જો તમારી સવાર ચા-કૉફી વગર પડતી નથી તો તમને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની તકલીફ હોઈ શકે. ઘણા લોકો છે જે સવારે ઊઠીને પણ એનર્જીથી ભરપૂર હોતા નથી અને એટલે જ તેમને ચા-કૉફી કે બીજા કોઈ એનર્જી ડ્રિન્કની મદદ લેવી પડે છે. આ અવસ્થા પાછળ તમારા શરીરમાં રહેલાં હૉર્મોન્સનું ઇમ્બૅલૅન્સ જવાબદાર છે. આજે જાણીએ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોય તો કયા પ્રકારનાં ચિહ્નો હોય જેનાથી ખબર પડે કે ઇમ્બૅલૅન્સ થયું છે. હેલ્ધી વ્યક્તિ તેને જ માનવામાં આવે છે જે બૅલૅન્સમાં રહે છે. જો તમારું શારીરિક અને માનસિક બૅલૅન્સ જળવાઈ રહેતું હોય તો કોઈ રોગ તમારા શરીરમાં ઘર નહીં કરી શકે. આ બૅલૅન્સ શું છે? આ બૅલૅન્સમાં ઘણુંબધું આવી જાય છે, જેમાં એક મહત્વનું પરિબળ છે હૉર્મોન્સ. શરીરમાં હૉર્મોન્સનું ઘણું મહત્વ છે. સામાન્ય મૂડ જાળવવાથી લઈને વાળ ટકાવવા સુધી અને શુગરને ઠીક રાખવાથી લઈને શાંતિથી સૂવા માટે પણ આપણને હૉર્મોન્સની જરૂર રહે છે. હૉર્મોન્સનું કામ અતિ મહત્વનું છે અને જો એમાં કોઈ ગરબડ થાય તો શરીરમાં જે ઇમ્બૅલૅન્સ રચાય છે એને કારણે ઘણા રોગો શરૂ થઈ જતા હોય છે. આજે સમજીએ કે શરીરમાં જો હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ રચાય તો કઈ રીતે ખબર પડે? હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ એટલે શું? એસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન, એડ્રિનલિન, ઇન્સ્યુલિન, પ્રોજેસ્ટેરોન, કૉર્ટિઝોલ જેવાં અલગ-અલગ ઘણાં હૉર્મોન્સ છે જે શરીરમાં જુદી-જુદી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય છે. આ દરેક હૉર્મોન શરીરનાં ઘણાં કામ સાથે સંકળાયેલાં હોય છે. હૉર્મોન્સ જુદી-જુદી ગ્રંથિમાં બનતાં હોય છે. જો એ જરૂર કરતાં વધુ બને કે પછી જરૂર કરતાં ઓછા પ્રમાણમાં બને તો એનું ઇમ્બૅલૅન્સ સર્જાય છે. હૉર્મોન્સને લગતી જે સિસ્ટમ શરીરમાં કાર્યરત છે એને આપણે એન્ડોક્રાઇન સિસ્ટમ કહીએ છીએ. એમાં કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ સર્જાય એટલે હૉર્મોન્સનું ઇમ્બૅલૅન્સ શરૂ થાય છે.
ઊથલપાથલ થાય કઈ રીતે? હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ વધવાનું એક મુખ્ય કારણ સ્ટ્રેસ છે. આ સ્ટ્રેસ કઈ રીતે હૉર્મોન્સને ઇમ્બૅલૅન્સ કરે છે એ જણાવતાં મુંબઈના ઇન્ટિગ્રેટિવ અને લાઇફ-સ્ટાઇલ મેડિસિન-હોલિસ્ટિક ન્યુટ્રિશન અને purenutrition.mના ફાઉન્ડર લ્યુક કુટિન્હો કહે છે, 'આપણા જીવનમાં વધતા રોજબરોજના સ્ટ્રેસને કારણે એડ્રિનલિન ગ્રંથિ વધુ પ્રમાણમાં કૉર્ટિઝોલ હૉર્મોનનું નિર્માણ કરે છે. જ્યારે શરીરમાં કૉર્ટિઝોલનું પ્રમાણ વધે છે ત્યારે થાઇરોક્સિન, DHEA અને ટેસ્ટોસ્ટેરોન જેવાં હૉર્મોન્સની સંખ્યા ઘટે છે. આપણા શરીરમાં એક સિસ્ટમ જ એવી બને છે કે એક હૉર્મોનની સંખ્યા વધે કે એની સાથે-સાથે બીજાં ૫-૭ જુદાં-જુદાં હૉર્મોન્સની સંખ્યા ઘટે છે. આ રીતે ઇમ્બૅલૅન્સ સર્જાય છે. આમ જો બૅલૅન્સ જાળવવું હોય તો દરેક હૉર્મોનની સંખ્યા નિશ્ચિ ત જ હોવી જોઈએ અને એના પ્રમાણથી એ વધવું ન જોઈએ.'
હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ થયું છે એ ખબર કઈ રીતે પડે? આપણું શરીર ભગવાને એવું બનાવ્યું છે કે મોટા ભાગે કંઈ ઊથલપાથલ થાય તો કોઈ ને કોઈ ચિહ્નો દ્વારા એ આપણને જાણ કરે છે. આ ચિહ્નોને ઓળખવાં મહત્વનાં છે. લ્યુક કુટિન્હો પાસેથી જાણીએ એનાં ચિહ્નો વિશે.
સ્ત્રીઓમાં જો હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોય તો સૌથી પહેલી અસર માસિક પર દેખાય છે. એનું માસિક અનિયમિત થઇ જાય અથવા એ દરમિયાન વધુ તકલીફો થાય. આજકાલ ૧૩-૧૪ વર્ષની છોકરીઓથી માંડીને ૩૫-૪૫ વર્ષની સ્ત્રીઓને પણ માસિક સ્માંબંધિત અનેક સમસ્યાઓ છે જેના મૂળમાં હોર્મોનલ ઇમ્બૅલૅન્સ રહેલું છે. અમુક સ્ત્રીઓ એવી છે જેને ઘણા સમય કોશિષ કરવા છતાં બાળક ન થતું હોય અને ચેક કરાવે તો ખબર પડે છે કે તેમને હૉર્મોન્સ સંબંધિત તકલીફ છે. આમ ઇન્ફર્ટિલિટી પાછળનું કારણ પણ મોટા ભાગે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ જ હોય છે. કોઈ વ્યક્તિને માનસિક રોગ જેમ કે ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટી હોય તો આ રોગ પણ સૂચક છે કે તેને હૉર્મોન્સ સંબંધિત તકલીફ હોઈ શકે છે. વ્યક્તિને શાંત રાખવા અને ખુશ રાખવા માટે હૉર્મોન્સની ઘણી જરૂર પડે છે. મૂડ સ્વિન્ગ્સ અને ઇરિટેશન જો સતત રહેતું હોય તો પણ એવું બની શકે કે વ્યક્તિને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોય. જે વ્યક્તિનું એકદમ જ વજન ખૂબ વધી જાય અથવા તો વજન ઉતારવા માટે પ્રયત્ન કરે, પરંતુ એમાં સફળતા ન મળે એ વ્યક્તિને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ હોવાની પૂરી શક્યતા છે. થાઇરૉઇડ ગ્રંથિની તકલીફને કારણે વજન પર અસર થતી દેખાય છે. આ હૉર્મોન્સના ઇમ્બૅલૅન્સને કારણે એવું પણ બને છે કે વજન એકદમ જ ઊતરી જાય. તમે ખૂબ દૂબળા થઈ જાઓ. સતત આળસ અને થાક એ આજકાલ લોકોમાં ઘણાં સામાન્ય બનતાં જાય છે. એનાં ઘણાં કારણોમાં એક મહત્વનું કારણ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ છે. જો તમને સવારે ઊઠવા માટે એક કપ કૉફી કે ચાની જરૂર પડતી જ હોય એટલે કે ચા કે કૉફી વગર તમારી સવાર પડતી જ ન હોય તો એનો મતલબ એ છે કે તમને હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ છે. મગજ અને શરીરને આગળ ધકેલવા માટે ચા કે કૉફી કે બીજાં એનર્જી પીણાંઓની જરૂર પડ્યા કરે એ સારી બાબત નથી. આજકાલ લોકો એને નૉર્મલ માને છે, પરંતુ એ નૉર્મલ છે નહીં. આજકાલ ઘણા લોકો અપૂરતી ઊંઘનો શિકાર હોય છે. અપૂરતી ઊંઘ પાછળ મુખ્ય કારણ તરીકે હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ રહેલું છે. એ બાબતે લોકો ઊંઘની ગોળીઓ લે છે, બીજા ઘણા પ્રયોગો કરે છે; પરંતુ હકીકત એ છે કે જ્યાં સુધી હૉર્મોનલ બૅલૅન્સ ન સર્જાય ત્યાં સુધી અપૂરતી ઊંઘની સમસ્યા જડથી જતી નથી. સેક્સ માટેની ઇચ્છા ન થવી કે એ પ્રત્યે અરુચિ પાછળ પણ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ જવાબદાર હોઈ શકે છે. મોટા ભાગે સ્ત્રીઓમાં આ પ્રકારની તકલીફ મેનોપૉઝની આસપાસના સમયમાં, પ્રેગ્નન્સી દરમ્યાન, ડિલિવરી પછી જ્યારે સ્તનપાન કરાવતી હોય ત્યારે કે માસિકની આસપાસના સમયમાં આ તકલીફ જોવા મળે છે જે થોડા સમય પૂરતી હોય છે. એની મેળે બૅલૅન્સ સ્થપાય પછી વાંધો નથી આવતો, પરંતુ જો તમને સતત અને લાંબા સમય સુધી આ તકલીફ રહે છે તો હૉર્મોન્સને બૅલૅન્સ કરવાં અનિવાર્ય થઈ જાય છે. કોઈ પણ પ્રકારની પાચન સંબંધિત તકલીફો હોય; જેમાં ઍસિડિટી, બ્લોટિંગ, અપચો જેવી તકલીફો હોય તો એ તકલીફો પણ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ જ ગણાય છે. આ સિવાય વાળ પાતળા થઈ જાય, ખૂબ ખરવા લાગે અને સ્કિન એકદમ નિસ્તેજ થઈ જાય તો પણ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સની સમસ્યા હોઈ શકે છે. મોટા ભાગે પુરુષોને ૪૦ વર્ષની ઉંમર પછીથી માથે ટાલ પડવાનું શરૂ થાય છે. આ સમયે તેમના શરીરમાં જે પ્રકારનું ઇમ્બૅલૅન્સ સર્જાય છે એની અસર સીધી વાળ પર દેખાય છે. આ સિવાય જેમને ડાયાબિટીઝ છે એટલે કે શુગરની સમસ્યા છે એ રોગની પાછળ પણ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ જ જવાબદાર હોય છે. એટલે જ જે લોકો પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર હોય છે તેમનાં હૉર્મોન બૅલૅન્સમાં કરીએ તો તેમને ડાયાબિટીઝથી બચાવી શકાય છે. જો તમારી શુગર ઉપર-નીચે થતી હોય તો એનું કારણ પણ હૉર્મોનલ ઇમ્બૅલૅન્સ જ હોય છે, કારણ કે શુગરને મૅનેજ કરતું હૉર્મોન ઇન્સ્યુલિન છે. ઇન્સ્યુલિન પૂરતી માત્રામાં ન બનતું હોય અથવા તો બનતું હોય છતાં કોષ એનો ઉપયોગ શુગરને વાપરવા માટે પૂરી રીતે ન કરી શકતા હોય તો ડાયાબિટીઝ સામે આવે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou%3DAFVPKrPMqsahf_Wy38VaRKtTXFFxit_qXC5E1G-aQA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment