Tuesday, 10 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વાહિયાત વાતોથી લોકોને ભ્રમમાં રાખવાનો ઉદ્યોગ (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વાહિયાત વાતોથી લોકોને ભ્રમમાં રાખવાનો ઉદ્યોગ!
ઉઘાડી બારી-ડૉ. દિનકર જોશી

અસુર ગુરુ શુક્રાચાર્યની પુત્રી દેવયાની અને અસુર રાજા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠા સ્નાનાર્થે જળાશયમાં ઊતરી અને પછી વસ્ત્રોની અદલાબદલી થઇ ગઇ એવી એક ઉપકથા મહાભારતમાં છે. રાજા યયાતિ આખ્યાન બહુ જાણીતું છે. દેવયાની અને શર્મિષ્ઠાના વસ્ત્રોની જે રીતે અદલાબદલી થઇ ગઇ એવી જ કથા સત્ય અને અસત્ય વિશે પણ છે. જળાશયમાં ઊતરેલા સત્ય અને અસત્ય પૈકી અસત્યે જલદી જલદી બહાર આવીને સત્યના વસ્ત્રો પહેરી લીધાં. આ વસ્ત્રો પહેરીને અસત્યે ત્યાંથી વિદાય પણ લઇ લીધી. સત્યે બહાર આવીને જોયું તો અસત્ય પણ ત્યાં નહોતું અને પોતાના વસ્ત્રો પણ ત્યાં નહોતાં. સત્ય માટે હવે અસત્ય પોતાના જે વસ્ત્રો ત્યાં છોડી ગયો હતો એ ધારણ કર્યા સિવાય છૂટકો નહોતો.

 

અસત્યના આ વસ્ત્રો ધારણ કરીને સત્યે પોતાના વસ્ત્રો પાછા મેળવવા માટે અસત્યની શોધ કરવા માંડી. નગર, અરણ્ય, પહાડ, ખીણો એમ સર્વત્ર સત્ય ઘૂમી વળ્યો પણ એને જોતાંવેંત એના વસ્ત્રો જોઇને લોકોએ માની લીધું કે આ તો અસત્ય છે. સત્યે પોતાની સાચી ઓળખાણ આપવા માટે જબરદસ્ત પ્રયત્નો કર્યા પણ લોકોએ તો માત્ર વસ્ત્રો જ જોયાં. સત્યના વસ્ત્રો ધારણ કરેલા અસત્યને ત્યારથી લોકો સત્ય માને છે અને અસત્યના વસ્ત્રો ધારણ કરેલા સત્યને લોકો હજુય અસત્ય જ માને છે.

 

ફેક ન્યુઝ જેવો શબ્દ થોડા વરસો પહેલાં આપણે કોઇએ સાંભળ્યો નહોતો. ન્યુઝ શબ્દથી આપણે સહુ વરસોથી પરિચિત છીએ. ન્યુઝ એટલે સમાચાર. જે કંઇ બન્યું છે એને સમાચાર કહેવાય. આમ ન્યુઝ શબ્દને સચ્ચાઇ સાથે સંબંધ છે. ફેકનો અર્થ જુઠ્ઠાણું થાય છે. પત્રકારિતાના શિક્ષણમાં ન્યુઝ શીખવવામાં આવે છે. ન્યુઝ એ અભ્યાસક્રમનો એક ભાગ છે. ફેક ન્યુઝ (કે પેઇડ ન્યુઝ) જેવા પ્રકરણો હજુ અભ્યાસક્રમમાં દાખલ થયા નથી પણ અદ્યતન પત્રકારિતાના અભ્યાસક્રમમાં ટૂંક સમયમાં દાખલ થઇ જશે એ નક્કી છે. ન્યુઝનું રિપોર્ટિંગ તૈયાર કરનાર કરતા ફેક કે પેઇડ ન્યુઝ તૈયાર કરનારો હવે મોટા ગજાનો પત્રકાર ગણાશે.

 

આ ફેક ન્યુઝનો જનક કદાચ ગોબેલ્સ છે. ગોબેલ્સ બીજા વિશ્ર્વયુદ્ધ દરમિયાન જર્મનીના હિટલરનો પ્રચાર મંત્રી હતો. હિટલર અને જર્મનીના વિજય વિશે સાવેસાવ જુઠ્ઠા સમાચારો એ પ્રસારિત કરતો. એ એવું માનતો કે એકનું એક જુઠ્ઠાણું તમે સો વાર પ્રસારિત કરો તો પચાસ માણસો એને સાચું માનતા થઇ જશે. એટલું જ નહીં, બાકીના પચાસ પૈકી, પચ્ચીસ માટે આ જુઠ્ઠાણું પ્રશ્ર્નાર્થચિહ્ન બની જશે. જે શેષ પચ્ચીસ રહ્યા હશે એમને તમે ગુંચવાડામાં નાખીને બહુમતિના નામે કચડી શકશો. ગોબેલ્સે આ કામ યુદ્ધ દરમિયાન સફળતાપૂર્વક કર્યું હતું પણ રંગના કુંડામાં પડેલું શિયાળ પોતાના શરીર ઉપરના ચટ્ટાપટ્ટાને કારણે ચિત્તા જેવું ભલે થોડીવાર દેખાતું હોય પણ વરસાદ ન આવે ત્યાં સુધી જ આ ચિત્તો ભય ફેલાવી શકે છે. વરસાદ આવતાવેંત રંગના પટ્ટા ધોવાઇ જાય છે અને શિયાળની અસલિયત છતી થઇ જાય છે. હિટલર હારી ગયો અને ગોબેલ્સના ફેક ન્યુઝ ધોવાઇ ગયા.

 

જે બન્યું નથી, જે બનવાનું નથી અને જે બની શકે એમ પણ નથી આવી વાહિયાત વાતોને જાણે એ ખરેખર બની હોય અને એ જ જાણે સત્ય હોય એમ ફેલાવીને લોકોને ભ્રમમાં રાખવાનો એક ઉદ્યોગ આજકાલ ચાલી રહ્યો છે. આ ઉદ્યોગમાં મૂડીરોકાણ રાજકારણીઓનું છે અને શ્રમ સંપત્તિ કહેવાતા બુદ્ધિજીવીઓનો છે. આ ઉદ્યોગનો નફો આ બે જણ વહેંચી લે છે અને આ નફાની આવક ઇન્કમટેક્સ રિટર્નમાં ક્યાંય દેખાતી નથી એટલે માત્ર ટેક્સ ફ્રી જ નથી પણ સાવ ફ્રી છે.

 

વિજ્ઞાનના નિયમ પ્રમાણે માણસની જાણકારી જેમ જેમ વધતી જાય એમ એમ જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓ પણ વિસ્તરતી જાય છે. આમ છતાં ૨+ ૨ = ૪ આ જાણકારી ગઇકાલે જે હતી એ જ આજે છે. અને વિજ્ઞાનના ગમે એટલા વિકાસ પછી પણ એ આમને આમ જ રહેશે એમાં કોઇ શક નથી. ઇતિહાસ એટલે આમ બન્યું. આ આમ બન્યું એ પણ ૨+ ૨ = ૪ જેવું જ હોય છે. ઇતિહાસના આવા આમ બન્યુ ને ફેક ઠરાવી શકાય નહીં કારણ કે એ બની ચૂકેલું છે. અખબારી ફેંક ન્યુઝની જેમ આજકાલ ઇતિહાસ પણ ફેક બનતો જાય છે.પુરાણ કથાઓને ગમે તેમ ફેરવીને જાતજાતના અને ભાતભાતના અર્થઘટનો કરીને સાહિત્યના નામે હડસેલી દઇએ ત્યાં સુધી તો ઠીક છે પણ ઇતિહાસ એટલે કે જે ખરેખર બન્યું છે એને કઇ અને કેટલી હદે પેલો ઔદ્યોગિક નફો રળવા એક કરી શકાય?

 

ફેક ન્યુઝ સાથે આ ફેક ઇતિહાસની વાત એટલા માટે યાદ આવે છે કે તાજેતરમાં જ એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં એક વિદુષી મહિલાને વ્યાખ્યાતા તરીકે સાંભળ્યા હતા. એમણે ઇતિહાસ વિશે વાત કરતા એવું કહ્યું કે ઔરંગઝેબે બિહાર અને ઉત્તર પ્રદેશમાં ૩૫૦ મંદિરો બંધાવી આપ્યા હતાં. થોડા વરસો પહેલાં ઔરંગઝેબે કેટલાક હિંદુ મંદિરોને આર્થિક સહાય કરી હતી, એવું ઐતિહાસિક સંશોધન વાંચ્યું હતું. હવે એમાં સંવર્ધન કરીને આ વિદુષી મહિલાએ ઔરંગઝેબના ઇતિહાસનું પૃષ્ઠ વધુ તેજસ્વી કર્યું. સભામાંથી કોઇક પ્રશ્ર્નકર્તાએ કાશી વિશ્ર્વનાથ મંદિરના પરિસરમાં જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાના કૃષ્ણ મંદિરની લગોલગ બંધાયેલી મસ્જિદ વિશે પ્રશ્ર્ન કર્યો ત્યારે આ વક્તા બહેને જે જવાબ વાળ્યો એ ઐતિહાસિક જ્ઞાનની પરાકાષ્ઠા છે. એમણે કહ્યું કે જ્યારે કોઇ વિધર્મીઓ અજાણ્યા મુલકમાં આવે ત્યારે એમને પોતાના ધર્માનુસાર પ્રાર્થના સ્થળની જરૂર પડે જ છે. આવું પ્રાર્થના સ્થળ બાંધવા માટે કઇ ભૂમિ પવિત્ર હશે એ વિશે એમને જાણકારી હોતી નથી એટલે તેઓ જે તે પ્રદેશમાં પ્રાચીન પ્રાર્થના સ્થાનકો હોય એ ભૂમિ પવિત્ર જ હશે એમ માનીને એની લગોલગ જ પોતાનું પ્રાર્થના સ્થાન ઊભું કરી લે તો એમાં ખોટું શું છે? સહધર્માચારનો આ તો ઉત્તમ નમૂનો કહેવાય. આપણે આ બધું ઉદારતાથી જોવું જોઇએ.

 

જ્ઞાન -વિજ્ઞાનનો વિકાસ આવકાર્ય છે. નવા નવા સંશોધનો થતા રહે અને એમાંથી માનવ સંસ્કૃતિ વિશે વધુને વધુ જાણકારી મળતી રહે એ પણ એટલું જ આવકાર્ય છે પણ આવકારના ઓઠા હેઠળ અંધારાને અજવાળું કહેવું અથવા અજવાળાને અંધારું કહેવું એને ન્યુઝ કહીશું કે ફેક ન્યુઝ? આપણે તો જે છે તે જાણવું છે. છેનું નથી અને નથીનું છે નથી કરવું.

 

સત્ય અને અસત્ય વચ્ચે આપણા સ્વાર્થ ખાતર કેટલીક વાર આપણે સંઘર્ષ પેદા કરીએ છીએ. આ સંઘર્ષ આપણે સમજતા હોઇએ છીએ. સત્ય અને અસત્યે પરસ્પરના વાઘા બદલ્યા છે એ આપણે બરાબર સમજતા હોઇએ છીએ. આ વાઘા સમય જતા ર્જીણ થઇ જાય ત્યારે સત્ય અસત્યની અસલિયત ઓળખાઇ પણ થઇ જાય. આવી ઓળખાણ આપણા પેલા સ્વાર્થને અણગમતી લાગે એટલે સત્ય અસત્યના પેલા ર્જીણ વાઘાને આપણે જ બદલી નાખતા હોઇએ છીએ. માનવ જીવનની કરુણતા એ વાતની છે કે વાઘાની આ અદલાબદલી પણ આપણે સચ્ચાઇના નામે જ કરતા હોઇએ છીએ. આવી ફેક સચ્ચાઇનું સંરક્ષણ જ્યાં સુધી થતું રહેશે ત્યાં સુધી આપણે માણસ ખરાં, પણ ફેક માણસ ગણાઇશું.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtnRGJg%2BWR_vFki9kt0X4Ef8nu4-Fp1T-HEfbC6MjTqjw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment