હંમેશાં! સ્પર્ધકની કૃતિ-પ્રીતેશ શાહ (બોરીવલી) પ્રેમનું પાણી ક્યારેય ચાખ્યું નહોતું તેવો રમેશ. બધાને એક જ સલાહ આપતો-પ્રેમના પાણીમાં ક્યારેય પગ મૂકવો નહીં! પરંતુ દસમાં ધોરણની શરૂઆતમાંજ તેનો પગ પડ્યો પ્રેમના પાણીમાં. અને એવો તે પડ્યો કે તેની જિંદગી જ એક વાર્તા બની ગઈ.
શાળામાં આવવું ગમતું નહીં, પરંતુ હાજરી ૯૦ ટકા. ભણવામાં રસ નહીં છતાંય બીજા બાકડા પર બેસવું. લખવું ન હોય છતાંય 'તેની' પાસેથી પેન માગવી. પીટીના પિરિયડમાં સૌથી ઝડપથી ભાગી શકતો હોવા છતાંય 'તેના' હાથે પકડાઈ જવું. મમ્મીએ ડબ્બામાં મોકલેલ પોતાની મનપસંદ વાનગી પોતે ખાવા પહેલા બીજાને ('તેને') ખવડાવવી. પરીક્ષાના બે દિવસ પહેલા પણ ચોપડીની અંદર નજર કરવા કરતાં તેને નિહાળવી. તે ઓનલાઈન ક્યારે આવશે, તેની રાહ જોવામાં રાતઉજાગરા કરવાં..., અને હજીય કેટલાય નખરાં. આ બધા સાહેબ, પ્રેમના લક્ષણ નહીં તો બીજું શું કહેવાય?! રમેશનો પ્રેમ આમ તો સમજાવવો ઘણો અઘરો હતો, પરંતુ ગૌતમ બુદ્ધના સુવાક્યથી કદાચ થોડીક ચોખવટ થાય. તેમણે કહ્યું હતું, 'જ્યારે તમને કોઈ ફૂલ ગમે છે, ત્યારે તમે તેને તોડી પોતાની પાસે રાખો છો, પરંતુ જ્યારે તમે કોઈ ફૂલને પ્રેમ કરો છો, ત્યારે તમે તેને રોજ પાણી પાશો અને તેની સંભાળ કરશો.' રમેશનો પ્રેમ આવો હતો. મધ કરતાંય મીઠો. એક વર્ષ ચાલ્યું આ બધું 'ફેરવેલ'નો સમય આવ્યો. પોતે જ્યારે નાપાસ થયાની ખબર પપ્પાને કહેવાની હોય અને ત્યારે જેટલી હિંમત ભેગી કરવી પડે તેના કરતાંય વધુ હિંમત રમેશે, શ્રુતિને પોતાના દિલની વાત કહેવા માટે ભેગી કરી. શ્રુતિ સાથેનું ભાવિ ભવિષ્ય તેણે જોઈ રાખ્યું હતું. નહીં નહીં તો આગળના પંદર વરસ કેવાં હશે, શું કરશે, સાથે કેવી રીતે જીવશે તે નક્કી કરી લીધાં હતાં. બધાં જ્યારે સેલ્ફી પાડવામાં મશગૂલ હતા ત્યારે રમેશે શ્રુતિને એક કોર લઈ સઘળી વાત કહી. શ્રુતિ એક મિનિટ માટે તો સ્તબ્ધ થઈ ગઈ, પરંતુ આમાંથી પસાર થઈ હોવાને કારણે તેણે પરિસ્થિતિને ખૂબ સારી રીતે સાચવી લીધી. પહેલા રમેશના પ્રેમની કદર કરતાં 'થેન્ક્યુ' કહ્યું અને પોતે કોઈ બીજાને પસંદ કરે છે એ હકિકત કહેતા 'સોરી' કહ્યું. યાદ સ્વરૂપે બંનેએ સાથે એક સેલ્ફી લીધી. 'ફેરવેલ' ખતમ થયું. બધાં જીવનના પોતપોતાના રસ્તા પર આગળ ચાલી નીકળ્યા. વર્ષો વિતી ગયાં. એક વખત રમેશ રસ્તા પરથી જઈ રહ્યો હતો. સામેથી એક છોકરી આવી. રમેશ તો તેને પહેલી નજરે જ ઓળખી ગયો. નજર અને શરીર ત્યાં જ ઊભા રહી ગયાં, પરંતુ છોકરીએ તેના મોઢા તરફ જોયું નહોતું. કદાચ જોયું હોત તો પણ ઓળખાત નહીં. ખૂબ ઝડપમાં હોય તેવું વર્તાયું. એક અજાણી વ્યક્તિ પાસેથી મદદ માગી હોય તેવા સ્વરમાં વિનંતી કરતાં કહ્યું 'એક્ચ્યુઅલી, હું મારો ફોન ઘરે ભૂલી ગઈ છું અને મારે કોઈને અર્જન્ટ કોલ કરવાનો છે તો પ્લીઝ મને એક ફોન કરવા દેશો. હજી સુધી તે છોકરીને કંઈ ભાન નહોતું કે તે કોણ છે, પરંતુ રમેશે તેને ઓળખી લીધી હતી. ધીરેકથી પોતાનાં ખિસ્સામાંથી ફોન કાઢી તેને આપ્યો. જેવી તે નંબર ડાયેલ કરવા ગઈ કે તેનું ધ્યાન મોબાઈલની સ્ક્રીન પર પડ્યું. પોતાનો અને રમેશનો ફોટો. શ્રુતિ અને રમેશનો 'ફેરવેલ' વાળો ફોટો. શ્રુતિએ ધીરેકથી મોઢું ઉપર કરી જોયું. ઓળખાણ પડી. તે બોલી પડી, 'આટલા વર્ષો પછી પણ??' 'હંમેશાં...' તેણે કહ્યું. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otei0k3Fnnf4yH%2BHFqx88sdLeb%3DqjWktVevCxi4xB%3D%3Dyg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment