વૈભવી લગ્ન ભારતીય મધ્યમ વર્ગનું સ્વપ્ન હોય છે. અનેક વખત એવું પણ જોવા મળે છે કે ધામધૂમથી લગ્ન કરવાના ખોટા મોહને કારણે અનેક કુટુંબો પાયમાલ બની જતા હોય છે. તેનું મુખ્ય કારણ ઉછીનાં નાણાં લઈને પણ અન્ય પાસે પોતાનો વટ પાડવાની દેખાદેખી ગણો કે ઉત્સાહ . જમાનો બદલાયો છે. ભણતર વધ્યું છે. સંતાનો માતા-પિતાની સાથે મિત્રતાભર્યો વ્યવહાર કરતા થયા છે. માતા-પિતાનો ભાર હળવો કરી મહેનતથી બચાવેલાં નાણાંનો શા માટે વેડફાટ કરવો આવા વિચારો સંતાનો કરતા થયા છે. તેથી જ હવે વૈભવી લગ્નને બદલે સાદાઈથી લગ્ન કરવાનું અનેક સમજુ સંતાનો પસંદ કરે છે.
ચાલો જાણી લઈએ લગ્નનો ખર્ચ ઓછો કરવાની કેટલીક રીતો : લગ્નનો આનંદ માણવા તો અનેક સગાસંબંધીઓ આમંત્રણ મળે તેની કાગડોળે રાહ જોતા હોય છે. દૂરનો સંબંધ ધરાવતા લોકો પણ લગ્નમાં અમને ભૂલી ન જતા તેમ ઉત્સાહપૂર્વક જણાવતા હોય છે. આવા સમયે એક વાત સૌપ્રથમ યાદ રાખવા જેવી છે કે લગ્નમાં કેટલો ખર્ચ કરવો તેનું બજેટ પહેલેથી બનાવી લેવું. બજેટ બનાવવા ખાતર નહીં પણ તેમાં થોડો પણ વધારાને અવકાશ ન રહે તેનું પૂરતું ધ્યાન રાખવું. બજેટમાં ઘટાડો થાય તે એક સમયે ચલાવી શકાય. બજેટમાં વધારો બની શકે ત્યાં સુધી અસ્વીકાર્ય રહેવો જોઈએ. આમ કરવાથી ખર્ચમાં કાપ મુકાશે. બજેટ બનાવતી વખતે કુટુંબના પ્રત્યેક સભ્યોની સંમતિ લેવી જરૂરી છે. લગ્ન પહેલાં અને લગ્ન પછીના ખર્ચ પણ મોટા હોય છે. બજેટ ગમે તેટલું સાવધાની અને ચીવટપૂર્વક બનાવ્યું હોય તેમ છતાં તેમાં અચાનક બદલાવ આવી જાય છે. લગ્નનું સ્થળ નક્કી કરવું : લગ્ન કે રિસેપ્શનનું સ્થળ નક્કી કરતી વખતે ખાસ બાબતોનું ધ્યાન રાખવું. ઘરથી નજદીક સ્થળ પસંદ કરવાથી બહારગામથી આવેલા મહેમાનોને લેવા-મૂકવાનો મોટો ખર્ચ બચાવી શકાય છે. લગ્નનું સ્થળ નક્કી કરતી વખતે ત્યાં રિસોર્ટ, હૉલ કે લૉનમાં કરવું છે તે અગાઉથી નક્કી કરી લેવું. વાસ્તવમાં લગ્નની મોસમ પૂરબહારમાં ખીલેલી હોય ત્યારે હૉલ, રિસોર્ટ કે લૉનના માલિકો ખાસ આકર્ષણો દ્વારા વધુને વધુ ધન કમાવવાની લાલચ રાખતા હોય છે. નાના -નાના ખર્ચને એટલી બખૂબી વસૂલ કરે છે કે જ્યારે આપ સમગ્ર રકમ ચૂકતે કરો ત્યારે ખબર પડે કે ખર્ચ ઘણો મોટો બની જાય છે. લગ્નનું સ્થળ બને તેટલું વહેલું બુક કરાવી દેવું જોઈએ. જેથી આપને યોગ્ય ભાવે મોકાની જગ્યા મળી શકે. ખરીદી ઑફ સિઝનમાં કરો : લગ્નની ખરીદી કરતી વખતે મુખ્યત્વે સેલ લાગેલા હોય ત્યારે કરી લેવી. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ પણ કરવો. મોટી ખરીદી કરવાથી પોઈન્ટ તથા કેસબૅક પણ મળે છે. જેનો ફાયદો આપ મેળવી શકો છો. નિષ્ણાતની મદદ લો : લગ્નની ખરીદી કરતી વખતે અનેક વખત મૂંઝવણ અનુભવાતી હોય છે. લગ્નની ખરીદી કરતી વખતે પૂરતું સંશોધન કરવું જરૂરી બની જાય છે. આવા સમયે નિષ્ણાતની મદદ લેવી ફાયદાકરક રહે છે. તમારી પસંદ ના પસંદ, બજેટ વગેરે એક વખત તેમને જણાવી દેવાની હોય છે. અનેક વરઘોડિયાઓએ તેમની સલાહનો ઉપયોગ ર્ક્યો હોય છે તેઓ તેમની સલાહથી રાજી પણ થયા હોય છે. નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. લગ્ન જીવનનો એક યાદગાર પ્રસંગ હોવાને કારણે તેને યોગ્ય ન્યાય આપવો જરૂરી છે. જાણીતા ડિઝાઈનરો સાથે તેમને ઊઠવા-બેસવાનું પણ થતું હોય છે તેથી યોગ્ય ભાવના ફેશનેબલ વસ્ત્રો વિશે તેમને પૂરતી જાણકારી હોય છે. મોંઘાં વસ્ત્રોની ખરીદી બાદ તેનો ઉપયોગ ભાગ્યે જ એક બે વખત કરવામાં આવતો હોય છે. ભાડેથી લેવો કે સિવડાવવાથી ખર્ચ ઘટાડી શકાય છે. સાજ-સજાવટનો ખર્ચ ઘટાડવો : મંડપની સજાવટમાં તાજા ફૂલોનો ઉપયોગ કરવાથી વાતાવરણ જરૂર ખુશનુમા બની જાય છે. વાસ્તવમાં લગ્નમાં ડેકોરેશન કરતાં પણ વધુ અગત્યનું ભોજન સ્વાદિષ્ટ હોવું જરૂરી છે.એક સમયે ડેકોરેશન થોડું ઓછું ર્ક્યું હશે તો ચાલી જશે. તે વિશે વધુ ચર્ચા લોકો કરશે નહીં. ભોજન સ્વાદિષ્ટ નહી હોય તો લોકો તેને જીવનભર યાદ રાખશે. ડેકોરેશન એક એવું હથિયાર છે જેના દ્વારા બૅંક્વેટ હૉલના માલિકો, પાર્ટી પ્લૉટ, કે રિસોર્ટના માલિકોને વધુ નાણાં કમાવાનો મોકો મળે છે. ઓછા ખર્ચે પણ વધુ આકર્ષક ડેકોરેશન કરી શકાય છે. જેમાં વ્યક્તિગત સર્જનાત્મક્તા પણ કામ લગાડી શકાય છે. બૅંકવેટ હૉલમાં કે હોટલમાં આપ ફંકશન રાખવાનું નક્કી કરતા હોવ તો તમારા ઘણા પૈસા બચી જાય છે. તેમની પાસે તૈયાર ડેકોરેશન હોય છે. ટેબલની વ્યવસ્થા, ટેબલ ઉપર પાથરવાનું ડેકોરેટિવ કપડું હોય કે પ્રવેશદ્વાર હોય તેની યોગ્ય સજાવટ પાછળનો મોટો ખર્ચ બચાવી શકાય છે. આમંત્રિતોનું લિસ્ટ બનાવવું : તમારા ફંડને નિયંત્રણમાં રાખવું અત્યંત આવશ્યક છે. મહેમાનોનું લિસ્ટ બનાવતી વખતે લાગણી ઉપર કાબૂ રાખવો જરૂરી બની જાય છે. 500 માણસને બોલાવવા કે 100ને બોલાવવા છે તેનું નિયંત્રણ ઘરની સમજદાર વ્યક્તિને સોપવું. મોટું ભંડોળ બચાવી શકો છો. આપ ગમે તેટલું સુંદર આયોજન કરશો તેમ છતાં અનેક નજીકના લોકો એવા હશે કે તમારા ફંક્શનમાં અચૂક ભૂલ કાઢશે. માટે સમજી વિચારીને ધન વાપરવું. થોડા કલાકોમાં મોટું ભંડોળ વાપરવું એ વ્યાજબી તો ન જ ગણાય. બચત કરતાં લાંબો સમય અને મહેનત પણ જોડાયેલી હોય છે. નજીકના સગા-સંબંધી, મિત્રો તથા પડોશીને પણ બોલાવવા. પહેલાંથી બુક કરાવો : હૉલનું બુકિંગ, કેટરર્સ, ફોટોગ્રાફર્સ, ડેકોરેટર્સનું, બ્યુટિશિયનનું બુકિંગ પહેલેથી કરાવી લેવું જેથી વ્યાજબી ભાવમાં મળી રહે. લગ્નના થોડા દિવસો પહેલાં બુકિંગ કરાવવાથી તમારે વધુ નાણાં ચૂકવવા તૈયાર રહેવું પડશે. વળી નિષ્ણાત વ્યક્તિઓ અન્ય જગ્યાએ રોકાઈ ગયેલી હોય છે. તેથી જે મળે તેનાથી ચલાવી લેવું પડતું હોય છે. તમારા કામને યોગ્ય પ્રાધાન્ય આપો : લગ્નના દિવસો જેમ નજીક આવતા જાય તેમ હૃદયની ધડકનો ઝડપી બનતી જતી હોય છે. પ્રત્યેક કામને તેની અગત્યતા પ્રમાણે નંબર આપીને કરવાનું રાખો. આમ કરવાથી કામ ઝડપથી થતાં જશે. મુંબઈ જેવા શહેરમાં બહારગામથી આવતી વ્યક્તિઓને ઉતારો આપવો મુશ્કેલ બની જાય છે. આવા સંજોગોમાં સેનેટોરિયમ કે સોસાયટીમાં ખાલી ઘર હોય તેનો ઉપયોગ આપ કરી શકો છો. ઓછા ખર્ચે સારા લગ્ન કરવાં હોય તો વેડિંગ પ્લાનરનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો કે સગાસ્નેહીઓ જેમણે પ્રસંગ પાર પાડ્યો હોય તેની સલાહ લઈને કામ કરવાથી પણ ખર્ચમાં કાપ મૂકી શકાય છે. અન્ય કેવું વિચારશે તે વિશે મથામણ કરવા કરતાં ખુલ્લા દિલે સલાહ લો. લોકો ઉત્સાહથી સલાહ આપશે. મોસમી વસ્તુઓનો ઉપયોગ વધુ કરો : લગ્ન નક્કી થાય તેની સાથે યોગ્ય પ્લાનિંગ શરૂ કરી દેવું. મોસમ પ્રમાણે ફૂલાનું ડેકોરેશન કરવાને પ્રાધાન્ય આપવું. મોસમ પ્રમાણે વાનગીઓ નક્કી કરવી. વ્યાજબી ભાવે વસ્તુઓ મળી રહે. ઉનાળામાં શ્રીખંડ -ઊંધિયું રાખવાને બદલે રસ-પૂરી-ખમણ ઢોકળાનું જમણ વધુ સસ્તું પડે. વિદેશી વાનગીઓને બદલે ભારતીય વાનગીઓને પ્રાધાન્ય આપો. ચાટના ચટાકા મહેમાનોના દિલને અચૂક બહેલાવશે. ભોજન બાદ ડેઝર્ટની પ્રથા આપણે અપનાવી લીધી છે. અનેક વખત જોવા મળતું હોય છે કે બેથી વધુ ડેઝર્ટ રાખવાને કારણે બગાડ પણ વધતો જાય છે. મર્યાદિત વાનગીઓ અને મર્યાદિત મીઠાઈનું આયોજન કરવાથી મોટી બચત થઈ શકે છે. વસ્ત્રો, વાનગીઓ, સ્થળ, મહેમાનોનું લિસ્ટ બનાવતી વખતે પૂરતું સંશોધન કરી લેવું જરૂરી છે. આમંત્રણ પત્રિકા : ડિજિટલ યુગમાં આજકાલ કંકોત્રી પણ મોટે ભાગે વ્હૉટસઍપ દ્વારા વિવિધ ગ્રુપમાં મોકલી આપવામાં આવે છે. મોંઘા ભાવની કંકોત્રી છપાવવાનો ખર્ચ કરવાને બદલે ફોન દ્વારા આમંત્રણ આપી દેવું. અતિ-આવશ્યક હોય તેમને આપવા માટે થોડી જ છપાવવી. સામાન્ય રીતે કંકોત્રી અન્ય વ્યક્તિ સમય અને સ્થળને જાણવા માટે જ કરતા હોય છે. અંતમાં એટલું જ કહેવાનું કે નક્કી કર્યા કરતાં બજેટ વધી જતું હોય તો મહેમાનોના લિસ્ટમાં, મંડપ ડેકોરેશનના ખર્ચમાં, વાનગીના લિસ્ટમાં કે પછી વધુ પડતાં કાર્યક્રમના આયોજનમાં કાપ મૂકતાં અચકાવું નહીં. લગ્ન બાદ હળવાશની પળો માણતાં હશો ત્યારે તમારા વ્યવહારુ નિર્ણય ઉપર ગર્વ અનુભવશો. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot4r8FBdU3e%2BET9uBNXQwf74J%3DYbdbDXShfM8SKBtiVyA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment