Friday, 6 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ટીવી દર્શનમાં છીએ શૂરા (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટીવી દર્શનમાં છીએ શૂરા મેદાન પર ભલે હોઈએ બુરા!
ભવેન કચ્છી
 

 

ઓલિમ્પિક, વર્લ્ડ કપ ફૂટબોલ, ગ્રાન્ડ સ્લેમ ટેનિસ, રેસિંગ, એથ્લેટિક્સ, સ્વિમિંગમાં દર્શકોની રીતે આપણો ડંકો વાગે.


વર્લ્ડ કપ ફૂટબોલનો રોમાંચ... એસીની ઠંડકમાં સોફા પર બેસીને વેફર પર વેફર ઝાપટવાની અને સોફ્ટ ડ્રિંકના ઘૂંટડા ગળવાના... મજ્જાની લાઇફ... મેદાન પર જઇને પગ શું કામ હલાવવા.

 

વર્લ્ડ કપમાં નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશેલી ૧૬ ટીમોની કુલ વસ્તી ભારત કરતા પણ ઓછી!


ક્રિકેટમાં જ ગળાડૂબ પણ ૧૧માંથી બે જ વર્લ્ડ કપ જીત્યા છીએ.

 

વર્લ્ડ કપ ફૂટબોલમાં 'બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના' કહેવત બરાબર બંધ બેસે તે હદે ચાહકોનો ફિવર જામ્યો છે. ભારતની વસ્તી ૧૩૨ કરોડ છે. તમે જાણીને આઘાત અનુભવશો કે જે ૧૬ દેશોની ટીમ નોક આઉટ રાઉન્ડમાં પ્રવેશી હતી તે તમામની વસ્તીનો સરવાળો કરશો તો પણ તે આંક ૧૩૨ કરોડ પર નથી પહોંચતો.

 

બ્રાઝિલ    ૨૦ કરોડ
રશિયા    ૧૪ કરોડ
જાપાન    ૧૨ કરોડ
મેક્સિકો    ૧૨ કરોડ
ફ્રાંસ    ૬ કરોડ
ઇંગ્લેન્ડ    ૫ કરોડ
આર્જેન્ટિના    ૪ કરોડ
સ્પેન    ૪ કરોડ
કોલંબિયા    ૪ કરોડ
બેલ્જીયમ    ૧ કરોડ
પોર્ટુગલ    ૧ કરોડ
સ્વીડન    ૯૯ લાખ
સ્વીત્ઝર્લેન્ડ    ૮૩ લાખ
ડેન્માર્ક    ૫૭ લાખ
ક્રોએશિયા    ૪૧ લાખ
ઉરૃગ્વે    ૩૪ લાખ

 

આ ૧૬ દેશોની કુલ વસ્તી ૮૭ કરોડ પ્લસ પર માંડ પ્હોંચે છે. જે ૩૨ દેશોની ટીમો વર્લ્ડકપમાં ઉતરી હતી તેમાં ૩૨ કરોડની વસ્તી ધરાવતા અમેરિકાને બાજુએ મુકો તો વર્લ્ડકપની બાકીની મહત્તમ દેશોની વસ્તીને ભારતની વસ્તીના આંકમાં સમાવી શકાય. હવે વર્લ્ડકપ ફૂટબોલને ટીવી પર નિહાળતા ભારતીય દર્શકોના આંક પર નજર નાંખીએ.

 

આ લખાય છે ત્યારે વર્લ્ડકપની તમામ ગુ્રપ મેચો પૂરી થઈ ચૂકી છે. (૧૪ જૂન-૨૮ જૂન) બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડા પ્રમાણે ૧૧ કરોડ દર્શકોએ ગુ્રપ મેચો જોઈ છે. જે ૨૦૧૪ના વર્લ્ડકપ કરતા બમણો આંક છે. નોકઆઉટ, ક્વાર્ટર ફાઈનલ્સ, સેમિફાઇનલ અને ફાઇનલ પુરી થશે ત્યારે કુલ દર્શકોનો આંક રેકોર્ડ ૨૦ કરોડ વટાવી ચૂક્યો હશે.

 

આઈપીએલ ૬૦.૩ કરોડ દર્શકો અને પ્રો કબડ્ડી-૩૦ કરોડ પછી વર્લ્ડકપ ફૂટબોલ સૌથી વધુ દર્શકો ધરાવતી રમત અને ઇવેન્ટ પૂરવાર થશે. જોકે રીપોર્ટનું એક આશ્ચર્યજનક તારણ એ પણ બહાર આવ્યું છે કે ભારતમાં વર્લ્ડ કપ ફૂટબોલના કુલ દર્શકો પૈકી ૪૬ ટકા મહિલા છે!

 

વર્લ્ડકપ ફૂટબોલની નોકઆઉટ તબક્કે પ્રવેશેલી ૧૬ ટીમોના ઘરઆંગણાના કુલ દર્શકો કરતા પણ ભારતની વસ્તી વધુ હોઈ દર્શકોનો સરવાળો વધુ થાય છે. જોકે વર્લ્ડકપ ફૂટબોલના ૬૦ ટકા દર્શકો બંગાળ, કેરાલા, નોર્થઈસ્ટ અને મહારાષ્ટ્રના છે. ગુજરાત જેવા રાજ્યમાં કુલ દર્શકોના માંડ ચાર ટકા ફૂટબોલ જ ટીવી પર નિયમિત જોઈને ફોલો કરે છે.

 

આઈપીએલનો રેકોર્ડ તો ભારતમાં દર્શકોની રીતે ક્રિકેટની લોકપ્રિયતાની રીતે સમજાય પણ ભારતમાં વર્લ્ડકપ ફૂટબોલ કરતા પ્રો કબડ્ડીના દર્શકો ૩૦ ટકા વધુ છે તે રસપ્રદ બાબત છે. ભારત ફૂટબોલમાં છે જ નહીં તો પણ પ્રાદેશિક ભાષા અને અંગ્રેજી અખબારો મેટ્રો વાચકોને આકર્ષવા જાણે આપણે આર્જેન્ટિના કે બ્રિટન, સ્પેનના અખબારો જોડે તુલના કરતા હોઈએ તેમ કવરેજ આપીએ છીએ.

 

તેની તુલમાં પ્રો કબડ્ડી ભારતમાં જ રમાય છે તો પણ મીડિયામાં તેવું કવરેજ નથી મેળવતું. પ્રો કબડ્ડીના પાંચ ખેલાડીઓના નામ પણ આપણને ના આવડે તેવું બને. આમ છતાં ટીવી દર્શકોની રીતે ભારતમાં તે ક્રિકેટ પછી બીજા નંબરે દર્શકો ધરાવે છે. અમુક ક્રિકેટ શ્રેણી કે જેમાં ભારત રમતુ હોય તો પણ પ્રો કબડ્ડી કે કબડ્ડી વર્લ્ડકપ વધુ દર્શકો મેળવે છે.

 

તે રીતે તેનો કેસ સ્ટડી કરવા જેવા છે.

 

આનું એક મહત્ત્વનું કારણ એ છે કે ભારત હજુ પણ અંતરિયાળ, ગ્રામિણ અને હિન્દી ભાષી બેલ્ટથી પ્રભાવિત દેશ છે જે આપણને મેટ્રો શહેરોમાં રહીને અંદાજ નથી આવતો. ત્યાં કબડ્ડી અને કુસ્તીના ઇવેન્ટ દર્શકોને આકર્ષે છે. વર્લ્ડકપ ફૂટબોલને દર્શકો શહેરોમાંથી જ મળે છે જ્યારે કબડ્ડીને શહેર ઉપરાંત ગામડાઓનો ફાયદો રહે છે.

 

વર્લ્ડકપ ફૂટબોલની જેમ જ ટેનિસની ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ જેવી કે ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલડન અને યુએસ ઓપનના મેન્સ અને વીમેન્સના સિંગલ્સ ઇવેન્ટમાં પણ એક પણ ભારતીય ખેલાડી ક્વોલીફાઈ નહીં થતો હોવા છતાં આપણે મીડિયા અને ટીવીમાં નોંધપાત્ર કવરેજ આપતા થયા છીએ.

 

નડાલ, ફેડરર અને યોકોવિચના નામથી યુવા પેઢી પરિચિત છે પણ ભારતના ટીવી દર્શકોને ટેનિસની આ ગ્રાન્ડ સ્લેમ તે હદે આકર્ષી શકી નથી. ૧૫ દિવસના ઇવેન્ટના કુલ દર્શકોનો આંક છ કરોડ માંડ પહોંચે છે. તેમાં પણ ૧૦ ટકા દર્શકો ફાઇનલના જ હોય છે.

ટેનિસમાં તો સિંગલમાં ભારત હજુ નકશામાં જ નથી પણ ભારતીય હોકી ટીમ તો ચેમ્પિયન ટ્રોફી, અઝલાન શાહ કપ, વર્લ્ડકપ, ઓલિમ્પિક અને એશિયન ગેમમાં પણ ભાગ લે છે. ભારત હોકીમાં પાકિસ્તાનને હરાવવામાં છેલ્લા વર્ષોમાં સરસાઈ ધરાવે છે.

 

ભારતના દર્શકો ગ્રાન્ડસ્લેમ ટેનિસ કરતા પણ હોકીની ભારતીય મેચો જોવા માટે ઉદાસિન છે. ભારત-પાકિસતાન મેચ પણ ચાહકોને આકર્ષતી નથી. ભારતમાં હોકીના ૪ કરોડથી વધુ દર્શકો નથી. જેમાં ભારત હજુ બળદ ગાડા જેવું છે તેવાં ફોર્મ્યુલા કાર રેસિંગના ભારતમાં બે કરોડ દર્શકો છે.

 

હોકીમાં આપણે ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડને ખાસ હરાવી નથી શકતા. ટેબલ ટેનિસ, બેડમિંટનમાં હજુ પણ ચીન, કોરિયા, તૈઇપેઇ, ડેન્માર્ક જાપાન, મલેશિયા, ઇન્ડોનેશિયા અને જર્મનીનો ઉંબરાં આવે એટલે ૧૦માથી આઠ વખત ગબડીએ...

 

ટેનિસ સિંગલ્સમાં વિશ્વના એકથી સો ખેલાડીઓમાં પણ ભારત નથી. ફૂટબોલના વર્લ્ડ રેન્કિંગમાં ભારત ૯૭માં ક્રમે છે. હજુ ત્રણ વર્ષ પહેલા જ ભારત ૧૪૭માં ક્રમ ધરાવતુ હતુ તે જોતા ભાઈચુંગ ભુટિયા અને સુનિલ છેત્રી જેવા ખેલાડીઓને સલામ. ૨૦૨૬ના વર્લ્ડ કપ ફૂટબોલથી હાલ ૩૨ દેશોની ટીમ ભાગ લે છે તેની જગાએ 'ફીફા' ૪૮ દેશોની ટીમને ઉતારવા માંગે છે.

 

ફૂટબોલ, ટેનિસ કે ઓલિમ્પિક જેવા ઇવેન્ટના દર્શકો વધતા જાય તેનાથી સ્પોર્ટ્સ કલ્ચર ઉભુ થતુ હોય તે પૂરવાર નથી થયું.

 

અગાઉની તુલનામાં ક્રિકેટ સીવાયની રમતો શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ રમતા થયા છે પણ ભારત ચેમ્પિયનો પેદા નથી કરી શક્તું.

 

તે પણ હકીકત છે. વર્લ્ડ કપ કે ઓલિમ્પિક અને જે રમતમાં જે ટીમ કે ટીમો પાવર હાઉસ હોય તેને હરાવાય તે જ માપદંડ હોવો જોઇએ. શું આપણા માટે એ શરમજનક બાબત નથી કે આટલો મોટો દેશ વર્લ્ડ કપમાં ક્યારે ભાગ જ નથી લઇ શક્યો ? કપિલદેવ અને તેંડુલકરને ટીવી પર ક્રિકેટ રમતા નિહાળી ધોની, યુવરાજ અને કોહલી જેવા સેંકડો ક્રિકેટરો બહાર આવ્યા. ભારત વિશ્વનો સૌથી ક્રિકેટ ક્રેઝી દેશ બન્યો પણ અન્ય રમતના સ્ટાર જોઇને તેના જેવા બનવાનું સ્વપ્ન ધારણ નથી કરતું.

 

ઘણા એવી દલીલ કરતા હોય છે કે જેમ અન્ય દેશોમાં તેમની સૌથી મનગમતી રમત હોય છે તેમ ભારતમાં ક્રિકેટ લોકપ્રિય છે. તો જાણી લોકે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, સ્પેન, સાઉથ કોરિયા, ચીન, રશિયા, ઓસ્ટ્રેલિયા, નેધરલેન્ડ જાપાન, જર્મની, કેનેડા જેવા દેશોના ખેલાડીઓ અન્ય રમતોમાં ક્વોલિફાય થાય છે. આગેકૂચ કરે છે વિજેતા પણ બને છે.

 

આફ્રિકી દેશોનો પણ આવો રેકોર્ડ છે. ફૂટબોલ ઉપરાંત એથ્લેટિક્સ, સ્વિમિંગ, ટેનિસ, ફોર્મ્યુલા કાર રેસિંગ, રેકેટ ગેમ, બાસ્કેટબોલ, સાયકલિંગ, હોકી, કુશ્તી, વેઇટલિફ્ટિંગ અને શુટિંગમાં પણ તેઓ વૈશ્વિક મેડલ જીતી બતાવે છે. તેમના દેશમાં શુભદાનતથી અને કોર્પોરેટ જગત પ્રદાન આપે છે. ન્યૂઝીલેન્ડ રગ્બીમાં વર્લ્ડ ટોપ છે અને ક્રિકેટ પણ રમે છે.

 

અમેરિકા ઘર આંગણે બેઝબોલ, બાસ્કેટબોલ અને અમેરિકન ફૂટબોલ પાછળ જ ક્રેઝી છે છતા ઓલિમ્પિકમાં મેડલની રીતે મોખરે રહે છે.

 

ટેનિસના રેન્કરો પણ તેઓ ધરાવે જ છે. જીમી કોનર્સ, જોન મેકનરો, અગાસી, સામ્પ્રસ, કુરિયર, ક્રિસ એવર્ટ,  નાવરાતિલોવા જેવા ખેલાડીઓ વિશ્વને ભેટ ધર્યા છે.

 

ઇંગ્લેન્ડ ફૂટબોલ, ક્રિકેટમાં અને ટેનિસમાં કલ્ચર ધરાવે છે. એકમાત્ર ભારત જ એવો દેશ છે જે ઓલિમ્પિકમાં ૧૯૦૦થી તેના બેનર હેઠળ ઉતરે છે અને ૧૧૮ વર્ષમાં એક જ વ્યક્તિગત ગોલ્ડ મેડલ (અભિનવ બિન્દ્રા-શુટિંગ, બેઇજિંગ, ૨૦૦૨) જીતી શક્યું છે. ટેનિસ, એથ્લેટિક્સ, સ્વિમિંગ, ફૂટબોલમાં આખરી યાદીમાં ક્વોલિફાય જ નથી થતું. ક્રિકેટમાં પણ ઇજારાશાહી તો નથી જ. ગાવાસ્કર, કપિલદેવ, તેંડુલકર, ગાંગુલી, દ્રવિડ, ધોની અને કોહલી જેવા વ્યક્તિગત સ્ટાર્સથી ભારત વધુ ઓળખાય છે. પણ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇંડિઝ, સાઉથ આફ્રિકાને એક ટીમ તરીકે તે ભારતની ભૂમિ સીવાય ક્યારેય ભય પમાડનાર નથી લાગ્યું.

 

છેલ્લા પાંચેક વર્ષોમાં અન્ય ટીમો નબળી બની છે. તેમના દેશોમાં ક્રિકેટની રમત નવી પેઢી અપનાવતી જ નથી તેને પગલે સ્ટાર ક્રિકેટરો હવે પેદા નથી થતા તેનો ભારતને ફાયદો થયો છે. ભારતમાં ક્રિકેટર સીવાય કિશોરનું કોઈ સ્વપ્ન નથી. આ હદે ક્રિકેટ જ દિલોદિમાગ અને મીડિયા, ઇન્ફ્રાસ્ટ્રકચર જંગી કમાણીમાં છવાયેલું રહેતું હોવા છતા ૧૧ વર્લ્ડકપમાંથી ભારત માત્ર બે જ વખત વર્લ્ડ કપ જીત્યું છે. વિદેશની ભૂમિ પરનો દેખાવ પણ ચકાસી જૂઓ.
ભારતની સામે ૫૦ લાખની વસ્તી ધરાવતા દેશો અને આફ્રિકી ગરીબ દેશો ક્રિકેટ સિવાયની રમતોમાં પણ ઝળકી બતાવે છે.

 

આપણે ૨૧મી સદીમાં પણ એકાદ જીમ્નાસ્ટને ક્વોલીફાઈ કરી શકીએ છીએ. બે-પાંચ પોઇન્ટ કે સેકંડના અમુક ભાગના અંતરથી બ્રોન્ઝ મેડલ ચૂકી ગયા તેવા હેડલાઈન લગાવીને ફુલાઈ જઇએ છીએ.

 

દરેક વખતે કોઇનું બુરુ ન સાંભળવા ન માંગતો એક વર્ગ કહેશે કે હવે ધીમે ધીમે મેડલ જીતવાના અને ક્વોલિફાય થવાના પરિણામ આવશે પણ ૭૧ વર્ષમાં કેમ આપણે કલંક ના અનુભવ્યો ? જે રીતે બધા સ્પોર્ટસ અને મેડલ મેળવવાના નામે અંગત પબ્લિસીટી અને ધંધો કરવા નિકળ્યા છે તે જોતા ચેમ્પિયનો, ગ્રાન્ડ સ્લેમ ટેનિસના ટોપ રેન્કરો કે ગોલ્ડ મેડલ વિજેતાઓ બહાર આવશે. તેવું ચિત્ર દેખાતુ નથી.

 

સ્પોર્ટસ ચેનલો ગ્રાહકવાર અને મોબાઈલ ફોન મેનિયાનું મોજું દેશભરમાં ફેરવવાની તકથી વિશેષ સ્પોર્ટસને જોતા નથી. કંપનીઓ સ્પોર્ટસ પ્રચારનો ફાયદો ઉઠાવીને ટ્રેનિંગ, કોચિંગનો ધંધો કરે છે પણ ચેમ્પિયન બનવાની કોઈ મેથડ કે તે આશાસ્પદોને જે તે દેશ કે જ્યાં સ્પોર્ટસનું ચેમ્પિયન કલ્ચર હોય ત્યાં અમુક વર્ષો મુકી દેવાતા હોય કે 'કેચ ધેમ કિડ'નો અભિગમ હોય તે દેખાતુ નથી.

 

એકંદરે તમામ રમતો કે જેમાં ભારતને કોઈ લેવા દેવા ના હોય તેનું બજાર, તેના દર્શકો વધારતા જવાના. 'કાઉચ પોટેટો' બનેલા દર્શકો વેફર પર વેફર ઝાપટે અને સોફ્ટ ડ્રિંક્સના ઘૂટડા ગળે, પિત્ઝાની હોમ ડિલીવરી અને મોબાઈલનો ડેટા વધારતા એસીની ઠંડકમાં કાર રેસ, ગોલ્ફ, ટેનિસ, ફૂટબોલ માણે છે. મોબાઈલના કેમેરાથી ફૂટબોલની મેચ જોતા પાળેલા કૂતરાના ફોટા પણ ખેંચે છે. આ છે ભારતનું સ્પોર્ટ્સ કલ્ચર.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OunyeBf9Mg5_Vix%3DJwhM-4hF_WSP%3D%3DQwog6SoVCuBxJWA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment