Saturday, 7 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ તરસ્યાની ના તરસ છીપાવે (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



તરસ્યાની ના તરસ છીપાવે એ વાદળ કોને મન ભાવે...
હૈયાને દરબાર-નંદિની ત્રિવેદી

તાનસેન-બૈજુની હરીફાઈનું રાગ દરબારીનું ગીત સપ્તસૂરોના ઈન્દ્રધનુ... પહેલાં મોહમ્મદ રફી અને મન્ના ડે ગાવાના હતા. રફીસાહેબ સંજોગવશાત ન આવી શક્યા તો મહેશ કનોડિયાએ એ ગીત ગાયું. આ ગીતમાં ગુજરાત સરકાર તરફથી મન્ના ડેને નહીં, મહેશકુમારને એવૉર્ડ મળ્યો હતો
 

ગરજ ગરજ વરસો જલધર ગીત અને તાનારીરી ફિલ્મની કથા વિશે આપણે ગતાંકમાં વિગતે ચર્ચા કરી. અદભુત ગીત છે એે અને આ ગીતના સંગીતકાર છે મહેશ-નરેશ.

ગીત કેવી રીતે બન્યું અને ક્યાં શૂટ થયું એ કથા ઈન્ટરેસ્ટિંગ છે. આજે એની વાત કરીશું.

ગુજરાતના કનોડા ગામે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને ગીત-સંગીતની દુનિયાના સરતાજ મહેશ કનોડિયા નામે બબ્બે હોનહાર કલાકારો આપ્યા છે. અત્યંત સંઘર્ષમય જિંદગીમાં સફળતાના શિખરે પહોંચેલી આ બંધુ બેલડીએ ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાયથી લઈને સજન મારી પ્રીતડી અને પ્યોર ક્લાસિકલ ગરજ ગરજ વરસો જેવાં ગીતો સુધીની જબરજસ્ત રેન્જ આપી છે.

દુનિયાભરની નવરાત્રિમાં 90 ટકાથી વધુ ગીતો જેમનાં ગવાય છે એ સંગીતકાર જોડી મહેશ-નરેશમાંથી નરેશ કનોડિયા 'ગરજ ગરજ વરસો' ગીતની રચના વિશે કહે છે, "અમે લોકોને મનગમતાં અને થનગનતાં ગીતો જ વધારે આપ્યાં છે."

પરંતુ ફિલ્મના વિષયો અલગ અલગ હોય એટલે એ મુજબ સંગીત પિરસીએ. 'તાના-રીરી' તદન જુદા વિષયની ક્લાસિક ફિલ્મ હતી. એમાં તો સંપૂર્ણ શાસ્ત્રીય સંગીત જ આપવું પડે. મહેશભાઈએ શાસ્ત્રીય સંગીતના જાણકારો, વિદ્વાનો, મહાવીરજી અને ગોવિંદપ્રસાદજી જેવા ગુરૂઓને મળીને મલ્હાર, દરબારી ઈત્યાદિ રાગોમાં કયા સ્વર હોય એ જાણ્યું, એ સૂરોની સાધના કરી અને બહુ જ મહેનત કરીને સંગીત તૈયાર કર્યું. એમણે આ ફિલ્મનાં તમામ ગીતમાં શુદ્ધ શાસ્ત્રીયતા જાળવી રાખી છે. નૌશાદસાહેબે 'બૈજુ બાવરા' ફિલ્મનાં ગીતોમાં મિશ્રિત સ્વરો પ્રયોજ્યા છે પણ અમે 'તાનારીરી'માં પ્યોર ક્લાસિકલ ગીતો તૈયાર કર્યાં તેમ છતાં એ પણ ખૂબ લોકપ્રિય થયાં છે." નરેશભાઈએ ગીત વિશે બીજી કેટલીક રસપ્રદ વાતો કરી. ગરજ ગરજ વરસો ગીત મહેશભાઈને લતાજી-આશાજી પાસે ગવડાવવાની ભાવના હતી, પરંતુ નાદુરસ્ત તબિયતને લીધે લતાદીદી આવી શકે એમ નહોતાં. આશાજીને આ ગીત સંભળાવ્યું તો એમને બહુ જ ગમ્યું. તેમણે મહેશ કનોડિયાને કહ્યું, "આપ હી ક્યૂં નહી ગા લેતે મેરે સાથ?

મહેશભાઈને 'વોઈસ ઑફ લતા'નું બિરુદ મળ્યું હતું એનાથી તેઓ વાકેફ હતાં, પરંતુ મહેશભાઇએ પછીથી આશાજી સાથે ઉષા મંગેશકર પાસે ગવડાવવાનું નક્કી કર્યું અને ગીત સુપર હિટ નિવડ્યું. "જોકે, આ ફિલ્મનું તાનસેન-બૈજુની હરીફાઈનું રાગ દરબારીનું અન્ય લોકપ્રિય ગીત સપ્તસૂરોના ઈન્દ્રધનુ...પહેલાં મોહમ્મદ રફી અને મન્ના ડે ગાવાના હતા. રફીસાહેબ સંજોગવશાત ન આવી શક્યા તો મન્ના ડેના આગ્રહથી રફીસાહેબને બદલે મહેશભાઈએ એ ગીત ગાયું. આ ગીતમાં ગુજરાત સરકાર તરફથી મન્નાડેને નહીં, મહેશકુમારને એવૉર્ડ મળ્યો હતો.

નરેશ કનોડિયા ગૌરવપૂર્વક કહે છે. તેમના કહેવા મુજબ, ઓપન કાર્યક્રમમાં સામે એક લાખનું ઓડિયન્સ બેઠું હોય, અમારા ગીતનું મુખડું શરૂ થાય અને આખું ગીત પબ્લિક પૂરું કરે એવી લોકપ્રિયતા મહેશ-નરેશે મેળવી છે. મહેશ કનોડિયા 32 વોઈસમાં ગાઈ શકતા હતા એ ઈશ્ર્વરીય વરદાન જ કહેવાય. દેશ આઝાદ થયો એ 1947માં મહેશભાઈએ મહેશ-નરેશ એન્ડ પાર્ટી શરૂ કરી હતી અને દેશ-વિદેશમાં પંદર હજાર જેટલા શો કર્યા હતા. કુલ દોઢસો ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. નરેશ કનોડિયા સમયના એવા પાક્કા કે સેટ પર પહોંચવાનો સમય સવારે સાતનો હોય તો નરેશભાઈ આવે એટલે લોકો ઘડિયાળ મેળવે. આવા મહેશ-નરેશની જોડીએ તેમનાં સદાબહાર ગીતો દ્વારા ગુજરાતને નાચતું કર્યું હતું.

આ ફિલ્મના સહનિર્માતા ભરત સાંગાણી કહે છે, "આ ફિલ્મ બનાવવા માટે અમે 25 વર્ષ વહેલા હતા. 1975માં આ ફિલ્મ આવી ત્યારે ભદ્ર વર્ગ બહુ ઓછી ગુજરાતી ફિલ્મો જોતો. ગુજરાતી ફિલ્મો ગામડાંના લોકો જ જુએ એવો ટ્રેન્ડ. એમાં વળી, વિષય શાસ્ત્રીય સંગીત ગાતી બે નાગર ક્ધયાઓનો. છતાં, મારા પિતા ચંદ્રકાન્ત સાંગાણીને નવલકથા આધારિત ફિલ્મો બનાવવામાં જ રસ હતો. એમણે જસમા ઓડણને બાદ કરતાં 13 ફિલ્મ નવલકથા પર આધારિત જ બનાવી હતી. આ ફિલ્મ પણ પત્રકાર-લેખક હરિન મહેતાની નોવેલ 'શુભ દિન આયો' પરથી બનાવી જેનો પ્રથમ ભાગ તાનસેન પુત્ર બિલાસખાન પર હતો અને બીજો ભાગ તાના રીરી વિશે હતો. 'જિગર અને અમી'ની સફળતાથી પ્રેરાઈને પિતાજીએ આ ફિલ્મ બનાવવાનું બીડું ઝડપ્યું હતું. શક્તિસામંત અને રાજેશ ખન્નાએ સ્થાપેલી શક્તિરાજ ફિલ્મ્સ તાનારીરીના ડિસ્ટ્રિબ્યુટર્સ હતા. ગરજ ગરજ વરસો ગીતમાં અમારે ધોધમાર વરસાદ બતાવવાનો હતો. એ જમાનામાં તો આજના જેવી ટેકનિક નહીં. સ્ટુડિયોમાં વરસાદ પાડવા ચાર ટેન્કર મંગાવ્યાં હતાં અને સેટ પર 40 પીપડાં ગોઠવ્યાં હતાં. લાઈટમેન ઊંચેથી ફોકસ કરે ત્યાં સુધી પાણીની પાઈપ લઈ જતાં. લાઈટ પર પાણી ન પડવું જોઈએ એય ધ્યાન રાખવાનું. નહીં તો શોર્ટ સરકિટ થાય. મશીન ચાલુ થાય એટલે એકસાથે 40 પીપડાં ખાલી થઈ જાય ને ધોધમાર વરસાદનું દૃશ્ય નિર્માણ થાય. આ રીતે આખું ગીત શૂટ થયું હતું. આ ફિલ્મને ગુજરાત સરકાર તરફથી 11 એવૉર્ડ્ઝ મળ્યા હતા. એટલું જ નહીં, પબ્લિક વોટિંગ દ્વારા આ ફિલ્મને ગુજરાતી સિનેમાની અડધી સદીની સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવૉર્ડ મળ્યો હતો જેનું ભવ્ય ફંકશન અમદાવાદના ડ્રાઈવ ઈન સિનેમામાં યોજાયું હતું.

આવી ક્લાસિક ફિલ્મમાં અકબરની ભૂમિકા બુલંદ અવાજના માલિક સોહરાબ મોદીએ ખુશીથી સ્વીકારી હતી. ચંદ્રકાન્ત સાંગાણી હંમેશાં હિન્દી ફિલ્મના એકાદ જાણીતા કલાકારને લેવાનું પસંદ કરતા, એ મુજબ તાનાની ભૂમિકામાં બિંદુ, રીરી તરીકે કાનન કૌશલ, અકબર તરીકે સોહરાબ મોદી, તાનસેનની ભૂમિકા અરવિંદ પંડ્યા તથા અન્ય પાત્રોમાં નરેશ કનોડિયા, પ્રતાપ ઓઝા, ઉર્મિલા ભટ્ટ, લીલા જરીવાલા, વિષ્ણુકુમાર વ્યાસ ઈત્યાદિ હતાં. સાંગાણીના જણાવ્યા મુજબ, "કાંતિ અશોક બહુ સુંદર ગીતો લખતા હતા પણ આ કવિની જોઈએ એવી કદર ન થઈ. આજીવન તેઓ ફોર્ટમાં રિઝર્વ બૅંકની સામે આવેલી ફૂટપાથ પરની ખોલીમાં જ રહ્યા એ એમના જીવનની દુખદ હકીકત હતી.

ફિલ્મ તાના રીરીનાં પણ તમામ ગીતો સ્વર-શબ્દ બન્ને રીતે ચડિયાતાં છે. હવે વાત તાજેતરમાં અમદાવાદમાં ભજવાઈ રહેલા 'તાનારીરી' નાટકની. આ ક્લાસિક ફિલ્મ જોયા પછી સતત એમ થતું હતું કે આ ફિલ્મ આજના સમયમાં બની હોત તો ખરેખર હિટ ગઈ હોત! એવામાં 'હૈયાને દરબાર'નાં વાચક અને ચાહક નેહા યાજ્ઞિકે માહિતી આપી કે અમદાવાદમાં 'તાનારીરી' નાટ્ય સ્વરૂપે ભજવાઈ રહ્યું છે. તરત જ એ નાટકના નિર્માતા-દિગ્દર્શક આર્જવ ત્રિવેદીનો સંપર્ક સાધ્યો અને તેમણે ઘણી રસપ્રદ વાતો કરી. નવા ઓપન થયેલા આ મ્યુઝિકલ પ્લેના અત્યાર સુધીમાં છ-સાત સફળ શૉ થયા છે.

નાટક કરતાં પહેલાં આર્જવભાઈએ એક વર્ષ સંશોધન કરીને તાનારીરી વિશેની ઘણી અજાણી વિગતો શોધીને નાટકને ખાસ્સું રિયલિસ્ટિક બનાવ્યું એમ તેઓ જણાવે છે. આ નાટકમાં તાનારીરીની ભૂમિકા અમદાવાદની જ જાણીતી સંગીતબેલડી અને સગી બહેનો મોસમ-મલકા નિભાવી રહ્યાં છે. અલબત્ત, નાટ્યકાર સ્વ. નિમેષ દેસાઈને પોતાના ફ્રેન્ડ-ફિલોસોફર અને ગાઈડ માનતા આર્જવભાઈ નિમેષ દેસાઈને ખૂબ મિસ કરે છે કારણ કે તેઓ બહુ સારું ગાતા હતા અને આ નાટકના સૂત્રધાર તરીકે એ પોતે ભૂમિકા ભજવવાના હતા! બટ, ધ શૉ મસ્ટ ગો ઓન. નિમેષ દેસાઈની સ્મૃતિઓ સાથે રાખીને આર્જવ ત્રિવેદી તાનારીરીના શૉ હમણા તો ગુજરાતમાં ભજવી રહ્યા છે.

આશા રાખીએ કે 'તાનારીરી' મુંબઈગરાને પણ જોવા મળે. નરેશ કનોડિયાના સૌજન્યથી આર્જવ ત્રિવેદીને ફિલ્મનાં ગીતો ઉપયોગમાં લેવાની છૂટ અપાઈ છે, પરંતુ એકાદ ગીતને બાદ કરતાં નવાં ગીતો અને નવી લહર સાથે તાનારીરી ભજવાઈ રહ્યું છે. આ લખાય છે ત્યારે તો મોસમ ભીની ભીની અને માદક છે. ભીની માટીની ખુશ્બો સાથે વરસાદી ગીતોમાં મહાલવાનો યોગ્ય સમય છે. ગરજ ગરજ વરસોનો મેઘ મલ્હાર હજુ મન પર સવાર જ છે એટલે નવા ગીત સાથે ફરી મળીશું આવતા ગુરુવારે, આવી જ ભીનાશ સાથે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot24NGPimguSZSppHvNaCE2TiiiG59-GXre3ifsCGjSrg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment