Monday, 9 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દાન કરીને ભૂલી જાય એ શ્રીમંત (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક વાર એક સાધુ મહાત્મા પાસે તેનો શ્રીમંત ભક્ત આવ્યો અને તેમનાં ચરણોમાં ૫૦૦ સોનામહોર મૂકીને કહ્યું : ગુરુદેવ મને આશીર્વાદ આપો મને આપની કૃપાની જરૂર છે. 

મહાત્માએ કહ્યું : તને શું જોઇએ છે? તારી શું ઇચ્છા છે? ભક્તે કહ્યું : ગુરુદેવ મારું ધન, દોલત અને સંપત્તિ ઉત્તરોત્તર વધતી રહે એમ હું ઇચ્છું છું. 

તારી પાસે તો પુષ્કળ ધન છે એમ છતાં તને વધારે ધન જોઇએ છે ! ભક્તે કહ્યું, થોડું વધારે ધન ભેગું થઇ જાય પછી હું સુખેથી રહેવા માગું છું. મહાત્માએ કહ્યું : વધુ ધન મળવાથી તું વધુ સુખી થઇશ એવું નિશ્ર્ચિત નથી. કદાચ વધુ દુ:ખી થઇ જઇશ. જો ધનથી સુખ મળતું હોત તો તું અત્યારે પણ સુખી હોત.' 

ભક્તે કહ્યું : ગુરુદેવ એક વખત મારી ઇચ્છા પૂર્ણ થાય એવું કાંઇક કરો. 

મહાત્માએ કહ્યું તને વધુ ધન જોઇએ છેને? તો તું આ ૫૦૦ સોનામહોર તારી પાસે જ રાખ. મારા કરતાં તારે તેની વધુ જરૂરત છે. તારી પાસે ઘણું છે છતાં તને ઓછું લાગે છે. જ્યારે મારી પાસે ધન-સંપત્તિ કશું નથી. છતાં હું સુખેથી રહી શકું છું. 

ધન-દોલત, સત્તા અને સંપત્તિમાં સુખ છે એવુ આપણે માની બેઠા છીએ. જેની પાસે વધારે પૈસા છે તે આપણને સુખી દેખાય છે પણ હકીકતમાં એવું નથી. ધનને સુખ સાથે આપણે ધારીએ છીએ એટલો સંબંધ નથી. સુખ જો પૈસાથી મળતું હોત તો તમામ શ્રીમંતો સુખી હોત એ નિર્ધનો દુ:ખી હોત. કેટલાક માણસો કશું ન હોવા છતાં સુખનો અનુભવ કરી શકે છે. સૂકી રોટીમાં પણ આનંદ માણી શકે છે એમને ઊંઘવા માટે ગોળીઓ લેવી પડતી નથી. એમને તો એમની જરૂરત પૂરી થાય એટલે ભયો ભયો. ધનથી સગવડતા અને આરામ મળી શકે પણ સુખ નહીં. સુખ દરેકને સ્વભાવગત મળેલું છે. અને જીવનની હર ચીજમાં સુખ છે પણ તેને શોધતા અને માણતા આવડવું જોઇએ. જે મળે તેમાં સંતોષ હોવો જોઇએ. 

જે કાંઇ આવે તેનો સ્વીકાર કરવા આપણે રાજી હોઇએ તો ચારે બાજુ સુખ અને સુખ છે. ગરીબ અને સાધારણ માણસોને દુ:ખ હોતું નથી પણ કષ્ટ હોય છે. તેમને કેટલીક ચીજો અને સગવડતા વગર ચલાવી લેવું પડે છે. જીવનની પાયાની જરૂરત પૂરી થાય એટલે તેઓ સંતોષ અનુભવતા હોય છે. શ્રીમંતોને તમામ સગવડતાઓ છે છતાં તેઓ અકળાયા કરે છે. એમનું મન ભરાતું નથી. કષ્ટ એ શારીરિક છે અને દુ:ખ માનસિક છે. તમે મનથી સુખી નથી તો ક્યારેય સુખ અનુભવી શકશો નહીં. સુખ આપણી અંદર છે તેને બહાર શોધવાની જરૂર નથી. 

જેમની પાસે પુષ્કળ હોય. પ્રભુએ તેમને બધું આપ્યું હોય આમ છતાં તેઓ રાજી નથી. જેમ જેમ મળતું જાય છે તેમ તેમ વધુ મેળવવાની ઇચ્છા પ્રબળ બનતી જાય છે. ઇચ્છાઓ, અપેક્ષાઓ અને આકાંક્ષાઓ માણસને અધ્ધરતાલ રાખે છે. જીવનની આ દોટ થકવી નાખે છે પણ પાછું વળીને જોવાની કોઇને ફુરસદ નથી. માણસની તૃષ્ણાનો કોઇ અંત નથી. એક જૂની કથાને ફરી યાદ કરીએ...

એક ભિખારીને પ્રભુનો સાક્ષાત્કાર થયો. પ્રભુએ ક્હ્યું માગ તને શું જોઇએ છે. ભિખારીએ કહ્યું : પ્રભુ મારી થેલી ધનથી ભરી દો. પ્રભુએ કહ્યું : તારી જોળી આગળ કર હું સોનામહોરથી ભરી દઉં, પરંતુ એટલું યાદ રાખજે કે એ સોનામહોર નીચે પડશે તો ધૂળ થઇ જશે. માટે જોળીમાં સમાય તેટલીનો સ્વીકાર કરજે. ભિખારીની થેલી તો ભરાઇ ગઇ, પરંતુ તેને સંતોષ ન થયો. તેને થયું આવો મોકો ફરી નહીં મળે. તેણે પ્રભુને કહ્યું : હજુ થોડી વધારે નાખો થેલી પૂરી ભરાઇ નથી. આમ કરતાં થેલી ભરચક થઇ ગઇ. હવે વધુ વજન ઝીલી ન શકે એવી પરિસ્થિતિ હતી, પરંતુ લોભને થોભ હોતો નથી. તેણે કહ્યું : પ્રભુ, હજુ ચાર પાંચ સોનામહોર ઉપર ગોઠવી શકાય તેમ છે. પ્રભુએ કહ્યું : હવે રહેવા દે આટલું બસ છે. પણ તેનું મન માન્યું નહીં. તેણે કહ્યું આ પછી હવે હું વધુ નહીં માગું. પાંચ સોનામહોર ઉપર પડી અને થેલી ફાટી અને બધી સોનામહોર નીચે પડીને ધૂળ થઇ ગઇ. 

પ્રભુ અલોપ થઇ ગયા અને ભિખારી પોક મૂકીને રડતો રહ્યો. 

આપણે સૌ આ કથા જાણીએ છીએ. આપણામાંના મોટાભાગના લોકોની આના જેવી હાલત છે. કોઇના થેલા નાના છે તો કોઇના થેલા મોટા છે પણ ભરેલાં છે. પણ બધાને હજુ વધુ જોઇએ છે. થેલી થેલાંઓ ફાટી જશે તેનો વિચાર કોઇને આવતો નથી. થેલાઓ થોડા ખાલી રહે. આવતું જાય અને સત્કાર્યો માટે વપરાતું જાય તો થેલાઓ ખાલી પણ ન રહે અને વજનદાર પણ ન બને. 

ધન નદીની જેમ વહેતું રહેવું જોઇએ. પ્રવાહ અટકી જશે તો ખાબોચિયું બની જશે. પ્રવાહ વહેતો રહે તો એક નાનું ઝરણું મોટી નદી અને છેવટે સાગર બની જશે. મન મોટું હશે તો કશું નાનું નહીં લાગે. ધનનો સંચય, પરિગ્રહ લાલસા અને લોભ માણસને કૃપણ બનાવી નાખે છે. જે લોભી, સંકુચિત અને આત્મલક્ષી હોય તે કદી સરળ, સહજ, નિર્મળ કે પ્રેમાળ બની શકતો નથી. સ્વાર્થ અને લોભ માણસને ન કરવાનાં કામો કરાવે છે. 

જીવનમાં એકલું ધનનું મહત્ત્વ નથી. ધનથી સાથે ત્યાગ, ઉદારતા, મૈત્રી, પ્રેમ અને કરુણાના ગુણો ખીલે અને માણસ હળવો થઇ જાય તો ધન સત્કર્મનો સેતુ બની જાય. પૈસા એક સાધન છે જીવનનું સાધ્ય નથી. ધર્મ અને સમાજ માટે ધનનો પ્રવાહ વહેતો રહે, લક્ષ્મીનો ઉપયોગ બીજાના દુ:ખ-દર્દને દૂર કરવામાં કામ લાગે તો તે લેખે લાગે. માત્ર ક્ષણિક સુખો માટે પૈસા વાપરવાથી મનની શાંતિ મળી શકે નહીં. શારીરિક સુખ અને માનસિક ચેતના બંને અલગ બાબત છે. ક્ષણિક સુખોથી તૃષ્ણા અને અજંપો ઊભો થાય છે. છેવટે આ બધું નકામું છે. આ સત્ય મહાવીર અને બુદ્ધને સમજાયું હતું. તેઓ ઐશ્ર્વર્યના સ્વામી હતા. તેમની પાસે શું નહોતું? આમ છતાં બધાનો ત્યાગ કરીને બહાર નીકળી ગયા હતા. 

જેણે તૃષ્ણાનો ત્યાગ કર્યો છે, જેને કોઇ પણ જાતનો લોભ નથી અને જે બીજાનું દુ:ખ જોઇને દ્રવી ઊઠે છે જેનામાં પ્રેમ, દયા, કરુણા અને બીજા પ્રત્યે સહાનુભૂતિ છે. તે માણસ જીવનમાં દુ:ખી હોઇ શકે નહીં. 

તેનું ધન સન્માર્ગે જ વપરાય. આવો ગુણીજન જ સાચો શ્રીમંત છે. માણસ ધનવાન બની શકે છે પણ શ્રીમંત બનવું મુશ્કેલ છે. શ્રીમંતાઇ તમારી પાસે કેટલું ધન છે તેનાથી નહીં પણ તમે કેટલા ઉદાર છો, કેટલો ત્યાગ કરી શકો છો, કેટલું છોડી શકો છો તેના પર નિર્ભિત છે. દાન-ધર્મ કરીએ, કોઇને કશું આપીએ ત્યારે કોઇપણ જાતનું અભિમાન હોવું જોઇએ નહીં. આપો ત્યારે નમ્રતા આવવી જોઇએ, મસ્તક નીચું રહેવું જોઇએ. એમાં કોઇ પણ જાતની અપેક્ષા હોવી જોઇએ નહીં. કશું મેળવવાની ઇચ્છાથી કરેલું દાન કે સત્કાર્ય સાર્થક ગણાશે નહીં. તેમાં કરીને ભૂલી જવું જોઇએ. 

એક શ્રીમંત શ્રેષ્ઠીએ કરોડો રૂપિયાનું દાન કર્યું હતું. મંદિરો, દેરાસરો અને ઉપાશ્રયો બંધાવ્યા હતા અને ધર્મની આરાધના માટે લક્ષ્મીનો છૂટા હાથે ઉપયોગ કર્યો હતો. મનમાં આ અંગે સંતોષ હતો. અને કંઇક સારું કર્યાનો અને ધર્મની સેવા કર્યાનો અહેસાસ હતો. 

એક વખત નગરમાં પધારેલા આચાર્ય મહારાજ સાહેબના દર્શનાર્થે તેઓ ગયા. 

મહારાજ સાહેબ એકલા હતા. નિરાંતની પળ હતી. આ શ્રેષ્ઠીએ મહારાજ સાહેબના ચરણોમાં મસ્તક ઝુકાવીને પોતે કરેલાં સત્કાર્યો અને સિદ્ધિઓનું વર્ણન કર્યું અને આ પછી હળવેથી પૂછ્યું : મેં આ બધું કર્યું છે તેનું ફળ શું મળશે?

મહારાજ સાહેબે બે ઘડી ચૂપ રહ્યા અને પછી કહ્યું : હવે તમે મને આ પ્રશ્ર્ન પૂછ્યો છે તો સાચું કહી દઉં તમે કશું મેળવવાની અપેક્ષા રાખી છે એટલે જે મળવાનું હતું તે ગુમાવી દીધું છે. તમે જે દિવસે મેં આ બધું કર્યું છે તે ભૂલી જશો ત્યારે તમને તેનું ઉચિત ફળ મળી જશે. સત્કાર્ય માટે ફળની અને બદલાની આશા રાખવી એ પણ પાપ છે. જે કાંઇ કર્યું છે તે ભૂલી જાવ નહીંતર સત્કાર્યોના બોજા હેઠળ કચડાઇ જશો. માત્ર પાપનો બોજો આપણને કચડે છે એવું નથી. સત્કાર્યોનો બોજો લઇને ફર્યા કરીએ તો તે પણ ઘંટીના પડની જેમ કષ્ટ આપ્યા કરશે અને ભૂલી જશો તો તે ફૂલની માળા બની જશે. 

આપણે કાંઇ સારું કાર્ય કરીએ ત્યારે સમજવું કે પ્રભુની કૃપા છે. આપણી પાસે હાથ, પગ, ન હોત, ધન ન હોત, ઉદાર મન ન હોત તો આપણે કશું કરી શક્યા હોત? એવા ઘણા લોકો છે 

જેને આ બધું કરવાની ઇચ્છા છે પણ તેઓ સાધનોના અભાવે કશું કરી શકતા નથી. પ્રભુએ આપણને તક આપી છે તેનો સદુપયોગ થવો જોઇએ. 

મહાન ચિંતક રસ્કિને કહ્યું છે કે 'કોઇ પણ માણસ ધનનું દાન કરે ત્યારે ધનવાન ગણાય અને કર્યું છે તે ભૂલી જાય ત્યારે શ્રીમંત નહીંતર ધન હોવા છતાં માણસ ગરીબ રહે છે.' ધનને જે છોડી શકે છે તે શ્રીમંત અને પકડી રાખે છે તે ગરીબ. 

ત્યાગનો અર્થ છે દેવાની ક્ષમતા. જેટલું આપણે આપી શકીએ તેટલા તેના માલિક. તેમાં યાદ રાખવાનું અને ગણવાનું હોતુ નથી. ગણતરી કરે છે તે ત્યાગી નથી પણ વેપારી છે. એક બાજુ તે છોડે છે અને બીજી બાજુ પકડી રાખે છે. 

જીવનનો નિયમ છે આપણે જેટલું મેળવતા જઇએ છીએ એટલું સામે ગુમાવતા જઇએ છીએ. શું ગુમાવ્યું છે તેનો ખ્યાલ આવતો નથી અને જે મેળવ્યું છે તેનો રસ પણ લાંબા સમય સુધી ટકતો નથી. આપણા વિચારો અને સિદ્ધાંતો પણ 

શરતી છે. 

એક બાજુ સારું કરીએ છીએ અને બીજી બાજુ ખરાબ. એક માણસે મરતી વખતે પોતાના પુત્રને કહ્યું : મારો જીવ જાય એ પહેલા કહી દઉં. જીવનમાં બે વાત ધ્યાનમાં રાખજે એક પ્રામાણિકતા અને બીજું ડહાપણ. આનું તું બરાબર પાલન કરજે ક્યારેય કોઇને છેતરતો નહીં. વચનભંગ કરતો નહીં. જે વચન આપે તે પૂરું કરજે. પુત્ર બોલ્યો પ્રામાણિકતાની વાત આપે કરી છે એ ઠીક છે પણ આ ડહાપણ તેનો અર્થ શું છે? બાપે કહ્યું, ભૂલથી પણ કોઇને ક્યારેય વચન આપતો નહીં. 

બસ આવું જ વિપરિત રીતે વહેંચાયેલું જીવન છે. બંને હાથમાં લાડુ લેવાનો પ્રયત્ન કરીએ છીએ અને એક હાથમાં પણ લાડુ રહેતો નથી. આપણે અનેક વસ્તુઓમાં લક્ષ લગાવીને બધામાં વહેંચાઇ જઇને ટુકડેટુકડા થઇ જઇએ છીએ. જીવનમાં મોટે ભાગે વિરોધાભાસ છે. મન જુદી જુદી દિશાઓમાં દોડી રહ્યું છે. એટલે મેળવવા જેવું કશું મળતું નથી અને જે કાંઇ આપણે જન્મથી સાથે લાવ્યા છીએ તે ખોવાઇ જાય છે. અને છેલ્લે કોઇ કવિની સુંદર રચના...

સુખ ભી મુઝે પ્યારે હૈ

દુખ ભી પ્યારે હૈ

છોડું મૈં કિસે પ્રભુ

દોનો હી તુમ્હારે હૈ 

સુખમેં તેરા શુક્ર કરું

દુ:ખ મેં ફરિયાદ કરું

જિસ હાલ મેં રખે મુઝે 

મૈં તુમ્હે યાદ કરું.


--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsawpWxJ4%3DV7mQRPYLjjTYh%3D7EGimh%3DhFfp%3D8Ze6RxWRA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment