આડિસ્ક્લેમર: વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' જરાય મહાન કે અસાધારણ કૃતિ નથી. વેબ સિરીઝની ખૂબ ચર્ચા થાય છે, ખોટા કારણોસર ખોટા ઇરાદા સાથે. પહેલો વિવાદ થયો ન્યૂડિટીનો ગેંગસ્ટર ગણેશ ગાયતોંડેની પત્ની સુભદ્રાનો રોલ કરતી રાજશ્રી દેશપાંડેએ નગ્ન (કે અશ્ર્લીલ?) દૃશ્ય પહેલીવાર આપ્યા નથી. થોડા મહિના અગાઉ તેની ફિલ્મ 'એસ. દુર્ગા' આ કારણસર ચર્ચાને ચકડોળે ચડી હતી અને ભારતીય સિનેમાના પડદા પર નગ્નતાની નવાઇ નથી. 'સિદ્ધાર્થ' બેન્ડિટ ક્વીન, બ્લૅક ફ્રાઇડે, વોરંટ, ફિરાક, 'ગાંડુ', 'રામ તેરી ગંગા મૈલી' 'માયા મેમસાબ' 'સત્યમ શિવમ સુંદરમ્', 'રંગરસિયા' અને 'એક્સપોઝ' જેવી ફિલ્મો નગ્નતા કે હિંસા બદલ ગાજી ચૂકી છે. ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના જમાનામાં અશ્ર્લીલતા હવે હેલીના ધૂમકેતુ જેવી નથી રહી. મોબાઇલનું ત્રીજું બટન દબાવતા પોર્નોગ્રાફીનો ખજાનો હાજર થઇ જાય છે. આ વેબ સિરીઝમાં ટ્રાન્સજેન્ડર સિંગર અને ડાન્સર બનતી કુબ્રા સૈત અને રાજશ્રી દેશપાંડેના ન્યૂડ સીન છે જરાય છોછ, કે અચકાટ કે શરમ વગર રાજશ્રીએ છડેચોક ઇન્ટરવ્યૂમાં કહ્યું, "આપણા સૌ પાસે સમાન શરીર છે મે મહિલાને ઉતારી પાડવાનું કામ કર્યું નથી મેં તો એક વ્યક્તિની ખૂબસુરત બાજુ પેશ કરી છે. બીજી મુલાકાતમાં રાજશ્રી પ્રેક્ષકોને ઢીબેડી નાખે છે," આ લોકો અપરિપકવ છે અને દૃશ્યોનું મહત્ત્વ અનિવાર્યતા સમજી શકતા નથી...સેક્સ ઇઝ બ્યુટીફૂલ મેં કોઇ આઇટમ સોંગ પર અશ્ર્લીલ ભાવ-ભંગિમાવાળો ડાન્સ કર્યો નથી. કદાચ ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાની ગતિ-પ્રગતિ સાથે સાંસ્કૃતિક વિચારધારા કદમ મિલાવી શકતી નથી. રાજશ્રી પોતાની 'સેકસી દુર્ગા'માંથી પરાણે 'એસ દુર્ગા' નામકરણ કરાયેલી ફિલ્મ વિશે વસવસો વ્યક્ત કરે છે, "સેન્સર બોર્ડની રિવાઇઝિંગ કમિટીએ અશ્ર્લીલ શબ્દો હટાવડાવ્યા અને પરાણે ટાઇટલ બદલાવડાવ્યું. વિચાર કરો કે આ ફિલ્મ વિશ્ર્વના ૫૦ ફિલ્મ ફેસ્ટિવલમાં જઇ આવી છે અને પ્રતિષ્ઠાજનક એવૉર્ડસ જીતી છે. નાનકડા ગામમાં રહેતા મારા માતા-પિતા ક્યારેય મારી આ કૃતિ નહીં જોઇ શકે. અને શહેરમાંય ક્યાં અમારી ફિલ્મ જેવી કૃતિને સારું ઓપનિંગ મળે છે. એટલે ન્યૂડિટી કે નગ્નતાના વિવાદમાં ઝાઝો દમ નથી. હવે આવી ક્રૂરતા-હિંસાની વાત. અનુરાગ કશ્યપનું નામ હોય એટલે હષિકેશ મુખર્જી, ગુલઝાર કે યશ ચોપડા જેવી નજાકત પ્રેમ કે સંવેદનશીલતા તો કેવી રીતે હોઇ શકે ! આ સિરીઝના પહેલા સીનમાં બહુમાળી ઇમારત પરથી શ્ર્વાનને પડતો બતાવીને અણસાર આપી દેવાય છે કે આગે કયાં આનેવાલા હૈ. પોતાના ગુરુ રામગોપાલ વર્માની જેમ કશ્યપ અને એના સાથી-દિગ્દર્શક વિક્રમ મોટવાનેને કંઇ પણ પ્રતીકાત્મક, સૂક્ષ્મ, નાજુક કે ગૂઢ બતાવવું ન ફાવે. એમના પાત્રો વિચારે નહીં, ભૂંડી ગાળો બને, છાતીમાં છરો હુલાવી દે કાં ખોપડીમાં કારતૂસથી કાણાં પાડી દે. એટલે હિંસાને પ્રશ્ર્ને ય ઝાઝી ચર્ચાને અવકાશ નથી. નજીવી બાબતમાં ઘણાં સંસ્કૃતિને હાનિ પહોંચાડવાનો અને નૈતિકતાનું અધ:પતન થવાની કાગારોળ મચાવી દે. સંસ્કૃતિ કંઇ લજામણીનો છોડ નથી કે એક વેબ સિરીઝથી અભડાઇ જાય. એ તો આવા કેટકેટલાં આંચકા પચાવીને અડીખમ રહે. નૈતિકતા તો સમય, સમજ અને સમાજને સથવારે નથી બંધાતી? બે દાયકા અગાઉ મધ્યમવર્ગના પરિવારમાં કિશોરાવસ્થામાં પ્રવેશતી દીકરીને ફરજિયાતપણે ચણિયો અને ઉપર ફુલ સ્લીવ્સનું શર્ટ પહેરાવાતું. આજે ઠેકઠેકાણે ફાટેલા ટોર્નડ્ જીન્સ કે શોર્ટ પહેરવાની નૈતિકતા ઘટી ગઇ ના. સમજ અને સમાજ બદલાયા છે. હવે રહી રાજકીય બાબત. ૨૦૦૬ની વિક્રમ ચંદ્રાની આ જ ટાઇટલવાળી નવલકથામાં આ બધી ટિપ્પણ નહોતી? ત્યારે કોઇએ નોંધ ન લીધી કે વિરોધ ન નોંધાવ્યો. આ સિરીઝની વિવાદની ગરમીમાં પોતાની રાજકીય ભાખરી શેકવા ભાજપ અને કૉંગ્રેસ બન્ને મેદાનમાં કૂદી પડયા હતા. દિલ્હીના એક વકીલ કોર્ટમાં દોડી ગયા કે આ શૉ માં તો બોફોર્સ, બાબરી મસ્જિદ, શાહબાનો કેસ અને કોમી રમખાણો સંબંધી હકીકતોને ખોટી રીતે રજૂ કરાઇ છે. નવાઝુદ્દીન સિદ્દીકી આમાં એક ડાયલોગ બોલે છે: 'મા મરી તો બેટા પીએમ બન ગયા, બનતે હી બોફોર્સ કા ઘોટાલા કિયા. અપુન સોચા જબ દેશ કે પીએમ (રાજીવ ગાંધી) કા હી કોઇ ઇમાન નહીં તો અપુન રાસ્તે જા કે ક્યા કરેગા...! આ જાણે કોઇ નવી કે અજાણી વાત હોય. રહસ્યોદ્ઘાટન હોય. ભારતીય જનતા પક્ષની આઇ.ટી.સેલના વડા અમિત માલવિયાએ 'સેક્રેડ ગેમ્સ' નો એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો. સાથોસાથ નવાઝુદ્દીને બોલેલો ડાયલૉગ અક્ષરસ: લખ્યો પણ ખરો. આનાથી કૉંગ્રેસીઓનું તમતમી ઊઠવું સ્વાભાવિક છે. પરંતુ મોટાભાગના મામલામાં સાચા કે ખોટા કારણોસર મજાકને પાત્ર બનાવાતા કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના પ્રતિભાવ એકદમ આશ્ર્ચર્યજનક અને એક પરિપકવ નેતાને છાજે એવા આવ્યા. ૨૦૧૮ની ૧૪મી જુલાઇએ સવારે ૯:૨૧ કલાકે રાહુલ ગાંધી એ ટ્વીટ કર્યુ : "ભાજપ/આરએસએસ માને છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ હોવો જોઇએ. હું માનું છું કે આ સ્વાતંત્ર્ય મૂળભૂત લોકતાંત્રિક અધિકાર છે... મારા પિતા દેશની સેવામાં જીવ્યા અને મર્યા. કોઇ કાલ્પનિક વેબ સિરીઝના એક પાત્રનો અભિપ્રાય આ હકીકતને ક્યારેય બદલી ન શકે. બ્રેવો, રાહુલ ગાંધી આ વિવાદમાં સૌથી ભૂંડા અને વખોડવાલાયક પ્રતિભાવ આવ્યા સૈફ અલી ખાનના. ઇમાનદાર પોલીસ ઑફિસર સરતાજસિંહનો રોલ ભજવતા સૈફે કહ્યું : " માત્ર પોતાના અભિપ્રાયને વાચા આપવા બદલ ભારતમા કોઇની હત્યા થઇ શકે. જો તમે કોઇ અલગ જ્ઞાતિની છોકરી સાથે ડેટિંગ કરો, તો ભારતના અમુક ભાગમાં કોઇ તમારું ખૂન કરી નાખે. આવું જ થાય છે. મને ખબર નથી કે તમે ભારત સરકારની કેટલી ટીકા કરી શકો, કોઇ કદાચ તમારું મર્ડર કરી નાખે. સૈફ પાસે વધુ અપેક્ષા ય નહોતી આમાં એનો વાંક નથી. ભૂતકાળમાં આમિર ખાનથી લઇને મોહમ્મદ અઝહરુદ્દીન સુધીનાએ બન્ને હાથમાં લાડવા લઇને પેટ ભરીને ઝાપટ્યા બાદ જરૂર પડ્યે બેશરમી કરી જ છે. અને 'સેક્રેડ ગેમ્સ' માત્ર નગ્નતા કે અપશબ્દોથી ખદબદતી નથી એમાં રસ પડે, ઝકડી રાખે એવી વાર્તા છે, ચિત્રણ છે ભારતીય ટીવીની સરખામણીએ આ સિરીઝ નિર્માણ, ટેક્નિક અને બજેટની દૃષ્ટિએ બહેતર છે. હજી આંતરરાષ્ટ્રીય ધોરણે પહોંચવામાં વાર લાગશે પણ એ પામવા ભણીની મુસાફરી શરૂ થઇ ચૂકી છે. હવે આ વેબ સિરીઝના સંદર્ભે સમજવાના થોડા મુદ્દા જોઇએ. નવી ટેક્નિક આપણે તરત અપનાવી લઇએ છીએ પણ એના થકી આવનારા વિચારો સાથે આપણું સદીઓ જૂનું માનસ તાલમેલ મેળવી શકતું નથી. જેમ કાર-બસ આવ્યા ત્યારે કાગારોળ મચી હતી કે ઘોડાગાડી- ટ્રામનો દાટ વળી જશે. ટેલિવિઝન આવ્યું ત્યારે ઘણાંએ જોરશોરથી ફિલ્મોનો મૃત્યુ ઘંટ વગાડી દીધો હતો. હવે વેબ સીરિઝ આવવાથી થનારા ફાયદા કેટલા સમજે, સ્વીકારે છે? પ્રેક્ષકો માટે હવે સમય કે સ્થળનું બંધન નથી. જ્યાં અને જ્યારે થાય ત્યારે મનગમતી વસ્તુ માણી શકે. નાટક, ફિલ્મ અને ટીવી સિરીયલ ઘરની અંદર કે પરિવાર સાથે જોવાનું હોય એટલે ત્યાં અમુક ટાઇપની ચીજો સ્વીકાર્ય ન ચાલે. યુ સી, ઇટ ઇઝ પારિવારિક મનોરંજન, પણ મોબાઇલ કે ટેબલેટ પર જોવાની બાબત છે. એકદમ અંગત છે. એવું ધારી-માની લેવાયું છે કે મોબાઇલ-ટેબ બાળક કે કિશોર નહીં, યુવાનના હાથમાં જ હોય. એટલે એ એડલ્ટ સામગ્રી જોઇ, સમજી અને માણી શકે. આમેય આ ટેકનોલોજી નવી હોવાથી ભારતના સેન્સર બોર્ડલક્ષી કાયદાના પરિઘની બહાર છે. હૉલીવૂડના માલેતુજાર સ્ટૂડિયોને તોતિંગ વસતિ અને સિનેમાપ્રેમને લીધે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં રસ પડ્યો. ઝડપથી વિકસી રહેલો વેબ એન્ટરટેઇનમેન્ટમાં પણ ફોરજી અને ફાઇવજી મોબાઇલ ઇન્ટરનેટથી હરણફાળ ભરશે. નેટફ્લિક્સે સૈફ અલી ખાન, નવાઝુદ્દીન અને રાધિકા આપ્ટે જેવા મોટા કલાકારો અને નિવડેલા સર્જકોને સથવારે ભારતમાં પહેલી વેબ સિરીઝ 'સેક્રેડ ગેમ્સ' બનાવી. આ અગાઉ એમેઝોને ફરહાન અખ્તર આણિ મંડળીની એકસેલ એન્ટરટેઇનમેન્ટ પાસે આ 'ઇનસાઇડ એજ' બનાવી હતી. વિવેક ઑબેરોયની આ સિરીઝને ભારત ઉપરાંત ઇટાલી, ફ્રાંસ, ઓસ્ટ્રિયા, પોલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિતના દેશમાં લોકપ્રિય થઇ હતી. આ સિરીઝને પૂરા ૧૯૨ દેશમાં રિલીઝ કરાઇ હતી. એકતા કપૂરે હંસલ મહેતા અને પુલકિત પાસે નેતાજી સુભાષચંદ્ર બૉઝના મોતના ભેદભરમ પર 'બોઝ : ડેડ/અલાઇવ' બનાવડાવી હતી, જેમાં રાજકુમાર રાવ સેન્ટ્રલ હોલમાં હતો. વેબ સિરીઝમાં કલાકારો અને સર્જકોને અભિવ્યક્તિ માટે અને પ્રયોગ કરવા અનંત તક મળે છે. ચીલો ચાતરનારા બીબાંઢાળ સમાજને હચમચાવશે, ત્યારે થોડી ચીસાચીસ થવાની. ધરતી રસાતાળ થવાની નથી એની ગેરેંટી છે. આમેય સામે પ્રવાહે તરવાવાળી બે-પાંચ ઊલટી ખોપડી કાયમ હોય- હોવી જ જોઇએ. હિન્દી ફિલ્મોની ભાષા અને બજેટની મર્યાદાને વેબ સિરીઝ ટેલિવિઝનના રોતલ અને બાબા આદમના જમાનાની માનસિકતા વચ્ચે વેબ સિરીઝ એક નવું કદમ છે. આંચકાઓ માટે તૈયાર રહેવું પડશે. ધીરે-ધીરે આદત પડી જશે. ત્યાં સુધી ભલે થાય હોબાળા, હંગામા. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvsUdoGE6Bg58_GGUFDbdZZcWPAf%2B_Eg7BSitNLT-h2rw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment