સંગીત હોય, ચિત્રકામ હોય, કપડાં હોય, વ્યક્તિનું સૌંદર્ય હોય કે પછી ભાષા હોય - એનો વૈભવ એની સાદગીમાં રહેલો છે, નહીં કે ઓવરડુઈંગમાં કે ઠઠારામાં. સો પીસના ઑરકેસ્ટ્રાનું સૌંદર્ય પણ એની સાદગીને કારણે નિખરતું હોય છે. સો ઈન્સ્ટ્રુમેન્ટ્સ મળી ગયા એટલે બધાને વગાડવા મંડી પડો - એવી મેન્ટાલિટી હશે તો સંગીતનો વૈભવ નહીં પણ કેકોફોની સર્જાશે, ઘોંઘાટ સર્જાશે. ચિત્રકામમાં પીંછીનો એક વધારાનો લસરકો કે એક વધારાની રંગછટા આખાય ચિત્રનું સૌંદર્ય હણી લે. કપડાં ગમે એટલાં મોંઘાં હોય, ડિઝાઈનર હોય, ભવ્ય પ્રસંગોમાં પહેરવા માટે બનાવાયાં હોય પણ એનો વૈભવ એની સાદગીમાં હોવાનો, નહીં કે ઓવરડુઈંગમાં કે ઠઠારામાં. વ્યક્તિ ગમે એટલી રૂપાળી હોય, સૌંદર્યવાન હોય પણ એની સુંદરતાનો વૈભવ ત્યારે જ નિખરે જ્યારે એણે પોતાની બ્યૂટિને અન્ડરપ્લે કરી હોય, ભારે મેકઅપ, આભૂષણ કે અન્ય દેખાડાઓથી એને ઢાંકી દીધી ન હોય. ભાષાનું પણ એવું જ છે. અંગ્રેજી ભાષા તમને આવડતી હોય, વાંચવી-સાંભળવી ગમતી હોય તો માર્ક કરજો કે જે લખાણ કે વક્તવ્યમાં જેને 'ફ્લાવરી ઈંગ્લિશ' કહેવાય છે તે ન હોય, જેમાં સાદગી હોય, જેમાં ભાષાનો આડંબર ન હોય, એ ભાષા સાંભળવાની કે વાંચવાની મઝા આવતી હોય છે. આવું જ હિન્દીમાં. આવું જ ઉર્દૂમાં. અને આવું જ અન્ય ભારતીય ભાષાઓનું હશે, આંતરરાષ્ટ્રીય સ્તરે બોલાતી-લખાતી ભાષાઓનું પણ આવું જ હશે. આપણને સૌથી વધારે કામ ગુજરાતીનું પડે છે. આપણું મોટાભાગનું કમ્યુનિકેશન ગુજરાતીમાં થતું હોય છે. કમ્યુનિકેશન માટે વાયડી ગુજરાતીમાં વપરાતો શબ્દ પ્રત્યાયન વાપરીએ તો કશું ખબર જ ન પડે કે આપણે શું કહેવા માગીએ છીએ. ગુજરાતી ભાષાનો વૈભવ પણ એની સાદગીમાં જ છે. સાદગીનો મતલબ એ નથી કે એમાં નાવીન્ય ન હોય. સાદગીથી મતલબ છે કે એમાં બિનજરૂરી શબ્દો-વિશેષણો-ક્રિયાવિશેષણો ઠાંસ્યાં ન હોય. વાચક કે શ્રોતા ઈમ્પ્રેસ થઈ જશે એવું માનીને કેટલાક લેખકો-પ્રવચનકારો આવું કરતા હોય છે. વિશેષ કરીને જ્યારે પોતાની પાસે ઠોસ વિચારો ન હોય ત્યારે. એવા વખતે ભારેખમ શબ્દોની જાળ ગૂંથીને છટપટાહટ કરનારાઓ ઘણા છે આપણે ત્યાં. પણ ભાષા એને કહેવાય જે સરળતાથી તમારા વિચારોની પાલખી ઉપાડીને પાણીના રેલાની જેમ વહી જાય. વિચારોની પાલખી ઉપાડનારા ભાષાના કહારો જો પોતે જ નાચતાકૂદતા હોય તો પાલખીમાં બેઠેલા વિચારો અસ્તવ્યસ્ત થઈ જાય. કેટલાક વાચકોને કે શ્રોતાઓને કહારોનું આ ભાષાનર્તન ગમી જતું હોય છે અને તેઓ એ નર્તનને જ ઉપલબ્ધિ માની બેસતા હોય છે. ભલે. જેવું જેનું સ્ટાન્ડર્ડ. પણ ભાષા નર્મદ જેવી હોય, વાડીલાલ ડગલી કે સ્વામી આનંદ જેવી હોય, પન્નાલાલ પટેલ જેવી હોય. અશ્ર્વિની ભટ્ટ કે ચંદ્રકાન્ત બક્ષીની છઠ્ઠી કાર્બન કૉપી જેવી ન હોય. ભાષા ગાંધીજી જેવી હોય. કોઈ આડંબર નહીં. આમ છતાં જેટલી વાર વાંચો એટલી વાર વધુને વધુ સમજ પડતી જાય એવી અર્થસભર હોય, ઊંડાણસભર હોય. એમાં ફોતરાં ન હોય, છીછરાપણું ન હોય. નક્કર વિચારોનો અભાવ છુપાવવા માટે ચુલબુલાપણાનો આશરો લેવાતો ન હોય. આખરે તો મહત્ત્વ વિચારોનું હોય છે. અને વિચારોમાં પણ મહત્ત્વ નવા વિચારોનું હોય છે. નવા વિચારો તો કોઈ વિદેશી કે અજાણ્યા વિચારક-ચિંતકમાંથી ઉઠાવીને પણ વાચકોને અપાતા હોય છે. માટે નવા વિચારોમાં પણ મહત્ત્વ મૌલિક વિચારોનું હોય છે, જે વિચારો અહીંથી ત્યાંથી હાથ મારીને ઉઠાવેલા નથી પણ સ્વતંત્ર દિમાગની નીપજ હોય છે. લેખક તો કોઈ પણ હોઈ શકે. ચર્ચાપત્રીઓ પણ પોતાને લેખક ગણાવતા હોય છે અને હવે તો ફેસબુક પર આડેધડ ઢંગધડા વગરનું લખનારાઓ પણ પોતાને લેખક માનતા થઈ ગયા છે. છાપામાં કૉલમ લખવા મળે એ તો પોતાને લેખક ઉપરાંત પત્રકાર પણ માનવા માંડે છે, પછી ભલેને એ બ્યૂટિ ટિપ્સ કે રેસિપીની કૉલમ લખતા હોય. લેખક બનવું સહેલું થઈ ગયું છે. લખાયેલું ગ્રંથસ્થ કરીને પુસ્તક બનાવી ગ્રંથકાર બનવું કે ઑથર બનવું અઘરું છે. સો-બસો-ત્રણસો પાનાનાં પુસ્તકમાં તમારી કસોટી થતી હોય છે. અને અહીં પોતાના ખર્ચે પુસ્તક પ્રગટ કરનારાઓની વાત નથી કરતાં આપણે. પ્રોફેશનલ ધોરણે પ્રકાશન પામતાં પુસ્તકો, જેને વાચકો હોંશે હોંશે વાંચે, જેની પ્રકાશકો હોંશે હોંશે નવી નવી આવૃત્તિઓ પ્રગટ કરતા રહે. અને આ પણ કંઈ અંતિમ કસોટી નથી હોતી. ભેળપૂરીની લારી પર સ્વાદપટુઓ પડાપડી કરતા હોય એમ એક પછી એક ડઝનબંધ આવૃત્તિઓ પણ ઘણા પુસ્તકોની થતી હોય છે - દરેક ભાષામાં. ખૂબ વેચાણ થવું એ કોઈપણ પુસ્તક માટેની અંતિમ પરીક્ષા ન હોઈ શકે. એ પુસ્તકમાં વિચારો છે કે નહીં, એ વિચારો નવા છે કે નહીં, એ નવા વિચારો મૌલિક છે કે બીજા લોકોમાંથી ઉઠાવેલા છે - આ બધા પરથી પુસ્તકનું મૂલ્ય નક્કી થતું હોય છે. છેવટે તો સમજદાર વાચક જ નક્કી કરે છે કે આ લેખક મમરાની ગૂણ છે કે પછી બદામની પોટલી. અને આવા વિચારો, બદામની પોટલી જેવા વિચારો, મૌલિક-સ્વતંત્ર વિચારો જ્યારે સાદગીભરી ભાષામાં તમારી સમક્ષ પ્રગટ થાય છે ત્યારે ભાષાનો ખરો વૈભવ આંખ-કાન-દિમાગને ધન્ય કરી દે છે. ગુજરાતી ભાષાના એ તમામ દિગ્ગજોને યાદ કરવાનો દિવસ એટલે આજનો દિવસ. ગુરુપૂર્ણિમાનો દિવસ. આ પવિત્ર અવસરે લખાયેલો લેખ ભલે બીજા દિવસે પ્રગટ થાય. પ્રાર્થનાઓ કદી વાસી થતી નથી. વંદનો, ચરણસ્પર્શો અને સ્મૃતિઓ ક્યારેય વાસી થતી નથી. નર્મદથી લઈને ગાંધીજી સુધીના અને ડગલીસાહેબથી લઈને સ્વામી આનંદ સુધીના એ તમામ ડઝનબંધ દિગ્ગજોને સાષ્ટાંગ દંડવત્. એ સૌને ગુરુદક્ષિણારૂપે આપવા માટે બીજું તો કંઈ નથી, સિવાય કે એમના કર્જને રોજે રોજ થોડું થોડું લખીને ચૂકવતા રહીએ. પ્રણામ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otguunh5cAR6nz0ztn3djZybEKQiEQE%2Bn80P1urpmCYWA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment