ક્ષણ ગુમાવે એને જ્ઞાાન અને કણ ગુમાવે એને ધન કયાંથી મળે? ક્ષણેક્ષણનો ઉપયોગ કરવાથી જ વિદ્યા, જ્ઞાાનની પ્રાપ્તિ થાય છે અને, ચીવટપૂર્વક જે કણેકણનો બચાવ કરે છે એ ધનવાન બને છે- સાચો ધનવાન બને છે. એવું ધન એની પાસે ટકી રહે છે. આવેલી પળ પસાર થઈ જાય છે અને એનો યોગ્ય ઉપયોગ નથી થઈ શક્તો ત્યારે એ વેડફાઈ જાય છે. સમય જ એક એવી કીંમતી વસ્તુ છે જેની કિંમત એના વાપરનારને નથી હોતી. એક કટાક્ષ યુક્ત કથન છે. Too many of us spend our time the way Politicals spend our money. જે રીતે રાજકારણીઓ આપણા પૈસા વાપરે (ઉડાવે) છે એ જ રીતે આપણામાંના મોટાભાગના માણસો પોતાનો સમય વાપરે છે-વેડફી દે છે. આવનારી પળને ઓળખી, સમજી અને એમાં રહેલી તકને ઝડપી લેનાર સુખ અને સમૃદ્ધિ પામે છે. મનુષ્યનું ભાગ્ય સમયની યોગ્ય પળને પકડવા સાથે રહેલું છે. ઘણા માણસોમાં એ આવડત જન્મજાત હોય છે, પણ એવી આવડત ન હોય એવાં માણસો પણ એ શીખી શકે છે. પણ, એ શીખવા માટે માણસે સૌથી પહેલાં સમયનું મહત્ત્વ સમજવું જરૂરી બને છે. જ્યાં સુધી માણસ સમયની અગત્ય સ્વીકારે નહીં ત્યાં સુધી સમય પારખવાની આવડત એનામાં આવતી નથી. સમયના પ્રવાહમાં આવતી ભરતી-ઓટને જાણવા માટે માણસે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. ચાર્લ્સ કાર્બનને કોઈએ પૂછયું, 'જીવનમાં આગળ વધવા માટે કઈ વસ્તુની વધારે જરૂર છે બુદ્ધિની? શિક્ષણની? શક્તિની?' લાબું આયુષ્ય ભોગવનાર અને ર્કીિતની ટોચે પહોંચનાર એ પ્રખ્યાત અદાકારે કહ્યું, "ત્રણમાંથી એકેયની નહીં. હા, એ ત્રણેય વસ્તુઓ મદદરૂપ બની શકે છે પરંતુ, માણસમાં એ ત્રણેય વસ્તુઓ હોય છતાં જો એને સમય પારખતાં ન આવડે તો એ નિષ્ફળ જાય પ્રગતિ માટે સૌથી અગત્યની વસ્તુ છે સમયની યોગ્ય પળની ઓળખ." માણસના જીવનમાં એવી પળો આવે છે જ્યારે એણે નક્કી કરવાનું હોય છે કે અમુક કામ કરવું કે ન કરવું? અમુક વાત કહેવી કે ન કહેવી? બોલવું કે મૂંગા રહેવું? સમયની આ પળની પિછાન માનવીના જીવનમાં બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. લગ્નજીવન, લોકવ્યવહાર, કામ કરવાની પદ્ધતિ, દરેક બાબતમાં જે સમયની યોગ્ય પળ ઉપર પ્રભુત્વ મેળવી શકે છે તેને સફળતા પાછળ દોડવું પડતું નથી- સફળતા તેની પાછળ આવે છે. સફળતા અને નિષ્ફળતા વચ્ચે માત્ર એક જ ચીજ ઊભેલી હોય છે – સમયની પળ. એ પળને પારખીને જો તમે એક રસ્તો પકડો તો સફળતા મળે, બીજા રસ્તે જવાથી નિષ્ફળતા મળે. જીવનયંત્રના ચક્રો ઘણા છે, અને તે બધાં ચક્રો એવી રીતે ગોઠવાયેલાં છે કે કસમયે એમાં દાખલ કરનારને જ ઘણીવાર નુકસાન કરે છે. એવી વ્યક્તિ પછી બીજાને દોષ દે છે. પણ સમયને ઓળખી નહીં શકવાની પોતાની અણઆવડતનું એને ભાન થતું નથી. રાજકારણ અને જાહેરજીવનના ક્ષેત્રમાં તો સમયની યોગ્ય પળની પરખ ઉપર જ એની ચડતી પડતીનો આધાર રહેતો હોય છે. કોઈ યોગ્ય પળે કાળની શરૂઆત કરીને માણસ ટોચ ઉપર પહોંચી શકે છે, એ જ કામ અયોગ્ય પળે કરીને માણસ નીચે પછડાય છે. રાજકારણીઓની ચડતી-પડતીનો અભ્યાસ કરનારને આ બાબત સ્પષ્ટ દેખાય છે. એટલે સૌથી પહેલા તો સમયની પળને ઓળખવાનું મહત્ત્વ સ્વીકારવું જોઈએ. સમયની પળને ઓળખવાનું મહત્ત્વ સમજ્યા પછી પળનો યોગ્ય ઉપયોગ કરતાં શીખવું જોઈએ અને, પળનો યોગ્ય ઉપયોગ કરવા માટે માણસે પોતાની જાતના આવેગોને કાબૂમાં રાખતાં શીખવું જરૂરી બને છે. ક્રોધ, ઈર્ષ્યા, આવેશ, ડર કે ઉશ્કેરાટને વશ થઈને કશું જ કરવું ન જોઈએ. ઘણીવાર માણસ સમયને પારખી તો લે છે પણ પોતાની જાત ઉપર કાબૂ નહિ મેળવી શકવાને કારણે સમયનો યોગ્ય ઉપયોગ કરવામાં એ નિષ્ફળ જાય છે. અભ્યાસથી માણસ પોતાની જાત ઉફર કાબૂ મેળવવામાં સફળ થાય છે. પળની યોગ્ય પસંદગી કરવા માટે માણસે જીવનના વ્યાપનો વિચાર કરવાની ટેવ પાડવી જોઈએ. માત્ર વર્તમાનનો જ વિચાર કરવાના બદલે પોતે જે કાંઈ કરશે એની ભવિષ્યમાં શું અસર પડશે એનો વિચાર કરવો જોઈએ. એક કામ કરવાથી આજે કશુંક પ્રાપ્ત થતું હોય પણ ભવિષ્યનું આખું ચિત્ર જ બદલાઈ જતું હોય એવું પણ બને. ઘઉંનો જે દાણો ખેડૂત જમીનમાં નાખે છે એ થોડીવાર તો નષ્ટ થઈ ગયેલો દેખાય છે, પરંતુ સમય જતાં એક દાણામાંથી ઘઉંના અનેક દાણા ઊગી નીકળે છે. સમયની પળની યોગ્ય પસંદગી થાય છે ત્યારે સમય પોતાનું વહેણ બદલીને માણસને અનુકૂળ બની જાય છે અને સમય તો સતત વહેતો જ રહે છે. સમયની એક પછી ક્ષણ માણસ સામે આવ્યા જ કરે છે, માણસે તેમાંની કઈ પળે કયું કામ કરવું તે નક્કી કરવાનું હોય છે. આ નક્કી કરવાનું કામ મુશ્કેલ તો હોય છે પણ અશક્ય નથી હોતું. એક સફળ અમેરિકન ઉદ્યોગપતિને કોઈએ પૂછયું, 'તમારી સફળતાનું રહસ્ય શું?' સમયની યોગ્ય પળને પારખીને કામ કરવા માટે કૂદી પડવું. 'પરંતુ સમયની યોગ્ય પળને પારખવી કઈ રીતે?' ઉદ્યોગપતિએ હસીને કહ્યું, 'થોડી થોડી વારે કૂદયા કરવું!' મતલબ કે આળસુ બનીને, સમયની યોગ્ય પળ આવશે એની રાહમાં બેસી ન રહેવું. જે આળસુ ન હોય, ઉદ્યમી હોય, એને સમયની યોગ્ય પળ મળી જ રહે છે. કહેવતઃ 'અણીનો ચૂક્યો સો વરસ જીવે'માં પળનું મહત્ત્વ કેટલી સરળ રીતે સમજાવ્યું છે? યમદેવ જેવા યમદેવને પણ જો એ યોગ્ય પળ ચૂકી જાય તો માણસનો જીવ લીધાં વિના પાછા જવું પડે છે, અને જીવ બચી ગયેલો માણસ સો વરસનો પણ થઈ શકે છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot9%2BKkQqnHyNLSXiOFXLNUhKcH%2B6dDuD9UTyN1b53-odg%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment