મોના, પ્લીઝ મારી વાત તો સાંભળ, સૌરભ જાણે રીતસરની આજીજી જ કરી રહ્યો હતો. મોનાએ એક નજર સૌરભ સામે જોયું અને કહ્યું, 'ના, સૌરભ મારે યોગા કલાસ તો જોઈન કરવા જ છે અને તેથી હવે હું સાંજે તને નહીં મળી શકું.'
સૌરભ મોનાની નજીક, સાવ નજીક આવીને બોલ્યો, 'તને મારી યાદ નહીં આવે? યોગા કરવા મારા કરતા વધુ ઈમ્પોર્ટન્ટ છે?' મોના સૌરભની સામે જોઈને બોલી 'હા, જોને આ હું દિવસે ને દિવસે વધતી ચાલી છું, મારે યોગા કરવા જ રહ્યાં.' સૌરભ: મારી નજરે જોશે તો તારા કરતા વધુ સુડોળ તને કોઈ નહીં લાગે. મોના: મારી વધતી ઉંમર મને તારી નજરે નહીં જુએ, હું ચોત્રીસની તો થઈ, હવે મારે મારા વજનનું ધ્યાન રાખવું પડે, તું હજી સત્યાવીસનો છે એટલે તને આ નહીં સમજાય. સૌરભ થોડા નિરાશ સ્વરે બોલ્યો, 'અને મારા મનમાં, તારાં સાથની, તારા સંગાથની કેટલી તરસ છે એ તને નહીં સમજાય.' મોનાએ સાંભળ્યું છતાં ન સાંભળ્યું કર્યું. મોના અને સૌરભ એક જ ઑફિસમાં કામ કરતા હતા. મોના સૌરભથી સાત વર્ષ મોટી અને ઑફિસમાં તેનું પદ પણ મોટું. મોનાનો પતિ અને મોના એક છત નીચે સાથે તો રહેતા હતા, પણ સાવ અજનબી બનીને. મોનાનો ૭ વર્ષનો દીકરો ઘરમાં રાખેલી ચોવીસ કલાકની બાઈ પાસે મોટો થઈ રહ્યો હતો. ઑફિસથી છૂટ્યા પછી સાવ એકલી પડી જતી મોના ઑફિસથી નજીક આવેલા જોગિંગ પાર્કમાં આવીને બેસતી. સૌરભના ઘરે પણ પત્ની અને ચાર વર્ષની દીકરી હતી. ઑફિસથી બાઈક પર ઘરે જતો સૌરભ અડધો જ કલાકમાં ઘરે પહોંચી જતો. સૌરભ અને તેની પત્નીનો સ્વભાવ બહુ મળતા નહીં એટલે સૌરભ ઘરે આવે ત્યારે તેની પત્ની સૌરભને ચા-નાસ્તો દઈને સોસાયટી ગાર્ડનમાં તેની સખીઓ સાથે ટોળટપ્પા મારવા જતી રહેતી. એકલો પડતો સૌરભ સાવ એકલવાયો થઈ જતો. એક દિવસ સૌરભ અને તેની પત્ની વચ્ચે બોલાચાલી થઈ એ દિવસે સૌરભે ઘરે જવાને બદલે ઑફિસ પાસે આવેલાં જોગિંગ પાર્કમાં થોડો સમય પસાર કરીને ઘરે જવાનું નક્કી કર્યું. બસ આ દિવસે સૌરભ અને મોના મળી ગયા. એ પાર્કમાં અને પછી તો આ સિલસિલો ચાલતો જ રહ્યો. હવે મોના એકલી નહોતી અને સૌરભ એકલવાયો નહોતો... બંનેના વિચારો પણ મળતા હોવાથી બંનેની સુની સાંજ સજવા લાગી. સાત વર્ષ મોટી મોના, ઑફિસમાં રોબ જમાવતી મોના, સૌરભના પ્રેમમાં પીગળવા લાગી. સૌરભ મોનાની ખૂબ કાળજી લેતો. સૌરભ મોનાના પ્રેમમાં પાગલ હતો. હમણા જ થોડો વરસાદ વરસીને થંભી ગયો છે, જરાક ઉઘાડ થયો છે. આ ઉઘાડને વધાવવા આકાશે કેસરી રંગની ઓઢણી ઓઢી લીધી છે. ભીની માટીની સુગંધ ચારેકોર પ્રસરેલી છે. ક્રીમ કલરના સલવાર કમીઝ પર મરુન રંગની ચૂનરી પહેરેલી મોના ખૂબ શોભી રહી છે. સૌરભ બોલતા બોલતા અટકી જાય છે અને મોનાને જ જોયા કરે છે. ચોત્રીસે પહોંચેલી મોનાના ગાલ પર શરમના શેરડા ઉપસી આવે છે. સૌરભ મોનાની નજીક આવે છે, મોનાનો ચહેરો પોતાના હાથમાં લઈને, મોનાની આંખમાં આંખ પરોવીને કહે છે, 'મોના, તું મારા જીવનમાં આમ મોડેથી શું કામ આવી? તને નથી ખબર, તારા આમ મોડા આવવાને કારણે આપણે શું ખોયું છે?' ગંભીરતાથી બોલી રહેલા, પ્રેમમાં ડુબેલા સૌરભને હેરાન કરવા મોના ટીખળ કરે છે, 'શું ખોયું છે?' સૌરભ ટીખળને સમજ્યા વગર આગળ ચલાવે છે, 'જો તું મને થોડાં વર્ષો પહેલા મળી હોત તો તું મારી પત્ની હોત અને જો તું મારી પત્ની હોત તો આવી લાલ સાંજે આપણે બે કલાક માટે નહીં હંમેશાં, હરપળે સાથે હોત, હું તારામાં ખોવાઈ જાત અને તું મારામાં...' મોના અધવચ્ચે જ ટોકતા, 'લાલ સાંજ? લાલ સાંજ એટલે વળી શું? આ તો કેસરી, કેસુડી સાંજ છે, માય ડીયર કલર બ્લાઈન્ડ' સૌરભ હસી પડતાં... 'લાલ, કેસરી, કેસુડી, મને એમાં ખબર ન પડે, મને તો બસ તારા પ્રેમની તરસ છે. આ સાંજના ઈન્તઝારમાં આખો દિવસ વિતાવું છું અને તું કહે છે કે હંમેશાં મારી લાગણીને હસીને ઉડાવે છે.' મોના: ના, સૌરભ તારી લાગણીની મજાક નથી કરતી, પણ આટલી સુંદર કેસુડી સાંજને તું 'લાલ સાંજ' કહે તે કેમ ચાલે? સ્કૂલમાં કલર-કલર નહોતો રમ્યો કે શું? સૌરભ: એમ તું મને અંડરએસ્ટીમેટ ન કર, મને શું મારી દીકરીને સુધ્ધાં કલરની ખબર પડે છે. મોના: એ કેવી રીતે? સૌરભ મોનાના ચહેરા પર આવી ગયેલી લટ સાથે રમતા રમતા બોલ્યો, 'કાલે રીયા કહેતી હતી કે બધાના પપ્પા તો સ્કાય ઓરેન્જ કલરનું હોય ત્યારે જ આવી જાય છે, તમે કેમ છેક બ્લેક થઈ જાય પછી આવો છો?' મોનાની લટ સાથે રમતો, મોનાના ચહેરા પર નજરથી પીંછી ફેરવતો સૌરભ બોલી ગયો. ખલ્લાસ... મોતાના દીલમાં રીયાના ભોળાભાવે બોલાયેલા શબ્દો ચુભી ગયા. ઓરેન્જ અને બ્લેકના તફાવતે મોનાના દીલને ચૂરચૂર કરી નાખ્યું. મોના ગંભીર થઈ ગઈ, 'ચલ સૌરભ, બહુ લેટ થઈ ગયું. આપણે હવે જઈએ.' જ્યારે જ્યારે મોના જવાનું કહેતી, સૌરભ તેને રોકતો, દસ પંદર મિનિટ મોનાને નીહાળતો, પંપાળતો અને પછી જ જવા માટે તૈયાર થતો. આને પણ સૌરભે આમ જ કર્યું. દરરોજ આ આળપંપાળની એક એક ક્ષણને દીલથી માણતી મોના આજે આ આળપંપાળને માણી શકી નહીં. એના મનમાં તોફાન ઊઠ્યું હતું, પણ એણે સૌરભને એ તોફાનથી દૂર જ રાખ્યો. રોજની જેમ ગાલ પર, હોઠથી સાવ નજીક એક ગહેરું ચુંબન કરીને સૌરભે બાઈક સ્ટાર્ટ કરી. મોનાએ હાથ હલાવીને સૌરભને બાય-બાય પણ કર્યું, પણ આજનું આ બાય-બાય કંઈક અલગ હતું. ભાંગેલી, ઘવાયેલી, મૂંઝાયેલી મોના ઘરે આવી. બાઈ આવીને પાણી દઈ ગઈ પણ મનમાં લાગેલી આગ એક ગ્લાસ પાણીથી બુઝાવાની નહોતી. મોનાએ રોજની જેમ રસોઈ બનાવી, દીકરાને હોમવર્ક પણ કરાવ્યું. પતિદેવ આવ્યા અને સૂઈ પણ ગયા. નાનકડી રીયાની ગુનેગાર મોના પણ સૂતી પણ એક પહાડ જેવા નિર્ણય સાથે કે આજ પછી એ સૌરભ સાથે ક્યારેય સાંજ નહીં વિતાવે. મોના એક સ્ત્રી હતી, લાગણીશીલ સ્ત્રી પણ સારાખોટાની સમજ હતી. એનામાં અને તેથી જ ભાવનાઓમાં વહી ગયેલી પોતાની જાતને સમયસર સાચવી લેવામાં જ શાણપણ છે એવું એને લાગ્યું. એ સૌરભની પત્ની અને પુત્રી સાથે આવો અન્યાય ન કરી શકે. ચોરેલું ચોરેલું જ કહેવાય, એ ક્યારેય પોતાનું ન થઈ શકે અને તેથી જ તેના જીવનનું એકમાત્ર સુખ, સૌરભ સાથેના સંગાથને એ તિલાંજલિ આપી દેશે એવું તેણે નક્કી કર્યું. વિચારોની વણઝાર ચાલતી રહી, સાથે આંસુની ધાર પણ... તકીયો આજે ફરી ભીનો થયો હતો લગભગ બે વર્ષે... બે વર્ષ, હા બે વર્ષથી શરૂ થયેલા સિલસિલાનું ગળું ઘોંટવાનું હતું. વાતે વાતે સૌરભનો સાથ લેવા ટેવાયેલી મોનાએ આ મુશ્કેલ કામ સાવ એકલા હાથે કરવાનું હતું. સપનાઓને ફરી આંસુમાં ફેરવી દેવાના હતા. ફરી આવડી મોટી દુનિયામાં સાવ એકલું થઈ જવાનું હતું, પણ... સૌરભ તેની આદત બની ચૂક્યો હતો. એનું શું? એ આદત ભૂલવાની હતી. સૌરભની હાજરીમાં નવયૌવના બની ખીલી ઊઠતી મોનાએ ફરી પેલું ધીર-ગંભીર મ્હોરું ધારણ કરવાનું હતું. હવે લાલ-કેસરી, કેસુડી સાંજ ક્યારેય નહીં આવે. હવે પછી સાંજ સાવ કાળી ધબ, પણ સૌરભ? એને શું કહેશે? કયું ઠોસ બહાનું બતાવશે? કે સૌરભ માની જાય, અટકી જાય... સવાર પડી. રોજનું કામ પતાવીને એ ઑફિસ પહોંચી, લંચ ટાઈમમાં જાણીબુઝીને વધતા વજનની ચર્ચા શરૂ કરી. કોઈ ચાલવાની, યોગા કરવાની, જીમ જવાની સલાહ આપવા લાગ્યા. વજન ઉતારવા માટે યોગા જ સૌથી ઉત્તમ છે એવું કહી ચર્ચાની પૂર્ણાહૂતી કરી. સાંજે મોનાએ યોગા ક્લાસ જોઈન્ટ કરવાનો પોતાનો અફર નિર્ણય સૌરભને સંભળાવ્યો અને સાંજની સફરને બંધ કરવાનું જાહેર કર્યું. સૌરભ સમજી ન શક્યો કે કાલ સુધી તેના પ્રેમથી શરમાતી, ખીલતી મોના આજે આમ, આટલી કઠોર કેવી રીતે બની ગઈ છે? આજે ઘરમાં કંઈક થયું હશે એટલે આમ કરતી લાગે છે એમ માની સૌરભે મોનાના કહેવા પ્રમાણે બાઈક સ્ટાર્ટ કરીને ઘરે જવા તૈયાર થયો. રોજની જેમ મોનાના રતુમડા ગાલ પર, હોઠ પાસે હળવેકથી ચુંબન કર્યું. મોનાએ સૌરભના ચહેરાને પોતાના હાથમાં લઈને હળવેકથી કાનમાં કહ્યું, 'હવે રીયાને કહેજે તેના પપ્પા રોજ સ્કાય ઓરેન્જ કલરનું હશે ત્યારે જ ઘરે આવી જશે.' આટલું કહીને તેણે રીતસરની ચાલતી પકડી. મોનાના પગ જાણે સવામણનું વજન ઊંચકીને ચાલી રહ્યા હતા. સૌરભ રસ્તા પર સ્ટેચ્યુ બનીને ખોડાઈ ગયો. એ સમજી ગયો કે મોના આમ કેમ કરી રહી છે. મોના ઘરે આવી. સોસાયટી કમ્પાઉન્ડમાં રમતા પોતાના સાત વર્ષના દીકરા તરફ હાથ હલાવીને ઘરે પહોંચી, પાણી પીને સોફા પર લંબાવ્યું. એ ખૂબ થાકી ગઈ હતી. બાઈને નવાઈ લાગી કે આજે મેડમ જલદી ઘરે આવી ગયા. તો પણ થાકેલા લાગે છે. ટ્રીન ટ્રીન, ડોરબેલ વાગી. મોનાનો દીકરો કુદકા મારતો ઘરમાં પ્રવેશ્યો 'મોમ, કેમ આજે જલદી? ઓહ આજે કેટલું સરસ લાગે છે' કહી જરાક ઊભડક થઈ ગયેલી મોનાને વળગી પડ્યો. મોનાએ પૂછ્યું, 'તને ગમ્યું?' સનીએ માથું હલાવીને હા કહી, 'બહું ગમ્યું.' મોના: મને એમ કે તને નીચે રમવું વધુ ગમતું હશે. સની: ના, એ તો તું સ્કાય સાવ બ્લેક થઈ જાય પછી આવતી એટલે હું રમ્યા રાખતો, ટાઈમ પાસ કરવા... મોના: સનીના વાળમાં આંગળી ભેરવતા, 'હવે મમ્મી રોજ સ્કાય ઓરેન્જ હશે ત્યારે જ આવી જશે. પછી આપણે સાથે મળીને એ ઓરેન્જ સ્કાયને બ્લેકમાં ક્ધવર્ટ કરીશું.' સનીએ મમ્મીનો હાથ ચુમી લેતા કહ્યું, 'હા, મમ્મી, યુ આર સો ક્યૂટ' મોના વિચારી રહી, શું કેસુડી સાંજે સંગાથની તરસ સર્વેને હોય છે? |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OvO4CGQBxJYt6gpZ-ZcgEET_SkZj_DBWKZ%3Dwtn6J4CfwA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment