચ કહેવાયું હશે કે સોનાને ક્યારેય કાટ નથી લાગતો એટલે કે એનું મુલ્ય હમેશા વધતું જ જાય છે  પણ એક વાત કહું તું મારું અસલ સોનું છો" કહીને નવનીતભાઈ એ પ્રેમથી રસીલાના ગાલ પર ચીમટો ભર્યો અને પોતાની બાજુમાં ખેંચી!


                  
"હવે લાજો કંઇક તમારી ઉમર થઇ.. હવે છોકરાને ઘરે છોકરા થવાના છે! તમે સાવ એવાને એવા જ રહ્યા! કોણ જાણે ક્યારે ભાન આવશે" રસીલા બનાવટી ગુસ્સો કરતી બોલી. લક્ઝરી બસ નેશનલ હાઈવે નંબર આઠ પર પુરપાટ ઝડપે દોડતી હતી. વનમાં પ્રવેશી ચૂકેલું એક સુખી અને પ્રસન્ન દાંપત્ય એક બીજા સામે અહોભાવથી નીરખી રહ્યું હતું!


                  
સ્ત્રી પાસે પૈસા બચાવવાની એક અદ્ભુત કળા જન્મજાત હોય છે. અણીના  સમયે સ્ત્રીએ બચાવેલ પૈસો  ઘણીવાર ખુબ સારા ઉપયોગમાં આવતો હોય છે!




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou-kj%3Droo51UjH80FvAZ%3D3--yOSnQ8p6irFuKT88%2BW1nw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment