Tuesday, 10 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ શું ખાવું,જોવું,સાંભળવું,વાંચવું? (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શું ખાવું,જોવું,સાંભળવું,વાંચવું!
સન્ડે મોર્નિંગ-સૌરભ શાહ

આ પણે ખાતી વખતે ધ્યાન રાખીએ છીએ. શરીરને પોષણ મળે એવો ખોરાક, પૌષ્ટિક આહાર લઈએ છીએ. ક્યારેક શરીરને નુકસાનકારક હોય એવું ખાવાનું પેટમાં પધરાવીએ છીએ ત્યારે તરત એની માઠી અસરો સહન કરવી પડે છે અને ફરી વાર આવું ન થાય એનું ધ્યાન રાખીએ છીએ.

જેટલું ધ્યાન આપણે ખાવામાં રાખીએ છીએ એટલું જોવામાં, વાંચવામાં, સાંભળવામાં રાખીએ છીએ ખરા? મીડિયા, સોશિયલ મીડિયા અને આસપાસના લોકો - આ ત્રણ મુખ્ય સોર્સ છે આપણામાં કચરો ઠાલવતા. ટીવીની મનોરંજનની ચેનલો અને ન્યૂઝની ચેનલો ડે ઈન અને ડે આઉટ ગાર્બેજ ઠાલવતી રહે છે, જેમાં જાહેરખબરોનો પણ સમાવેશ થઈ જાય. આમાંથી ભાગ્યે જ કશું આપણા કામનું હોય છે, છતાં આદતવશ આપણે ટીવીની સામે બેસી રહીએ છીએ, સર્ફિંગ કરતા રહીએ છીએ. ઈવન ડિસ્કવરી કે નેશનલ જ્યોગ્રાફિક જેવી ચેનલો પર વાઘને હરણની પાછળ દોડતાં ન જોયો કે ઈટલીના કોઈ શહેરની રેસ્ટૉરાંમાં બનતી એક્ઝોટિક વાનગી વિશે ન જાણ્યું તો આપણા જીવનમાંથી શું ઓછું થઈ જવાનું છે? ટીવીની મનોરંજન ચેનલો પર ક્રાઈમ, ફેમિલી ડ્રામા કે કૉમેડી સિરિયલો જોઈને આપણને શું મળતું હોય છે? મનોરંજન? શું આપણે આ કક્ષાના મનોરંજનને લાયક છીએ? અને ન્યૂઝ ચેનલો પરનો કકળાટ કાનમાં નાખીને ક્યાં સુધી ડિસ્ટર્બ થયા કરીશું? જે કિસ્સાને સમજતાં અદાલતોને વર્ષો લાગી જાય એ કિસ્સા વિશે ટીવીની મચ્છી માર્કેટમાં બરાડા પાડતા લોકો રાતોરાત ચુકાદો જાહેર કરી દેતા હોય છે એવું હમણાં જ કોઈ ફિલ્મમાં સાંભળ્યું. શું આપણે આવા લોકોની ચર્ચાના આધારે આપણા મંતવ્યો બાંધવાના છે. પ્રિન્ટ મીડિયા પણ મોર ઑર લેસ ઈલેકટ્રોનિક મીડિયા જેવું જ થઈ ગયું છે. ઈન્ટરનેટ પરની નવી નવી ન્યૂઝ વેબસાઈટ્સ આ પ્રદૂષણમાં ઉમેરો કરતી રહે છે. આ બધામાં સોશિયલ મીડિયા એક નવું દૂષણ છે. વૉટ્સઍપ પર મળતા ૯૯ ટકા સંદેશાઓ નજર નાખવાને પણ લાયક હોતા નથી. ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર ટાઈમપાસ કરનારાઓ પાસે જીવનમાં કશુંય નક્કર કરવાનો સમય કે શક્તિ બચતાં નથી.

જોવા, સાંભળવા અને વાંચવાનું આપણું આ વાતાવરણ વધારે બગાડે છે આપણી આસપાસના લોકો. એ લોકે જ તમને ફૉરવર્ડિયાઓના ઉકરડા મોકલતા રહે છે. રિસ્પોન્સ ન આપો તો રિસાઈ જાય અને વળતો વાટકી વ્યવહાર કરો તો ખુશ થઈ જાય.

અપચો, કબજિયાત કે લૂઝ મૉશન માત્ર ખોટું ખાવાથી જ થાય છે એવું માની લીધું છે. ખોટું વાંચવાથી, ખોટું સાંભળવાથી પણ આવા જ રોગો થાય છે જેની તમને જાણ તાત્કાલિક થતી નથી. વર્ષો વીતતાં જાય છે ત્યારે ખ્યાલ આવે છે કે તમારું વ્યક્તિત્વ ખોખલું છે એનું કારણ આ બધી ટેવો છે, એમાં રચ્યાપચ્યા રહ્યા એટલે સારું સંગીત સાંભળવાનો સમય જ ક્યાં છે તેવું તમે કહેતા થયા. વૉટ્સઍપમાં રચ્યાપચ્યા રહ્યા એટલે સારું પુસ્તક વાંચવાનો સમય જ ક્યાં છે એવું બહાનું કાઢતા રહ્યા. ટીવી સામે ચીટકી રહ્યા એટલે વરસને વચલે દહાડે આવતી બે સારી ફિલ્મો જોવા માટેનો સમય કાઢી ન શક્યા. જેની ને તેની સાથે ફોન પર ગપ્પાં મારતા રહ્યા એટલે મળવા જેવા અને માણવા જેવા માણસોથી તમે દૂર થતા ગયા.

પેટના રોગોનો ઈલાજ કરવા માટેના ડૉક્ટરો ઘણા મળી રહેશે. એવા રોગો ન થાય એ માટેની સલાહ આપનારા ન્યૂટ્રિશ્નિસ્ટ અને ડાયેટિશ્યન્સ પણ મળી રહેશે. પણ અકરાંતિયાની જેમ જોનારા, વાંચનારા તથા સાંભળનારાઓને વારવા માટે ન તો કોઈ ડૉક્ટર છે, ન કોઈ વૈદ્ય. આપણે આપણું પ્રિસ્ક્રિપ્શન જાતે જ લખવું પડશે.



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsyzDMG8onkpGXxfd9eKTFGzCtXZBsN895kUyGCYWQrXA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment