એક સાત વરસનો છોકરો આધુનિક ભણતર અને મા-બાપના ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગી જાય છે. ટ્રેનમાં ચઢી બેસે છે. રાત્રે એને ઠંડી લાગે છે એટલે સામેની બર્થ પર સૂતેલા એક માણસને વળગીને એના ધાબળામાં સૂઈ જાય છે. સવારે ઉઠીને ફ્રેશ થઇને આવે છે ત્યારે ટ્રેનમાં પોલીસ પ્રવેશે છે. છોકરો ડરીને ખૂણામાં સંતાઈ જાય છે..પણ પોલીસ પેલા ધાબળાવાળા માણસને ઉઠાડવા જાય છે, પણ એ માણસ મરી ગયો છે! મતલબ કે એ છોકરાએ અજાણતા આખી રાત એક લાશને આલિંગન આપેલું! એના શરીરમાં લખલખું પસાર થઈ જાય છે કે 'આખી રાત એ લાશને ભેટીને કે વળગીને સૂતેલો?!' વેલ, 'ભેટવું' કે 'આલિંગન આપવું' એ બહુ રોમાંચક, બહુ આકર્ષક, બહુ રોમેંટિક, બહુ ઇરોટીક, બહુ નિર્દોષાત્મક, બહુ પ્રતિકાત્મક ક્રિયા છે. ગયા અઠવાડિયે સંસદમાં રાહુલ ગાંધી, પી.એમ.ને ભેટયા અને આખો દેશ ચોંકી ઉઠ્યો! ઘણા બધાને એમાં સૌજન્ય, ઉષ્મા, સંસ્કાર દેખાયાં અને ઘણાં બધાંને એમા એક પોલિટીકલ સ્ટંટ દેખાયો. ભલે, 'જેની જેવી દૃષ્ટિ અને જેની જેવી ભક્તિ...' 'જાકી રહી ભાવના જૈસી પ્રભુ મૂરત દેખી તીન તૈસી' (કર્ટસી તુલસીદાસ ગોસ્વામી નોટ અર્નબ ગોસ્વામી!) જે પણ હોય પણ છેલ્લા ઘણાં વરસોનાં ભારતીય સંસદના બોરિંગ ઈતિહાસમાં આ એક 'કોડાક મોમેંટ' હતી, યાદગાર છબી હતી. નફરતની રાજનીતિ અને વિરોધીઓને ઝેરીલા શબ્દોથી ઉતારી પાડવાની વૃત્તિ સામે એક 'હેડલાઇન-ખેંચુ' ગુગલી હતી. રા.ગા.ના સડન આલિંગન બાદ પ્રખર રાજનેતા મોદીજી પણ બે સેકંડ માટે ચોંકી ગયા અને પછી જોકે એમણે પણ શાલીનતા દેખાડીને રાહુલ ગાંધીને બોલાવીને પીઠ થાબડી અને કમસે કમ એ ક્ષણે એક વડીલની અદાએ અભિવાદન કર્યું. વેલ. સતત બૂમાબૂમ અને ગાળાગાળી થતી હોય એવી આપણી સંસદમાં આવાં દિલધધક દૃશ્યો પણ ક્યારેક જેવા મળે એ લોકશાહીની તબિયત માટે સારું છે. રાહુલ ગાંધીએ એ દિવસે, ફોર અ ચેંજ, સ્પીચ પણ સારી આપી- આક્રમક વાતો સાથે નફરત વિ. પ્રેમની વાત કરીને પોતાનું માર્કેટિંગ પણ કરી નાખ્યું અને આ ગણતરીપૂર્વકનો નાનો સ્ટંટ પણ સારો ભજવ્યો! મોદીભક્તો અને સરકારી ચાટુકાર લેખકો માને કે ના માને એ દિવસે રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવની આખી ઘટનાને હાઈજેક કરી નાખી! 'નો કોન્ફિડન્સ મોશન'થી વેરવિખેર વિપક્ષોને ફાયદો ભલે ના થયો પણ રા.ગા.માં 'કોન્ફિડન્સ' પહેલીવાર દેખાયો. ભેટવાની આઈટેમ મીડિયા માર્કેટમાં એવી તે વેંચાઈ કે ગયેલી 'રિપબ્લિક' કે 'ટાઈમ્સ નાઉ' 'ઝી ન્યૂઝ' જેવી ન્યૂઝ ચેનલોએ પણ બે દિવસ એની ચર્ચા કરવી પડી અને દરેક છાપાએ એને પહેલા પાને છાપી. લેકિન, કિંતુ, પરંતુ સંસદનાં સ્પીકર સુમિત્રાબેનને આ હરકત અસંસદીય અને ગેરવાજબી લાગી! બરોબર છે,જે પાર્ટીના નેતાઓ સંસદ કે વિધાનસભામાં પોર્નોગ્રાફી ફિલ્મો જોતાં પકડાયાં હોય એને આમ નિર્દોષ ભેટવું કયાંથી ગમે? બીજેપીના ખુરાફાતી અને ઝેરીલા નેતા સુબ્રમણિયમ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું કે રાહુલ ગાંધીએ મોદીજીને ઝેરનું ઈંજેક્શન ના આપી દીધું હોય એ હવે ચેક કરવું રહ્યું! વાહ..સાચી વાત છે! સુ.સ્વામીના દિમાગમાં કે રોમરોમમાં જ એટલું ઝેર ભરેલું છે કે એમને બધે ઝેર જ દેખાય માટે આવી તર્કહીન કે ઘટિયા એમને વાત સૂઝે છે, કારણકે કોઇને પણ , વિરોધીને પણ પ્રેમથી ભેટવું-એ જમણેરી હિંદુવાદી પાર્ટીઓના એજેન્ડામાં શક્ય જ નથી. નથુરામ ગોડસેએ ગાંધીજીને પહેલા ઝૂકીને પ્રણામ કરેલાં અને પછી જ ગોળી મારેલીને?(જે ગોડસેના મંદિર બનાવવા માટે બીજેપી નેતા એ સંસદના પ્રાંગણમાં હામી ભરેલી, બાય ધ વે) હવે, જેમના પ્રણામ પણ દિલથી ના હોય એમને આલિંગનમાં પણ અશ્રદ્ધા જ દેખાયને? જે સુબ્રમણિયમ સ્વામીએ બીજેપીના લિબરલ પી.એમ. વાજપેયીની સરકાર એક વોટથી પાડી દીધી હતી એ જ સુ.સ્વામી આજે બીજેપી વતી દેશમાં ખુલંખુલ્લા નફરત ફેલાવવાનું કામ કરે છે અને વેચાયેલા,ક્રિમિનલ ચાટુકારો એને નવાજે છે.હા, એ જ સુ.સ્વામી,પ્રિયંકા ગાંધીને 'નિંફોમેનીઆક' કહેવાના સડેલા સંસ્કાર પણ ધરાવે છે.તો એવામાં, ભેટવું, આલિંગન આપવું- સ્વામીને ના પચે એ સ્વાભાવિક છે.માણસના રંગસૂત્રો કે ડી.એન.એ.પણ તો કોઇ ચીજ છે. વેલ. હું જે ફિલ્મલાઈનમાંથી આવું છું ત્યાં દરરોજ શૂટિંગમાં કે પાર્ટીઓમાં મળતી વેળાએ કે વિદાય વેળાએ એકબીજાને ભેટવું બહુ સામાન્ય છે. મોટા મોટા સ્ટાર્સ પણ પોતાના નાના નાના સહકલાકારોને, નિર્દેશકને, કેમેરામેનને ભેટીને જ રોજ વિદાય લે છે. ડિરેકટર, કેમેરામેન ને આસીસ્ટંટને ભેટીને છૂટા પડે છે. હીરો-હીરોઈન મળે છે ત્યારે એકમેકને ભેટીને હળવી કિસ આપે છે અને એમાં કોઈને અસંસ્કાર કે વલ્ગારિટી નથી લાગતી..કમસે કમ,કોઇ ઝેર આપી દેશે એવો ડર તો કોઇને નથી જ થતો! એકમેકને ભેટવું એ વિદેશી સંસ્કૃતિએ આપણને શીખવાડેલ અભિવાદન છે... નકલી અભિવ્યક્તિ હોય તો પણ એ ઝેર તો નથી જ ઇંટરવલ: તેં પૂછ્યો પ્રેમનો મર્મ, ને હું દઇ બેઠો આલિંગન (હરીન્દ્ર દવે) આપણા પુરાણોમાં પણ ભેટવાની વાતો છે.મહાભારતના યુદ્ધ પછી પાંડવો, ધૃતરાષ્ટ્રના આશીર્વાદ લેવા ગયા ત્યારે અંધ ધૃતરાષ્ટ્ર, ભીમને ભેટવા પાસે બોલાવે છે. કૃષ્ણને ખબર હતી કે સો-સો કૌરવોના મૃત્યુને કારણે પિતા ધૃતરાષ્ટ્રની અંદર હજારો હાથીઓની તાકાત જેવો ગુસ્સો ભરેલો છે એટલે ભીમને બદલે ભીમની લોખંડી મૂર્તિ અંધ ધૃતરાષ્ટ્રની સામે મૂકી દે છે. ધૃતરાષ્ટ્ર એ લોહ-શિલ્પને બાથમાં લઈને, ભીંસીને ટુકડા ટુકડા કરી મૂકે છે! વેલ,ભેટવામાં આવો ક્રોધ પણ હોઈ શકે છે તો બીજી બાજુ ભરત મિલાપમાં રામ અને ભરત બે ભાઇઓનું ભેટવું કેટલું ઇમોશનલ છે! કૃષ્ણ-સુદામાના ભેટવામાં ગરીબ-તવંગરની રેખા ભૂંસી નાખતી અદ્ભુત મૈત્રી છે. તો શિવાજી, દુશ્મન અફઝલખાનને ભેટીને એના પેટમાં વાઘનખ ભરાવીને મારી નાખે છે-એ પણ એક ભેટવું છે! પણ એ બધા પુરાણો,ઈતિહાસો અને બર્બરયુગના કિસ્સાઓ છે. આજે જો આપણે સભ્ય સમાજમાં કોઈના કોઇને ભેટવાને સહન ના કરી શકતા હોઈએ તો એનો અર્થ એ કે આપણે ફરી પાછલા પગલે અંધારયુગને ભેટવા જઈ રહ્યા છીએ. જૂના જમાનાની '૫૦ કે '૬૦ના દાયકાની અમુક હીરોઈનો એટલી શરમાળ હતી કે ભેટવાના દૃશ્યમાં હિરો જેવો એમને બાથમાં લે કે એ પહેલાં એ પોતાના બે હાથ છાતી પર મૂકી દેતી! હવે જો આપણા રાજકારણમાં વિરોધીઓને ભેટવાની આ ફેશન જોર પકડશેને તો સામેના પક્ષનો નેતા છાતી પર બે હાથ મૂકીને બચવાની કોશિશ કરવા માંડશે! વાત્સ્યાયન મુનિના 'કામશાસ્ત્ર' માં આલિંગન પર વિસ્તારથી લખ્યું છે. રાજવી કવિ ભર્તૃહરીના 'શૃંગારશતક'માં ચુંબન-આલિંગનનો અનેક શ્ર્લોકોમાં રસમય ઉલ્લેખ આવે છે. આઈ હોપ, આપણી સંસદની લાઈબ્રેરીમાં આવા ગ્રંથો હોય અને ના હોય તો મુકાવા જોઈએ! સંસ્કૃત શબ્દ 'આલિંગન'નો મૂળ અર્થ થાય છે કે ભેટતી વખતે લિંગથી લિંગ મળે! (ભક્તો એવું સ્વ.ચંદ્રકાંત બક્ષીના લેખમાં વાંચેલું, એટલે મારી જવાબદારી પૂરી) જે પણ હોય પણ દુશ્મનને પણ પ્રેમથી મળવું કે ભેટવું અને સદ્ભાવના દેખાડવી એ સારી વાત છે. અરે ભક્તો, જો મોદીજી, દુશ્મન દેશ પાકિસ્તાનના પી.એમ. નવાઝ શરીફને ઘરે સામેથી વણબોલાવ્યા જઇને ભેટી શકે તો રા.ગા.,વડીલ મોદીને કેમ ના ભેટી શકે? પણ ના, મોદી ભક્તોએ અને બિકાઉ અંધ ધૂર્ત ચાટુકાર પત્રકારોએ આઘાતના માર્યા બીજી જ ક્ષણે ઘટિયા મજાકો-વિધાનો આપવા માંડયાં. જે લોકો મોબ-લિંચિંગ(ટોળા દ્વારા થતી સામૂહિક હત્યા),રેપ કે કોમી હુલ્લડોને વાજબી માનતા હોય એમને માત્ર આલિંગનમા પણ આક્રમકતા જ દેખાયને? વેલ, હું તો માનું છું દરેક સંસદના સત્રની શરૂઆત નેતાઓએ,વિરોધ પક્ષના (કે ઇવન પોતાના જ પક્ષના)નેતાઓને ભેટીને કરવી જોઇએ તો જ આપણાં રાજકારણમાં કડવાશ ઓછી થશે. પણ હા,જો કડવાશ, નફરત, ઘૃણા કે હિંસા ઓછી કરવી હોય તો! દવાની જેમ આક્રમક એજેન્ડાઓની એક્સપાયરી ડેટ નથી હોતી..બાય ધ વે, ભક્તો ૧૩ ફેબ્રુઆરીએ વિશ્ર્વભરમાં 'હગ-ડે' (આલિંગન દિવસ) તરીકે ઉજવાય છે આપણું ચાલે તો આપણે એનીયે ટીકા કરીએ અને દુનિયાભરને પેલા ડંખીલા સુ.સ્વામીની જેમ સાવધ કરીએ કે જો જો હોં..તમને 'હગ-ડે'ના બહાને કોઈ ભેટીને ઝેરના ઈંજકેશન ના ભોંકી જાય! સુ.સ્વામી, તમે ધન્ય છો. અનન્ય છો! તમારે અને તમારા મૂર્ખ સપોર્ટરોએ માનસિક ચેકઅપ કારાવવું જોઇએ! નહીં?તો ચાલો આવો..હું તમને દિલથી ભેટીને તમારું ૧૦૦ ગ્રામ ઝેર ઓછું કરી આપીશ! |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OspWbsOzELiUuhqe0R4mRLC5ig3OBrhwiBDwgdpcowfZg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment