Tuesday, 10 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ ગુડ સાહિત્ય કે ફૂડ સાહિત્ય? (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ગુડ સાહિત્ય કે ફૂડ સાહિત્ય? ગુજજુ મહાજાતિ મસાલામય, અસ્મિતા અથાણામય!
મિજાજ મસ્તી-સંજય છેલ

ટાઇટલ્સ: ભરેલ અને ખાલી બેઉ પેટ અવાજ કરે  (છેલવાણી)

 

મુંબઇની એક ગૃહિણીએ રાજકોટમાં મમ્મીને ફોન જોડ્યો, 'મમ્મી...બહુ ફસાઈ ગઈ છું. ઉનાળામાં મારે અથાણાં બનાવવાના છે, પરમ દિવસે પંદર મહેમાનો જમવા આવવાના છે. છોકરાઓનું વેકેશન ચાલે છે એટલે નાસ્તા ચોવીસ કલાક બનાવવા પડે છે!મરી જઈશ રસોડામાં!'

 

મમ્મીએ તરત કહ્યું, 'ચિંતા ના કર, હું હમણાં જ મુંબઈની ફ્લાઈટ પકડીને ત્યાં આવું છું. ચિંતા ના કર.મને પહેલાં એ કહે કે પીયૂષકુમાર માટે રાજકોટથી પેંડા લેતી આવું?'

 

ગૃહિણી ચોંકી, 'પીયૂષ કોણ? મારા વરનું નામ તો મયંક છે!'

 

સામેથી રાજકોટની સ્ત્રીએ કહ્યું, 'સોરી, તમે રોંગ નંબર લગાડ્યો લાગે છે.'

 

તો મુંબઇની ગૃહિણી તરત બોલી, 'હાય હાય, એટલે તમે હેલ્પ કરવા નહીં આવો? રસોઈ મારે એકલીએ જ બનાવવી પડશે?'

 

રસોડું, જમણવાર, ખાણીપીણી, ગુજજુઓનો સદાબહાર ટોપિક છે કારણ કે આપણી આખી અસ્મિતા અથાણામય છે, મહાજાતિ મસાલામય છે. એક સિનિયર મિત્રે મને ગંભીરતાથી સલાહ આપી છે કે મારે કરંટ ટોપિક પર કે રાજકારણ-સમાજની ટીકા કરતું વ્યંગ્ય વગેરે લખવાનું હવે છોડી દેવું જોઇએ. ખાસ કરીને સરકારની(મોદીજીની, વાંચો) ટીકા તો ના જ કરવી જોઇએ. નકામું શા માટે લોકોમાં અપ્રિય થવાનું? એમ પણ મારા લખવાથી મધ્યવર્તી ચૂંટણી તો આવવાની નથી! તો મેં એને પૂછ્યું કે મારે દર અઠવાડિયે બબ્બે વાર શેના વિશે લખવું? મિત્રે તરત જ કહ્યું : 'ફૂડ-ખોરાક વિશે લખો. આપણા સ્વાદઘેલાં ગુજરાતીઓને પેટપૂજા અને પ્રભુપૂજા પર વાંચવું બહુ ગમશે!' મને થયું કે વાત તો સાચી છે કે ચૂંટણી કરતાં ચટણી પર ચિંતન કરવું કે સમાજ કરતાં સમોસા પર સંવેદવું સહેલું!પછી મને એ યાદ પણ આવ્યું કે પાસ્ટમાં સારાં વિષયના અભાવે જ્યારે જ્યારે મેં પાંઉભાજી કે પાણીપૂરી જેવી ચાલુ વાનગી પર રસીલા લેખો લખેલાં ત્યારે વાચકોનો ઘણો સારો રિસપોન્સ આવેલો અને એ લેખો વોટ્સ-એપ વગેરેમાં રાતોરાત વાયરલ પણ થયેલાં..મને ક્યારેય ના વાંચતા મારાં મિત્રો અને સગાવહાલાંઓએ પણ સુખદ આશ્ર્ચર્ય દેખાડેલું કે અરે વાહ તારામાં કેટલી ટેલેંટ છે!

 

તો મને થયું કે ગુજરાતીમાં ફૂડ સાહિત્ય અજમાવી શકાય! જેમ પૃથ્વી,સૂરજની આસપાસ ફરે છે એમ ગુજરાતીઓનું જીવન થાળીની આસપાસ ફરે છે.ગુજરાતીઓ માટે પૃથ્વીનું કેન્દ્ર 'પેટ' છે.આપણી છએ છ ઈંદ્રિયોની સ્વામિની સ્વાદેન્દ્રિય 'જીભ' જ છે! ગુજરાતી ટૂરિસ્ટને પરદેશમાં જઈને પ્લેટોની ધરતી પર શું-શું જોવા મળશે, એના કરતાં પ્લેટમાં શું મળશે એમાં વધુ રસ હોય છે. કોલંબસ જો કાઠિયાવાડી હોત અને અમેરિકા શોધવા નીકળ્યો હોત તો સાથે બે-ત્રણ મહિના ચાલે એટલાં થેપલાં અને તેલમાં તરતાં અથાણાં તો એ લઇ જ ગયો હોત અને એ ખતમ થતાં જ 'તેલ લેવા જાય અમેરિકા' કહીને છાનોમાનો પાછો ખાઉગલીને નાકે આવી ગયો હોત!

 

તમે માર્ક કર્યું હશે કે ગુજરાતી દુકાનોની બહાર 'અહીં ખાટાં ભરેલાં મરચાં તૈયાર મળશે.' જેવી લાંબી ઓર્ગેનિક જાહેરાતોનાં પાટિયાં હોય છે.આપણા નરસિંહ મહેતા પણ સૂતેલાં ભગવાનને જગાડવા 'જાગને જાદવા' ગાતાં ગાતાં 'ઘી તણાં ઢેબરાં, દહીં તણાં દહીંથરા' ઓફર કરે છે. મીરાંબાઈ હોય કે પ્રેમાનંદ,પ્રભુને ઘરે બોલાવીને લોજિંગ-બોર્ડિંગ સાથે કંસાર કે ખીર જેવું મિષ્ટ ભોજન તો જમાડે જ! જમ્યા પછી જીરૂનો ભૂક્કો નાખેલી છાશ પીને એક ગુજજુને જે 'હાશ' થાય એની સામે મોક્ષની કોઇ વેલ્યૂ નહીં. છાશવાળી 'હાશ' શબ્દનો પર્યાય બીજી કોઈ ભાષામાં નથી. બોક્સિગંમાં ત્રણ રાઉન્ડ હોય છે એમ પ્રેમમાં જો ત્રણ રાઉન્ડ હોય તો ગુજ્જુ સ્ત્રી, ગુજ્જુ પુરુષને સરસ 'જમાડી'ને પહેલા રાઉન્ડમાં નોકઆઉટ કરી શકે છે. ગુજરાતમાં નૃત્યમાં 'રાસડો'ની જેમ જમવામાં 'ટેસડો' શબ્દ છે, જે કદાચ 'ટેસ્ટ' પરથી ઊતરી આવ્યો હશે? ભાષાશાસ્ત્રીઓ,આ ટોપિક પર આદું ખાઇને પાછળ પડીને રિસર્ચ કરે!

 

ઇંટરવલ :

રોમમાં રસપૂરી પેરિસમાં પાત્રા

જમ્યા વિના સૌ અધૂરી યાત્રા

 

ગુજરાતીમાં એક સસ્પેન્સ નાટક આવેલું: 'મોત મલકે મીઠું મીઠું' બોલો! આપણા તો મોતમાં પણ મીઠાશ? આપણી સુખી જનતાને બધું સ્વીટ જ જોઈએ. કદાચ એટલે જ આપણે ડહાપણના ડાયાબિટીસથી પીડાઈને ચિંતન ચાટ ચાટ કરીએ છીએ! સારું છે કે હજી આપણાં આંસુ ખારાં જ રહ્યાં છે, સ્વીટ નથી થયાં! આપણી લગ્નવિષયક જાહેરખબરોમાં પણ મુરતિયા માટે 'ખાધે પીધે સુખી' જેવા શબ્દો દેખાય છે. એવરેજ ગુજરાતીને લાલ રસમાં તરતાં લીલાં ગુંદાના અથાણામાં બ્રહ્માંડ-દર્શન જડે છે. છુંદાની ચાસણીમાં 'રસ-સમાધિ' દેખાય છે. ગુજરાતી છોકરો, છોકરીને પટાવવા 'તું ગર્રરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી, ઓરી આવે તો તને વાત કહું ખાનગી' જેવાં ફૂડી ગીતો ગાય છે. જેમાં સેક્સ પણ સ્વાદ દ્વારા છલકે છે! એટલે મારા જેવા સામાન્ય લેખકનો ફૂડ સાહિત્યમાં સ્કોપ છે એ વાત કરી!

 

જુઓને આપણી કહેવતોમાંય 'ઘી ઢોળાયું ખીચડીમાં' જેવી ખાવાની જ વાતો છલકે છે. સુસંસ્કૃત નાગરોમાં ખીચડીને 'સુખ પાવની' અને સેવ મમરાને 'પ્રમોદિની' જેવા કોઈક અલંકારિક શબ્દોથી નવાજાય છે.ગુજ્જુઓ ખાણીપીણીના શોખીન નથી પણ 'આધીન' છે! ગુજરાતીઓ પૈસાનેય ખોરાકની જેમ પચાવી' શકે છે... ગુજ્જુઓ એમની વાતમાં 'મોણ' નાખે છે અથવા તો અમુક વાર 'મગનું નામ મરી નથી પાડતાં!' ગુજરાતીઓ વીક એન્ડમાં કઈ હોટેલમાં જઈને શું શું ખાવું એનું લિસ્ટ બનાવે છે અને જેને એ લોકો સાંજનો 'પોગરામ' કહે છે! પછી શનિ-રવિ, ખાધેલ આઈટેમોને સોમવારે યાદ કરવી, એ આપણા સુખની વ્યાખ્યા છે.

 

જમીને 'જલસો' પડે એમાં જીવનનો મોક્ષ! અંગ્રેજીમાં કલીનરી પોએમ્સ યાને કી રાંધણ-કવિતા નામનો પ્રકાર છે જ જેમાં તનમનના બધાં રાસો વિશે લખાય છે..હવે આપણે ત્યાં કિચન કથા, કિચન નાટકો લખાવા જોઇએ

 

યુરોપ ટૂરમાં સ્વિટ્ઝરલેન્ડનાં બર્ફીલા પર્વતો જોવાને બદલે ગુજજુઓ ગરમાગરમ દાળઢોકળી પહેલાં ખાશે કારણ કે તેઓ જાણે છે કે બર્ફીલા પર્વતો તો હંમેશાં આવા ટાઢા જ રહેવાના છે, પણ દાળઢોકળી ઠંડી થઈ જશે!

 

હું તો માનું છું હવેથી ફોટોગ્રાફરોએ, ગ્રુપ ફોટા વખતે સે 'ચીઝ'ને બદલે સે 'ઢોકળાં' જ બોલવું જોઈએ, તો ગુજ્જુઓના ફોટા વધુ સારા આવશે! હવે નવલકથાઓમાં ખાણીપીણીને થિમ બનાવીને લખવામાં આવે તો એ ગુજરાતી બેસ્ટ સેલર નોવેલ બની શકે.. પછી જ 'ઓમકાર-ઓડકાર' કે 'ખાનગી-વાનગી' જેવા નામવાળી નોવેલ્સ ઘેર-ઘેર સોરી રસોડે-રસોડે વંચાશે. ફૂડ સાહિત્યને તરત જ તેલ-મસાલા, મીઠાઇવાળાઓની સ્પોન્સરશીપ પણ તરત મળી જશે!

 

ગુજરાતી નાટકનો એક એક્ટર બહુ હેંડસમ હતો.એક વાર એક છોકરી બેકસ્ટેજમાં મળવા આવી.બંને કોફી પીવા ગયાં, બે-ત્રણ દિવસ રેગ્યુલર મળ્યા.પ્રેમ થવા માંડ્યો.એકવાર એક્ટરે પેલી છોકરીને નવા નાટકની ચાર ટિકિટો આપી અને કહ્યું સાંજે ફ્રેંડ્ઝ સાથે શો પર આવજે! પેલી છોકરીએ કહ્યું, 'હું બહુ ગરીબ ફેમિલીમાંથી આવું છું... મને આ ટિકિટનો શું ઉપયોગ? કંઈક પૈસા આપો.ઘરે ખાવાના સાંસા છે' એક્ટરે તરત જ કહ્યું, "ઘરે ખાવાનું નથી તો કોઈ હોટેલવાળા સાથે રોમેન્સ કરવો જોઈતો'તો ને? મારી પાછળ કેમ પડી! મારી પાસે જે હોય એ જ આપુંને? વાત તો સાચી છે! જેની પાસે જે હોય એ જ આપી શકે ને? ગુજ્જુઓ પાસે અમાપ ફૂડ-પ્રેમ છે, એમને એ જ અપાય. કવિ ખબરદારે કહેલું કે 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'-પણ ના, 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ફરસાણ' એમ હોવું જોઇએ..અને મારે સમાજ-સરકારની પંચાત છોડીને ફૂડ સાહિત્ય લખવા વિશે સિરિયસલી વિચારવું જ રહ્યું પણ આ સંડે સવારે, પહેલાં જરાં ગાંઠિયા જલેબી જમી લઉં પછી વાત!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtUiRecx%2BscXiE7dSiHmU5T7_SkupVE9FysVi7cW2bwNw%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment