Tuesday, 10 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દોષનો ટોપલો સ્ત્રીના માથે (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દોષનો ટોપલો સ્ત્રીના માથે પણ દીપા બિચારી શું કરે?
દિલની વાત -દિનેશ દેસાઈ

હેમાંગનું કારજ પતાવીને સહુ સગાં-વહાલાં પોતપોતાના ઘરે ચાલ્યાં ગયાં હતાં. દીપા હવે સાવ એકલી પડી ગઈ હતી. ઘરની દીવાલો જાણે તેને ખાવા દોડતી હતી. દીવાલ ઉપર ટાંગેલી સુખડના હાર સાથેની હેમાંગના સસ્મિત ચહેરાવાળી તસવીર દીપાને જાણે વિચલિત કરી મૂકતી હતી. પતિનું સ્મિત તેના રૂંવે રૂંવે જાણે લાખ લાખ ડંખ દેતું હતું.

 

દીપા માટે દિશાઓ ધૂંધળી બની ગઈ હતી. સાસુમા - કોકિલાબા કારજવેળાનો થાક ઉતારવા હજુ હમણા જ દીયર સંજયના ઘરે રહેવાં ગયાં હતાં. કોકિલાબાનું કંઈ નક્કી નહિ, એ તો ગમે ત્યારે ટપકી પડે. આમ છતા હિંમત કરીને દીપાએ ઘર ફંફોસવા માંડ્યું. કેમ કે હાથખર્ચી પેટે મની પર્સમાં દસ-વીસ રૂપરડીનું જ બેલેન્સ રહ્યું હતું. કારજ પછીની સ્થિતિ એવી હતી કે હવે તો દૂધ-શાકભાજીનાય વાંધા પડે.

 

દીપાએ સૌપ્રથમ હેમાંગના કબાટથી શરૂઆત કરી. બેઉ ડ્રોઅર જોયા. પ્રેસ કરીને વોર્ડરોબમાં હેન્ગર પર લટકાવી રાખેલા બધા જ કપડાંના ખિસ્સાં ફંફોસી જોયાં. ક્યાંયથી ફૂટી કોડીય ન મળી. ધીમે ધીમે કરીને તેણે આખું કબાટ અને આખો બેડરૂમ ફેંદ્યા પછી કોકિલાબાનો બેડરૂમ ચેક કર્યો. બધું ફંફોસ્યું પણ કંઈ જ હાથ ન લાગ્યું.

 

દીપા પોતાના નસીબને રડી રહી હતી. આડત્રીસ વર્ષની દીપાને વીસ વર્ષ પહેલાના કોલેજના એ દિવસો યાદ આવી ગયા. એક દિવસ દીપા તેના બોયફ્રેન્ડ સાથે એક રેસ્ટોરન્ટમાંથી બહાર આવી રહી હતી ત્યારે અચાનક જ પસાર થઈ રહેલા પપ્પાએ તેને જોઈ લીધી હતી. દીપાને તો છેક મોડી સાંજે પપ્પા ઘરે આવ્યા ત્યારે ખબર પડી હતી કે પપ્પા બધું જાણી ગયા છે. ગાલ ઉપર પડેલા તમાચા હજુય તેને તાજા લાગે છે.

 

પપ્પાએ ધમકાવી હતી: "દીપા, તને આમ લફરાં કરવા માટે કોલેજ મોકલીએ છીએ કે ભણવા માટે? ટાપટીપ કરીને કોલેજમાં છોકરાઓ સાથે રખડવા જતા શરમ નથી આવતી?

 

પપ્પા સમસમી ગયા હતા. મમ્મીએ પણ વાતમાં ટાપસી પુરાવી હતી: "હું તો ક્યારની કહું છું કે આપણી છોકરી હવે યુવાન થઈ ગઈ છે. ગઈ કાલની દીપા હવે કંઈ નાની કીકલી રહી નથી. સારો વર અને સારું ઠેકાણું જોઈને પરણાવી દેવી જોઈએ. સાસરે વળાવી દીધા પછી એય સુખી અને આપણેય સુખી. ભલું થાય ને ભાંગે ઝંજાળ પણ મારી વાત માને કોણ?

 

દીપા ખુણે બેસીને આંસુ સારતી હતી અને પપ્પા બોલ્યા હતા કે "ના, ના. તારી વાત સાચી છે. દીપાને હવે સારે ઠેકાણે વળાવી જ દેવી પડશે.

 

પછી તો એસ.વાય. બી.કોમ.નો સ્ટડી કરતી દીપાને બીજા જ દિવસથી કોલેજ જવાનું બંધ કરાવી દેવામાં આવ્યું હતું. તાબડતોબ દીપા માટે હવે મુરતિયો જોવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. દીપા રંગે રૂપે ખુબસૂરત અને સપ્રમાણ કદ, કાઠીની હતી. જો કે વરની પસંદગીનો સિલસિલો બહુ લાંબો ચાલ્યો. કેમ કે કોઈકને દીપાની હાઈટ વધારે લાગતી. તે થોડી પડછંદ યાને સાડા પાંચ ફૂટથી થોડી વધુ હાઈટવાળી તો ખરી જ. કોઈકને તે થોડી જાડી પણ લાગતી. દીપા હતી તો ભરાવદાર અને ખરા અર્થમાં તંદુરસ્ત અને મનમોજી, બેફિકર.

 

આ તરફ દીપાના પણ થોડાં નખરા ખરા. તેને કોઈક મુરતિયો શ્યામ લાગે, કોઈક સોટી જેવો પાતળો લાગે, કોઈક વળી જાડો લાગે તો કોઈક વળી લાંબો તાડ જેવી ઊંચાઈનો લાગે. જો કોઈક કિસ્સામાં વર અને ક્ધયા રાજી થાય ત્યારે જન્માક્ષર મેચ ન થાય. બેઉ એકમેકને પસંદ પણ કરે અને જન્માક્ષર મેચ પણ થાય તો ગુણાંક ઓછા આવે. છેવટે હેમાંગ ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી. જો કે દીપા મનોમન કંઈ રાજી તો નહોતી જ, પરંતુ પરિવારનું દબાણ અને મા-બાપની મરજી આગળ તેણે નમતું જોખવું જ પડ્યું. દીપા લાચાર હતી પણ શું કરે?

 

દીપાને મનોમન ખટકો હતો કે મારાથી સાત વર્ષ મોટો મુરતિયો તમે ગોતી આપ્યો? મારાથી મોટી ઉંમરનો પતિ વળી મારી લાગણી અને માગણીને ક્યાંથી સમજવાનો? દીપાની આ આશંકા સમય જતા સાચી ઠરી. દીપા અને હેમાંગ ભલે દુનિયાની નજરમાં સરસ યુગલ દેખાય, પરંતુ બેઉની વેવલેન્થ જરાય મળતી નહોતી. દીપા શોખીન જીવડો, તો હેમાંગ સાવ મૂંજી અને અતડા સ્વભાવનો. દીપા તરફ તે વધારે પડતો શંકાશીલ પણ ખરો. દીપાને ફિલ્મો જોવાનો ભારે શોખ અને ઓગણીસ વર્ષની મેરેજ લાઈફમાં હેમાંગ માત્ર બે વાર જ દીપાને ફિલ્મ જોવા લઈ ગયો હતો. ઘર બહારના લોકો તો હેમાંગના વખાણ કરતા ફરે પણ દીપા જ જાણતી કે "મારો વર કેટલો કંજૂસ અને મખ્ખીચૂસ છે.

 

પાડોશમાં કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય, તેની સાથે દીપા વાત પણ કરે તો હેમાંગ સમસમી જતો અને પત્નીને જેમ તેમ સંભળાવી દેતો: "તારે એની સાથે લટકાં, મટકાં કરીને વાત કરવાની શું જરૂર હતી?

 

લગ્ન પછીનો ઘરસંસાર દીપા માટે જેલ સમાન સાબિત થયો હતો. હેમાંગ જ્યારે ઘરની બહાર લઈ જાય ત્યારે જ તેની સાથે બહાર જવાનું. એ સિવાય દીપાએ એકલીએ તો ઘરની બહાર પગ પણ નહિ મૂકવાનો. ફેમિલીમાં પતિ અને પત્ની બે જ વ્યક્તિ. આથી જ્યારે હેમાંગ નોકરીએ જાય તે પછી દીપાને જાણે ઘર ખાવા દોડે. ઘર જાણે તેના માટે બંદીખાનું. ઘરની બહાર નહિ જવાનું એ તો ઠીક પણ પાડોશીઓ સાથે વાત પણ નહિ કરવાની.

 

ઘરમાં ટી.વી. ખરું પણ પતિએ ડીશ - કેબલ કનેક્શન લીધું નહોતું. માત્ર દૂરદર્શન જોવાનું. એફ.એમ. રેડિયો હાથવગો. એ સિવાય કોઈ મનોરંજન નહિ. સમી સાંજે પતિ નોકરીએથી ઘરે આવે એટલે જમીને ઘરની બહાર પાન મસાલો ખાવા માટે જાય. થોડી વારમાં પાછો આવે, થાક્યો-પાક્યો પથારીમાં પડતાની સાથે જ સૂઈ જાય. એકલી પડી ગયેલી દીપાનાં ડુસકાં બેડરૂમની દીવાલો અને છત સાથે અફળાયાં કરે. દીપાની વેદના સાંભળનાર, સમજનાર કોઈ નહિ.

 

ઓગણીસ વર્ષનાં લગ્નજીવનમાં પડખું ફરીને સૂઈ જનાર હેમાંગ પત્નીને એક સંતાન પણ આપી શક્યો નહોતો અને પત્નીને વગોવવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. સમાજ પતિ તરફ શંકાની નજરથી જોતો નથી. લોકોએ તો દીપાને જ "વાંઝણી...નું બિરુદ આપ્યું હતું. દીપા બિચારી શું કરે? દીપા સમાજ પ્રત્યે તિરસ્કાર વ્યક્ત કરતી. લોકો દોષનો ટોપલો કાયમ સ્ત્રીના માથે જ કેમ ઓઢાડે છે?

 

દીપાને ભાનુ માસી પ્રત્યે ખુબ લગાવ. તે માસીને કહેતી કે "માસી, સ્ત્રીને સંતાન ન થાય તો એમાં સ્ત્રીનો શું વાંક? શું પુરુષનો કોઈ જ વાંક નહિ? સ્ત્રી તરીકે જન્મ લીધો એ જ આપણો વાંક ને? નવ નવ મહિના તો વેઠવાનું જ અને પ્રસૂતિની પીડા પણ સ્ત્રીએ જ વેઠવાની. આમ છતા બાળક ન થયું હોય ત્યારે નિંદા અને કૂથલી પણ સ્ત્રીની જ કરવાની?

 

ભાનુ માસી કહેતાં કે "જો દીપા, આપણા સમાજની જ આ જ કડવી સચ્ચાઈ છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બનતી આવી છે. તારી સગી માએ જ તને કૂવામાં ધકેલી ને? તારી માને ખબર હતી કે તારી મરજી નથી, ત્યારે તારો પક્ષ લઈને તેણે તારા બાપને સમજાવવાનો પ્રયત્ન કેમ ન કર્યો? તારા દુ:ખથી શું તારાં મા-બાપ અજાણ હતાં? આજે તો હવે સાયન્સે પણ એ વાત સાબિત કરી આપી છે કે સંતાન ન થાય તો એમાં વાંક સ્ત્રીનો નહિ, પુરુષનો હોય છે. સિવાય કે કોઈ અપવાદ કિસ્સો હોય.

 

દીપાને પોતાની જિંદગીનાં આંસુ ફ્લેશબેકમાં યાદ આવતી જાય છે. એક વાર લગ્નજીવનની શરૂઆતના દિવસોમાં તે પતિની રિસાઈને પિયર ગઈ હતી. મા-બાપે રાખવાના બદલે દાઝ્યા ઉપર ડામ જ આપ્યા હતા: "શું મોઢું લઈને તું તારું સાસરું છોડીને અહીં આમ પિયર દોડી આવી છું? અમે તો આજે છીએ અને કાલે ન પણ હોઈએ. તારે કોઈ ભાઈ-બહેન પણ નથી. પરણેલી સ્ત્રીનું સાચું ઘર તેનું સાસરાનું, પતિનું ઘર જ ગણાય. પતિ જેવો હોય તેવો ચલાવી લેવાનો હોય. હેમાંગ સાથે જ તારે આખી જિંદગી પૂરી કરવાની છે. આજે નહિ તો કાલે, સૌ સારા વાના થઈ જશે. ચાલ, અમે તને મૂકવા આવીએ છીએ.

 

આ તરફ હેમાંગે પત્નીને મહેણાં-ટોણાં મારવામાં કંઈ બાકી રાખ્યું નહોતુ: "કેમ, મોટા ઉપાડે કૂદતી કૂદતી તું તારાં મા-બાપના ઘરે ગઈ હતી ને? બસ, સંતોષ થઈ ગયો ને? મા-બાપે કેટલો સમય રાખી? મને ખબર જ હતી કે તને સંઘરે કોણ? મારા વિના તારો ઉદ્ધાર નથી. તારાં મા-બાપ પણ તને રાખવા તૈયાર નથી, તો પછી તું મગરુબી શાની કરતી ફરે છે? દીપા પાસે આંસુ સિવાય કોઈનો સહારો નહોતો. તે ખોબો ભરીને રોઈ પડી હતી.

 

આજે દીપાએ લોકલાજે સફેદ સાડલો પહેર્યો હતો અને માથે પણ ઓઢ્યું હતું. હેમાંગની તસવીરને ઔપચારિક નમસ્કાર કરી લીધાં. મકાનનો દરવાજો બંધ કર્યો અને ખાલી ખિસ્સે, યાને ખાલી પર્સ સાથે ચાલતી ચાલતી તે બેન્કમાં ગઈ. હેમાંગે પોતાનાં બેન્ક ખાતા નંબર કે બેન્ક બેલેન્સ વગેરે કોઈ માહિતી પત્નીને કદીય આપી જ નહોતી. પરંતુ પતિ તેને ક્યારેક બેન્કમાં સાથે લઈ જતો હોવાથી બેન્કના સ્ટાફનો આછો પાતળો પરિચય ખરો. હેમાંગનો એક મિત્ર આ બેન્કમાં જ હોવાથી દીપા તેને જાણતી હતી.

 

બેન્કમાં ગયેલી દીપાને જાણવા મળ્યું કે તેનો પતિ તો પોતાના નોમિની તરીકે પત્નીનું નહિ પરંતુ પોતાના નાના ભાઈનું નામ લખાવતો ગયો છે, ત્યારે તેના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ. પતિના બેન્કવાળા મિત્રે દીપાને બીજી વિગત કહીને તો ચોંકાવી જ દીધી કે તમારું મકાન પણ હેમાંગભાઈએ પોતાના નાના ભાઈના નામે જ કરાવેલું છે. જો તે ઑનર તરીકે પઝેશન માગે તો તમારે મકાન ખાલી કરવાનું પણ આવે. આ સાંભળીને દીપા ત્યાં જ ઢળી પડી.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtO9GON6EAxEKu9MTuko8htopFR-FhqO-9a_j03Bvhrvg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment