બચપણથી મને ગાવાનો બહુ શોખ હતો. હું સાવ નાનો હતો ત્યારે મારા ઘરમાં ગીતો ગાતો હતો. મારા દોસ્તોની સમક્ષ ગીતો ગાતો ત્યારે એમને એ બહુ પસંદ આવતા. તેઓ દરેક ગીત વન્સ મોરી બોલીને મારી પાસે બે બે વાર ગવરાવતા. પછી તો મારાં ગળાંમાં સૂર પણ આવી ગયા અને હું ખરેખર સારું ગાવા માંડ્યો. માણસના મનમાં સાચી લગન હોય તો શું શક્ય નથી. મેં ગાવાના શોખને બરોબર પકડી રાખ્યો. સ્કૂલમાં પણ હું ગાયક તરીકે ફેમસ થઇ ગયો. સ્કૂલની પ્રાર્થના પણ મારી પાસે જ ગવરાવવામાં આવતી. આમેય બીજા છોકરાઓ પ્રાર્થનાના સમયે હાજર નહોતા રહેતા. કોઇ કોઇ લોકો મને એમના ફંક્શનમાં પણ બોલાવતા અને મારી પાસે ગીતો ગવરાવતા અને મારાં ગીતો પર એ લોકો ડાન્સ કરતાં. આ રીતે હું બહુ જ ફેમસ થઇ ગયો એટલે મારા નજીકના દોસ્તો મને આ ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્રોત્સાહન આપવા લાગ્યા. કોઇકે કહ્યું કે તું ઓર્કેસ્ટ્રામાં જોડાઇ જા તો કોઇકે કહ્યું કે તું મુંબઇ જતો રહે, ત્યાં તને ફિલ્મોમાં ગીતો ગાવાનો ચાન્સ મળશે. હું આવું કંઇક વિચારી રહ્યો હતો ત્યાં જ ઇન્ડિયન આઇડલ કાર્યક્રમના ઓડિશનની જાહેરાત આવી. મારા દોસ્તોએ મને એમાં ભાગ લેવાની સલાહ આપી. મને પણ લાગ્યું કે આ સારો ચાન્સ છે. મેં પણ ઇન્ડિયન આઇડલના ઓડિશનમાં ભાગ લેવાનો નિર્ણય લીધો, પરંતુ મુશ્કેલીઓ અનેક હતી. મારા ખાસ દોસ્તોએ કહ્યું કે આ કાર્યક્રમનું સ્તર બહુ ઊંચું છે એટલે તારે બહુ તૈયારી કરવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે, ક્લાસિકલ મ્યુઝિક શીખવું પડશે વગેરે. હવે મારો પરિવાર તો ગરીબ. આવી બધી તાલીમ માટે પૈસા ક્યાંથી લાવવા. શું કરવું એ વિશે હું અવઢવમાં હતો ત્યાં જ અમારા ગામની નજીક આવેલા શહેરમાં કમાવા માટે ગયેલો એક છોકરો કોઇક કારણસર ગામ પાછો આવ્યો. કિશન એનું નામ. કિશનને મારા શોખની વાત ખબર પડી ત્યારે એણે મને કહ્યું કે શહેરમાં તો આવા કાર્યક્રમોમાં ભાગ લેનારા માટે ખાસ કોચિંગ ક્લાસ ચાલતા હોય છે. ડાન્સિંગ પ્રોગ્રામમાં ભાગ લેવા માંગતા યુવાનોને ડાન્સ શીખવવામાં આવે અને ટેલેન્ટ શોમાં ભાગ લેવા ઇચ્છુક યુવાનોને જાતજાતની કળા શીખવવામાં આવે. હું ખૂબ ઉત્તેજીત થઇ ગયો. મેં કિશનને કહ્યું કે મારે એવા કોચિંગ ક્લાસમાં ભરતી થવું છે. કિશને કહ્યું કે એ માટે તો બહુ મોટો ખર્ચો થાય. મારી માંને જ્યારે મેં આ વાત કરી ત્યારે એણે પોતાની સોનાની બંગડી વેચીને મને પૈસા આપ્યા. મને આશીર્વાદ આપતાં કહ્યું કે તું જરૂર સફળ થશે. આ રીતે હું કિશનની સાથે શહેર ગયો. કિશન મને એક તબેલા જેવી જગ્યાએ લઈ ગયો, જ્યાં વિવિધ કળાના કોચિંગ ક્લાસ ચાલતા હતા. કોચિંગ ક્લાસ ચલાવનાર ભાઇનું નામ ચાર્લી હતું. ચાર્લીભાઇએ મારા વિશેની બધી માહિતી જાણ્યા પછી વીસ હજાર રૂપિયા ફી માગી જે મેં આપી. તરત જ ચાર્લીભાઇએ મને કહ્યું કે તારે સિંગર બનવું છે તો બંને હાથની જરૂર નથી, એકાદ હાથ કપાવી નાખ. હું તો ડઘાઇ ગયો. મેં કહ્યું કેમ? તો ચાર્લીભાઇએ કહ્યું કે તારે એક જ હાથ છે, છતાં તું ગાઇ શકે છે એ વાતથી ઇન્ડિયન આઇડલના જજીસ ઇમ્પ્રેસ થઇ જશે અને તને પસંદ કરવામાં આવે એવા ચાન્સ વધી જશે. મેં કહ્યું કે મારે હાથ નથી કપાવવો. ચાર્લીભાઇ કહે કે તો એક પગ કપાવી નાખ. મેં એની પણ ના પાડી. મેં કહ્યું કે તમે મને શાસ્ત્રીય સંગીત શીખવવા માટેની કોઇ વ્યવસ્થા કરો. ચાર્લીભાઇ કહે કે એમાં તો વર્ષો નીકળી જાય, એવી લપમાં ન પડાય. આપણે બીજો કોઇક આઇડિયા કરીએ. હું જરા નિરાશ થઇ ગયો, પરંતુ કિશને મને ખાતરી આપી કે ચાર્લીભાઇએ ઘણા યુવાનોને ટીવી પરના કાર્યક્રમોમાં મોકલ્યા છે અને એમને આ કામમાં ફાવટ છે. બીજા દિવસે અમે ચાર્લીભાઇ પાસે ગયા ત્યારે એમણે મારા માટેનો એક નવો પ્લાન વિચારી રાખ્યો હતો. ચાર્લીભાઇએ કહ્યું કે ઇન્ડિયન આઇડલના જજીસ સમક્ષ તારે એક મોટો ડ્રામા કરવાનો છે. તારે કહેવાનું કે તું નાનું શિશુ હતો ત્યારે જ તારા માબાપ તને મંદિરમાં મૂકી આવ્યા હતા. મંદિરના પૂજારીએ તને મોટો કર્યો અને મંદિરમાં ઈશ્ર્વરની પાસે જ તું સંગીત શીખ્યો. તારે કહેવાનું કે ઈશ્ર્વરે જ મને સૂર અને તાલ શીખવ્યા. આપણે મંદિરના પૂજારીને ફોડી લઇશું અને ઇન્ડિન આઇડલની રિસર્ચ ટીમ ગામના એ મંદિરમાં જશે ત્યારે પૂજારી એમને કહેશે કે વો તો ઈશ્ર્વર કા શિષ્ય હૈ. આવું બધું નાટક કરીશું તો નેહા કક્કડ રડી પડશે અને વિશાલ તથા અનુ મલ્લિક પોતાની હોશિયારી મારશે. તારું કામ થઇ જશે. પ્લાન પ્રમાણે ડ્રામા કરવામાં મને વાંધો નહોતો. પછીના પંદર દિવસ ચાર્લીભાઇ મારી પાસે પેલા પ્લાન અનુસારના ડ્રામાના રિહર્સલ જ કરાવતા રહ્યા. મારો એક વીડિયો પણ બનાવવામાં આવ્યો, જેમાં મારે ઈશ્ર્વરીય શક્તિને લગતી ફેંકંફેંક કરવાની હતી. ચાર્લીભાઇ અમારા ગામમાં જઇને પેલા પૂજારી સાથે પણ બધુ સેટિંગ કરી આવ્યા અને મારો કેસ એકદમ મજબૂત બની ગયો. ચાર્લીભાઇએ પોતાની લાગવગથી મને ઓડિશન માટે ઘુસાડી દીધો. હું ત્રણેય જજીસની સામે રજૂ થયો. અનુ મલિકે મારા વિશે પૂછપરછ કરી. મેં કહ્યું કે ઇશ્ર્વર મારા ગુરુ છે અને હું ઈશ્ર્વરનો ચેલો છું. સંગીત હું ડાયરેક્ટ ઈશ્ર્વર પાસેથી શીખ્યો છું. સન્નાટો છવાઇ ગયો. પછી મારો વિડિયો ચાલુ કરવામાં આવ્યો. મારું ગામ, અમારા ગામનું મંદિર... બધુ જ બતાવવામાં આવ્યું. પછી મંદિરના પૂજારીનો ઇન્ટરવ્યુ આવ્યો. પૂજારીએ મારા વિશે અભિપ્રાય આપતાં કહ્યું કે એ છોકરામાં તો ઇશ્વરનો અંશ છે. ઇશ્વર સાથે વાતચીત કરતાં મેં એ છોકરાને જોયો છે. વગેરે. મને મનમાં બહુ જ હસવું આવતું હતું, પરંતુ મેં જાત પર અંકુશ રાખ્યો. ઓડિયન્સ સ્તબ્ધ થઇ ગયું હતું, જજીસ વાહ વાહ કરવા લાગ્યા. નેહાની આંખોમાં અશ્રુની ધાર થઇ. એ મને હાથ જોડીને પગે લાગવા માંડી. અનુ મલિકે કહ્યું કે ઔપચારિકતા ખાતર તારે ઓડિશન આપવું હોય તો આપ, બાકી ઈશ્ર્વરના ચેલાને પસંદ-નાપસંદ કરનારા અમે કોણ? મારા આનંદની કોઇ સીમા નહોતી. મને લાગ્યું કે મારો બેડો પાર થઇ ગયો. હવે હું સીધો મુંબઇ પહોંચી જઇશ. બરોબર એ જ સમયે ઓડિયન્સમાં કોઇક ધમાલ મચી. બૂમાબૂમ થઇ. મેં ધ્યાનથી જોયું તો અમારા ગામનો પૂજારી રાડારાડ કરી રહ્યો હતો. થોડી શાંતિ સ્થપાઇ એટલે પૂજારી મોટા અવાજે બોલ્યો કે બધુ નાટક છે. મારી પાસે ખોટું બોલાવરાવ્યું છતાં પેલા બદમાશ ચાર્લીએ મને પૈસા જ નથી ચૂકવ્યા. ખલ્લાસ. મારો ભાંડો ફૂટી ગયો. કાર્યક્રમના અધિકારીઓ તથા જજીસે મને એક પ્રાઇવેટ રૂમમાં બોલાવ્યો, જ્યાં મેં મારી અસલી કહાણી એમને સંભળાવી. સૌની માફી માંગી. મેં કહ્યું કે આવું નાટક કરવાનો આઇડિયા મારો નહોતો. મારી વાત સાંભળીને એ લોકો નારાજ થયા અને મને ભગાવી મૂકવાની તૈયારી ચાલી રહી હતી ત્યાં અચાનક અનુ મલિકે મને થોભી જવા કહ્યું. મારા ખભા પર હાથ મૂકીને મને કહ્યું કે તને ફતેહ મળે એ માટે તારી માંએ પોતાની બંગડી વેંચી દીધી એ બહુ મોટી વાત છે અને સંગીત માટેની તારી લગન તો સાચી જ છે. આથી તને ઓડિશન આપવાનો એક ચાન્સ અમે આપીએ છીએ. આવતી કાલે તું ગીત ગાજે અને જો તું સારું ગાશે તો તને અમે મુંબઇ લઇ જઇશું. હું ધન્ય થઇ ગયો અને મારા ગામના મંદિરમાં બિરાજમાન ઈશ્ર્વરને સાચા દિલથી પ્રાર્થના કરવા લાગ્યો. આવતી કાલે મારું ખરું ઓડિશન છે. જોઇએ શું થાય છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtS2R8SiSouygag55cPcVou4CkEXC6jzGB-uiB5EPQWpg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment