મેં ઘણીવાર સાંભળ્યું છે કે બારે બુદ્ધિ, સોળે સાન, વીસે વાન અને આવે તો આવે બાકી ન આવે પણ સ્વભાવ વિશે એવું છે કે મૂળગત સ્વભાવ તમે જે લોકો સાથે રહો એવો થવા માંડે. અમે ૧૨મા ધોરણમાં એક ટ્યૂશન ક્લાસમાં જતા ત્યાં એક મહિલા કોલેજના પ્રોફેસર આવતાં. જો ભૂલેચૂકે પણ કંઈક ખોટું બોલાય જાય તો તરત જ મોઢામાંથી જીભ કાઢે, ચાલે તો ચાલમાં નજાકત ઝલકી આવે! આ રીતે જ એક કો-એડ કોલેજના પ્રોફેસર આવતા એમને થોડો પણ બ્રેક મળે એટલે વાળ ઓળાવવા ઊભા રહી જાય. એક બોય્ઝ કોલેજના પ્રોફેસર આવતા એમને ક્યારેય મેં સારા કપડામાં ક્યારેય નથી જોયા! જો કે મને એક આશ્ર્ચર્ય તો હંમેશાં માટે રહેશે કે અમારો ચૂનિયો એકવાર આફ્રિકાથી આવેલા લોકો સાથે ફરવા ગયેલો અને લગભગ એક મહિના પછી જોયો ત્યારે કોણ જાણે કેમ તેના વાળ પણ વાંકડિયા થવા લાગ્યા હતા અને કલર પણ ઘાટો કાળો થવા લાગ્યો હતો! એટલે સાન તો આવે એ સમજ્યા પણ અમારા ચૂનિયાને અપવાદ ગણવો પડે કેમ કે એને વાન પણ આવવા લાગ્યો! આ જોયા પછી એક નિષ્કર્ષ તો કાઢી જ શકાય કે ગમે તેમ હોય જે ધંધા કે જે લોકો સાથે રહો તે આપણી બોલીમાં, સ્વભાવમાં, વર્તનમાં બધે જ અસર તો આપી જ જાય.
આ માટે તમારે અલગ અલગ બિઝનેસમાં જોડાયેલા વ્યક્તિને એક જ સવાલ પૂછવાનો એટલે તમને એમના વ્યવસાયની ભાષા જ સાંભળવા મળે. હમણાં જ મુંબઈમાં વરસાદ બરાબર જામ્યો એટલે મને થયું કે લાવ થોડા મિત્રોને પૂછું. અમારા મગન દરજીને વરસાદ કેવો એવું પૂછતા જ જવાબ આપ્યો 'અરે વાત પૂછોમાં.. ટેભા તોડી નાખે એવો મંડાણો છે.'. આ પછીનો ફોન સુરેશ શેરદલાલને ફોન લગાડ્યો તો એણે કહ્યું 'ઉપલી સર્કિટ લાગી હો.' પછીનો ફોન જૈન બિલ્ડર્સના કમલભાઈને કર્યો તો એમણે કહ્યું 'વસઈની તેજી જેવો વરસાદ છે, આજે તો આખા મહિનાનું બુકિંગ કર્યું હોય એમ લાગે છે.' એક કવિ મિત્રને પૂછ્યું તો કહે 'આજનો વરસાદ તો રદીફ કાફિયાનો મેળ તોડી નાખે એવો વરસાદ છે. આમાં છંદ બંધારણ તો ગોત્યું હાથમાં આવે એમ નથી.' ટપુ ટપોરીએ કહ્યું 'અરે ભાઈ વાંસા ફાડી નાખે એવો વરસાદ છે. સીધો થર્ડ ડિગ્રીએ જ ચાલુ પડ્યો છે.' બાલચંદભાઈ સોનીએ જવાબ આપ્યો કે 'અરે રોડ ઉજારી નાખ્યાં.' અને અમારા તંત્રીશ્રી નીલેશભાઈને ફોન કર્યો તો એમણે કહ્યું 'મુંબઈ સમાચાર ચાલુ છે અને વરસાદ મુંબઈમાં છે, રાજકોટમાં નહીં. લેખ સમયસર મળી જવો જોઈએ.' હવે આમાં મારે શું કહેવું? સૌથી વધારે તો અમારા મિત્ર જયરામ બિલ્ડર્સ વાળા સંજયભાઈને ત્યાં પહેલો પ્રસંગ હતો. છોકરો યુવાન એટલે એનું ગોઠવવાનું હતું. એમની આ યાત્રાનો હું સાક્ષી રહ્યો છું. એમની દરેક ભાષા રિયલ એસ્ટેટના ધંધા મુજબ જ હોય. મને ફોન કરીને કહ્યું કે 'તમે આવતા હો તો મારા છોકરાની સુથી દેવા જવાની છે પણ મને એમ છે કે પહેલા પ્લોટ તમે તમારી નજરે જોઈ લો, ફાઇલ ચેક કરી લો અને જો પ્લાન બેસે એવું લાગે તો પછી સુથી આપીએ.' અમે ગયા પણ ખરા. કુટુંબ, ક્ધયા, સગાંવહાલાંઓને મળ્યા અને ખૂણામાં જઈને મસલત કરી અને એમનો અભિપ્રાય હતો કે 'મોકાનું છે. કાટખૂણાનું છે, ૩૦ના મોઢા વાળુ વેસ્ટ ઓપન છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે એટલે ગોળધાણા ખાવામાં વાંધો નથી. સુથી આપી કાચી ચીઠ્ઠી બનાવી લઈએ.' થોડા સમય પછી ચૂંદડી ઓઢાડી શ્રીફળવિધિ પતાવી મને ફરી ફોન કર્યો કે 'અત્યારે કબ્જા વગરનો કરાર કર્યો પણ વિધિ થઈ ગઈ હોય તો ફેન્સીંગ બાંધી શકાય એટલે કે આવરો જાવરો રહે. હવે પછીની મીટિંગમાં વેવાઇ સાથે બેસીને કબ્જાની વાત કરે લેશું. આપણી ગણતરી ડિસેમ્બરમાં કબ્જો સોંપે એવી છે એટલે પાક્કો દસ્તાવેજ કરી લઈએ. આમ મોર્ડન એરાનું બાંધકામ છે એટલે બહુ રીતરિવાજમાં માનતા નહીં હોય છતાં આજુબાજુમાં તપાસ કરી લેશું કે લોકોલીટી કેવી છે.' થોડા દિવસો પછી એમણે જણાવ્યું કે 'સાટાખત ભરાઈ ગયું અને આપણે વાત થયા મુજબ ડિસેમ્બરમાં કબ્જો સોંપી દેશે. આપણા કબ્જામાં આવ્યા પછી જરૂરી ફેરફાર કરી લેશું.' થોડા સમયમાં જ કોઈ મિત્ર દ્વારા સમાચાર મળ્યા કે સગાઈ તોડી નાખી એટલે સ્વાભાવિક રીતે મેં ફોન કરી ખબર અંતર પૂછ્યા. સંજયભાઈએ જવાબ આપ્યો 'ભાઈ, આપણે ઉત્તરોતર ચેક કરવામાં ભૂલ ખાય ગયા. ક્ધયાના ઘણા લફરાં બહાર આવ્યાં ત્યારે ખબર પડી કે આમાં તો ચાર પાંચ બાનાખત ઓલરેડી છે એટલે સરવાળે સોદો ફોક કર્યો. વેવાઇ આપણને ભરેલ કબ્જે માલ પરોવવાની તૈયારીમાં હતા પણ આ તો માર્કેટમાં આપણી શાખ સારી એટલે જગ્યાનું વર્ણન કરતા જ ૭/૧૨ના ઉતારા સહિત બધી જ માહિતી આવી ગઈ. આ તો ઠીક છે કે આપણે વર્ષોથી ધંધામાં છીએ બાકી આજકાલ આવા જ લોકો છે. દલાલને પણ બરાબર ખખડાવ્યો કે હવે આવી પ્રોપર્ટી દેખાડી છે તો કાયમ માટે ધંધો બંધ કરાવી દઇશ.' આ આખી વાતમાં જો છોકરીને બાદ કરી નાખો તો એમ જ લાગે કે કોઈ પ્રોપર્ટીનો સોદો છે! પણ આને કોણ સમજાવે કે એમનો છોકરો એવી પ્રોપર્ટી છે કે તેજીની માર્કેટમાં મંદીના ભાવે વેચવા મૂકો તો પણ ખરીદનાર ન જ મળે! અમારા પ્રિય મિત્ર ગોપાલ કંદોઈ પહેલીવાર પ્રેમમાં પડ્યો ત્યારે એનો લખેલો લેટર મને હજુ પણ યાદ છે. - પ્રિય રસમલાઈ, જેમ ડાયાબિટીઝના દર્દી જલેબી જોઈને લલચાય એ રીતે જ તને જોઈને હું લલચાવ છું. ભલે મારું શરીર પેંડા જેવું છે પણ તને પામવા હું કાજુકત્રીની હદ સુધીનું ઘટાડવા તૈયાર છું. તારો સ્વભાવ મને મીક્સ મીઠાઈ જેવો લાગ્યો છે. તારા શબ્દોમાં મને રસગુલ્લાની મીઠાશ અનુભવાય છે. તારા હોંઠ એટલે સંગમ કત્રી પર મૂકેલી ચેરી. તારા અંગૂર રબડી જેવા જીવનમાં હું સુકા મેવાની જેમ ભળી જઈશ અને આપણા લગ્નની મીઠાઈ રૂપે બધાને ખુશી આપીશું. મારા પપ્પા મને લીસા લાડવાની જેમ જાહેરમાં વેંચી નાખવા માગે છે અને ખાટા પડી ગયેલા શિખંડ જેવી છોકરીઓ બતાવે છે. મને આશા છે કે તું આપણા સંબંધોની મીઠાઇ પર હરખ કરીને વરખ ચોપડી હાં જ કહીશ. મને ખબર છે માખીઓ તો આવશે જ પણ આપણે ગમે તેવાં વિઘ્નોને માખી ઉડાડીએ એમ ઉડાડી દઇશું. આમ પણ શિયાળો ચાલે છે એટલે આપણે બંને મળીને પ્રેમના અડદિયા બનાવી લઈએ. બસ હાં પાડ એટલે કિલો કિલોના બોક્સ તૈયાર જ રાખ્યાં છે એ લઈને તારા પરિવારને મીઠાઇથી ધરાવી દઉં. જો કે છોકરી ટીચરની દીકરી હતી એટલે ગોપાલના મીઠા મધૂરા પ્રેમ પત્ર પર બ્લેકબોર્ડ પર ડસ્ટર ફરે એમ ભૂંસી નાખ્યું અને લખ્યું 'અમારા ઘરમાં બધાં ફરસાણના શોખીન છે, મીઠાઈના નહીં' લખીને વાત પૂરી કરી નાખી! આજની તારીખે ગોપાલ કુંવારો જ છે કેમ કે એ દુ:ખમાં લગભગ ૧૧૦ કિલોનો થઈ ગયો છે અને પૂછીએ તો કહે 'દરજી કોઈ દિવસ જાડા ના હોય અને કંદોઈ કોઈ દિવસ પાતળો ન હોય અને લેખક કોઈ દિવસ બે પાંદડે ના હોય.' આગલાં બે વાક્યો માટે વિકલ્પો હતા પણ જેવી લેખકની વાત આવી એટલે આપણે પણ સ્વીકારી લીધું. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvwMJLVK5N%3DrpLeANjipeOFgJRo%3DEXVUn3An1gqJN0NmA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment