Friday, 6 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મોડેલમાંથી બની મારફાડ માફિયા (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મનમોહક મોડેલમાંથી બની મારફાડ માફિયાઃ મોડેલ જ્યોર્જિયા ડૂરાન્ટે
વિચારદંગલ:- વસંત કામદાર

 

 

આજે મોબાઈલ ફોનનાં ક્ષેત્રે આવેલી જબરદસ્ત એન્ડ્રોઈડ ક્રાંતિનાં લીધે આપણા નિશાળે જતાં બાળકો પણ ફોન વડે સેલ્ફી લેતા થઈ ગયા છે અને ફોન ઉપરનાં કેમેરાનાં પિકસેલ વિશે વાતો કરતાં પણ થઈ ગયા છે પરંતુ વર્ષો પહેલાં જ્યારે મોબાઈલ ફોન ઉપર ફોટોગ્રાફી કરવાની સુવિધા નહોતી ત્યારે કેમેરા દ્વારા ફોટોગ્રાફી કરવી પડતી અને કોડાક કંપનીનાં કેમેરા સસ્તા અને સારા ગણાતાં. એ સમયે કોડાક કંપનીની જાહેરાત ખૂબ જ જાણીતી બનેલી અને એ જાહેરાતમાં દેખાતી કેવળ ૧૨ વર્ષની છોકરીઓ આખી દુનિયાને પોતાના કામણથી ઘેલી કરી દીધી હતી. ૧૭ વર્ષની ઉંમરે તો એ છોકરી અમેરિકન મેગેઝિનોનાં કવર પેજ ઉપર સહુથી વધારે ઝળકતી મોડેલ બની ગઈ. ૧૯૯૦માં તે શેવરોલેટ જેવી લકઝરીયસ કારની જાહેરાતમાં પણ દેખાઈ. એ સમયે અમેરિકાનાં ૮૦ હજારથી વધુ સ્ટોલ ઉપર તેનાં માનવ કદનાં પોસ્ટર્સ જોવા મળતાં હતાં.

 

"કોડાક ગર્લ"નાં નામથી પ્રસિદ્ધ થયેલી એ સુપર મોડેલ એટલે જયોર્જિયા ડુરાન્ટે. ૯ જુલાઈ ૧૯૫૦નાં રોજ ન્યૂયોર્કનાં રોચેસ્ટર ખાતે એક ઈટાલીયન પરિવારમાં જન્મેલી એ છોકરીમાં સુંદરતા અને સાહસિકતાનો ગજબનો સમન્વય થયેલો હતો. તેની સુંદરતા તેને નાની ઉંમરે મોડેલિંગની ટોચ ઉપર લઈ ગઈ અને તેની સાહસિક્તા તેને હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળતાં ખતરનાક સ્ટન્ટની દુનિયામાં લઈ ગઈ. તેણે અનેક ફિલ્મોમાં સ્ટન્ટ વૂમન તરીકે કામ કર્યું. બહુરાષ્ટ્રીય કંપની પેપ્સીએ બનાવેલી એક જાહેરાતમાં તેણે સીન્ડી ક્રોફોર્ડ જેવી ટોચની અભિનેત્રી માટે જગપ્રસિદ્ધ સ્ટન્ટ કર્યા. તેણે ૧૯૮૨માં રન અવે નાઈટમેર, ૧૯૯૫માં કેસ્પર અને ૧૯૯૬માં સ્પાય હાર્ડ જેવી જાણીતી ફિલ્મોમાં કામ પણ કર્યું. તેને બોબી અનશેર તથા ડેર રોબીન્સના જેવા મહાન સ્ટન્ટમેનોની સાથે સ્થાન અને માન મળ્યું અને તેણે પોતાની માલિકીની સ્ટન્ટ શીખવતી સ્કૂલ પણ સ્થાપી.

 

તેણે પોતાની રોલર કોસ્ટર જેવી અનેક વળાંકો ધરાવતી જિંદગી વિશે "ધી કંપની શી કીપ્સ" નામનું એક અદ્ભુત પુસ્તક પણ લખ્યું અને તે વર્ષો સુધી અમેરિકામાં બેસ્ટ સેલર રહ્યું. તે અમેરિકાનાં વિવિધ શહેરોમાં જઈને મહિલાઓની સમસ્યાઓ અને ઉત્કર્ષ વિશે પ્રવચનો પણ આપવા લાગી. તેણે જેલોમાં રહેલી મહિલા કેદીઓનાં જીવન પરિવર્તનમાં સિંહફાળો આપ્યો.

 

હવે આવી મલ્ટી ટેલેન્ટેડ અને મલ્ટી પર્સનાલિટી ધરાવતી સૌંદર્ય સામ્રાજ્ઞાી વિશે આપણે વાત કરતાં હોઈએ અને અચાનક આપણને એવી જાણ થાય કે આ જ યુવતી અમેરિકાનાં કુખ્યાત માફિયા ગેન્ગની એક મહત્ત્વની સાગરીત હતી અને માફિયાઓ પાછળ પડતી પોલીસને પકડદાવ રમાડતી હોનહાર કાર ડ્રાઈવર પણ હતી તો એ વાત કેવી રીતે માનવામાં આવે…?

 

અતિશય રૂપાળી એ કોડાક ગર્લનાં જીવનમાં અચાનક એક દિવસ ખરેખર માનવામાં ન આવે તેવી એક ઘટના બની અને એ ઘટનાએ તેને ખૂંખાર માફિયાઓનાં જગતમાં પહોંચાડી દીધી. તેની પડોશમાં માફિયા પ્રવૃત્તિ સાથે સંકળાયેલો એક પરિવાર રહેતો હતો. એ પરિવારના માણસો મારફતે તેને સનડે ઓનર નામની એક કલબે આકર્ષક પગારની ઓફર કરી અને નોકરીએ રાખી લીધી. અજવાળામાં મનોરંજન પીરસતી એ કલબ રાત પડતાં માફિયાઓના કાળા કરતૂતોથી ધમધમવા લાગતી અને ડુરાન્ટેને તે વિશે કશી જ ખબર નહોતી. રાતનાં સમયે ત્રણ ટકોરા મારવામાં આવે તો જ તેનો દરવાજો ખૂલતો અને પૂરતી ચકાસણી પછી જ કોઈપણ માણસને અંદર પ્રવેશ મળતો.

 

– એકવાર કલબમાં ડુરાન્ટેથી પાંચ જ ફૂટનાં અંતરે એક માણસને ગોળી મારી દેવામાં આવી. એ માણસ લોહીલુહાણ હાલતમાં ફર્શ ઉપર તરફડવા લાગ્યો અને બધા ધીમેધીમે ત્યાંથી સરકવા લાગ્યા. ડુરાન્ટે આઘાતમાંથી બહાર આવીને કંઈક વિચારે એ પહેલાં તો કલબનાં માલિકે તેની સામે કારની ચાવી ફેંકી અને પેલાં માણસને કારમાં દવાખાને લઈ જવાનો આદેશ આપી દીધો.

 

કેટલાક માણસો કારમાં ગોઠવાઈ ગયા અને ડ્રાઈવિંગમાં માસ્ટરી ધરાવતી ડુરાન્ટેએ માનવતાને ખાતર કાર હંકારી લીધી. એ લોકો પેલા માણસને દવાખાનાની બહાર ફંગોળી નાસી છૂટયા ત્યારે ડુરાન્ટેને સમજાયું કે તેની કામગીરી હવે બદલાઈ ચૂકી છે અને તે હવે માફિયાની ગેંગ માટેની માનિતી કાર ડ્રાઈવર બની ચૂકી છે.

 

પછી તો માફિયાઓ તેની કારમાં માદક પદાર્થો અને વાંધાજનક સામગ્રીઓની હેરફેર કરવા લાગ્યા. કેટલીય વાર એવું બન્યું કે લૂંટફાટ કરીને ભાગતાં માફિયાઓની પાછળ પોલીસ પડી હોય અને આ કેવળ ૧૭ વર્ષની જાંબાઝ છોકરી ન્યૂયોર્કની શેરીઓમાં મારફાડ ડ્રાઇવિંગ કરીને પોલીસને પણ તે હાથતાળી આપી જાય.

 

આ નવી કામગીરીમાં તેને નાની ઉંમરે અઢળક નાણાં મળતાં હતા એટલે તે ખુશ હતી. તેણે તેનાં એક શાળાકીય મિત્ર સાથે લગ્ન કરીને માતૃત્વ પણ ધારણ કર્યું. તે પણ માફિયા ગેન્ગ સાથે સંકળાયેલો હતો. પરંતુ તેની ખુશી લાંબો સમય ન ટકી. એક તરફ તેના છૂટાછેડા થયા અને બીજી તરફ માફિયાઓ વચ્ચે લોહીયાળ ગેન્ગવોર ફાટી નીકળી. રોજે રોજ ગેન્ગનાં નામચીન માણસો એક પછી એક ખતમ થવા લાગ્યાં. હવે ડુરાન્ટે સાચેસાચ ડરી ગઈ. તે તેની ૭ વર્ષની નાની દીકરીને લઈ કેલિફોર્નીયા ખાતે નાસી છૂટી.

 

તે લખે છે કે અહીં મેં મારી માસૂમ બાળકી સાથે દરિયા કિનારે કડકડતી ઠંડીમાં કેટલીય રાતો વીતાવી. હું થિયેટરમાં જઈ આખા દિવસની ટિકિટો ખરીદી એકનું એક પિકચર જોતી અને એ રીતે સંતાતી ફરતી. આવી સ્થિતિથી કંટાળીને એક દિવસ મેં મારી દીકરીને કારમાં બેસાડી કાર હંકારી મૂકી. મને એ પણ ખબર નહોતી કે અમે ક્યાં જઈ રહ્યા છીએ? આખરે અમે લોસ એન્જેલસ આવી પહોંચ્યા. મારા પાકિટમાં કેવળ ૭ જ ડોલર બચ્યા હતા. અમે દિવસે ચોરીઓ કરીને પોતાનું પેટ ભરતાં હતાં અને રાત્રે કારમાં જ સૂઈ રહેતાં હતાં.

 

આખરે ઈશ્વરે અમારી સામે જોયું અને મારો એક જૂનો મિત્ર બ્રેન્ટવૂડ મને અચાનક મળી ગયો. એ અમને પોતાનાં ઘેર લઈ ગયો.


ડુરાન્ટેને એવી નોકરીની શોધ હતી કે જેમાં તે માફિયા જગતથી સંતાતી રહી શકે. તેનો આ નવો મિત્ર ફિલ્મ નિર્માણ સાથે સંકળાયેલો હતો. તે શોધી લાવ્યો કે ફિલ્મો અને જાહેરાતોમાં થતાં સ્ટન્ટમાં કેવળ જાણીતા હિરો-હિરોઈનના જ ચહેરાઓ દેખાતા હોય છે તેમનાં વતી સ્ટન્ટ કરનારા સ્ટન્ટમેનોનાં ચહેરા દેખાડવામાં આવતાં નથી. ડુરાન્ટેને આ નોકરી સલામતી અને સંપત્તિ એમ બંને દ્રષ્ટિએ અનુકૂળ લાગી અને તેણે તેમાં ઝંપલાવી દીધું.

 

તેનો મિત્ર તેને એક કારની જાહેરાત બનતી હતી ત્યાં લઈ ગયો અને અહીંથી તેની સ્ટન્ટ વુમન તરીકેની કારકિર્દી શરૂ થઈ. તેણે ખૂબ જ સંઘર્ષ કર્યો પણ આખરે તેણે માફિયા વર્લ્ડમાં કરેલાં દિલધડક કાર ડ્રાઈવિંગે તેને નોંધપાત્ર સફળતાઓ અપાવી અને તે એક ખ્યાતનામ સ્ટન્ટ વુમન બની ગઈ. તેને હોલિવૂડની જાણીતી ફિલ્મોમાં પણ તક મળી. તેને ખૂબ માન પાન મળ્યા અને તેણે તેની સફળતા અને સિદ્ધિઓનો ઉપયોગ તેના જેવી અજાણતા ગુનાખોરીની જાળમાં સપડાઈ ગયેલી યુવતીઓનાં જીવન પરિવર્તન માટે કર્યો.


બરબાદીના માર્ગે ઘસી ગયેલાં તેનાં જીવનને સર્જનહારે ફરી એક વાર ૫ાટે ચઢાવીને સાબિત કર્યું કે, "છોરું કછોરું થાય પણ માવતર કદી કમાવતર થતાં નથી."



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot8ARMzaHNnQE-L3S4LwHCBkfAei6f-ObBFq3-%3Dy1BvYw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment