નામ : રાશેલ મેગન માર્કલ
સ્થળ : વિન્ડસર કૅસલ સમય : મે ૧૯, ૨૦૧૮, બપોરે ૧૨ (બ્રિટિશ સ્ટાન્ડર્ડ ટાઈમ) ઉંમર : ૩૭ "અંગત રીતે હું લવ સ્ટોરીઝની ફૅન છું. પ્રેમકથાઓ વાંચવી અને ભજવવી મને ખૂબ ગમે છે. મને લાગે છે કે રોમાન્સ આપણા જીવનનું સૌથી અગત્યનું પાસું છે. હું ઇચ્છું કે મારી જિંદગીમાં પણ કોઈ અદ્ભુત લવ સ્ટોરી હોય. મેં 'વેનિટી ફૅર' નામના એક ફૅશન મૅગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂમાં આવું કહ્યું હતું. આ ઇન્ટરવ્યૂ આપ્યો ત્યારે મને કલ્પના પણ નહોતી કે મારા જીવનમાં બહુ ઝડપથી એક પ્રેમકથા આકાર લેવાની છે. એક એવી પ્રેમકથા, જે વિશ્ર્વભરની આંખોને આશ્ર્ચર્યચકિત કરી નાખશે, એક એવી પ્રેમકથા જે ઇતિહાસના પાનાંઓ ઉપર અમર થઈ જશે, એક એવી પ્રેમકથા જેના દાખલા દેવાશે... મારી જિંદગી કંઈ બહુ આશ્ર્ચર્યજનક ઉતાર-ચઢાવવાળી નથી. રાત્રે ઊંઘમાં આંખ મીંચીને કોઈ સપનું જોયું હોય અને સવારે આંખો ઉઘાડતા જ એ સપનું આપણી સામે સાચું પડી જાય તો કેવું લાગે! મારી સાથે કંઈક આવું જ થયું. મારા પહેલાં લગ્ન ટ્રેવર એન્ગલસન સાથે થયેલા. સપ્ટેમ્બર-૧૦, ૨૦૧૧માં થયેલા આ લગ્ન ઑગસ્ટ-૨૦૧૩માં પૂરા થઈ ગયા. કેવી નવાઈની વાત છે? ૨૦૦૪ થી ૨૦૧૧ સુધી હું ટ્રેવર સાથે રિલેશનશિપમાં હતી. અમે કોઈ દિવસ ઝઘડ્યા નથી... એક સુંદર રિલેશનશિપના સાત વર્ષ પછી અમે સમજદારીથી લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નના ત્રણ જ વર્ષમાં અમે એકબીજાથી જુદા થઈ ગયા અને ચોથા વર્ષે તો લીગલ ડિવોર્સ પણ લઈ લીધા. જિંદગી બહુ વિચિત્ર વળાંકો લેતી હોય છે. હું એક સાદાસીધા ઘરની સરળ છોકરી છું. મને બહુ નાની ઉંમરે સફળતા મળી એ સાચું, પણ એ સિવાય મારી જિંદગીમાં કંઈ ચોંકાવી દે એવું બન્યું જ નથી. ઑગસ્ટ-૪, ૧૯૮૧... લોસ એન્જલસની વેસ્ટ પાર્ક હૉસ્પિટલમાં મારો જન્મ થયો. ડોરિયા રેગલેન્ડ મારી મા સોશિયલ વર્કર અને યોગા ઇન્સ્ટ્રક્ટર હતી. અમે વિન્ડસર હિલમાં રહેતા. મારા પિતા થોમસ માર્કલ જે હવે રોઝારીટોમાં રહે છે, મેક્સિકોમાં... એ ત્યારે અમારી સાથે જ રહેતા. મારા પિતા ટેલિવિઝનમાં લાઈટિંગ ડિરેક્ટરનું કામ કરતા. હું અવારનવાર એમના સેટ્સ પર જતી. ટેલિવિઝન અને સિનેમાનો માહોલ મને બહુ ગમતો. મારા પિતાના મિત્રો અને સહકાર્યકરો હંમેશા એમને કહેતા કે, 'તારી દીકરી અભિનેત્રી થવાની છે.' જોકે, મારા પિતાને આ વિચાર બહુ ગમતો નહીં. એ ઇચ્છતા હતા કે હું ખૂબ ભણું. એમને હંમેશા લાગતું હતું કે એકવાર નાટક-ચેટકમાં પડી જતા બાળકો પછી કોઈ દિવસ ભણી શક્તા નથી... જોકે, મારી મા એમના આ વિચાર સાથે સહમત નહોતી. એ બંને મોટે ભાગે કોઈ વિચાર પર સહમત ન થતાં. મારી બાળસ્મૃતિમાં મેં એમની વચ્ચે અનેક વખત ઝઘડા અને અબોલા જોયા છે. મારી મા ખૂબ સારું કમાતી. મારા પિતાની આવક મર્યાદિત હતી, પણ મારી મા અમારા ઘરની તમામ લક્ઝરીની જવાબદારી લેતી. મારા પિતાને એમના આગલા ઘરથી અને મારી માને એના આગલા ઘરથી એક એક સંતાનો હતા. મારા ભાઈનું નામ થોમસ માર્કલ જુનિયર અને મારી બહેનનું નામ સમંથા ગ્રાન્ટ. અમે હોલીવૂડમાં રહેતા. બે વર્ષની ઉંમરે લિટલ રેડ સ્કૂલ હાઉસમાં મેં ભણવાનું શરૂ કર્યું. હું ભણવામાં તેજસ્વી હતી. મારા પિતાના સેટ પર મારી મુલાકાત લિન્ડા એલર્બી સાથે થઈ હતી. 'નિક ન્યૂઝ'માં લિન્ડા ખૂબ પ્રસિદ્ધ ન્યૂઝ રીડર હતી. એને હું ખૂબ ગમતી. મારા પિતા અને મારી મા વચ્ચેના અણબનાવ એટલા બધા વધી ગયા કે હું છ વર્ષની થઈ ત્યારે એમણે છૂટાછેડા લીધા. મારા પિતા એમના વતન મેક્સિકો ચાલી ગયા અને હું મા સાથે હોલીવૂડમાં રહી. હોલીવૂડના એ દિવસોએ મને ઘડી. સ્ટાઈલ, ફૅશન, ગ્રૂમિંગ, ફિનિશિંગથી શરૂ કરીને દુનિયાના લોકો સાથે કેવી રીતે વર્તવું, સારા-ખરાબ માણસની ઓળખ કેવી રીતે કરવી - આ બધું મને હોલીવૂડે શીખવ્યું. હોલીવૂડ એક એવી જગ્યા છે જ્યાં દિવસના મિલિયન્સ ઑફ ડૉલર કમાઈ શકાય-વેડફી શકાય, ને દસ ડૉલરમાં દિવસ કાઢવો હોય તો કાઢી શકાય. નસીબના ઉતાર-ચઢાવ અને સ્ટાર્સની બદલાતી જિંદગીઓ જોતાં જોતાં આખુંય લોસ એન્જલસ આજે પણ જીવે છે. હું જ્યારે ત્યાં આવેલા સ્ટારવૉક પર ચાલતી ત્યારે મને વિચાર આવતો કે આમાં મારો પણ એક સ્ટાર હશે, જો કે મારી પાસે એવો કોઈ ચાન્સ નહોતો. પિતાના ગયા પછી તો ટેલિવિઝન કે સિનેમાના સેટ પર પણ જવાનું બંધ થઈ ગયું. ફિલ્મ અને ટેલિવિઝન સાથે અમારો સંબંધ જ કપાઈ ગયો જાણે. જોકે મારું સપનું હજી જીવતું હતું... મારા પિતાના મિત્રો ક્યારેક હજી મારી માને મળવા આવતાં. એમાંના એક એટલે લિન્ડા એલર્બી. એ જ્યારે આવતાં ત્યારે મારા અભિનયના અને સ્ટાર બનવાના સપનાને પંપાળી જતાં. એક દિવસ એ મારે માટે મોટી સરપ્રાઈઝ અને મારી કારકિર્દીની શરૂઆત લઈને આવ્યાં. હું અગિયાર વર્ષની હતી. એમણે એક નેશનલ ટેલિવિઝન કંપની ચેન્જ કરવા માટેના ટી.વી. કોમર્શિયલમાં મને કામ અપાવ્યું. એ કેમ્પેઈન એટલો બધો સક્સેસફુલ થયો કે એ પછી મને અનેક ઓફર્સ આવી, પરંતુ મારી માએ મને બીજા કેમ્પેઈનમાં કામ કરવા દીધું નહીં. એને પણ અભિનયની કારકિર્દી કરતાં શૈક્ષણિક કારકિર્દીમાં વધુ વિશ્ર્વાસ હતો. જોકે, એ મારા પિતાની જેમ ફિલ્મ કે ટેલિવિઝનની કારકિર્દીની વિરુદ્ધ નહોતી. એ હંમેશા કહેતી, 'માણસ પાસે ઓછામાં ઓછી બે આવડત અને બે પ્રોફેશન હોવા જોઈએ. જિંદગીમાં દરેક વખતે આપણને ધાર્યું કરવાની છૂટ કે સગવડ નથી મળતી... રસ્તો બદલવાની જગ્યા ખાલી રહેવી જોઈએ.' આ કેમ્પેઈન ખૂબ સફળ રહ્યો, નિક ટેલિવિઝન ઉપરના સર્વેમાં મને એ વર્ષની સેક્સીએસ્ટ ટીનએજર જાહેર કરવામાં આવી, પરંતુ એ પછી પણ અભિનય કે મોડેલિંગ માટે કોઈ જગ્યા નહોતી. ઇમાક્યુલેટ હાર્ટ હાઈસ્કૂલ નામની પ્રાઇવેટ સ્કૂલમાં મને દાખલ કરવામાં આવી. આ કૅથોલિક સ્કૂલ હતી, પરંતુ મારા માતા-પિતા પ્રોટેસ્ટન્ટ હોવાને કારણે ત્યાં મને મારા ધર્મથી ઓળખવામાં આવતી. મને બહુ મજા નહોતી આવતી તેમ છતાં આ અમારા ઘરની આસપાસ આવેલી ઉત્તમ સ્કૂલ હતી એટલે મારે ત્યાં જ ભણવું પડ્યું. નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં જ્યારે મને એડમિશન મળ્યું ત્યારે મેં અનેક ચૅરિટી પ્રોજેક્ટ્સમાં કામ કરવા માંડ્યું. ૨૦૦૩માં થિયેટર અને ઇન્ટરનેશનલ સ્ટડીઝના ડબલ મેજર સાથે હું ગ્રેજ્યુએટ થઈ. મારી ઇન્ટરનેશનલ સ્ટડીઝની ઇન્ટર્નશીપ દરમિયાન મેં આર્જેન્ટિનામાં આવેલી અમેરિકન એમ્બેસીમાં પણ કામ કર્યું અને મેડરીડ, સ્પેઇનમાં આવેલી અમારી અમેરિકન એમ્બેસીમાં પણ થોડો વખત કામ કરવાની મને તક મળી. ઇન્ટરનેશનલ સ્ટડીઝમાં મને મજા આવતી, પરંતુ મારું ચિત્ત તો થિયેટરમાં જ હતું. મારી મા ઇચ્છતી હતી કે હું જોબ કરું, મને યુનિવર્સિટીમાં કેમ્પસ ઇન્ટરવ્યૂમાંથી જ ઓફર્સ પણ હતી, પરંતુ મારે તો અભિનય કરવો હતો. અમેરિકામાં ગ્રેજ્યુએશન પછી માતા-પિતા સંતાનને સપોર્ટ કરતાં નથી. ઇચ્છિત કારકિર્દી બનાવવા માંગતા સંતાનને રોકવામાં આવતું નથી, પરંતુ એણે પોતાનો સંઘર્ષ પોતાની જાતે કરવો પડે છે. અમેરિકન ઉછેરની કદાચ આ સૌથી સારી બાબત છે! એક્ટિંગની સરખી ઑફર ન મળે ત્યાં સુધી મારી રોજિંદી જરૂરિયાત અને ખર્ચા કાઢવા માટે મેં કેલિગ્રાફર તરીકે કામ કરવા માંડ્યું. ઇન્ટરનેશનલ અફેર્સ વિશે કામ કરતા એક અખબારમાં હું ફ્રિલાન્સ લેખો પણ લખતી. સાથે સાથે મારા ફોટોશૂટ લઈને ટેલિવિઝન અને સિનેમાના પ્રોડ્યુસર્સના દરવાજા ખખડાવતી રહી. સૌથી પહેલો રોલ મને ટેલિવિઝનના સૉપ ઓપેરા 'જનરલ હૉસ્પિટલ'માં મળ્યો, જેમાં મારે એક નર્સનો રોલ કરવાનો હતો, પરંતુ એ સિરીઝમાં મારો રોલ જોઈને મને કામ મળવા માંડ્યું. સેન્ચુરી સિટી, વૉર એટ હોમ અને સી.એસ.આઈ. જેવા ટી.વી. શૉમાં મને કામ મળ્યું. એ સૉપ ઓપેરાના મારા અભિનયને જોઈને મને મોડેલિંગની ઑફર્સ આવવા માંડી. યુ.એસ.નો એક મોટો ગેમ શૉ 'ડીલ ઔર નો ડીલ'માં લોકો મને બ્રિફકેસ ગર્લ તરીકે ઓળખવા માંડ્યા. ફોક્સ ટેલિવિઝનની સિરીઝમાં એમી જેસપનો રોલ ખૂબ પોપ્યુલર થયો... જોકે, મને કામ મળવાનું હજીયે શરૂ નહોતું થયું. હું એટલી કાળી નહોતી, કે આફ્રિકન દેખાઉં. પૂરી બ્લેક હોત તો મને એ પ્રકારના રોલ મળ્યા હોત... હું એટલી વ્હાઈટ પણ નહોતી કે મને એ પ્રકારના રોલ મળી શકે. મેક્સિકન પિતા અને બ્લેક માનું સંતાન હતી હું. ક્યાંક વચ્ચે અટવાયેલી! અમેરિકન ટેલિવિઝનમાં એથનિક કાચીંડા જેવી. કોઈ એક રંગની નહીં... મને એવું ખાસ કામ મળ્યું નહીં, છતાં મેં મારી મહેનત છોડી નહીં. ૨૦૧૧, જુલાઈમાં નસીબે ટકોરા માર્યા. 'શૉ સુટ્સ' (યુ.એસ.એ. નેટવર્ક ટેલિવિઝન) પર રાશેલ ઝેનનો રોલ મળ્યો. ૨૦૧૭ સુધી આ સિરીઝ ચાલી. તમામ અખબારોએ મારા અભિનયના વખાણ કર્યા. મારું પાત્ર પણ વખણાયું. પેરાલિગલ જુનિયરમાંથી એટર્ની સુધી પહોંચવાનો મારા પાત્રનો પ્રવાસ અને સાથે સાથે એની ઇમોશનલ જર્ની લોકોને ખૂબ ગમી. એ પછી મને ફિલ્મ મળી - 'હોરિબલ બોસીસ'. મારી કારકિર્દી ચાલી નીકળી. જ્યારે સારું થવા માંડે ત્યારે બધું જ સારું થવા માંડે. અભિનેત્રી તરીકેની મારી પ્રસિદ્ધિએ મને બીજી બધી દિશામાં પણ ફાયદો કરાવ્યો. જ્યારે કામ નહોતું ત્યારે રમત-રમતમાં શરૂ કરેલી એક લાઈફ સ્ટાઈલ વેબસાઈટ 'ધ ટિગ' (ટિગ્નાનેલો નામનો રેડ વાઈન પીતાં પીતાં આ વિચાર આવેલો) ખૂબ સફળ થઈ. એમાં દર અઠવાડિયે 'ટિગ ટૉક' લખતી... જેમાં મેં જાતજાતના લોકોના ઇન્ટરવ્યૂ કરેલા. એ વેબસાઈટ એટલી જબરજસ્ત ચાલવા લાગી, પરંતુ બરાબર ત્યારે જ મને કામ પણ ખૂબ મળવા લાગ્યું. એપ્રિલ, ૨૦૧૭માં મેં 'ગુડ બાય' કહીને આ વેબસાઈટ બંધ કરી ત્યારે એની વર્થ કોઈ માની ન શકે એટલી હતી. આ લાઈફ સ્ટાઈલ વેબસાઈટે એક કેનેડિયન ક્લોધિંગ કંપની સાથે સંપર્ક કરાવ્યો... હું એ લોકોની એઈડ્ઝ લખતી. એમના મેનેજિંગ ડિરેક્ટરને મળી ત્યારે એમણે મને ફૅશન વર્કવૅર માટે મોડેલિંગ કરવાની ઑફર આપી. ૪,૫૦,૦૦૦ ડૉલરની આ ઑફરે મારી જિંદગી બદલી કાઢી. ૨૦૧૭ના વર્ષમાં મારી નેટવર્થ આઠ મિલિયનથી વધુ હતી. એ દરમિયાનમાં મારી જિંદગીમાં ઘણું બની ગયું... કશું કામ નહોતી કરતી ત્યારે, કે પછી કામ શોધતી હતી ત્યારે મારી મુલાકાત ટ્રેવર એન્ગલસન સાથે થઈ હતી. મારી હિંમત ટકાવી રાખવામાં અને મને સંઘર્ષના દિવસોમાં સાથ આપવામાં ટ્રેવરે ઘણી મદદ કરી એવું મારે સ્વીકારવું જોઈએ. દર બે-ચાર મહિને મને વિચાર આવતો કે અભિનયની કારકિર્દીમાં મહેનત કરવાને બદલે મારે કોઈક નોકરી શોધી કાઢવી જોઈએ... ટ્રેવર મને કહેતો, 'નેક્સ્ટ વીક તને એક જોરદાર ઑફર આવશે. તું નોકરી લઈ લઈશ તો તને અફસોસ થશે...' ૨૦૦૪ થી ૨૦૧૧ સુધી, 'શૉ સુટ્સ' મળી ત્યાં સુધી, ટ્રેવર મારી હિંમત અને મારો આત્મવિશ્ર્વાસ બનીને મારી સાથે રહ્યો, પરંતુ કેટલાક સંબંધો કાયમ રહેતા નથી! લોસ એન્જલસની જિંદગીમાં આ પાઠ હું ઘણી વહેલી શીખી ગઈ હતી. આજનો દિવસ મારી જિંદગીનો સૌથી મહત્ત્વનો દિવસ છે. એટલા માટે નહીં, કે પ્રિન્સ હેરીએ મારી સાથે લગ્ન કર્યા... આખી દુનિયા જે રાજ પરિવાર તરફ આદરથી જુએ છે એ પરિવારનો હું હિસ્સો બની શકી છું એ વાતનું ગૌરવ જરૂર છે પણ એથી યે મોટું ગૌરવ એ વાતનું છે કે, પાવર, પૈસા અને પ્રસિદ્ધિને કોરે મૂકીને પ્રિન્સે પ્રેમની પસંદગી કરી છે. પ્રિન્સ હેરી ૧૫ સપ્ટેમ્બર, ૧૯૮૪ના દિવસે પ્રિન્સ ઓફ વેઈલ્સ અને ડાયના, પ્રિન્સેસ ઓફ વેઈલ્સના બીજા પુત્ર તરીકે જન્મ્યા. સહુ એમ માને છે કે, પ્રિન્સ હેરીનો જન્મ થયો ત્યારે પ્રિન્સેસ ઓફ વેઈલ્સ અને પ્રિન્સ ચાર્લ્સ વચ્ચે મન-દુ:ખ શરૂ થઈ ચૂક્યા હતા. રોયલ ફેમિલીના મેમ્બર હોવા છતાં લેડી ડાયનાએ પોતાના સંતાનોને પ્રમાણમાં ઘણાં નોર્મલ ઉછેરવાનો પ્રયાસ કર્યો છે એવું એમના વર્તન પરથી દેખાય છે. એમનું આખું નામ હેનરી ચાર્લ્સ આલ્બર્ટ ડેવિડ છે. લેડી ડાયના, જેમને હું એક જ વાર મળી છું એમણે હેરી અને એમના મોટાભાઈ વિલિયમને જિંદગીના તમામ અનુભવોમાંથી પસાર કર્યા છે. એ ડિઝની વર્લ્ડ પણ લઈ ગયા છે, મેકડોનાલ્ડનું ભોજન પણ કરાવ્યું છે અને સાથે સાથે એઈડ્સના ક્લિનિકમાં કે ઘરવિહોણા લોકોના શેલ્ટરમાં પણ લઈ જઈને એમને જીવનના તડકા-છાંયડાના અનુભવ આપ્યા છે. હેરી ખૂબ નાના હતા ત્યારથી જ એમના મધર, ડાયનાએ એમને પોતાની સાથે રાખ્યા... રોયલ પરિવારોમાં પોતાના બાળકને ઊંચકવું કે એને પોતાના હાથે જમાડવું એવી કોઈ પરંપરાઓ હતી નહીં. ક્વિન મધરે પ્રિન્સ ચાર્લ્સને પોતાના હાથમાં ઉપાડ્યા હોય કે ક્વિન મધર પ્રિન્સ ચાર્લ્સને જમાડતા હોય કે રમાડતા હોય એવી કોઈ તસવીરો ક્યાંય પ્રકાશિત થઈ નથી કારણ કે, એવા પ્રસંગો ઓછા જ બન્યા હશે... પરંતુ પ્રિન્સ હેરીને પોતાની કમરમાં ઊંચકીને વિલિયમને પોતાની આંગળીએ લઈને મધર ડાયના એમને ઝૂમાં કે ડિઝનીલેન્ડમાં ફેરવતાં હોય કે પ્રિન્સ ચાર્લ્સ અને આખો પરિવાર સાથે મળીને કોઈ બીચ ઉપર રજાઓ માણતાં હોય આવા પ્રસંગોની તસવીરો લંડનના અખબારોમાં અવારનવાર પ્રકાશિત થઈ ચૂકી છે. આ કહેવાનું કારણ એ છે કે પ્રિન્સ હેરીનો ઉછેર પ્રમાણમાં એક નોર્મલ બાળક તરીકે અને એમની માતાના સંપૂર્ણ સ્નેહ અને ક્વૉલિટી સમય સાથે થયો. કદાચ એટલે જ પ્રિન્સ હેરીને રૉયલ પરિવારના નિયમો બહુ બાંધી શક્યા નહીં. એમણે એમની માતાના સાનિધ્યમાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે વિચારતાં અને વર્તતાં શીખી લીધું, કદાચ એટલે જ એમને માટે એમના જીવનની સ્વતંત્રતા વધુ અગત્યની બની રહી. હું પણ એક સ્વતંત્ર વ્યક્તિ છું, જીવનના સંઘર્ષો જોઈને, પીડાઓનો સ્વાદ ચાખીને હવે સફળતાના શિખર સર કરી રહી છું ત્યારે હું મારો ભૂતકાળ ભૂલી નથી... ભૂલી શકું એમ જ નથી. ટ્રેવર સાથેના સંબંધો આમ જોવા જઈએ તો મારી જિંદગીના વર્ષોમાં મને મળેલો મોટો સહારો હતો. ૨૦૦૪થી ૨૦૧૧ સુધી ચાલેલી અમારી રિલેશનશિપ પછી મને લાગ્યું કે હું ટ્રેવર સાથે સુખેથી રહી શકીશ. સપ્ટેમ્બર, ૧૦મી, ૨૦૧૧ના દિવસે અમે ઓકો રાયોસ, જમૈકામાં લગ્ન કર્યાં. હવે વિચારું છું તો મને લાગે છે કે હું અને ટ્રેવર એકબીજા સાથે જીવવા માટે બન્યાં જ નહોતાં. એક ઘરમાં નહોતાં રહેતાં ત્યાં સુધી અમે એકબીજા સાથે, મિત્રો તરીકે ખૂબ સારી રીતે રહી શક્યાં, પરંતુ જેવાં એક ઘરમાં રહેવા લાગ્યાં કે અમારી વચ્ચે મતભેદ અને પછી મનભેદ શરૂ થયા. ટ્રેવર એક ડિરેક્ટર, લેખક હતો. એ સતત મારી કારકિર્દીમાં સલાહ આપતો. હું સ્વતંત્ર મિજાજની વ્યક્તિ છું, વગર પૂછ્યે કોઈ સલાહ આપે ને એની સલાહ મારે માન્ય રાખવી એવો આગ્રહ પણ રાખે એ મને મંજૂર નથી, આજે પણ! મેં મારી કારકિર્દી મારી જાતે જ ઘડી છે. હા, મારી કારકિર્દીના ઉતાર-ચઢાવ દરમિયાન ટ્રેવર મારી સાથે રહ્યો - એણે મને સહારો અને હિંમત આપ્યાં એ હું સ્વીકારું છું, પરંતુ એનો અર્થ એ નથી કે એ મારો માલિક બની જાય. મારી કોની સાથે કામ કરવું, કોની સાથે નહીં... કોની પાર્ટીમાં જવું અને કઈ રીતે વર્તવું એ બધી જ બાબતમાં ટ્રેવરનો અભિપ્રાય મારે સ્વીકારવો જ જોઈએ એવા એના આગ્રહે અમને એકબીજાથી દૂર કરી નાખ્યા. સમય જતાં અમે બંને જણાં એકબીજાથી કંટાળવા લાગ્યા. કેટલી નવાઈની વાત છે કે બે જણાં સાત વર્ષની રિલેશનશિપ પછી લગ્ન કરવાનું નક્કી કરે તેમ છતાં બે જણાં એકબીજાની સાથે ન રહી શકે! ટ્રેવર અને મારી રિલેશનશિપ બહુ લાંબી ચાલી, સાત વર્ષ... પણ અમારા લગ્ન બે જ વર્ષ ટક્યાં. ઓગસ્ટ, ૨૦૧૩માં મેં છૂટાછેડા લીધા. એ પછી મેં નક્કી કર્યું હતું કે હવે હું કોઈ પણ પ્રકારની રિલેશનશિપમાં પડ્યા વગર મારી કારકિર્દી ઉપર ધ્યાન આપીશ. આ નિર્ણયથી મને બહુ મોટો ફાયદો થયો. મારી કારકિર્દીએ મને જિંદગીની જુદી જ હાઈટ પર મૂકી દીધી. હું ફૅશન આઈકોન કહેવાવા લાગી. વિશ્ર્વની મોટી-મોટી બ્રાન્ડ્સના મારી સાથે કોન્ટ્રાક્ટ થયા અને પૈસાનો વરસાદ થવા લાગ્યો. પ્રસિદ્ધિ પણ ખૂબ મળી. પ્રિન્સ હેરીની જિંદગી પણ ક્યાંક મારી જેમ જ ઊંચા-નીચા રોલરકોસ્ટરમાંથી પસાર થતી જિંદગી હતી. એમને બાળપણમાં 'વાઈલ્ડ ચાઈલ્ડ'નું લેબલ લગાવી દેવામાં આવ્યું હતું. ૧૭ વર્ષની ઉંમરે એ કેનેબિઝ (મેરોઆના) અને શરાબ પીને દોસ્તો સાથે ધમાલ કરતાં પકડાયાં હતાં. લંડનના પાપારાઝી પત્રકારોએ પ્રિન્સ હેરીની તસવીરો નાઈટ ક્લબની બહાર મસ્તી કરતા અને છોકરીઓ સાથે રખડતા હોય એવી છાપી હતી. એક પાર્ટીમાં ફૅન્સી ડ્રેસ વખતે એમણે નાત્ઝી કોસ્ચ્યુમ પહેર્યો હતો જેને વિશે પણ આકરી ટીકા થઈ ચૂકી હતી. જાન્યુઆરી, ૨૦૦૯માં હેરીએ કોઈકની સાથે વાતચીતમાં 'અવર લિટલ પાકી ફ્રેન્ડ' કહીને કોઈક છોકરીની ઓળખાણ કરાવી હતી જેનો વીડિયો પણ બહુ વાઇરલ થયો હતો. એમને રગેડ અને તોફાની તરીકે જાહેર કરી દેવામાં આવ્યા હતા. ડેવિડ કેમેરૂન, ઓપોઝિશનના લીડરે હેરીના વર્તનને 'અસ્વીકાર્ય' કહીને અવારનવાર એમની ટીકા કરી હતી. બ્રિટિશ પેલેસના પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટે હેરીના વર્તન માટે વારંવાર માફી માગવી પડી હોય એવા પ્રસંગો ઓછા નથી! ઓગસ્ટ, ૨૦૧૨માં લાસ વેગાસમાં હેરી અને એક યુવાન છોકરીની નગ્ન તસવીરો વેગાસના હૉટેલ રૂમમાંથી પાડીને પાપારાઝી પત્રકારોએ પ્રસિદ્ધ કરી હતી. 'સ્ટ્રીપ બિલિયર્ડ્ઝ' નામની આ રમતમાં જે હારતું જાય એને પોતાનું એક એક કપડું ઉતારવું પડે... હેરી અર્ધનગ્ન અને એની સાથે બિલિયર્ડ રમી રહેલી યુવતીની નગ્ન તસવીરો ટી.એમ.ઝેડ. નામની વેબસાઈટ ઉપર પણ લીક થઈ હતી. આ ફોટોગ્રાફ્સની સામે પ્રેસ કમ્પ્લેઇન્ટ કમિશનમાં બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વૈજ્ઞાનિક પૃથક્કરણ પછી એ ફોટોગ્રાફ્સમાં પ્રિન્સ હેરી જ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે શાહી પરિવારે પ્રિન્સ હેરી પાસે જાહેર માફી મંગાવી હતી. જો કે, આ બધા પછી યુનાઈટેડ કિંગડમના એક સર્વેમાં પ્રિન્સ હેરીને રૉયલ ફેમિલીના બીજા નંબરના સૌથી પોપ્યુલર વ્યક્તિ તરીકે ખૂબ મત મળ્યા હતા. જેને સૌથી વધુ મત મળ્યા હતા એ, બ્રિટિશ પરિવારની સૌથી પહેલી વ્યક્તિ તરીકે જે સૌથી પોપ્યુલર નામ હતું એ, પ્રિન્સેસ ડાયનાનું હતું જે આ સર્વે વખતે હયાત ન હતાં! હેરીના માતા પિતાના ૧૯૯૬માં છૂટાછેડા થયા અને એના મમ્મી લેડી ડાયનાનું કાર એક્સિડેન્ટમાં અવસાન થયું. ડાયનાના અવસાન વખતે એ પેરિસમાં ડોડી અલ ફયાદ સાથે હતાં. એમની કારને અકસ્માત થયો અને એમનું મૃત્યુ થયું ત્યારે પહેલીવાર બ્રિટિશ અખબારોએ આ અકસ્માતની પાછળ રૉયલ પરિવારનો દોરીસંચાર હોવાનો આક્ષેપ કર્યો હતો. પ્રિન્સેસ ડાયના અને પ્રિન્સ ઓફ વેઈલ્સ, ચાર્લ્સ વચ્ચે ખટરાગ તો કદાચ શરૂઆતનાં વર્ષોથી જ હતો. પ્રિન્સેસ ડાયનાએ છૂટાછેડા લેવાની વાત કરી ત્યારે રૉયલ પેલેસે એમને સમજાવવાની, લાલચ આપવાની ને અંતે ધમકી આપવાની પણ છોડી નહોતી. ઇંગ્લેન્ડનો રાજપરિવાર વિશ્ર્વની નજરમાં પોતાની સ્વચ્છ અને અપરાઈટ ઇમેજ સાચવવા માટે કંઈ પણ કરી છૂટે એમ છે. ડાયના કદાચ સ્વતંત્ર મિજાજના અને પોતાના નિર્ણયો પોતાની રીતે કરે એવી વ્યક્તિ હતાં... એમને રાજપરિવારની આ ફોર્મલ અને પ્રમાણમાં ફોલ્સ રીતરસમ માફક ન આવી. ૧૯૯૬માં એમના અને પ્રિન્સ ચાર્લ્સના છૂટાછેડા થયા એ પછી 'હેરોડ્સ' સ્ટોરના માલિક હૅન્ડસમ અને ખૂબ જ શ્રીમંત પરિવારના ઇજિપ્શિયન મૂળ ધરાવતા ડોડી સાથે એ લગ્ન કરી લેશે એવી અફવા વહેતી થઈ. ડાયનાને છૂટાછેડા મહામુશ્કેલીએ મળ્યા હતા. હવે, બ્રિટિશ પરિવારની એક્સ પુત્રવધૂ કોઈ બીજા સાથે લગ્ન કરે એ વાત બ્રિટિશ રાજપરિવારને કોઈ રીતે સ્વીકાર્ય નહોતી એટલે ડાયનાને ન રોકી શકાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હશે... બ્રિટિશ અખબારો અને ઇન્ટરનેટ ઉપર આ વિષયની ઘણી ચર્ચા થઈ, ડાયનાના અનેક પ્રસંશકોએ એના મૃત્યુ માટે રાજપરિવારને જવાબદાર ઠેરવ્યો. ડોડી અને ડાયના પેરિસમાં એક્સાથે કારમાં પ્રવાસ કરી રહ્યા હતાં ત્યારે એમની કારને ટનલમાં અકસ્માત થયો... અહીં નોંધવાની વાત એ છે કે ટનલમાં કૅમેરા હોતા નથી. એમનો ડ્રાઈવર જીવતો બચી ગયો... કાર એટલી ખરાબ રીતે ડેમેજ થઈ કે ડાયના અને ડોડી બંનેનું સ્થળ પર જ મૃત્યુ થયું. પ્રિન્સ હેરી ત્યારે બાર વર્ષના હતા. એ પછી પ્રિન્સ ઓફ વેઈલ્સ સાથે બાલમોરાલના પેલેસમાં એમનો ઉછેર થયો. એમના પિતા અને ભાઈની જેમ જ હેરીનું શિક્ષણ સ્વતંત્ર શાળાઓમાં થયું. એમને પોલો, રગ્બી જેવી રમતો શીખવવામાં આવી. સ્કૂલ પછી એમણે એક વર્ષનો ગૅપ લીધો અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો. ત્યાં એમણે કૅટલ સ્ટેશન અને ડેરીમાં કામ કર્યું. બ્રિટિશ રૉયલ પરિવારની પરંપરા મુજબ હેરીને રૉયલ મિલિટરી એકેડમીમાં મોકલવામાં આવ્યા. ૨૦૦૫થી ૨૦૦૬માં ઑફિસર ટ્રેઈનિંગ પૂરી કરીને ૧૩મી એપ્રિલ, ૨૦૦૮માં હેરી સિનિયર લ્યુટેનન્ટની પોઝિશન પર આવી ગયા. એમનો સર્વિસ નંબર ૫૬૪૬૭૩ હતો. જેનો બેજ હજી એમણે સાચવી રાખ્યો છે. હેરીએ અફઘાન વૉરમાં અને બીજી મિલિટરી ઇમરજન્સીસમાં સેવા આપી છે. ઓનરરી મિલિટરી એપોઈન્ટમેન્ટ છોડીને એ રૉયલ મરીન્સમાં પણ કામ કરી ચૂક્યા હતાં... એમને સ્પોર્ટ્સનો ખૂબ શોખ છે. પોલો, સ્કિઇંગ, મોટો ક્રોસ અને ફૂટબોલ જેવી રમતો હેરી ખૂબ શોખથી રમે છે... હેરીની ગર્લફ્રેન્ડ, ચેલ્સી ડૅવી પણ એમની સાથે એમના સ્પોર્ટ્સના શોખને કારણે જ જોડાઈ હતી. સાઉથ આફ્રિકાના બિઝનેસમેન ચાર્લ્સ ડૅવીની દીકરી ડૅવીને પોતાના સર્વિસ મૅડલના સમારંભમાં આમંત્રિત કરીને પ્રિન્સ હેરીએ પણ એની મમ્મીની જેમ જ રાજપરિવાર સામે બળવો કર્યો હતો... પ્રિન્સ હેરી એમના પિતાના ગુણ કરતાં વધારે એમની માતાના ગુણ લઈને જન્મ્યા છે એવું મને લાગે છે. એમની સ્વતંત્રતા અને એમનો સ્વભાવ એમની મમ્મી ડાયના જેવો છે... આજે અમારા લગ્ન થયાં... આખા વિશ્ર્વએ આ લગ્નની નોંધ લીધી... પરંતુ સાચું પૂછો તો અમારાં આ લગ્ન માત્ર નસીબનો ચમત્કાર છે! મેં તો મન વાળી લીધેલું કે હવે મારી જિંદગીમાં ક્યારેય કોઈ પુરુષને માટે જગ્યા જ નથી. મને લાગેલું કે લગ્ન મને સુટ નહીં કરે... મારો સ્વભાવ સ્વતંત્ર છે અને મારી સાથે જોડાનારો કોઈ પણ પુરુષ કદાચ મારી સ્વતંત્રતા સ્વીકારી નહીં શકે એમ માનીને મેં રિલેશનશીપમાં જ ન પડવું એવો નિર્ણય કરી લીધેલો. પ્રિન્સ હેરીની જિંદગીમાં પણ કોઈ સ્ત્રી નહોતી. એમણે પણ કદાચ કોઈ સ્ત્રીમાં આવો રસ લીધો જ નહોતો. એનું કારણ કદાચ એ હોઈ શકે કે પ્રિન્સ હેરી પોતાના પરિવારને બરાબર ઓળખતા હતા. રાજપરિવાર સાથે એમના સંબંધો એટલા સ્મૂધ કે સુંવાળા નહોતા. પ્રિન્સ હેરીની આસપાસ જે રાજપરિવારની છોકરીઓ કે સ્ત્રીઓ હતી એમાંથી કોઈની પણ સાથે પ્રિન્સને બુદ્ધિથી કે સ્વભાવથી મેળ પડતો હોય એવું ક્યારેય લાગ્યું નહોતું. એમણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "રાજપરિવારની સ્ત્રીઓને જેટલી રીતરસમ અને ફૅશન શીખવવામાં આવે છે એટલી બુદ્ધિ (ઇન્ટેલેક્ચ્યુઅલ) કે જીવનવિષયક (પ્રેક્ટિકલ) બાબતો શીખવવામાં આવતી હોત તો કદાચ રાજપરિવારનાં લગ્નો સુખી અને મજબૂત રહી શક્યાં હોત. પ્રિન્સ વિલિયમે હંમેશાં પોતાના ભાઈનો પક્ષ લીધો, પરંતુ વિલિયમ પણ જાણતા હતા કે પ્રિન્સ હેરીને રાજપરિવારની કોઈ છોકરી સાથે લગ્ન કરવામાં રસ નહીં પડે. વિલિયમ પ્રમાણમાં કહ્યાગરા અને સમજદાર પુત્ર પુરવાર થયા જ્યારે હેરી એક બળવાખોર અને સ્વભાવે અત્યંત સ્વચ્છંદ પુત્ર હોવાને કારણે પ્રિન્સ ચાર્લ્સ અને હેરીને પણ એકબીજા સાથે સતત ઘર્ષણ થયા કરતો હતો. પ્રિન્સ હેરી ટેબ્લોઈડનું પ્રિય પાત્ર રહ્યા છે. એમની ડેટ્સ, એમની ટ્રિપ્સ અને એમની સાથે જોડાયેલી દરેક અફવાને લંડનના ટેબ્લોઈડ અખબારો મીઠું-મરચું ભભરાવીને છાપે છે. હવે સોશિયલ મીડિયા એટલું બધું વિસ્તૃત છે કે પ્રિન્સ હેરીના આવાં છમકલાંના સમાચારો ઇન્ટરનેટ દ્વારા વિશ્ર્વભરમાં ફેલાતા રહ્યા છે. પ્રિન્સ હેરીની બહુ સિરિયસ ગર્લફ્રેન્ડ્સ નહોતી, પરંતુ એમની રંગીન તબિયતને કારણે એમની ગર્લફ્રેન્ડ્સની સંખ્યા ઘણી મોટી હતી. બીજી અનેક યુવતીઓની જેમ મેં પણ પ્રિન્સ હેરી વિશેના સમાચાર રસપૂર્વક વાંચ્યા જ છે, એની ના નહીં. જો કે, મને એમની હિંમત અને જીવન જીવવાની આ ખુમારીભરી શૈલી ઉપર ક્યારેક ઇર્ષા થતી. કમાવાની ચિંતા નહીં ને મન ફાવે તેમ જીવી શકાય એવી સગવડ બીજા કોની પાસે હોઈ શકે? પ્રિન્સ હેરીની એક જ સિરિયસ ગર્લફ્રેન્ડ હતી. સાઉથ આફ્રિકાના બિઝનેસમેન ચાર્લ્સ ડૅવીની દીકરી, ચેલ્સી ડૅવી. ચેલ્સી સાથેના સંબંધોને પ્રિન્સે હિંમતપૂર્વક સ્વીકાર્યા હતા. એ બંને જણાં જાહેરમાં ખુલ્લેઆમ એકબીજાની સાથે ફરતા જોવા મળતાં. પ્રિન્સને જ્યારે આ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે એમણે જરાય અચકાયા વગર ચેલ્સી સાથેનો પોતાનો અંગત સંબંધ સ્વીકારી લીધો. એમની એકવીસમી વર્ષગાંઠ પર એમણે આપેલા ઇન્ટરવ્યૂમાં એમણે કહ્યું હતું, "ચેલ્સી કેટલી અમેઝિંગ છે એ તમને કહેવું મને ચોક્કસ ગમે, પણ હું એકવાર એને વિશે વાત કરવા માંડું પછી મારે બધું જ કહેવું હોય. કેટલાંક સત્યો અને કેટલાંક જૂઠ્ઠાણાની વચ્ચે વાત કરવાનું મને નહીં ફાવે. ચેલ્સીના પિતાએ પ્રિન્સ હેરીને પ્રાઈવેટ વિમાન ગિફ્ટ આપવાનો પ્રયત્ન કરેલો ત્યારે પ્રિન્સે નમ્રતાપૂર્વક એ વિમાનની ભેટ નકારી હતી. આ વિશે જ્યારે પ્રિન્સ હેરીને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું ત્યારે એમણે કહેલું, "ચેલ્સી અને મારી દોસ્તી એના પિતાના બૅન્ક એકાઉન્ટને કારણે નથી. એને પણ મારી આગળ લાગેલા 'પ્રિન્સ'ના લેબલમાં કોઈ રસ નથી. અમે વ્યક્તિ તરીકે એક બીજાને અડૉર કરીએ છીએ. અમને સાથે સમય વીતાવવો ગમે છે, કારણ કે અમે એક બીજાને સમજી શકીએ છીએ. આ ઇન્ટરવ્યૂ પછી કેન્સિંગ્ટન પેલેસમાંથી જાહેર પ્રેસનોટ બહાર પાડવામાં આવી હતી. જેમાં પ્રિન્સ હેરી અને ચેલ્સી ડૅવીના સંબંધો વિશે રદિયો આપવામાં આવ્યો હતો. કેન્સિંગ્ટન પેલેસમાંથી બહાર પાડવામાં આવેલી પ્રેસનોટમાં લખ્યું હતું, પ્રિન્સ હેરી અને ચેલ્સી ડૅવી વચ્ચે ખૂબ જ સારી મિત્રતા છે. ચેલ્સી સાથે પ્રિન્સ હેરીના સંબંધો ગંભીર નથી, જેથી લગ્નનો સવાલ આવતો જ નથી, તેમ છતાં રાજપરિવાર એ વાતની નોંધ લેવા વિનંતી કરે છે કે બ્રિટિશ રાજપરિવારના રક્તબીજ સાથે પ્રિન્સ હેરી ક્યારેય કોઈ આફ્રિકન કે એશિયન સાથે લગ્ન નહીં કરે. પ્રિન્સ હેરીના લગ્ન રાજપરિવારની સંમતિ સાથે અને રૉયલ પરિવારોના દાયરામાં જ થશે એ વાતની ગંભીર નોંધ લેવા રાજપરિવાર નમ્ર વિનંતી કરે છે... જો કે, આ વિશે કોઈ પણ પ્રકારની કોમેન્ટ કરવાનો પ્રિન્સ હેરીએ પછીથી ઇન્કાર કર્યો હતો! થોડાક જ વખતમાં એટલે ૨૦૦૭માં પ્રિન્સ હેરી અને ચેલ્સી ડૅવીના સંબંધો પૂરા થઈ ગયાં. એકબીજાની સાથે પાંચ વર્ષ ઘનિષ્ઠ સંબંધો પછી ચેલ્સી ડૅવીના પરિવારે પ્રિન્સને લગ્ન માટે દબાણ કરવા માંડ્યું હશે... બ્રિટિશ ટેબ્લોઈડ અખબારોએ પ્રિન્સના ગ્રેજ્યુએશન પર એકઠા થઈ ગયેલા ચાર્લ્સ ડૅવી અને પ્રિન્સ ચાર્લ્સના ફોટા પ્રકાશિત કરીને નીચે લખ્યું હતું, "ચાર્લ્સ હેટ્સ ચાર્લ્સ... હેરી મીટ્સ ડૅવી ('હેરી મીટ્સ સેલી' નામની એક અંગ્રેજી ફિલ્મના ટાઈટલ લઈને આ મજાક ઉડાડવામાં આવી હતી.) આ ટાઈટલ સાથે છપાયેલા ફોટામાં બાજુ બાજુમાં ઊભેલા પ્રિન્સ ચાર્લ્સ અને ચાર્લ્સ ડૅવીના ચહેરા પર તંગદિલી સ્પષ્ટ દેખાઈ આવતી હતી. પછીથી પ્રિન્સ હેરીએ મને જણાવ્યું હતું કે, એમણે ચેલ્સીને પ્રતીક્ષા કરવાનું કહ્યું હતું, પરંતુ પિતાના પૈસા અને એમના પાવરના દબાણમાં આવીને ચેલ્સીએ પ્રિન્સ હેરીને અલ્ટિમેટમ આપ્યું હતું. એક વર્ષમાં જો પ્રિન્સ નિર્ણય ન કરે તો સંબંધ તોડી નાખવાની ધમકી પ્રિન્સ હેરીને આપી હતી. મેં પહેલાં કહ્યું તેમ પ્રિન્સ હેરી અત્યંત સ્વતંત્ર મિજાજની વ્યક્તિ છે. એમને દાબ-દબાણથી ઝુકાવી શકાય એવી કોઈ શક્યતા જ નથી. હેરી અને ચેલ્સી વચ્ચેના સંબંધો તંગ રહ્યા અને પછી તૂટી ગયા. એ પછી પ્રિન્સનું નામ અનેક સ્ત્રીઓ સાથે જોડાતું રહ્યું. ક્રેસીડા બોનાસ, મૅગી કર્ઝનની સાથે સાથે લંડનના ઓપેરાની એક ડાન્સર સિલ્વિયા બ્લૂમ સાથે પણ પ્રિન્સ હેરીનું નામ જોડાયું. પોતાની બૂલેટપ્રૂફ મોંઘી ગાડી સાથે સિલ્વિયાના શૉ પૂરા થાય ત્યારે પ્રિન્સ હેરી એની પ્રતીક્ષા કરતા હોય એવા ફોટા પણ અખબારોમાં છપાતા રહ્યાં. આ બધા નાના-મોટા લફરાં ચાલતાં રહ્યાં, પરંતુ પ્રિન્સ હેરીના જીવનમાં કોઈ ગર્લફ્રેન્ડ લાંબો સમય રહી હોય કે એમના ગંભીર સંબંધો સ્થપાયા હોય એવું કંઈ સાંભળવા મળ્યું નહીં, પરંતુ આ બધા સમય દરમિયાન પ્રિન્સ હેરીએ અનેક બ્લાઇન્ડ ડેટની મજા લીધી... 'બ્લાઇન્ડ ડેટ'નો અર્થ છે કે સામેની વ્યક્તિ કોણ છે અને એની સાથે કેવો સમય વીતાવવાનો છે એની આપણને ખબર ન હોય. હેરીને આવી બ્લાઈન્ડ ડેટનો શોખ હતો. હું સામાન્ય રીતે ડેટિંગ કરતી જ નહીં... મને મારા કામ અને કારકિર્દીમાંથી જ ફુરસદ નહોતી મળતી. મારી એક મિત્રએ અમસ્તા જ મજાકમાં એક હાઈપ્રોફાઈલ ડેટિંગ વેબસાઈટ ઉપર મારી અને પ્રિન્સ હેરીની પ્રોફાઈલ મૅચ કરી દીધી! એ પહેલાંના અઠવાડિયે મેં 'વેનિટી ફૅર' નામના મેગેઝિનને ઇન્ટરવ્યૂ આપેલો. જેમાં મેં કહેલું, "લગ્ન પૂરાં થવાથી મારો પ્રેમ કે લગ્નમાં વિશ્ર્વાસ નથી એવું હું ન કહી શકું. પર્સનલી, આજે પણ મને લવ સ્ટોરીઝ ખૂબ ગમે છે. મને લાગે છે કે મારા જીવનમાં કોઈક અદ્ભુત લવ સ્ટોરીની મને હજી સુધી પ્રતીક્ષા છે. ક્યારેક આપણે શબ્દો બોલતાં નથી, ડેસ્ટીની આપણી પાસે બોલાવે છે. વિધાતાની આ રમત મને હજી સુધી સમજાઈ નથી. એ દિવસોમાં હું લંડનમાં હતી. મારી એક ફૅશન મૉડેલ ફ્રેન્ડ મને સતત કહ્યા કરતી કે મારે એકાદ બોયફ્રેન્ડ વિશે વિચારવું જોઈએ. જોકે મને પુરુષમાં બહુ રસ નહોતો રહ્યો... એવું ય નથી કે મને સ્ત્રીમાં રસ હતો ! મને માત્ર અને માત્ર મારી કારકિર્દીમાં રસ હતો... અમેરિકામાં એક શબ્દ છે, 'હૂક અપ'... બે મિત્રોને એકબીજા સાથે ઓળખાણ કરાવીને એ બંનેને જો એકબીજા સાથે ફાવે તો રિલેશનશીપ કે મેટ્રીમોનીનો વિચાર થઈ શકે એવો એક આખો ખ્યાલ અમેરિકામાં પ્રવર્તે છે. મારી ફેશન મોડેલ ફ્રેન્ડ પણ કદાચ ઈચ્છતી હતી કે, એ મને કોઈની સાથે હૂક અપ કરી દે. એણે મારે માટે એક બ્લાઈન્ડ ડેટ બૂક કરી. જોકે હું માનસિક રીતે બહુ તૈયાર નહોતી તેમ છતાં મને લાગ્યું કે, આ એક સારો ચેઈન્જ રહેશે... એ દિવસની સાંજ મારી જિંદગીની અવિસ્મરણીય સાંજ બની ગઈ. હું જરા ગૂંચવાયેલી હતી. કોણ હશે એ... મને એની સાથે આખી સાંજ વિતાવવાનું અનુકૂળ પડશે કે નહીં... મારો સ્વભાવ જરા વિચિત્ર છે એટલે જો નહીં ફાવે ને ઊભી થઈ જઈશ તો સામેની વ્યક્તિને અપમાન લાગશે, મજા નહીં પડે તો બેસી તો નહીં જ રહેવાય... આવા અનેક વિચારો કરતી હું જ્યારે પહોંચી ત્યારે એ જુલાઈ મહિનાની સાંજ હતી. ૨૦૧૬ના વર્ષનો એ કદાચ સૌથી શ્રેષ્ઠ દિવસ હતો, મારી જિંદગીમાં. મારી ફ્રેન્ડે મને કહ્યું નહોતું કે હું કોને મળવા જવાની છું ! પ્રિન્સ હેરીની વાત પણ રસપ્રદ છે, અમારા મળ્યા પછીના લગભગ સાત મહિના પછી એમણે આપેલા એક ઈન્ટરવ્યૂમાં રહસ્યોદઘાટન કરતાં એમણે કહ્યું હતું, "બ્લાઈન્ડ ડેટ મારી માટે નવી વાત નહોતી. જિંદગીમાં બીજી કોઈ ખાસ થ્રીલ રહી નહોતી એટલે બ્લાઈન્ડ ડેટ્સ મારે માટે એક મજાનો સોર્સ હતો, બીજું કંઈ નહીં ! મોટેભાગે હું આવી ડેટ્સ પછી બીજી વાર એ છોકરીઓને મળવાનું ટાળતો. ફોન નંબર એક્સચેન્જ નહીં કરવાનો એવો મેં દૃઢ નિર્ધાર કર્યો હતો. મારા એક દોસ્તે આ બ્લાઈન્ડ ડેટ બૂક કરી હતી. હું રૂમમાં દાખલ થયો ત્યારે એને જોઈને મને એક બ્યુટીફુલ સરપ્રાઈઝ મળ્યું. એને જોઈને મને પહેલો વિચાર એ આવ્યો કે આ મારી રમતનો છેલ્લો પડાવ છે... આમ જુઓ તો નવાઈ લાગે એવી વાત છે ને છતાં સત્ય એ છે કે યુગલ ઈશ્ર્વર બનાવે છે. એકબીજાથી તદ્દન અજાણ્યા બે જણાં એકબીજાને મળે અને એમને લાગે કે જીવનનું સત્ય આ જ છે... ઈશ્ર્વરના હોવાનો એથી મોટો પુરાવો કયો હોઈ શકે! મારી જિંદગીની એ અદ્ભુત સાંજ ગાળીને હું જ્યારે હોટેલ આવવા નીકળી ત્યારે મને કલ્પના નહોતી કે આ રાજકુમાર સાચે જ મારા સપનાંનો રાજકુમાર બનીને મારા જીવનમાં પ્રવેશ કરશે. મહત્ત્વની વાત એ પણ હતી કે હું એક સામાન્ય અભિનેત્રી હતી. થોડી પ્રસિદ્ધ અને સારા એવા પૈસા કમાતી ફેશન મોડેલ... જ્યારે એ રાજકુમાર હતા. બ્રિટિશ રાજપરિવારના સભ્ય! આ સંબંધ ગમે તેટલો રસપ્રદ હોય પણ આ સંબંધને કોઈ ભવિષ્ય નથી એવું મને ત્યારે લાગેલું આમ તો જિંદગી પોતે જ અદ્ભુત સરપ્રાઈઝિસનું બંડલ છે. આપણે જાણી કે સમજી શકીએ એથી વધુ રહસ્યો જિંદગી પોતાની મુઠ્ઠીમાં પકડીને બેઠી હોય છે. એક પછી એક રહસ્યો ઉઘડતું જાય ત્યારે સમજાય કે જિંદગી પાસે આપણને આપવા માટે કેટલું બધું છે ! સામાન્યત: માણસનો પ્રોબ્લેમ એ છે કે આપણને અભાવોની બહુ ફરિયાદ હોય છે. જે મળ્યું છે એ વિશે આપણે તદ્દન ઉદાસીન હોઈએ છીએ અને જે નથી મળ્યું એનું લિસ્ટ આપણી જિંદગીમાં બહુ લાંબું હોય છે... ટ્રેવર સાથે છૂટાછેડા થયા એ પછી મારી જિંદગી એકધારી અને થોડી નિરશ બની ગઈ હતી. ખૂબ બધા કામ અને નામ, દામ, પ્રસિદ્ધિ સિવાય આમ જોવા જઈએ તો મારી જિંદગીમાં રસપ્રદ કશુંય નહોતું. જોકે મેં કોઈ દિવસ ફરિયાદ નથી કરી તેમ છતાં મને ક્યારેક એક પુરુષ, એક બોયફ્રેન્ડ કે એક પ્રેમીની ખોટ સાલતી. ખાસ કરીને જ્યારે પાર્ટીઝમાં કે બીજા પ્રસંગોએ મારી બહેનપણીઓ અને મિત્રો એકબીજાના હાથમાં હાથ નાખીને આવતા હોય ત્યારે મને પણ એવી ઝંખના થતી કે, મારે પણ કોઈના બાવડે હાથ વીંટાળીને, ખભે માથું મૂકીને એક શાંત, સારી સાંજ વીતાવવી છે. પ્રિન્સ હેરીએ પણ પોતાના જીવનમાં ઘણો તડકો-છાંયડો જોઈ નાખ્યો... 34 વર્ષની ઉંમરે રાજપરિવાર સામે તો બળવો કર્યો જ, પરંતુ રિલેશનશિપના નાના-મોટા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈને એમણે પણ ઘણું જીવી નાખ્યું હતું. અમે મળ્યા ત્યારે અમે બંને જણ જિંદગીના કડવા સત્યોને બરાબર સમજીને સંબંધોના ગણિતમાં રહેલા સારા અને ખરાબ પાસાંને ઓળખ્યાં પછી મળ્યાં હતાં. જુલાઈ, 2016ની એ સાંજ અમારા બંનેના જીવનમાં આવો બદલાવ લઈ આવશે એવું મેં ક્યારેય વિચાર્યું નહોતું. એ સાંજે પ્રિન્સ હેરીને રૂમમાં દાખલ થતા જોઈને મારી આંખો આનંદમાં પહોળી થઈ ગયેલી ! અમે બંનેએ ખૂબ મજા કરી. અમારા બંને પાસે વાતોના અનેક વિષયો હતા. અમે નહોતું ધાર્યું એટલો બધો સમય અમે એકબીજાં સાથે વીતાવ્યો. પ્રિન્સ હેરી અત્યંત શાલિન અને સ્ટાઈલિશ વ્યક્તિ છે. એમના સાંનિધ્યમાં આખી સાંજ ક્યાં પૂરી થઈ ગઈ એનો મને ખ્યાલ પણ ન રહ્યો... હું જાણે કોઈ સ્વપ્નાની સાંજ જીવી રહી હોઉં એવું લાગ્યું હતું મને! પ્રિન્સ હેરી વિશે હું ઘણું જાણતી હતી. મારા મોડેલિંગના કામ માટે અવારનવાર લંડન અને યુરોપ આવવાનું થતું હતું એટલે પ્રિન્સના રંગીન સ્વભાવ વિશે મને માહિતી હતી જ. આટલી બધી મજા પડી તેમ છતાં મેં નક્કી કર્યું હતું કે છૂટાં પડતી વખતે હું બીજી મુલાકાત માટે નહીં પૂછું. મહત્ત્વની વાત એ પણ હતી કે હું એક સામાન્ય અભિનેત્રી હતી. થોડી પ્રસિદ્ધિ અને સારા એવા પૈસા કમાતી ફેશન મોડેલ... જ્યારે એ રાજકુમાર હતા. બ્રિટિશ રાજપરિવારના સભ્ય ! આ સંબંધ ગમે તેટલો રસપ્રદ હોય પણ આ સંબંધને કોઈ ભવિષ્ય નથી એવું મને ત્યારે લાગેલું. છૂટા પડતી વખતે મેં પ્રિન્સ હેરીને કહ્યું, "મને આજે ખૂબ આનંદ આવ્યો. આવી સુંદર સાંજ માટે હું આભારી છું. મારા અનહદ આશ્ર્ચર્ય અને સુંદર સરપ્રાઈઝ સાથે પ્રિન્સે પૂછેલું, "જો ખરેખર આનંદ આવ્યો હોય તો આપણે ફરી મળી શકીએ ? મને મારા કાન પર ભરોસો ન પડ્યો... હેરી આવું પૂછે ? એને મારામાં ફરી મળવા જેવો રસ પડ્યો ? એ વખતે તો મેં કોઈ જવાબ ન આપ્યો. માત્ર મારો ફોન નંબર એક્સચેન્જ કર્યો, પરંતુ ત્રીજે જ દિવસે પ્રિન્સનો ફોન આવ્યો. એમણે મને એમની ફેવરિટ રેસ્ટોરાંમાં જમવા બોલાવી. જિંદગીમાં પહેલી વાર એ દિવસના શૂટિંગમાં જરાય રસ ન પડ્યો... મને લાગ્યું કે ઘડિયાળ બહુ ધીમી ફરે છે. 37 વર્ષે આવી લાગણી પણ જરા નવાઈ પમાડે તેવી હતી ! જિંદગીની ચાળીસી નજીક આવી રહી હોય ત્યારે આવી 'ટીનએજ' જેવી લાગણી બદલ મને થોડીક શરમ પણ આવતી હતી ને થોડોક ભય પણ લાગતો હતો. એ સાંજે હું પ્રિન્સ હેરી સાથે એમની ફેવરિટ રેસ્ટોરાંમાં જમી. અમે ડ્રાઈવ પર ગયાં. એમણે એમના ડ્રાઈવરને ઉતારી દીધો... અમે એકાંતમાં ડ્રાઈવ કરતાં રહ્યાં. પ્રિન્સ ખૂબ વાતો કરતાં હતાં. હું અમસતી પણ ઓછું બોલું છું એટલે હું એમને સાંભળતી રહી. એ દિવસે મને લાગ્યું કે આ કાર આમ જ ચાલતી રહે ને હું પ્રિન્સની વાતો આમ જ સાંભળ્યા કરું. જોકે, દરેક સુખને ક્યાંક તો અંત હોય જ છે... એ સાંજ પણ પૂરી થઈ. પ્રિન્સ મને હોટેલ પર ઉતારીને ગયા, એ દિવસે મેં મારી જાતને કહ્યું, "આ સપનું છે. પૂરું થશે જ. પ્રિન્સ હેરી જેવી વ્યક્તિને મારા જેવી સ્ત્રીમાં બહુ લાંબો સમય રસ ટકી નહીં રહે એ નક્કી છે... એ પછીના દિવસોમાં અમે અવારનવાર મળતાં રહ્યાં. થોડાં અઠવાડિયાં પછી પ્રિન્સ હેરીએ મને બોટસ્વાના, આફ્રિકામાં વેકેશન કરવા માટે આમંત્રિત કરી. મારા શૂટિંગની ડેટ્સ હોવા છતાં એને પોસ્ટપોન કરીને હું બોટસ્વાના ગઈ. હું જઈ રહી હતી ત્યારે મેં ફરી એક વાર મેં મારા મન સાથે વાત કરી, "આ તું શું કરી રહી છે ? મેં મારા મગજને પૂછ્યું હતું, "પ્રિન્સની પાછળ કામ-ધંધો છોડીને જે રીતે તું જઈ રહી છે એનાથી એક બીજો હાર્ટબ્રેક તારી પ્રતીક્ષા કરી રહ્યો છે એમાં કોઈ શંકા નથી. પ્રિન્સ માટે આવી અનેક છોકરીઓ હશે. એ થોડાક દિવસોમાં તને ભૂલી જશે. તેમ છતાં, બોટસ્વાનાનું એ વેકેશન મારી જિંદગીનું ઉત્તમ વેકેશન પુરવાર થયું. પ્રિન્સને સરપ્રાઈઝ આપતા આવડે છે... એમણે મારા મિત્રોને અને મારા સેક્રેટરીને પૂછીને મને ગમતું ફૂડ, મને ગમતું એમ્બિયાન્સ ઊભું કર્યું હતું. એમણે જાણે મને રિઝવવા માટે જ આ વેકેશન ગોઠવ્યું હોય એમ મારી પળેપળ સુંદર બનાવવાની એક પણ તક એમણે છોડી નહીં. એ પછી હું અમેરિકા પાછી આવી. મારી ફિલ્મનું શૂટિંગ શરૂ થયું. મારી પાસે સમય ઓછો રહેતો તેમ છતાં દિવસમાં એક વાર હેરી સાથે અચૂક વાત થતી. 2016ના સપ્ટેમ્બરમાં હેરી અમેરિકા આવ્યા. મારા શૂટિંગનો બ્રેક હતો... મેં મારી સાથે વિલામાં રહેવાનું આમંત્રણ આપ્યું, મારા અત્યંત આશ્ર્ચર્ય અને આનંદ વચ્ચે એમણે એ આમંત્રણ સ્વીકારી લીધું. એ મારી સાથે મારા ઘરમાં ત્રણ દિવસ રહ્યા. મહેમાન હોવા છતાં એ અત્યંત સહજ અને સ્વાભાવિક રીતે વર્ત્યા... એમનો અમેરિકાનો પ્રવાસ અને અમારા એ ત્રણ દિવસ દરમિયાનના ફોટા કોઈ પાપારાઝી તસવીરકારે ઈંગ્લેન્ડના અખબારોને વેચ્યા. ઓક્ટોબરની શરૂઆતના દિવસોમાં 'સન્ડે એક્સપ્રેસ' નામના અખબારે અમારા ડેટિંગના સમાચાર ફોટા સાથે છાપી દીધા. હેરીને અપેક્ષા હતી એ જ રીતે આ સમાચાર છપાતા જ કેન્સિંગ્ટન પેલેસ અને બાલમોરાલ પેલેસમાંથી એમને સવાલો પુછાવાના શરૂ થયા. પત્રકારો મારી પાછળ પણ પડી ગયા. હું તો કોઈક સાતમા આસમાનમાં વિહાર કરતી હતી. મેં ઈન્ટરવ્યૂ ટાળ્યા. એ વિશે કોઈ પણ કમેન્ટ કરવાની ના પાડી તેમ છતાં મારાથી ન રહેવાયું એટલે મેં મારા ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો. બે બનાના એકબીજાને ચમચીથી ખવડાવતા હોય એવા ફોટા સાથે મેં લખ્યું, સ્લિપ ટાઈટ એક્સ એક્સ. જેનો એક રોમેન્ટિસ જેસ્ચર તરીકે મન ફાવતો અર્થ કાઢીને અખબારોએ આ ઈન્સ્ટાગ્રામની તસવીર પણ શેર કરી. હું જાણું છું કે હેરીએ કેવા પ્રકારના સંઘર્ષમાંથી પસાર થવું પડ્યું હશે. બ્રિટિશ પરિવાર માટે આ નવી બાબત નહોતી. સદીઓ પહેલાં એમના પરિવારના એક સભ્યએ આવી જ રીતે એક રોયલ ફેમિલીની ન હોય એવી સ્ત્રી સાથે પ્રેમ કર્યો હતો... એના પરિણામ સ્વરૂપે એમણે ગાદી છોડવી પડી હતી ! બ્રિટિશ પરિવારે એ વખતે કડક નિર્ણય કર્યો હતો. જ્યોર્જ ફિથના સૌથી મોટા પુત્ર અને ઈંગ્લેન્ડના રાજકુમાર પ્રિન્સ ઓફ વેઈલ્સ, એડવર્ડ, વેલિસ સિમ્પસનને પરણેલા... એ પોતે ખૂબ લફરાંબાજ હતા. એક નેવલ ઓફિસરની પત્ની વેલિસ સિમ્પસન માટે પ્રિન્સ એટલા પાગલ હતા કે જ્યારે એ રાજા બન્યા ત્યારે, એમણે પ્રોટોકોલ તોડવાની શરૂઆત કરી દીધી. 20 જાન્યુઆરીએ સિંહાસન પર બેસતાની સાથે જ, છ જ મહિનામાં 16 જુલાઈના દિવસે એમણે ધમકી આપેલી કે જો વેલિસ સિમ્પસન એમની સાથે નહીં જાય તો એ આપઘાત કરી લેશે. બ્રિટિશ પરિવારે અને અખબારોએ આની સામે ઘણો ઊહાપોહ મચાવેલો, પરંતુ 10 ડિસેમ્બરે એમણે ગાદી છોડી દીધી. બ્રિટિશ રાજપરિવારના ઈતિહાસમાં ઓછામાં ઓછા સમય માટે ગાદી પર બેઠેલા આ પ્રિન્સ ઓફ વેઈલ્સનો રાજ્યનો સમય એક વર્ષથી ઓછો હતો... એ પોતાની પ્રિયતમા વેલિસ સિમ્પસનના પ્રેમમાં એટલા પાગલ હતા કે, એમણે પ્રિન્સ ઓફ વેઈલ્સનું ટાઈટલ છોડીને 'ડ્યુક ઓફ વિન્ડસર'નું ટાઈટલ સ્વીકારી લીધું... એમણે પોતાની બધી જ મિલક્ત અને રાજપરિવારની ગાદી ઉપર પોતાનો અધિકાર જતો કર્યો. ફોર્ટ બેલ્વેડેરમાં એમણે લેખિત કરાર કરી આપ્યા કે એમને આ રોયલ પરિવારના ભાગમાં કશું જોઈતું નથી. જે કંઈ મિલક્ત છે તે એમના ત્રણ ભાઈઓ, પ્રિન્સ આલ્બર્ડ, પ્રિન્સ હેનરી અને પ્રિન્સ જ્યોર્જ વચ્ચે વહેંચી આપવામાં આવ્યું. પાર્લામેન્ટ અને રોયલ પરિવારની સામે થયેલા આ એબ્ડિકેશન (ફારગતિ)ના કરાર પછી એમણે મહેલ છોડી દીધો... 1936માં બનેલી આ ઘટના પછી 2018માં પણ આપણે ત્યાં જ આવીને ઊભા છીએ એ કેટલી નવાઈની વાત છે ! જે દિવસે પહેલી વાર પ્રિન્સ હેરીએ મારી સાથેની રિલેશનશિપ રાજપરિવારની સમક્ષ સ્વીકારી ત્યારે એમની સામે પહેલી શર્ત મૂકવામાં આવી કે જો એ રાજપરિવારની કોઈ છોકરી સાથે લગ્ન કરશે તો એમને 'પ્રિન્સ'નું ટાઈટલ છોડી દેવું પડશે. એમના આગ્રહ અને દૃઢ નિર્ણયની સામે પેલેસના કડક નિર્ણયોએ ઝૂકવું પડ્યું. નવેમ્બર, 2016માં કેન્સિંગ્ટન પેલેસની રોયલ પ્રેસનોટ બહાર પડી જેમાં પ્રિન્સ હેરી અને મેગન માર્કલના સંબંધોનો સ્વીકાર કરવામાં આવ્યો... જોકે, આ પ્રેસનોટ બહુ આનંદ આપે એવી નહોતી. હેરીએ પ્રેસ અને પબ્લિક હેરેસમેન્ટને પોતાની અંગત જીવનમાં દખલ ગણાવીને એના ઉપર આકરા પ્રહારો કર્યા. એમણે સ્ટેટમેન્ટ આપ્યું, "આમાંનું ઘણું જાહેર થઈ ચૂક્યું છે. નેશનલ ન્યૂઝ પેપરના પહેલા પાનાના સમાચાર બની ચૂક્યું છે આ. આમાં ક્યાંક રેસિઝમ (રંગભેદ-વર્ગભેદ)નો સૂર સંભળાય છે. એમણે હિંમતપૂર્વક જાહેરમાં કહ્યું, "મેગન માર્કલના એક્સ બોયફ્રેન્ડ્સને અખબારોએ ઓફર કરી છે કે જો એ મેગન સાથેના સંબંધો, ફોટા કે બીજું કંઈ પણ લીક કરે તો એમને મોટી રકમનો સોદો કરવામાં રસ છે. એથી આગળ વધીને મારે કહેવું છે કે, મેગનના તમામ મિત્રો, સહકર્મીઓ અને પરિવારના સભ્યોને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે... હેરીના આ સ્ટેટમેન્ટે મને સન્માન અને સલામતીની લાગણી આપી હતી એવું મારે સ્વીકારવું જોઈએ. એમણે કહ્યું હતું કે, "મેગન વિશે હું બધું જ જાણું છું... બીજા માણસોએ જેટલું જાણવું જોઈએ એટલું અમે જ જણાવીશું. દરેકે બધું જાણવું જોઈએ એવી કુતૂહલ વૃત્તિ અને મેગનના અંગત જીવનને મસાલો બનાવીને વેચવાની મીડિયા વૃત્તિને કાબૂમાં રાખવાની હું અખબારો અને જાહેરજનતાને નમ્ર અપીલ કરું છું... નિયા આખીને બીજાની જિંદગીમાં બહુ રસ હોય છે. સગાં હોય કે સુપરસ્ટાર, પડોશી હોય કે પોર્નસ્ટાર, દુનિયાને બીજાના જીવનમાં ડોકિયું કરીને ગૉસિપ અને નિંદાનો રસ મળે છે. આડોશી-પાડોશીની ગૉસિપ તો કદાચ બે-ચાર લોકોમાં ગણગણાટ કરીને બંધ થઈ જાય છે, પરંતુ જ્યારે પ્રિન્સ હેરી જેવી વ્યક્તિની વાત થાય ત્યારે એમાં માત્ર એનું અંગત જીવન નહીં, બ્રિટિશ રાજપરિવાર, એમની પરંપરા, મર્યાદાઓ, ચુસ્ત નિયમો અને રાજપરિવાર સાથે જોડાયેલી અબજોની મિલક્ત પણ મહત્ત્વના મુદ્દા બની રહે છે. લેડી ડાયના અને પ્રિન્સ ચાર્લ્સના મોટા પુત્ર પ્રિન્સ વિલિયમ બહુ જ કહ્યાગરા પુરવાર થયા. એમણે પરિવારની પરંપરાઓને પૂરી નિષ્ઠાથી સ્વીકારી, એક બ્રિટિશ રૉયલ પરિવારની ક્ધયા કેથરીન મિડલટન સાથે લગ્ન કર્યાં. કેથરીન અને વિલિયમના લગ્ન ૨૦૧૧માં થયાં. એમને ત્રણ સંતાનો છે. એમના લગ્ન વિશે ભાગ્યે જ કોઈ ચર્ચા થઈ છે. એ બંને એકબીજાને ૨૦૦૧માં મળ્યાં. ૨૦૧૦માં એમના ઓફિશિયલ વિવાહ, એન્ગેજમેન્ટ જાહેર થયા ત્યાં સુધીમાં વિલિયમ અને કેથરીન વિશે ભાગ્યે જ કોઈ ગૉસિપ કે ટેબ્લોઈડ અખબારોમાં ભાગ્યે જ કોઈ સમાચાર છપાયા હતા. કેથરીન અને વિલિયમ એકબીજાને ડેટ કરતાં હતાં, પરંતુ એમની આ મુલાકાતો મીડિયાથી છાની અને ખૂબ ગોપનીય રીતે થતી રહી. ૨૦૧૦માં એન્ગેજમેન્ટ અને ૨૦૧૧ના એપ્રિલમાં એમના લગ્ન થયાં ત્યારથી આજ સુધી પણ એમના લગ્નને જાહેરમાં ક્યાંય ઉછાળવાની વાત થઈ શકે એવું એમનું વર્તન નથી રહ્યું... પ્રિન્સ વિલિયમ પરિવારનો લાડકો અને સન્માનનીય દીકરો છે. એણે સૌનું મન અને માન રાખ્યાં એ વાતે ક્વીન મધરે જાહેરમાં સ્ટેટમેન્ટ આપતાં કહ્યું હતું, "આ યુવા યુગલ માટે મારા આશીર્વાદ છે. હું એબ્સ્યુલ્યુટલી ડિલાઇટેડ-ખૂબ જ આનંદમાં છું. અમારા પરિવારને છાજે તેવી અને અમને સહુને ગમે તેવી ક્ધયા સાથે લગ્ન કરવાનો પ્રિન્સ વિલિયમનો નિર્ણય એના રાજવી રક્ત અને શ્રેષ્ઠ ઉછેરને પ્રતિબિંબિત કરે છે. આ વાત અમારાં લગ્ન વખતે કહી શકાય એમ નહોતી! અમારાં લગ્ન રાજપરિવારને કબૂલ નહીં હોય એની અમને ખબર જ હતી... પ્રિન્સ વિલિયમના લગ્ન ૨૬.૩ મિલિયન લોકોએ યુ-ટ્યૂબ પર આ લગ્ન લાઈવ નિહાળ્યાં. વિશ્ર્વમાં લગભગ ૬૫.૩ મિલિયન લોકોએ આ લગ્ન ટેલિવિઝન પર જોયાં. વેસ્ટ મિનિસ્ટર એબેથી બકિંગહામ પેલેસ સુધીના રસ્તા પર લાખો લોકો આ લગ્નના પ્રોસેેશન, સરઘસને નિહાળવા ઊભાં રહ્યાં હતાં. એ લગ્ન મેં પણ ઇન્ટરનેટ પર જોયેલાં. મને કલ્પના પણ નહોતી કે મારાં લગ્ન પણ એક દિવસ આવી જ રીતે થશે! પ્રિન્સ વિલિયમને એના ભાઈ હેરી માટે ખૂબ પ્રેમ છે. એનું એક કારણ કદાચ એ પણ છે કે મધર ડાયનાના મૃત્યુ સમયે પ્રિન્સ હેરી માત્ર બાર વર્ષના હતા. ડાયનાના અનેક અફૅર વિશે બ્રિટિશ ટેબ્લોઈડ્સ છાપતાં રહેતાં. પોતાની મા વિશે છપાતા આવા સમાચારો હેરીને ખૂબ વિચલિત કરતા. ડાયનાના મૃત્યુ પછી પણ એના સંબંધોને ઉખેડી-ઉખેડીને, ચૂંથી-ચૂંથીને વેચવામાં આવ્યા. એ સમયે પ્રિન્સ વિલિયમે પોતાના ભાઈ હેરીના ઇમોશનલ બેલેન્સની ખૂબ કાળજી લીધી હતી. એમના પિતા પ્રિન્સ ચાર્લ્સ વિશે હેરીએ એકવાર પોતાના જ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "હું એમને મળું છું, અપોઈન્ટમેન્ટ લઈને. વિશાળ ડાઇનિંગ ટેબલ ઉપર અમે બંને છેડે બેસીને સાથે ભોજન કરીએ છીએ. એ મારી કાળજી કરે છે, મને નિયમિત પૈસા મળી જાય છે કે નહીં એની ખબર રાખે છે. જ્યારે જ્યારે અખબારોમાં મારા વિશે કંઈ છપાય ત્યારે એમને એમનું પિતૃત્વ યાદ આવે છે એટલે ફરજના ભાગરૂપે એ મને ઠપકો પણ આપે છે! આના પરથી સમજી જ શકાય એમ છે કે પિતા-પુત્ર વચ્ચે કેવા સંબંધો હશે! પ્રિન્સ વિલિયમ અજાણતાં જ પોતાના નાના ભાઈના પિતાનો રોલ પણ કરતા રહ્યા હતા એટલે જ્યારે અમારા ઘનિષ્ઠ સંબંધો અને લગ્નની વાત આવી ત્યારે પ્રિન્સ વિલિયમે પોતાના ભાઈનો પક્ષ લીધો. એમણે આ સંબંધને પોતાનો સપોર્ટ જાહેર કરીને કહ્યું હતું, "ડ્યુક ઓફ કેમ્બ્રિજ તરીકે હું આ સિચ્યુએશનની અંગતતા અને મહત્તા સમજું છું, પરંતુ પ્રિન્સ હેરીની પ્રાઇવસી અને સ્વતંત્રતાને સપોર્ટ કરીને હું એમને એમનું જીવન એમની રીતે જીવવા દેવું જોઈએ અને એમના જીવનસાથીને પસંદ કરવાનો એમને અધિકાર મળવો જોઈએ એમ માનું છું. ડિસેમ્બર-૨૦૧૬માં અમે બંને જણાં, હેરી અને હું એક નાટક જોવા ગયાં હતાં જ્યાંથી બહાર આવતા હાથમાં હાથ પકડેલો ફોટો પ્રકાશિત થયો. જાન્યુઆરી અને ફેબ્રુઆરી-૨૦૧૭ સુધી અમારા ફોટા પ્રકાશિત કરીને ટેબ્લોઈડ અખબારો લાખો કમાતાં રહ્યાં, પરંતુ એપ્રિલ-૨૦૧૭માં મેં મારો લાઈફ સ્ટાઈલ બ્લૉગ બંધ કર્યો ત્યારે સહુને લાગ્યું કે કશુંક ગંભીર બની રહ્યું છે. ૨૦૧૭માં જ અખબારો અને બાકીના બધા લોકોએ આ લગ્ન થશે કે નહીં એ વિશે અનેક અટકળો કરી... મને નવાઈ લાગે છે કે અમારાં લગ્ન થશે કે નહીં એના ઉપર સટ્ટો પણ રમાઈ ચૂક્યો! પીપ્પા (ફિલિપીઆ) મિડલટન, જે કેથરીનની બહેન અને પ્રિન્સ વિલિયમની સાળી છે, એના લગ્નમાં મને પહેલીવાર સત્તાવાર આમંત્રણ મળ્યું. હું સમજું શકું છું કે આ આમંત્રણ પ્રિન્સ વિલિયમ અને એના સાસરાપક્ષ તરફથી હતું... રાજપરિવારે હજી મને સ્વીકારી નહોતી એ વાત મને એ લગ્નમાં સમજાઈ. ક્વીન મધરને મારી ઓળખાણ કરાવવામાં આવી નહીં, એટલું જ નહીં, હું એમની સામે ન આવું એની ખાસ કાળજી લેવામાં આવી. હું સમજી શક્તી હતી... પરંતુ હેરીએ મારું સન્માન જાળવવામાં અને એ લગ્નમાં મને મજા પડે એની ખાતર બરદાસ્ત કરવામાં કોઈ કમી છોડી નહીં! 'વેનિટી ફૅર' મેગેઝિનના ઇન્ટરવ્યૂમાં જતી વખતે હેરીનો મારા પર ફોન આવ્યો. મેં એ ફોનમાં એને પૂછ્યું, "શું થશે? હેરીએ કહ્યું, "તું જે કરીશ તે થશે... પછી એણે ધીમેથી ઉમેર્યું, "આ સંબંધની જાહેરાત તારે જ કરવી જોઈએ. હું એનો ઇશારો સમજી ગઈ. 'વેનિટી ફૅર' મેગેઝિનના આ એ ઇન્ટરવ્યૂમાં, ઓક્ટોબર ઇસ્યુમાં છપાયું, "અમે યુગલ છીએ, અમે પ્રેમમાં છીએ. મારા જ શબ્દોમાં મેં કરેલી અમારા પ્રણયની જાહેરાત વિશ્ર્વના ખૂણેખૂણે પહોંચી ગઈ, "મને ખબર છે કે એવો સમય આવશે જ્યારે અમારે જાહેરમાં આવીને પોતાની વાત કહેવી પડશે. અમને એનો કોઈ છોછ નથી, પરંતુ મીડિયા અને ફૅન્સ જો સમજી શકે કે આ અમારો સમય છે. આ અમારા માટેનો સમય છે તો અમને આનંદ થશે. હું આ પરીકથાનો પ્રણય જીવી રહી છું... મારા શુભેચ્છકો અને ફૅન્સને વિનંતી કરું છું કે મને આ સપનામાંથી જગાડશો નહીં. એમણે પ્રિન્સ હેરી ઉપર મારા આ ઇન્ટરવ્યૂને રદિયો આપવા માટે ખૂબ દબાણ કર્યું, પરંતુ હેરીએ રદિયો ન આપ્યો એટલું જ નહીં, એણે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર અમારા વિક્ટોરિયા ફોલ્સના, આફ્રિકાના અને જમૈકાના ફોટા શૅર કર્યા... હવે રાજપરિવાર પાસે કોઈ રસ્તો નહોતો રહ્યો. અમે પહેલી વખત રાજપરિવાર તરફથી ટોરેન્ટોની ઇન્વિક્ટસ ગેમ્સમાં હાજરી આપી. શરૂઆતમાં અમે બંને અનેક રૉ છોડીને બેઠાં, પરંતુ હેરી અંતે આવીને મારી બાજુમાં બેસી ગયા. વ્હિલચૅરની ટેનિસ મૅચમાં અમારા હસતાં, એકબીજા સાથે વાતો કરતાં અને હાથ પકડીને બેઠેલા અનેક શોટ્સ ટેલિવિઝન ઉપર પ્રદર્શિત થયા. નવેમ્બર-૨૦૧૭માં પહેલીવાર મને ક્વીન મધરને મળવા માટે લઈ જવામાં આવી. મારે કહેવું જોઈએ કે એ મુલાકાત બહુ વોર્મ કે પ્રેમાળ નહોતી જ. એમણે મને એક-બે સવાલો પૂછ્યા અને પછી વાઈન પીરસવાનો આદેશ કર્યો. પોતાના પૌત્રની થનારી પત્નીને મળતા હોય એવું કશું જ ક્વીન મધરના વર્તાવમાં નહોતું! જો કે ડ્યુક ઑફ એડનબરો, ક્વીનના પતિ અને હેરીના દાદાજીએ મારી સાથે ખૂબ જ પ્રેમાળ વર્તન કર્યું. વિલિયમ અને એની પત્ની કેથરીન મિડલટનને હું પહેલાં પણ મળી હતી. હેરીની ફોઈ પ્રિન્સેસ એની પણ એ દિવસે ડિનર પર આવ્યાં હતાં. હું એટલું તો સમજી જ શકી કે આ લગ્નનો સ્વીકાર સ્નેહથી નહીં, મજબૂરીમાં કરવામાં આવી રહ્યો છે. ત્યારે મને અંદાજ નહોતો કે પ્રિન્સ હેરી ઉપર આ પરિવાર કેવું દબાણ લાવશે... ડિનર પતાવીને ગાડીમાં બેસતાં મેં હેરીને પૂછ્યું, "હવે? એના મોહક સ્મિત સાથે એણે મારા ગાલ પર ટપલી મારીને કહ્યું, "હવે શું? હવે લગ્ન... જ્યારે લગ્નની તારીખ નક્કી કરવાનો સમય આવ્યો ત્યારે મને ખબર પડી કે હેરીએ પોતાના વારસામાંથી મોટાભાગની મિલક્ત છોડી દેવાનો નિર્ણય લઈ લીધો હતો. પ્રિન્સનું ટાઈટલ અને એને વારસામાં મળેલો એક પેલેસ પણ એણે છોડી દીધો. નવેમ્બર ૨૭મીએ અમારાં એન્ગેજમેન્ટ થયાં. પ્રિન્સ હેરીએ મને પ્રપોઝ કરવા માટે વાપરેલી રિંગ મને ફરીથી એન્ગેજમેન્ટમાં પહેરાવવામાં આવી, કારણ કે અમારાં બંનેનો એ જ આગ્રહ હતો. ક્લિવ એન્ડ કંપની દ્વારા બોટસ્વાના (અમે જ્યાં પહેલી રજાઓ વીતાવી હતી)થી મગાવેલા હીરા જડેલી આ વીંટીમાં પ્રિન્સેસ ડાયનાના કલેક્શનમાંથી બે મોંઘા સ્ટોન્સ જડવામાં આવ્યા હતા. એન્ગેજમેન્ટ પછી અમે પહેલો સહિયારો ઇન્ટરવ્યૂ બીબીસીને આપ્યો. નવેમ્બર પછી પણ કદાચ ક્વીન મધરને એવી આશા હતી કે અમારા એન્ગેજમેન્ટ તૂટી જશે. એમણે પ્રિન્સ પર દબાણ કરવામાં કશું બાકી રાખ્યું નહીં, પરંતુ અંતે માર્ચ, ૧૫મીએ ક્વીન મધરે સત્તાવાર આશીર્વાદ આપતાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "હું મંજૂરી આપું છું કે મારા અત્યંત વહાલા પૌત્ર પ્રિન્સ હેનરી ચાર્લ્સ આલ્બર્ટ ડેવિડ ઓફ વેઈલ્સ અને રશેલ મેગન માર્કલને અમારા પરિવારની પૌત્રવધૂ તરીકે સ્વીકારે. આ લગ્નને અમારા પરિવારની સત્તાવાર મહોર મારું છું અને પ્રીવી કાઉન્સિલના અમારા રજિસ્ટરમાં આ લગ્નની નોંધ કરવાની રજા આપું છું. લગ્નના આમંત્રણ માર્ચના અંતમાં પહોંચાડવામાં આવ્યા. બર્નાર્ડ વેસ્ટવુડ નામની કંપનીએ ડિઝાઈન કરેલા આ કાર્ડ પ્રિન્સ ઓફ વેઈલ્સના ત્રણ પીંછાં અને એમની સહી સોનાના પ્રવાહી દ્વારા છાપવામાં આવ્યા હતા. વેડિંગ કાર્ડ જોઈને પણ મને ભરોસો નહોતો પડ્યો કે આ લગ્ન થશે... હું રોજ મનોમન પ્રાર્થના કરતી, ક્યારેક રડતી તો ક્યારેક મારા જ નસીબની ઇર્ષા કરતી! અંતે આજનો દિવસ આવી પહોંચ્યો. સેન્ટ જ્યોર્જ ચેપલમાં આ લગ્ન ગોઠવવામાં આવ્યાં. વિન્ડસર કૅસલમાં આવેલા આ ચેપલનું મહત્ત્વ ઘણું છે. હેરીએ મારા પરિવારને આ લગ્નમાં આમંત્રિત કરવાની પોતાની ઇચ્છા જાહેર કરી. જ્યારે સામાન્ય રીતે રૉયલ વેડિંગમાં રૉયલ પરિવાર સિવાય કોઈને આમંત્રણ હોતું નથી. લગ્નના દિવસે અમે સૌથી પહેલાં પ્રિન્સેસ ડાયનાના રૂમમાં જઈને એમને ટ્રિબ્યુટ અર્પણ કરીને વિન્ડસર કૅસલ જવા રવાના થયા. મારી બ્રાઈડમેડ, પેજબોયઝ અને અંતે પ્રિન્સ ચાર્લ્સ સાથે એઇઝલ પર ચાલીને હું મારા ગ્રૂમ (વરરાજા) સુધી પહોંચી. અમારા પરિવારના સૌથી પૂજનીય એવા માઈકલ બ્રુસ કરી એ શરમન (વિધિ) કરી. અમે અમારા વાઉઝ કહ્યા, અને રિંગની અદલાબદલી કરી, પતિ-પત્ની તરીકેનું પહેલું ચુંબન કર્યું. ત્યાંથી રૉયલ કેરેજમાં બેસીને અમે વિન્ડસર કૅસલનો રાઉન્ડ માર્યો. હાઈ સ્ટ્રીટમાં થઈને અમે લોંગ વૉક પર પસાર થયાં. અમને જોવા માટે ઊભા રહેલા અનેક લોકોએ અમને વહાલથી આવકાર્યાં... આજે મને એ બધું જ મળી ગયું છે જેની મેં ક્યારેય કલ્પના કે ઝંખના પણ નહોતી કરી. પ્રિન્સ હેરી રાજકુમાર ન પણ હોત, તો ય હું એમને આટલો જ પ્રેમ કરતી હોત એવું મને અત્યારે લાગે છે. આવનારાં વર્ષો જ કહેશે કે અમારો આ નિર્ણય કેટલો સાચો છે, પરંતુ કોઈ પરીકથાની જેમ 'ખાધું-પીધું ને રાજ કર્યું' જેવું જીવન જીવવાની મને ઝંખના છે અને હું એ માટે પૂરી નિષ્ઠાથી પ્રયાસ કરીશ. |
No comments:
Post a Comment