ચોમાસું બરાબરનું જામી ગયું છે અને આપણે નિબંધમાં લખતા હતા એમ ધરતી માતાએ લીલી ચાદર ઓઢી લીધી છે. પ્રકૃતિમાં ફેલાયેલી હરિયાળી જોતાં જ આપણી આંખ અને હૈયે ટાઢક થાય છે. તમને એક વાતનો ખ્યાલ તો હશે જ અને ન હોય તો અમે કહી દઇએ કે સફેદ રંગ જે સાત રંગનાં કિરણોને પોતાના હૈયામાં ધરબીને રાખે છે એ લાલ, કેસરી,પીળો, લીલો,વાદળી,બ્લુ અને જાંબલી આ રંગોમાં લીલો રંગ બરાબર મધ્યનું સ્થાન શોભાવે છે. લાલ,કેસરી અને પીળા રંગની ગણના ગરમ રંગો તરીકે થાય છે. જ્યારે વાદળી,બ્લુ અને જાંબલી રંગોની ગણના ઠંડા રંગો તરીકે થાય છે. એક માત્ર લીલો રંગ એ ન બહુ ઠંડો, ન બહુ ગરમ એવો વચેટિયો અને સમતોલ રંગ છે. ડૉ.ર્બિશ્ર્ચેર નામના એક વૈજ્ઞાનિક તો કહે છે કે વનસ્પતિના લીલાં કણો એ બીજું કાંઇ નહીં પણ પ્રચંડ સૂર્ય શક્તિનું એક ઘન સ્વરૂપ જ છે. રંગોની દુનિયા પણ અજબ છે. વાદળી અને પીળો એ બે મૂળ રંગો ભેગા થાય તો લીલો રંગ તૈયાર થાય છે. શું સૂર્યના ગરમ પીળા રંગ અને વરસાદી પાણીના શીતળ વાદળી રંગને પીને જ વનસ્પતિ પોતાના ઘાસપાનને લીલા રંગના ક્લોરોફિલમાં પરિવર્તિત કરતી હશે? એ જે હોય તે ઉનાળામાં પીળી ભડ્ડીમાં શેકાયા પછી ચોમાસાની લીલોતરીની કિંમત આપણને વધુ સમજાય છે. આ લીલી હરિયાળીને માત્ર જોઇને જ નહીં તેને ખાઇ-પીને પણ શરીર તેમ જ મનને અનેક ફાયદા પહોંચાડી શકાય છે. તમને એ તો ખબર જ હશે કે ચાતુર્માસની શરૂઆતના દિવસોમાં જ જયા-પાર્વતી અને મોળાકાત વ્રતની શરૂઆત થાય છે તેમાં કુંવારિકાઓ ઘરે જ્વારા વાવતી હોય છે. એક માટી ભરેલી છાબડીમાં ઘઉં, જવ, જુવાર જેવા અનાજના દાણા ભેળવી પાણી પાવામાં આવતાં જ લીલું ઘાસ ઊગવા માંડે છે. આ ઘાસને જ જવારાના નામે ઓળખવામાં આવે છે. ખરેખર તો આ જ્વારાના રસનું સેવન કુંવારિકાઓએ કરવું જોઇએ પણ કમનસીબે આપણે ત્યાંના પ્રાચીન વ્રતો અને રીત-રિવાજોનું સંશોધન કરીને એના વૈજ્ઞાનિક ફાયદા વિશેની જાણકારી આપવામાં કોઇને રસ હોય એવું લાગતું નથી. સાપ ગયા અને લીસોટા રહી ગયા એ કહેવતાનુસાર આપણી કુંવારિકાઓ જ્વારા તો ઉગાડે છે, પણ વ્રત પૂરું થાય ત્યારે તેનું નજીકના નદી-તળાવ કે મંદિરમાં વિસર્જન કરી આવે છે. લ્યો બોલો, જે જ્વારામાં શરીરના નવસર્જનની તાકાત છે એ જ જ્વારાનું વિસર્જન. બીજી બાજુ વિદેશોમાં તો ઘઉંના જ્વારાના રસના ભારે ગુણગાન ગવાય છે. અમેરિકામાં થયેલા એક સંશોધન મુજબ જ્વારાના રસને લીલા લોહીની ઉપમા આપવામાં આવી છે. વાત પણ સાચી છે જ્વારામાં રહેલા લીલાં કણો(ક્લોરોફિલ)ની અને હેમેન(જ્ેમાંથી લોહીનું મૂળભૂત અંગ હિમોગ્લોબીન બને છે)ની આંતરિક અણુરચનામાં ઘણુ બધુ સામ્ય છે. ફરક એટલો જ છે કે કલોરોફિલના અણુના કેન્દ્રમાં મેગ્નેશિયમ તો હેમેનના અણુના કેન્દ્રમાં લોખંડ રહેલું છે. આવા જ્વારાના રસનું સેવન કરવાથી શરીરમાં લાલકણો અને હિમોગ્લોબીનનું પ્રમાણ વધી જાય છે. આથી જ જ્વારાના રસને લીલા લોહી(ગ્રીન બ્લડ)ના નામે નવાજવામાં આવ્યો છે. હવે તમે વિચાર કરો આપણા આયુર્વેદાચાર્યો અને ઋષિમુનિઓ કેટલી વૈજ્ઞાનિક વિચારધારા ધરાવતાં હશે જેમણે કુંવારિકાઓની જ્વારા ઉગાડવાની ક્રિયાને અષાઢ મહિનાના ઉપરોકત વ્રત સાથે સાંકળી લીધી હશે. કુંવારિકાઓને સામેલ કરવાનું પણ યોગ્ય કારણ છે. આ અવસ્થા એટલે કે બાર-તેર વર્ષની ઉંમરથી જ તેઓ રજસ્વાલા થાય છે, મતલબ કે યોનિમાર્ગ દ્વારા રક્તસ્રાવ થાય છે. લોહી (એટલે કે શક્તિ -બાળકને ગર્ભમાં ધારણ કરવાની ,પોષણ અને રક્ષણ આપવાની શક્તિ) ગર્ભ ન રહે એ દિવસોમાં દરેક મહિને ઉપયોગ થયા વગર વહી જાય છે. આ સમય દરમ્યાન બાળાઓ શારીરિક કે માનસિક અશક્તિનો ભોગ ન બને તે માટે જ્વારાના રસનું સેવન ઉચિત હતું. કોઇ પણ સ્ત્રી માટે એ રજસ્વાલા થાય, પરણે, ગર્ભવતી થાય અને માતા બને એટલે કે લગભગ બાર-તેર વર્ષથી લઇને પાંત્રીસ-ચાલીસ વર્ષ સુધીનો સમયગાળો અતિ મહત્ત્વનો હોય છે. કારણ કે, આ દિવસોમાંજ તેમના માથે બચ્ચાને ગર્ભમાં પોષવાથી માંડીને તેમને સ્તનપાન કરાવીને ઉછેરવાની જવાબદારી હોય છે. આ સમયમાં તેમને પુષ્કળ અને ગુણવત્તાયુક્ત લોહીની જરૂર પડતી હોય છે. કોઇ મહિલા ગર્ભવતી થાય ત્યારે ડૉક્ટરો પણ સહુ પ્રથમ તેનું હિમોગ્લોબીન ચકાસવાનો આગ્રહ રાખે છે. જો હિમોગ્લોબીન ઓછું હોય તો એ વધે એ માટેની સારવાર શરૂ કરી દેવાનો તેમનો આશય હોય છે. હવે લાલ ચટાક લોહીના વિકલ્પ જેવા પેલા લીલા લોહી સમાન જ્વારાના રસનું સેવન છોકરીઓએ બાળપણથી જ કર્યુ હોય તો તેમને કેટલાં બધાં ફાયદા થાય. નવરાત્રિ દરમ્યાન પણ શક્તિ સ્વરૂપ માતાની પૂજા-અર્ચના દરમ્યાન ઘટસ્થાપન અને જ્વારા ઉગાડવાનો મહિમા છે. કુંવારી ક્ધયાના પૂજનનું મહત્ત્વ છે. આમ કુંવારિકા, જ્વારા અને શક્તિનો સંબંધ આ સમયે પણ સાબિત થાય છે. આ વાતને અનુલક્ષીને જ આપણા પૂર્વજોએ આ જ્વારા અને જયા-પાર્વતી વ્રતને આપણી રહેણીકરણી અને સંસ્કૃતિ સાથે વણી લીધી હશે. ધર્મ (અહીં ધર્મ એટલે કર્તવ્ય) સાથે સાંકળી લીધી હશે, પણ વખત જતાં તેને લેખિત ભાષામાં ઉતારવું જોઇએ તે શક્ય બન્યું નહીં હોય. તેને અભ્યાસક્રમમાં સમાવી લઇ લોકોને શિક્ષિત કરવાનું સૂઝ્યું નહીં હોય. પછી તો વિદેશીઓ આવ્યા અને આપણું જ્ઞાન, આપણી સંસ્કૃતિ, આપણાં કર્તવ્યોનું ભાન ધીમે ધીમે ભુલાતું ગયું હશે. એટલે હવે જ્વારા તો કુંવારિકાઓ આજે પણ ઉગાડે છે, પરંતુ તેનું તનમનની શક્તિ માટે સેવન ન થતાં, મહેનતથી ઉગાડેલા જ્વારા થોડાં જ દિવસોમાં ગટરભેગા થઇ જાય છે. બીજી એક વાત આજના સંશોધન મુજબ જ્વારાનો રસ માત્ર કુંવારિકાઓ જ નહીં દરેક ઉંમરના સ્ત્રીપુરુષો માટે ઉપયોગી સાબિત થયો છે. વિદેશમાં વ્હીટ ગ્રાસ જ્યૂસ તરીકે ઓળખાતો ઘઉંના જ્વારાનો રસ લોકો સવારના જોગિંગ દરમ્યાન રસપૂર્વક પીએ છે. ડૉ.થોમસે તો જ્વારાના રસને કમ્પલીટ ફૂડ (સંપૂર્ણ ખોરાક)ની ઉપમા આપી છે. ઘઉંના જ્વારાનો રસ એટલે માણસને જોઇતા તમામ પ્રકારના ખનિજ તત્ત્વોનો ખજાનો. વિટામિન્સ એ, બી-કૉમ્પલેક્સ, સી, આઇ અને કેનો ભંડાર. ૧૭ એમિનો ઍસિડ અને પ્રોટિનથી સમૃદ્ધ એવો રસ જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આ રસ ૭૦ ટકા ક્લોરોફિલ (લીલા કણો) ધરાવે છે જે લોહીમાં હિમોગ્લોબીન વધારવા માટે અત્યંત મદદરૂપ છે. વળી સૂર્યપ્રકાશ વડે ઉત્પન્ન થતી પ્રથમ પેદાશ એટલે ક્લોરોફિલ. આ ક્લોરોફિલમાં ખોરાકના અન્ય તત્ત્વ કરતાં વધુ લાઇટ એનર્જી (પ્રકાશ શક્તિ) હોય છે, જે દુશ્મન બૅક્ટેરિયાને મારી હટાવે છે, તેમને વિકસવા દેતી નથી. એજિંગ પ્રોસેસ (વૃદ્ધાવસ્થા)ને પણ દૂર ધકેલે છે. આમ તો બીજા ઘણા છોડમાંથી કલોરોફિલ મળી આવે, પણ ઘઉંના જ્વારા શ્રેષ્ઠ છે,કારણ કે માનવ શરીરને લગભગ ૧૦૦થી વધુ તત્ત્વો જોઇતા હોય છે અને માટીમાં રહેલાં ૧૧૫ જેટલા તત્ત્વોમાંથી માણસને જરૂરી એવા ૯૨ તત્ત્વો ખેંચવાની ક્ષમતા આ ઘઉંના જ્વારામાં છે. જ્વારાનો રસ શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચીને તેનું નવસર્જન કરવામાં મહત્ત્વનું યોગદાન આપે છે. જ્વારાના આ લીલા કણો માત્ર શરીરને અંદરથી જ નહીં પણ બહારથી સમારકામ કરવામાં પણ અતિ ઉપયોગી છે એ કેટલાને ખબર હશે? જવારામાંથી બનેલો મલમ ચામડીની વિવિધ બીમારી માટે અત્યંત લાભદાયી છે. ચામડીમાં ખંજ આવતી હોય કે બળતરા થતી હોય કે પછી ખુજલી કે ખરજવું કે સોરાયસીસ હોય કે ગુદામાર્ગ પર હરસ-મસા થયા હોય, આ મલમ ઘણો ઉપયોગી છે. કોઇ જીવજંતુ કરડી ગયું હોય કે ચામડીને ચેપી રોગ લાગુ પડ્યો હોય એમાં પણ ફાયદાકારક છે. આ મલમના ઉપયોગથી ચામડી પર પડેલા જખમ પણ જલદીથી રૂઝાય છે. ચહેરા પરના ખીલ કે પરસેવાની દુર્ગંધ દૂર કરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. જ્વારાના રસને ફ્રીજના આઇસ ક્યુબમાં ભરી બરફની જેમ જામવા દેવો. પછી આવા ટુકડાને પણ ચામડીના અસરગ્રસ્ત ભાગ પર ઘસી શકાય. નહાવા બેસો ત્યારે પણ ટબમાં હૂંફાળું પાણી ભરી જરૂર પ્રમાણે જ્વારાનો રસ નાખી એ પાણીનો દસ-પંદર મિનિટ શેક કરી શકાય. પછી ચોખ્ખા શીતળ પાણીથી શરીર કે અસરગ્રસ્ત ભાગને સાફ કરી લેવો. કલોરોફિલમાં શરીરના વિષદ્રવ્યોનો નાશ કરવાની શક્તિ છે. લોહીમાં સાકરની સમસ્યાને દૂર કરવા માટે પણ કલોરોફિલ મહત્ત્વનો ભાગ ભજવે છે. ક્લોરોફિલથી લીવરનું શુદ્ધિકરણ પણ થાય છે. કલોરોફિલ હૃદય, ફેફસાં, આંતરડા અને મૂત્રાશયની કાર્યક્ષમતા પણ વધારે છે. અન્ય લીલા છોડોની જેમ ઘઉંના જવારા પણ ભરપૂર માત્રામાં પ્રાણવાયુ ધરાવે છે જે મગજ અને શરીરના અન્ય કોષોની કાર્યક્ષમતા વધારે છે. જ્વારાના રસને પાંચ મિનિટ મોંમા રાખી મૂકવાથી દાંતના દુખાવા સહિત અનેક પ્રકારના દર્દોમાં રાહત થાય છે. પેઢામાં જો વિષદ્રવ્યો જમા થયા હોય તો દૂર થાય છે. દાંતમાં થતો સડો અટકાવી શકાય છે. જ્વારાના રસના નિયમિત સેવનથી વાળને પણ પોષણ મળે છે અને અકાળે ધોળા થતાં રોકી શકાય છે. ખોડોની સમસ્યા હોય તો ૨૦૦ મિ.લી. જેટલો જ્વારાનો રસ લઇ વાળમાં બરાબર લગાવી, પંદર મિનિટ કપડું ઢાંકી રાખી મૂકી, પછી ધોઇ નાખવાથી ઘણો ફાયદો થાય છે. જ્વારાના રસમાં મેગ્નેશિયમનું પ્રમાણ વધુ હોઇ કબજિયાતના રોગમાં ફાયદો થાય છે. જ્વારાના રસથી રક્તવાહિનીની કાર્યક્ષમતા વધે છે તેમ જ બ્લડપ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. ટૂંકમાં જ્વારાનો રસ એટલે ત્વરિત શક્તિ આપતું અને શરીરનું નવસર્જન કરવાની પણ તાકાત ધરાવતું પૌષ્ટિક પીણું છે. ખાસ કરીને ચોમાસાની બીમારી ફેલાવતી અને શક્તિ હણી લેતી ઋતુમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ. ઘઉંના જ્વારાનું સેવન કેવી રીતે કરવું? જ્વારાનો રસ ઘણો જ પ્રભાવી અને શક્તિશાળી છે. એક જ સમયે વધુ પ્રમાણમાં લેવામાં આવે તો ઊબકા આવવા જેવી લાગણી પણ થાય છે. માટે શરૂઆત ૧ ઔંસ એટલે કે લગભગ ૩૦ મિ.લી પ્રતિદિનથી જ કરવી. આદત પડ્યા પછી ધીરે ધીરે ૨ ઔંસ (૬૦ મિ.લી) સુધી પહોંચી શકાય. ભૂખ્યા પેટે જ લેવું. જમ્યા પછી ન લેવું , નહીં તો ઊલટી થવાનો સંભવ રહે છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોએ ડૉક્ટરની સલાહ લઇને જ્વારાના રસનો ઉપયોગ કરવો જોઇએ. જો ઘરે જ્વારાનો રસ કાઢવાનો સમય કે સુવિધા ન હોય તો ઘણા લોકો જ્વારાનો રસ હોમ ડિલિવરી પણ પહોંચાડે છે તેમનો સંપર્ક કરી શકાય. સવારના જોગિંગ કરવાના સ્થળોએ પણ ઘણા લોકો આ રસનું વેચાણ કરતાં હોય છે. જો વિપરીત સંજોગોમાં રસ કાઢવો કે ખરીદવો શક્ય ન હોય તો ઉગાડેલા જ્વારાને મોંમા મૂકી ચાવી પણ શકાય છે. જ્વારાને સૂકવીને બનાવેલો પાઉડર કે ટેબલેટ્સ પણ હવે તો ઉપલબ્ધ છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot73mrV-5_UQmvUKMJkfTZDy9em4SVOt8VC-e1cjouORA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment