Wednesday, 25 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ હાર કર જીતનેવાલોં (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હાર કર જીતનેવાલોં કો ક્રોએશિયન કહતે હૈં!
હેન્રી શાસ્ત્રી

સુપરહિટ ફિલ્મ 'બાઝીગર'માં એક કાર રેસનો સીન છે. એમાં શાહરુખ ખાન હરિફાઇ જીતતાં જીતતાં હારી જાય છે. એ વિશે એને સવાલ કરવામાં આવતા એ કહે છે કે 'કભી કભી જીતને કે લિએ કુછ હારના ભી પડતા હૈ ઔર હાર કર જીતનેવાલોં કો બાઝીગર કેહતે હૈં'. અલબત્ત એ ફિલ્મની વાર્તામાં શાહરુખના પાત્રનો ઇરાદો બદલો લેવાનો હોય છે અને એટલે એ ઇરાદાપૂર્વક હારી જાય છે. અહીંયા આપણે વાત કરવી છે વિજયકૂચ કરીને ફિફા વર્લ્ડ કપની ફાઇનલ સુધી પહોંચેલી પણ અંતિમ તબક્કે પછડાટ ખાનારી ક્રોએશિયાની ટીમની. વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત ફાઇનલમાં પહોંચવાનું પ્રેશર અને અનુભવને અભાવે થયેલી કેટલીક ભૂલોને કારણે સરખામણીમાં વધુ અનુભવી અને વધુ કાબેલ ફ્રાંસની ટીમ સામે ક્રોએશિયાની ટીમનો પરાજય ભલે થયો, પણ ટુર્નામેન્ટમાં ખેલાડીઓની અપ્રતિમ કામગીરી અને દેશનાં પ્રેસિડેન્ટ કોલિંડા ગ્રાબર કિટારોવિચની ફાઇનલ વખતની હાજરી તેમ જ મૅચ પૂરી થયા પછી તેમના ખેલાડીઓ સાથેના વર્તાવને કારણે ટીમ અને એનાં પ્રેસિડેન્ટે સ્ટેડિયમમાં હાજર રહેલા પ્રેક્ષકોનાં જ નહીં બલકે એ મૅચનું જીવંત પ્રસારણ જોઇ રહેલા કરોડો લોકોનાં દિલ જીતી લીધાં એ હકીકત છે. એટલે 'બાઝીગર'નો સંવાદ ફેરવીને કહેવું જોઇએ કે 'હાર કર જીતનેવાલોં કો ક્રોએશિયન કેહતે હૈં.' ક્રોએશિયન ખેલાડીઓ તેમની શારીરિક ઊંચાઇ માટે જગવિખ્યાત છે. ફિફા વર્લ્ડ કપમાં તેમના પર્ફોર્મન્સની ઊંચાઇ તેમ જ તેમનાં પ્રેસિડેન્ટનાં વર્તનની ઊંચાઇ પણ જોવા મળી. એ જોઇને જગતવાસીઓએ તેમને સલામ પણ કરી હશે.

 

ફૂટબૉલની અને એ પણ પાછી વર્લ્ડ કપ ફૂટબૉલની ફાઇનલ હોય એટલે સ્ટેડિયમ તો પ્રેક્ષકોથી ખીચોખીચ હોય એ સ્વાભાવિક છે, પણ સાથે ટેલિવિઝન તેમ જ ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે દુનિયાભરમાં કરોડો લોકો આવી મૅચ માણવાનું ચૂકતા નથી. આ મૅચ માણવામાં જેટલો આનંદ પ્રેક્ષકોને આવ્યો હશે એથી અનેકગણો આનંદ મૅચ પછીની ક્ષણોએ આપ્યો હશે એમ ખાતરીપૂર્વક કહી શકાય. મૅચની નિયત ૯૦ મિનિટ પછી વેડફાયેલા સમયની પાંચ મિનિટના ખેલ પછી જ્યારે રેફરીએ વ્હીસલ મારી ત્યારે ફ્રાંસના ખેલાડીઓ, સ્ટેડિયમ પર હાજર દેશના પ્રમુખ અને જનતા તેમ જ તેના ચાહકોની આંખોમાં હરખના આંસુ હતા, જ્યારે ક્રોએશિયાના ખેલાડીઓ, અત્યંત વ્યસ્ત સમયપત્રક હોવા છતાં ખાસ પ્લેયરોને પોરસ ચડાવવા સ્ટેડિયમમાં હાજર રહેલાં પ્રમુખ શ્રીમતી કોલિંડા, એમના દેશવાસીઓ અને એમના ચાહકોની આંખોમાં ટ્રોફી ગુમાવ્યાની વેદનાનાં આંસુ હતા. મૅચ પૂરી થતાની સાથે પોતાની ટીમના વર્લ્ડ કપ વિજયને કારણે હરખાઇ ગયેલા ફ્રાંસના પ્રેસિડેન્ટ ઇમેન્યુઅલ મેક્રોન સાથે હરખ કર્યો. ફ્રાંસના પ્રમુખ સાથેના શિષ્ટાચાર દરમિયાન કોલિંડા સામાન્ય અને સ્વસ્થ દેખાયા અને એ જરૂરી પણ હતું. પછી ક્રોએશિયાનાં પ્રમુખની આંખો એમની ટીમના સભ્યો પર ખોડાઇ ગઇ. એમની ચકોર આંખો પામી ગઇ કે ખેલાડીઓ ઉદાસ છે. એમના ચહેરા પર ગમગીની છવાઇ ગઇ છે. આપણે હિંદી ફિલ્મોમાં ઘણી વખત જોઇએ છીએ કે કોઇ દુ:ખદ ઘટના હોય ત્યારે વરસાદ પડતો દેખાડવામાં આવે છે. અમર ગાયક મોહમ્મદ રફી ગુજરી ગયા ત્યારે પણ મૂશળધાર વરસાદ પડ્યો હતો અને ત્યારે 'પ્રકૃતિને પણ એમને ગુમાવ્યાની વેદના થઇ છે' એવી પ્રતિક્રિયા આવી હતી. મૅચ પૂરી થયા પછી વરસાદ પડવાનો શરૂ થયો હતો. ક્રોએશિયન ખેલાડીઓ વરસાદમાં તો ભીંજાઇ જ રહ્યા હતા, પણ એમની આંખો પણ ભીની થઇ ગઇ હતી. અલબત્ત એ સ્વાભાવિક હતું. શાનદાર પર્ફોર્મન્સને પગલે ફાઇનલમાં પ્રવેશેલી ટીમ ચૅમ્પિયન બનશે એવી આશા અને અપેક્ષા જાગી હતી. 'દિમાગ કહે છે ફ્રાંસ કપ લઇ જશે અને દિલ કહે છે ક્રોએશિયા' એવા મેસેજ સોશ્યલ મીડિયા પર ફરી રહ્યા હતા. જોકે, અહીં હકીકત વધુ કરુણ હતી. ભીની આંખોવાળા ખેલાડીઓના ચહેરા પર ઉદાસી હતી, તેમના મુખારવિંદ માયુસ હતા અને ઢળી ગયેલા ખભાની બૉડી લૅન્ગવેજ કહી રહી હતી કે આ ખેલાડીઓ ભાંગી પડ્યા છે. મૅચ જોવા જર્સી પહેરીને સ્ટેડિયમમાં હાજર રહેલાં શ્રીમતા કોલિંડાને ખ્યાલ આવી ગયો કે મૅચ વખતે તેમને પોરસાવવા માટે જેટલી તેમની હાજરી અનિવાર્ય હતી એટલી જ કદાચ એથીય વધુ તેમની જરૂરિયાત અત્યારે ખેલાડીઓને છે. મેદાન પર મરદની જેમ લડેલા ખેલાડીઓના ચહેરા પરની વ્યથા જોઇને કોલિંડા પણ ઉદાસ થઇ ગયાં અને એમની કોરી આંખો પહેલા તો ભીની થઇ અને પછી તેઓ પણ રડી પડ્યાં. એ તબક્કે પોતાની લાગણીઓ પર અંકૂશ રાખવો એમના માટે અશક્ય જ હતો. અલબત્ત કોઇ પણ વસમા પ્રસંગે ઘરના વડીલ જલદી સ્વસ્થ થઇ જઇ અન્ય સભ્યોને સાંત્વના આપતા હોય છે. એટલે સ્વસ્થ થવાની કોશિશ કરતાં કરતાં પ્રેસિડેન્ટ ખેલાડીઓને મળીને એમને સાંત્વના આપી રહ્યા હતા. 'આ વર્લ્ડ કપ ભલે હાથમાંથી ગયો, આવતા વખતે ટ્રૉફી આપણે જ લઇ જશું' એવું જાણે કહીને એમનો ઉત્સાહ વધારીને હિંમત આપી રહ્યાં હતાં. એમાંય ટીમના નંબર વન ખેલાડી અને કૅપ્ટન તેમ જ મીડફિલ્ડર તરીકે ટીમની આગેકૂચમાં અનન્ય યોગદાન આપનારા લુકા મૉડ્રિકને તેઓ જે રીતે ભેટી પડ્યા અને સાંત્વન આપવા લાગ્યા એ જોઇને તો ફ્રાંસના ચાહકોની આંખો પણ ભીની ન થઇ હોય તો જ નાવાઇની વાત કહેવાય. પરીક્ષા માટે ખૂબ મહેનત કર્યા પછી થોડા માર્ક માટે ઇચ્છા પ્રમાણેના કોર્સમાં ઍડ્મિશન મેળવવાથી વંચિત રહી ગયેલા સંતાનને ઘરના વડીલ માથે હાથ ફેરવીને કે પીઠ થપથપાવીને જે રીતે હૈયાધારણ આપે એ જ રોલમાં પ્રેસિડેન્ટ કોલિંડા ગ્રાબર કિટારોવિચ જોવાં મળી રહ્યાં હતાં. આ દૃશ્ય જોનારા સ્ટેડિયમના પ્રેક્ષકો અને ટીવીના દર્શકોના હૃદયમાં શ્રીમતી કોલિંડાના માન મરતબો બુલંદ ઊંચાઇએ પહોંચી ગયા. હતાશ અને નિરાશ થઇ ગયેલા ક્રોએશિયાના ખેલાડીઓ વિજેતા ફ્રાંસની ટીમના ખેલાડીઓ અને એમના કોચને અભિનંદન આપવામાં જરાય મોળા ન પડ્યા. એને તો ખેલકૂદના શિષ્ટાચારમાં ખપાવી દેવાય, પણ પરાજિત ટીમનાં પ્રેસિડેન્ટે પણ શાબાશી આપવામાં કોઇ કંજૂસાઇ ન કરી. ટીમના ખેલાડીઓની જેમ પરાજિત થવા છતાં તેઓ સુધ્ધાં શાબાશીના હકદાર બન્યાં.

 

લુકા મોડ્રિક

ક્રોએશિયન ફૂટબૉલની લખાઇ રહેલી સુવર્ણકથાનું એક મહત્ત્વનું પ્રકરણ છે લુકા મોડ્રિક. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી ૧૯૯૮માં માત્ર સેમી ફાઇનલ સુધી પહોંચેલા ક્રોએશિયાના પ્રથમ ફાઇનલ પ્રવેશમાં લુકા મોડ્રિકનું અનેરું યોગદાન રહ્યું છે. લુકા ટીમમાં મીડફિલ્ડર તરીકે રમે છે. આ સ્થાનેથી રમતો ખેલાડી ગોલ કરતો ભાગ્યેજ જોવા મળે છે. એની મુખ્ય જવાબદારી છે ગોલ થઇ શકે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાનું. આ કામમાં એ નિપુણ પુરવાર થયો છે. ખાસ કરીને ઇંગ્લૅન્ડ સામેની સેમી ફાઇનલમાં તેની વ્યૂહરચનાએ વિજય અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ક્રોએશિયાની વસતિ છે ૪૧ લાખ ૫૦ હજારની. એટલે કે મુંબઇની વસતિની સરખામણીમાં અડધા કરતાં ઓછી. યુગોસ્લાવિયાના વિભાજનમાંથી ઊભરેલો આ દેશ છે. ૧૯૯૧-૯૨માં એનું વિભાજન થતાં ક્રોએશિયા, સ્લોવેનિયા અને સર્બિયા એમ ત્રણ સ્વતંત્ર દેશનું નિર્માણ થયું હતું. ત્યાર પછી પણ ક્રોએશિયાના નાગરિકોએ સંઘર્ષની પરિસ્થિતિમાં રહેવું પડ્યું છે. એ દરમિયાન અસંખ્ય લોકોની માફક લુકા મોડ્રિક સહિતના ઘણાં સ્પોેર્ટ્સમેનોની હાલત શરણાર્થી જેવી થઇ ગઇ હતી. કેટલાક લોકો તો દેશ છોડીને વિદેશમાં જઇને વસ્યા હતા. જોકે, મોડ્રિક અને એનો પરિવાર ક્રોએશિયામાં જ રહ્યો. તેમની પાસે કદાચ વિકલ્પ નહોતો એટલે તેમને રહેવું પડ્યું. ઇંગલૅન્ડ સામેના વિજય પછી કોઇએ લખ્યું હતું કે 'સાથી હાથ બઢાનાની જેમ કામ કરવામાં આવે તો નાનો દેશ પણ મોટા કામ કરી શકે છે.' એક માહિતી પ્રમાણે લુકા મોડ્રિકનો ઉછેર વિસ્ફોટો વચ્ચે થયો છે. નાનપણમાં તેમનો શારીરિક બાંધો નબળો હોવાથી આ ખેલાડી ફૂટબૉલ રમવા માટે ફિટ નહોતો. જોકે, એ જ ખેલાડીએ ૨૦૧૮માં તેની ટીમને વર્લ્ડ કપની ફાઇનલ સુધી લઇ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

 

પ્રેસિડેન્ટ કોલિંડા ગ્રાબર કિટારોવિચ

૨૯ એપ્રિલ, ૧૯૬૮ના દિવસે જન્મેલાં શ્રીમતી કોલિંડા ક્રોએશિયાની સેમી ફાઇનલ જોવા હાજર રહેવા માગતાં હતાં, પણ નેટો પરિષદમાં હાજરીની વ્યસ્તતાને કારણે તેઓ એ લહાવો નહોતા લઇ શક્યાં. જોકે, પરિષદ પૂરી થયા પછી એક ક્ષણનોય વિલંબ કર્યા વિના તેઓ મોસ્કો પહોંચી ગયાં હતાં. મિસીસ કોલિંડા તેમના દેશનાં પ્રથમ મહિલા પ્રમુખ છે અને તેમની ૧૭ વર્ષની દીકરી ફિગર સ્કેટિંગમાં જુનિયર નૅશનલ ચૅમ્પિયન છે. જોગાનુજોગ ૨૦૦૩માં જન્મેલા તેમના પુત્રનું નામ પણ લુકા છે. તેમના પ્રમાણિક સ્વભાવનો એક કિસ્સો જાણીતો છે. ૨૦૧૦માં કોલિંડા વૉશિંગ્ટન ડીસીમાં કામ કરી રહ્યાં હતાં ત્યારે તેમના પતિએ અંગત કામ માટે એમ્બેસીની કાર વાપરી હોવાને આક્ષેપ થયો હતો. આ સમયે ખોટો બચાવ કે બીજા કોઇ બહાના બતાવ્યા વિના શ્રીમતી કોલિંડાએ વાહનના વપરાશનો ખર્ચ પોતાના ગજવામાંથી ભરી દઇને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

-----------------------

ક્રોએશિયન ફૂટબૉલની લખાઇ રહેલી સુવર્ણકથાનું એક મહત્ત્વનું પ્રકરણ છે લુકા મોડ્રિક. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં અત્યાર સુધી ૧૯૯૮માં માત્ર સેમી ફાઇનલ સુધી પહોંચેલા ક્રોએશિયાના પ્રથમ ફાઇનલ પ્રવેશમાં લુકા મોડ્રિકનું અનેરું યોગદાન રહ્યું છે. લુકા ટીમમાં મીડફિલ્ડર તરીકે રમે છે. આ સ્થાનેથી રમતો ખેલાડી ગોલ કરતો ભાગ્યેજ જોવા મળે છે. એની મુખ્ય જવાબદારી છે ગોલ થઇ શકે એવી પરિસ્થિતિ નિર્માણ કરવાનું. આ કામમાં એ નિપુણ પુરવાર થયો છે. ખાસ કરીને ઇંગ્લૅન્ડ સામેની સેમી ફાઇનલમાં તેની વ્યૂહરચનાએ વિજય અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ક્રોએશિયાની વસતિ છે ૪૧ લાખ ૫૦ હજારની. એટલે કે મુંબઇની વસતિની સરખામણીમાં અડધા કરતાં ઓછી. યુગોસ્લાવિયાના વિભાજનમાંથી ઊભરેલો આ દેશ છે. ૧૯૯૧-૯૨માં એનું વિભાજન થતાં ક્રોએશિયા, સ્લોવેનિયા અને સર્બિયા એમ ત્રણ સ્વતંત્ર દેશનું નિર્માણ થયું હતું. ત્યાર પછી પણ ક્રોએશિયાના નાગરિકોએ સંઘર્ષની પરિસ્થિતિમાં રહેવું પડ્યું છે. એ દરમિયાન અસંખ્ય લોકોની માફક લુકા મોડ્રિક સહિતના ઘણાં સ્પોેર્ટ્સમેનોની હાલત શરણાર્થી જેવી થઇ ગઇ હતી. કેટલાક લોકો તો દેશ છોડીને વિદેશમાં જઇને વસ્યા હતા. જોકે, મોડ્રિક અને એનો પરિવાર ક્રોએશિયામાં જ રહ્યો. તેમની પાસે કદાચ વિકલ્પ નહોતો એટલે તેમને રહેવું પડ્યું. ઇંગલૅન્ડ સામેના વિજય પછી કોઇએ લખ્યું હતું કે 'સાથી હાથ બઢાનાની જેમ કામ કરવામાં આવે તો નાનો દેશ પણ મોટા કામ કરી શકે છે.' એક માહિતી પ્રમાણે લુકા મોડ્રિકનો ઉછેર વિસ્ફોટો વચ્ચે થયો છે. નાનપણમાં શારીરિક બાંધો નબળો હોવાથી એ ફૂટબૉલ રમવા માટે ફિટ નહોતો. જોકે, એણે જ ૨૦૧૮માં ટીમને વર્લ્ડ કપની ફાઇનલ સુધી લઇ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuvJ4B0Jj2ruuNSrkDOSnBeaw9FJzE5kzpMPReFwUWcFQ%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment