Friday, 27 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્વયંસિદ્ધા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સ્વયંસિદ્ધા!
સ્પર્ધકની કૃતિ-ભાનુમતી ઝાટકિયા (ઘાટકોપર)

હેમનંદન શેઠ એટલે મંગલસિંહજી રાજાના રાજ્યના પ્રધાન. સુંદર મજાની હવેલી, ધર્મપરાયણ ધર્મપત્ની પુષ્પમાલા, પુત્ર-પુત્રવધૂથી શોભિત પરિવાર પાંચમાં પુછાય એવું નામ એટલે હેમનંદન શેઠ. હવેલીમાં સદાયે મહેમાનોની અવરજવર રહેતી. સાત્વિક જીવનશૈલી જીવી રહ્યા હતા...

 

રાજ દરબારમાંથી નીકળી હવેલીમાં પ્રવેશ કરતાં જ આશ્ર્ચર્ય થયું. અરે! પુત્રવધૂ મુદ્રિકા ગાય ભેંસના છાણથી છાણાં થાપી રહ્યાં છે. હવેલીમાં આટલા બધા નોકર-ચાકર અને પુત્રવધૂ કેમ છાણા થાપી રહ્યા છે! જેના હાથ હીરા-મોતી અને સુવર્ણ કંગનથી શોભી રહ્યા છે. કુમળી કળી જેવા પુત્રવધૂને આ ન શોભે... શેઠની પરેશાની શેઠાણી પુષ્પલત્તા સમજી ગયા. શેઠાણીએ કહ્યું કે સવારે મને મુદ્રિકાએ કહ્યું કે સાસુમાં હમણાં હું એક દેવીનું વ્રત કરું છું, તે વ્રતની પૂર્ણાહુતિના દિવસે હાથે થાપેલા છાણાંની અગ્નિ ઉપર ખીર રાંધીને તેનો પ્રસાદ દેવીને ધરાવવો તેથી મુદ્રિકા પોતાના હાથે છાણાં થાપી રહ્યાં છે. કારણ જાણ્યા પછી શેઠજીના મનનું સમાધાન થયું અને આ રીતે મુદ્રિકા રોજ છાણાં થાપતા જાય અને છાણાંનું મોઢવું ખડકતા જાય. છાણા થાપતા જાય અને મનોનમન પ્રાર્થના કરતા જાય કે હે! યોગેશ્ર્વર કૃષ્ણ ભગવાન તમારી લીલા ન્યારી છે, અમને જાળવી લેજો...

 

સમયની રેતી સરતી રહે છે. રાત અને દિવસ એ કુદરતનો ક્રમ છે. સુખ અને દુ:ખ એ જીવનની ઘટમાળ છે. અંધારા-અજવાળા ચડતી અને પડતી આપણે નજર સમક્ષ જોઈ રહ્યા છીયે. કર્મના સિદ્ધાંતનો સ્વીકાર કરવો જ પડે છે, તકદીર ક્યારે કરવટ બદલે એ કોઈ જાણી શક્યું નથી...

 

પ્રભાતનો સમય છે, સેવા-પૂજામાંથી પરવારી શેઠજી દરબારમાં જવા માટે તૈયાર થઈ રહ્યા છે. પુત્રવધૂ નિત્યક્રમ કરી રહ્યા છે. શેઠાણી ઝૂલે ઝૂલતા ઝૂલતા મીઠા સ્વરે ભજન ગાઈ રહ્યા છે... એ સમયે રાજ દરબારમાંથી રાજ ફરમાનનું હુકમનામું લઈને આવ્યા અને શેઠના હાથમાં આપ્યું... રાજાનો હુકમ છે કે તમારે સપરિવાર અત્યારે જ પહેરેલે કપડે રાજ્યની સરહદ છોડીને ચાલ્યા જાઓ... આ બાબતમાં કાંઈ પણ ચર્ચા-વિચારણા કરવા રાજાજી તૈયાર નથી...

 

રાજાજીના દેશવટાનું ફરમાન સાંભળતા હેમનંદન શેઠની આંખે અંધારા આવી ગયા. શેઠાણી અસ્વસ્થ થઈ ગયા. પૂરો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. પગ નીચેથી જાણે કે ધરતી સરકવા લાગી. અરે! મારો શો અપરાધ - મેં રાજ્યનો કે રાજાનો કયો ગુનો કર્યો કે મારું ભાગ્ય મારાથી રૂઠી ગયું! આટલા મોટા પરિવારને લઈને ક્યાં જવું? હે પ્રભુ! હવે તો ઊંચે આભ અને નીચે ધરતી સિવાય કોઈ આશરો નથી. રાજાજી સાથે વાત કરવાનો હવે કોઈ અર્થ નથી. "કહેવત છે કે રાજા વાજા અને વાંદરા ક્યારે કેવું વરતે તે કહી શકાય નહિ. રાજાજીનો હું જમણો હાથ, મારી સલાહ સૂચન વિના કોઈ પણ કાર્ય કરે નહીં... જેવી ભગવાનની મરજી!! કર્મના ખેલ નિરાળા છે. આંખોમાંથી તો જાણે શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા. ક્યાં જશું? શું ખાશું? ક્યાં રહેશું?

 

મુદ્રિકા સસરાજી અને સાસુજી પાસે આવી અને નમ્રતાથી કહ્યું કે પિતાજી આપતો અનેકને હિંમત આપવાવાળા છો! તમે જો હિંમત હારી જશો તો અમારું શું થશે! અમારા માટે આપ વિશ્રાંતીના વડલારૂપ છો. તમારી છાયા અમને મળે ત્યાં સુધી અમને ઊનો ઊનો વાયરો સ્પર્શી શકશે નહીં. આપ કેમ હારી ગયા! રાજા ભલેને રૂઠ્યા, પણ આપણું તકદીર આપણી સાથે છે. કાળા ડીબાંગ વાદળાઓની ફરતે રૂપેરી કોર હોય છે. સાંજ થતા સૂરજ આથમી જાય છે અને સવાર થતા સાતઅશ્ર્વના રથ ઉપર આરૂઢ થઈને સૂરજદેવ પ્રગટી ઊઠે છે. પાનખરમાં વૃક્ષનાં પર્ણ ખરી પડે છે, પરંતુ થોડા જ સમયમાં વસંતઋતુનું આગમન થાય છે. વૃક્ષ નવપલ્લિત થઈ જાય છે, ચારે બાજુ હરિયાળી છવાઈ જાય છે. પિતાશ્રી આપશ્રીએ અમને સંસ્કાર આપ્યા છે કે સુખમાં છલકાવું નહીં અને દુ:ખમાં ગભરાવું નહીં અને જીવનમાં જે સમય આવે તેનો સ્વીકાર કરવો. પરિસ્થિતિ સામે કદી પણ ઝૂકવું નહીં પણ ઝઝૂમવું. વિશાદના વાદળોથી ઘેરાઈ જવું નહીં, સમય વીતી જાય છે, દુ:ખનું ઓસડ દહાડા. આસમાની-સુલતાની આવે અને જાય અંતે જે જીરવી જાણે એ જ સાચો માનવી. આ શબ્દો આપના છે.

 

માટે પિતાજી રાજઆજ્ઞા શિરોમાન્ય ગણી આપણે તકદીરના ભરોસે પ્રસ્થાન કરીએ. ગાડામાં બેસી જઈએ, પણ મારે જરા ગાડાખેડું સાથે વાત કરવી છે કે ભાઈ! મારે દેવીનું વ્રત ચાલે છે અને તેના ઉજમણાના આ અવસરે આ છાણાંની અગ્નિ ઉપર ખીરનો પ્રસાદ બનાવીને ધરાવવો છે, તો ગાડાની ખોયમાં મારા છાણાં મૂકવા દેશો!... ભગવાન તમારું ભલું કરશે... હા... હા... મૂકોને મને શું વાંધો છે! કોથળો મૂકી દ્યોને...

 

નગરની સરહદ છોડી શ્રેષ્ઠી પરિવાર આગળ આગળ વધતા જાય છે. એક અજાણ્યા ગામને પાદર વિસામો લીધો. મુદ્રિકાએ પતિના હાથમાં એક મહોર આપી અને કહ્યું કે નગરમાં જઈને ભોજનની સામગ્રી લઈ આવો તો ભોજનનો પ્રબંધ થઈ શકે. મંગાળો માંડી રસોઈ કરી. આ રીતે ક્રમ ચાલતો રહ્યો... એક પછી એક દિવસો પસાર થાય છે, થોડા થોડા ઠરીઠામ થતા જાય છે. પતિ - સાસુ અને સસરા વિચારે છે કે મુદ્રિકા કઈ રીતે આ વ્યવસ્થા કરી રહી છે! અચાનક આવી પડેલી આફત સામે મુદ્રિકા નિરાશ થઈ નથી. એ તો વધારેને વધારે પ્રતિભાવંત દેખાઈ રહી છે. મુદ્રિકાનો જુસ્સો અને શ્રદ્ધા એ આપણા બધા પર વરસી રહેલી પ્રભુની કૃપા જ છે... એક બીજાના આધારે સમય વ્યતિત થઈ રહ્યો છે, અને સમયે પાછી કરવટ બદલી...

 

રાજાજીના માણસો શ્રેષ્ઠી પરિવારને શોધતા શોધતા આવી રહ્યા છે. દૂરથી તેમને જોતા ફાળ પડી અરે! હવે વળી કઈ ઉપાધિ આવવાની બાકી રહી ગઈ છે! કર્મરાજા હવે તો ખમૈયા કરો!!! રાજનું ફરમાન વાંચી સંભળાવે છે કે શ્રેષ્ઠીવર્ય અમે આપની ક્ષમા માગીયે છીએ. સમજફેરથી અમે દેશવટાની શિક્ષા આપી, રસ્તે રઝળતા કરી દીધા. અમારી ભૂલના પ્રાયશ્ર્ચિત રૂપે રાજ્યના માન... સન્માન સાથે આપ નગરમાં પ્રવેશ કરો... ક્ષમા વિરનું ભૂષણ છે.

 

મંગળસિંહજી રાજાએ રાજ દરબારમાં યોગ્ય આસન આપી શાલ ઓઢાડી સન્માન કર્યું અને કહ્યું કે રાજ્યના સર્વે દરબારીઓ અને અમે તમને એક પ્રશ્ર્ન પૂછવા માગીયે છીએ કે અમે તમને એક જ ક્ષણમાં પહેરેલા કપડાએ સરહદ પાર રવાના કરી દીધા તો તમે આ વિપત્તિના વાદળોમાંથી કેવી રીતે પસાર થયા! કપરો કાળ કેવી રીતે વિતાવ્યો! કોઈના મુખ પર દુ:ખ દર્દ કે વિશાદની રેખા નથી, એવું કયું મનોબળ તમે કેળવી શક્યા! રાજાજી... પ્રણામ... આપશ્રીએ તથા દરબારીઓએ પૂછેલા સવાલનો જવાબ હું કે મારો પુત્ર નહીં આપી શકીયે... પ...ણ મારા પુત્ર અંબરની પત્ની અને અમારા પુત્રવધૂ મુદ્રિકા આપી શકશે... અમે હેમખેમ રહ્યા તેનો બધો જ યશ મુદ્રિકાને મળે છે.

 

ઘૂંઘટની આડમાંથી મુદ્રિકાએ રાજાજીને-રાણીસાહેબાને, સાસુજી-સસરાજીને પ્રણામ કર્યા... સજળ નયને અથ થી ઈતિ કહેવાનું શરૂ કર્યું.... એક દિવસ સંધ્યાનો સમય હતો. સાસુજી પૂજા-પાઠ કરી રહ્યા હતા. હું દિપ-મેઘ હવેલીની અટારીમાં ઊભી હતી. ગોધન ઘરે આવી ગયું હતું. ગોવાળિયાએ ઢોર-ઢાંખરને ખીલે બાંધ્યા. ગમાણમાં ઘાસ નિર્યૂં અને બધા ઢોર માટે તગારામાં ખાણ મૂક્યું... અને પછી ગોવાળ પોતાના ઘરે જવા નિકળ્યો... હવેલીનો દરવાજો ખૂલ્યો. સસરાજીએ હવેલીમાં પ્રવેશ કર્યો... ગાય-ભેંેસના ખાણના તગારા પર તેમની નજર પડી. તેમણે આજુબાજુમાં જોયું અને તગારામાંથી આંગળી ભરીને ખાણ ચાખ્યું. મારા પેટમાં ફાળ પડી.... આ શું જોયું! મારા હૈયામાં ઊનો ઊનો શેરડો પડ્યો. મારી દૃષ્ટિ પર મને વિશ્ર્વાસ બેસતો નહતો અને મારી આંખોએ જે જોયું એ હકીકત હતી.

 

રાજાના દરબારમાં જેનું માનભર્યું આસન પડે, નગરના માનવંતા શ્રેષ્ઠીવર્ય - ગરીબોના બેલી ઠેર ઠેર તેમના નામના અન્નક્ષેત્ર ચાલે... સાંજ પડે ત્યાં દીપમેઘ હવેલીમાં દીવા પ્રગટે. રૂપાની થાળીમાં સસરાજી ભોજન લેનારા... ગવરી ગાયના શેડ કઢા કઢીયલ દૂધ પીનારા, બત્રીસ ભોજનના જમનારા સસરાજીએ ઢોરનું ખાણ ચાખ્યું!!! અરે! આ તો આવતા માઠા દિવસોના એંેધાણ... આ હવેલી ઉપર સંકટના વાદળ વરસી પડશે... અને આવનારી આપત્તિનો સામનો કરવા કટીબદ્ધ થવું પડશે. લમણે હાથ દઈને બેસી રહેવાથી કાંઈ વળે નહીં.

 

હિંડોળે ઝૂલતા સાસુજીને મેં કહ્યું કે મારે દેવીવ્રત કરવું છે. તેના ઉજમણામાં હાથે થાપેલા છાણાં પર પ્રસાદ બનાવી દેવીને ધરાવવો છે અને તે માટે મારે થોડું દ્રવ્ય પણ જોશે. સાસુમાએ કહ્યું લ્યો બેટા! આ તિજોરીની ચાવી. તમે આ ઘરના કુળવધૂ છો, સુખેથી વ્રત કરો અને ધામધૂમથી ઉજમણું કરો... મેં મનોમન આવનારા વિપત્તિના વાદળોને વિખેરવાની શક્તિ કેળવવાની તૈયારી કરવા માંડી. મેં વિચાર્યું કે સત્તા - સંપત્તિ - સમૃદ્ધિ અને યૌવન એ તો મહેમાન બરાબર કહેવાય. મહેમાન તો આવે ને જાય. આપણે તો આવો અને આવજો કહેવા તૈયાર રહેવાનું... હું છાણાં થાપતી ગઈ અને અંદર દ્રવ્ય મૂકતી ગઈ. કપરાકાળની એંધાણી તો આવી ગઈ હતી. દેશનિકાલનું ફરમાન આવ્યું. છાણામાં થાપેલા દ્રવ્ય દ્વારા અમે કસોટીકાળ પસાર કર્યો. અગ્નિપરીક્ષામાંથી પસાર થયા. મારા સસરાજીના કપાળ પર લાગેલું કલંકનું કાજળ આજે એમના ભાલ પર કુમકુમનું તિલક બનીને શોભી રહ્યું છે. આ બધી જ કૃપા ઠાકોરજીની છે. મુદ્રિકા આજે રાજદરબારમાં તમારું સન્માન કરવામાં આવે છે. અમને ગૌરવ થાય છે. આજે અમારા રાજ્યમાં આવા ગુણયલ પુત્રવધૂ છે. તમે દીપ-મેઘ હવેલીનું ગૌરવ વધાર્યું છે અને સાથે સાથે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. નહીંતર અમે જીવનભર અમારી જાતને પણ માફ ન કરી શકત. આવી પુત્રવધૂ ઘરને સ્વર્ગ બનાવે છે. નંદવંદન બનાવી દેય છે. મુદ્રિકા આજે અમે તમારું સન્માન કરતા કહીયે છીયે કે... તમે સ્વયંસિદ્ધા છો.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os_Q-fqNOzT8daAEa5yeFV%2BL08LXOQRDyM4ab4%2BsQEfeg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment