Friday, 6 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ લીલાં પાંદડાંવાળી શાકભાજી ચોમાસામાં ન ખાઓ (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



લીલાં પાંદડાંવાળી શાકભાજી ચોમાસામાં ન ખાઓ!
જિગીષા જૈન
methi

વળી એમાં માટી, કીડા અને કીટાણુઓની સંખ્યા એટલી વધુ હોય છે કે એ ખાવી રિસ્કી છે. એટલે આ ચાર મહિના એ અવગણો તો એની અવેજીમાં આ સીઝનમાં બીજું શું ખવાય અને ખાવાની બાબતમાં બીજી શું કાળજી રાખવી એ આજે જાણી લઈએ

વર્ષાઋતુ ઘણાં પરિવર્તનો લઈને આવે છે. આપણા શહેરી જીવનમાં ઘણાંબધાં ઍડ્જસ્ટમેન્ટ આપણે કરવાં પડે છે. ટ્રાન્સપોર્ટ અઘરું થઈ પડે છે, બીમારીઓ વધી પડે છે અને ખોરાક પણ બદલાઈ જાય છે. સવારના ટ્રેનમાંથી ઑફિસ જવા નીકળીએ ત્યારે રસ્તામાં વડાપાંઉ ખાઈ લઈએ એટલે નાસ્તો થઈ જાય અને સાંજે ટ્રેનમાં પાછા જતાં ભૂખ લાગે ત્યારે ૧૦ રૂપિયાની ભેળ કે ૧૫ રૂપિયાનાં બે સમોસાં ખાઈ લઈએ એટલે સાંજની ભૂખ સંતોષાઈ જાય. ઘણાને તો ઘરે ડિનર પણ ન કરે તો ચાલે એવી હાલત હોય છે, પરંતુ ચોમાસામાં આ ૧૦ રૂપિયાનું વડાપાંઉ કે ભેળ બીમારીને તાણી લાવી લાંબો ખર્ચો ન કરાવે એટલે સમજુ મુંબઈકરો ઘરેથી જ મહેનત કરી ડબ્બા સાથે રાખે છે. વરસતા વરસાદમાં ગરમ ભજિયાં, વડાપાંઉ કે સમોસાં સારાં જ લાગવાનાં; પરંતુ સ્વાદ પર ન જઈને સેહત વિશે વિચારવું ચોમાસામાં અત્યંત જરૂરી છે નહીંતર એકાદ અઠવાડિયાનો ખાટલો જરૂર આવી શકે છે. ચોમાસામાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે. એ માટે શું કાળજી રાખવી એ વિચારીએ.

શાકભાજી અને ફળોને ધોવાં

આજકાલ બજારમાં જે શાકભાજી મળે છે એમાં ખૂબ જ માટી રહેવાની જ છે. એટલે બજારથી શાકભાજી ખરીદીને આવો એ પછી ઘરે આવીને એને સારા પાણીએ વ્યવસ્થિત ધોવી જરૂરી છે જેથી બધી જ માટી નીકળી જાય. ઘણી વાર એવું બનતું હોય છે કે પાણીથી ધોયા પછી પણ માટી અને કીટાણુઓ સાફ થતા નથી. આ બાબતે વાત કરતાં ફિમ્સ ક્લિનિક, વિલે પાર્લે અને માટુંગાના હીલિંગ ડાયટ-સ્પેશ્યલિસ્ટ ધ્વનિ શાહ કહે છે, 'શાકભાજી તો પછી પકવવાની જ હોય એટલે એમાં એટલો કદાચ પ્રૉબ્લેમ થતો નથી. રાંધતી વખતે કીટાણુ મરી જાય છે, પરંતુ ફળોને પકવવાનાં હોતાં નથી. એટલે એમને વ્યવસ્થિત કીટાણુમુક્ત કરવાં જોઈએ. આજકાલ બજારમાં મળતાં ઓઝોનાઇઝર મશીન ઘણાં સારાં હોય છે, જેમાં ઍન્ટિબૅક્ટેરિયલ પ્રૉપર્ટી હોય છે. આ મશીન તમારી પાસે ન હોય તો એક નાની ડોલ જેટલા પાણીમાં રેગ્યુલર વાપરવામાં આવતો એક કપ સફેદ વિનેગર નાખી દો અને એનાથી ફળો અને શાકભાજી ધોઈ કાઢો. આ રીત પણ ઘણી અસરકારક છે. વિનેગર ઍસિડિક હોય છે એટલે એ કીટાણુઓને દૂર કરે છે.'

ખોરાક રાંધીને જ ખાવો

રોડસાઇડ ખુલ્લામાં રાખેલો ખોરાક ચોમાસામાં ઇન્ફેક્શન કરી શકે છે અને એને કારણે ઝાડા-ઊલટી, કમળો, મરડો, ટાઇફૉઇડ જેવા રોગો થઈ શકે છે. એટલે બહારનો ખોરાક જેટલો ટાળી શકાય એટલો આ ઋતુમાં ટાળવો. ઘણી વાર આપણને લાગે છે કે હોટેલ્સમાં બધું સાફ જ રહે છે, પરંતુ જરૂરી નથી એવું હોય. આ બાબતે વાત કરતાં ક્રિટિકૅર હૉસ્પિટલ, જુહુનાં ડાયટિશ્યન યોગિતા ગોરડિયા કહે છે, 'ખોરાક રાંધીએ એટલે એ જંતુરહિત બને છે. ઘરે પણ કાચું સૅલડ કે વેજિટેબલ જૂસ પીવાનું ટાળવું જોઈએ. આ સિવાય ઘણાં ઘરોમાં સવારે રસોઈ બની જાય અને વધ્યું હોય તો એ રાત્રે પણ ચલાવતા હોય છે. ઘણા બે દિવસ જૂનું રાંધેલું પણ ખાતા હોય છે. આવી ભૂલો આ સીઝનમાં ન કરવી. તાજું રાંધો અને તાજું જ ખાઓ. આદર્શ રીતે તો ખોરાક પકવ્યા પછી બે કલાકમાં ખાઈ લેવો જોઈએ, પરંતુ જો એમ ન કરી શકાય તો જે ટંકે જમવાનું છે એ ટંકે જ બનાવેલું હોય એટલું તો ધ્યાન રાખો જ. ઘરે પણ ખોરાકને ઢાંકીને જ રાખો. આ નાની બાબતો તમને મોટી બીમારીઓથી દૂર રાખશે.

leafy

 

લીલાં પાંદડાંવાળી શાકભાજી

આમ તો જ્યારે હેલ્થની વાત આવે છે ત્યારે નિષ્ણાતો લીલાં પાંદડાંવાળી શાકભાજી ભરપૂર ખાવાનું કહે છે, કારણ કે આ શાકભાજીમાંથી કૅલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં મળે છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી છે; પરંતુ ચોમાસામાં વરસાદને કારણે લીલાં પાંદડાંવાળી શાકભાજી ખૂબ ઓછી મળે છે. જે મળે છે એ સારી ગુણવત્તાની મળતી નથી. વળી એ જમીનથી જોડાયેલી હોવાથી એમાં માટી, કીડા અને કીટાણુ વધુ માત્રામાં હોય છે. આ કારણ સમજાવતાં ધ્વનિ શાહ કહે છે, 'આ માટે પાલક, ફુદીનો, કોથમીર, તાંદળજો, મેથી વગેરે આ સીઝનમાં ન ખાવાં વધુ સારાં છે. એટલું જ નહીં, કોબી અને ફ્લાવર જેવી શાકભાજી જે પાણીથી ધોવા છતાં વ્યવસ્થિત સાફ નથી થતી અને એમાં કીટાણુઓ રહી જઈ શકે છે એ રોગના કારક બને છે. એટલે એ ખાવા માટે અવગણી શકાય. એની અવેજીમાં ટીંડોળાં, પરવળ, દૂધી, ગલકાં, કારેલાં જેવાં શાક ખાવાં જોઈએ.'

કમીને પૂરી કરવા માટે  

જો લીલાં પાંદડાંવાળી શાકભાજી ન ખાઈએ તો એની અવેજીમાં જે પોષણનો અભાવ થાય એનું શું કરવું? આ પ્રશ્નનો જવાબ આપતાં ધ્વનિ શાહ કહે છે, 'ચોમાસામાં ઇન્ફેક્શનથી બચવા માટે સામાન્ય ખોરાકમાં આદું, હળદર, કાળાં મરી કે તીખાનો પાઉડર અને લવિંગનો ઉપયોગ કરવો. એેનાથી રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને પાચન સરળ રહે છે. આ સિવાય આ ઋતુ દરમ્યાન ઍન્ટિઇન્ફ્લમૅટરી ઇફેક્ટ માટે એટલે કે વાત-પિત્ત ન વધે કે સોજા ન ચડે એ માટે પણ હળદર, જીરું અને તજનો પ્રયોગ કરવો જોઈએ. લીલાં પાંદડાંવાળી શાકભાજીમાંથી મળતા કૅલ્શિયમની ઊણપ પૂરી કરવા તલ, સોયાબીન, છોલે, દહીં અને ચીઝનો પ્રયોગ કરી શકાય અને આયર્ન એટલે કે લોહતત્વની કમી પૂરી કરવા માટે ખજૂર, સફરજન અને રાગી વાપરી શકાય.'

શું ખાવું?

આ સીઝનમાં હર્બલ ટી કે ગ્રીન ટી કે ઉકાળા પીવા જોઈએ એવી સલાહ આપતાં યોગિતા ગોરડિયા કહે છે, 'આ ઉપરાંત આ સીઝનમાં ખાસ સરગવાની શિંગ ખાવી જોઈએ, જે પોષક તkવોનો ભંડાર છે અને આ સીઝનમાં સરળતાથી ઉપલબ્ધ થાય છે. દરરોજ શાક બનાવવું શક્ય ન હોય તો ફક્ત બાફીને મીઠું ચડાવીને ખાઈ શકાય છે. ગોળ, ઘી, સૂંઠ, પીપરીમૂળની ગોળી બનાવીને રાખો અને દરરોજ એક ખાઓ. તુલસી-ફુદીનો-આદું નાખીને બનાવેલી ગ્રીન ટી પણ પાચનમાં ઉપયોગી બની શકે છે. આ ઉપરાંત હિંગ, જીરું, કાળાં મરી, ધાણા વગેરે પણ પાચનમાં અત્યંત ઉપયોગી મસાલાઓ છે. આ સીઝનમાં ઠંડક રહે છે અને ગરમાટો મેળવવા માટે દૂધમાં સૂંઠ, હળદર, કેસર, ખજૂર, પીપરીમૂળ જેવી ઔષધીમાંથી કોઈ પણ એક ઔષધ લઈ શકાય છે, જે ખૂબ જ ગુણકારી સાબિત થઈ શકે છે. કફ પણ થતો નથી.'




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtHjbFynYRvkDnXXsf9at%3DG_yDaEeyqVJG0R6hv0cM1pQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment