Saturday, 28 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ વિદેશની વાતો (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક જ બોગીમાં રેલ અને હવાઇ સફરનો સહિયારો આનંદ
વિદેશની વાતો-મેધા રાજ્યગુરુ

તમારી પાસે દિલ્હી જવાની વિમાનની ટિકિટ છે, પણ તમે મુંબઇના બોરીવલી વિસ્તારમાં રહો છો તો પ્રથમ તો તમારે સાન્તાક્રુઝ ઍરપોર્ટ સુધી ટ્રેન કે અન્ય વાહન દ્વારા પહોંચવુ પડે, ત્યાર બાદ ફલાઇટ પકડીને તમે દિલ્હી ભેગા થાવ. આમાં ઘરેથી એરપોર્ટ સુધી પહોંચવામાં , ત્યાર બાદ એરપોર્ટના દરવાજાથી પ્લેનના દરવાજા સુધી જવામાં તેમ જ તપાસ વગેરેમાંથી પસાર થવામાં કેટલો બધો સમય વેડફાય? કેટલી બધી હાડમારી ભોગવવી પડે? પણ આની બદલે બોરીવલીથી જ રેલવે ટ્રેક પર એવો ડબ્બો હોય જે તમને સાન્તાક્રુઝ ઍરપોર્ટ ર સુધી રેલ યાત્રા કરાવે ત્યાર બાદ આ જ ડબ્બો વિમાનના એવા મોઢિયા સાથે જોડાઇ જાય જેમાં ઍંજિન અને પાંખો હોય અને થોડી વારમાં જ આ આખો ડબ્બો ઊડવા માંડે દિલ્હી ભણી. તમારી ટિકિટની ચેકિંગ ક્ે અન્ય કોઇ પણ તપાસ પણ આ ડબ્બામાં બેસતા જ થઇ જાય. એટલે સુધી કે તમારી આંખોનું સ્કેનિંગ પણ આ ડબ્બામાં બેઠા બેઠા થઇ જાય. વળી આ જ ડબ્બો દિલ્હીમાં છૂટો પડી, ટ્રેનની માફક સવારી કરીને તમને કોઇ સ્થાનિક જગ્યાએ પહોંચવું હોય તો પહોંચાડી દે તો?

 

યસ, અત્યાર સુધી માત્ર જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં જોવા મળે એવા દૃશ્યો ભવિષ્યમાં તમને વાસ્તવમાં માણવા મળશે, જો ફ્રાન્સની આક્કા નામની કંપનીએ ડિઝાઇન કરેલી લિન્ક એન્ડ ફ્લાય યોજના સફળ થાય તો.

 

'જોડો અને ઊડો ' ડિઝાઇન પર આધારિત આ કંપનીએ બનાવેલી એક કોમર્શિયલ ફિલ્મને તાજેતરમાં જ એક ઍરોસ્પેસ ફેસ્ટિવલમાં પ્રોડક્ટ માર્કેટિંગ શ્રેણીમાં બેસ્ટ ફિલ્મનો એવૉર્ડ પણ મળ્યો છે. મોટી મોટી વિમાની કંપનીઓ આ ડિઝાઇનનો અભ્યાસ કરીને ભવિષ્યમાં આ જાતની ઊડતી ટ્રેન બનાવવામાં સફળ થાય તો પ્રવાસીઓને ટ્રેન અને હવાઇ બેઉ જાતના પ્રવાસ એક જ વાહન દ્વારા માણવા મળશે.

 

ફ્રાન્સની આક્કા ટૅકનોલોજીએ બનાવેલી વીડિયો ફિલ્મમાં જણાવેલી વિગતો મુજબ આકાશથી છેક તમારા ઘર નજીકની ગલીઓ સુધી પહોંચાડતી આ ઊડતી ટ્રેનનો ડબ્બો કોઇ ટયૂબ જેવો નળાકાર હશે. આ ટ્યૂબ પૈડાઓ પર ગોઠવાઇને ટ્રેનની માફક દોડી પણ શકશે અને ઍંજિન તેમ જ પાંખો વાળા વિમાન સાથે જોડાઇને હવામાં ઊડી પણ શકશે. આ ફ્લાઇંગ ટ્રેન 39,800 ફીટની ઊંચાઇએ ઊડી શકશે. જેની સ્પીડ 600 માઇલ પ્રતિ કલાક હશે. 33.8 મીટર ( 112.5 ફિટ) લાંબી અને 8.2 મીટર (27.3 ફિટ) ઊંચી હશે. તેની ખુલેલી પાંખોની કુલ પહોળાઇ 48.8 મીટર ( 162.5 ફિટ) હશે. એક સમયે 162 પ્રવાસીઓનો સમાવેશ કરી શકાશે. બેસવાની સીટો કાઢી શકાય એવી વ્યવસ્થા પણ હશે એટલે માલ સામાનની હેરફેર કરવી હોય તો એ પણ શક્ય બનશે.

 

આક્કા કંપનીના સી.ઇ.ઓ. મોરિસ રિક્કીના જણાવ્યા મુજબ બોઇંગ જેવી મોટી વિમાની કંપનીઓ અમારી ડિઝાઇન કરેલી ફલાઇંગ ટ્રેનના ઘરાક બની શકે છે કારણ કે તેમના એ-320 વિમાનો અને અમારી ફલાઇંગ ટ્રેન કદની દૃષ્ટિએ લગભગ સરખા છે. જો આ મિશન સફળ થાય તો જેમ રેલવેના મોટા જંક્શન આગળ એક ગાડીનો ડબ્બો છૂટો પડીને બીજી ગાડીના ઍંજિન સાથે જોડાઇ જાય એ જ રીતે તમે જે વાહનમાં ઍરપોર્ટ સુધી પ્રવાસ કર્યો હશે એ જ વાહન હવે વિમાનના ઍંજિન સાથે જોડાઇ જશે. જોડાયા પછી વિમાનની પાંખો ખૂલશે. થોડી જ વારમાં ટેક ઓફ કરીને હવામાં ઊડવા લાગશે. થોડી વાર પહેલાં તો તમે જમીન પર દોડતી ટ્રેનનો આનંદ માણી રહ્યા હતાં, પણ હવે આ ડબ્બામાંથી જરાય હલન ચલન વગર તમે, તમારા ડબ્બા અને અન્ય પ્રવાસીઓ સહિત વિમાન સાથે જોડાઇને હવામાં ઉડવા લાગશો. આને જ કહેવાય જોડો અને ઊડો.

 

જમીન પર બસની જેમ ચાલતી અને પાણીમાં જહાજ બનીને તરતા વાહનને તો સફળતા મળી છે.

 

હવે, સમય અને શ્રમ બચાવતી તેમ જ એક જ વાહન દ્વારા રેલ અને હવાઇ યાત્રાનો આનંદ આપતી આ ફ્લાઇંગ ટ્રેન ક્યારે વાસ્તવિક રૂપ ધારણ કરે એની રાહ જોવાઇ રહી છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvYJXHjq48fR%3DTz3ygiGO7usjdYCfEXmQB1h6kNYcTMWA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment