
યાર હું બહુ ખરાબ ટાઇમમાંથી પાસ થાઉં છું
![]()
ચિંતનની પળે: કૃષ્ણકાંત ઉનડકટ ખામોશ ચેહરે પર હજારોં પહરે હોતે હૈં, હંસતી આંખોં મેં ભી જખ્મ ગહરે હોતે હૈં, જિનસે અકસર રૂઠ જાતે હૈં હમ, અસલ મેં ઉનસે હી રિશ્તે ગહરે હોતે હૈં. -ગુલઝાર સમય અને મૂડ ક્યારે એનો સ્વભાવ બદલે એ કહી શકાય નહીં. સડસડાટ ચાલતી જિંદગીની ગાડી અચાનક પાટો છોડી દે છે. ઘડી-બેઘડીમાં ઘણું બધું બદલાઈ જાય છે. બધું હોય છતાં પણ ક્યારેક એવું લાગે છે કે મજા નથી આવતી. ક્યાંય ગમતું નથી. રંગીન વાતાવરણમાં પણ માણસ ગમગીન બની જાય છે. મજા ન આવતી હોય તો કંઈક ગમતું કરવું જોઈએ એવું કહેવાય છે, પણ કંઈ ગમવું તો જોઈએ ને? ક્યારેક બધું વાહિયાત અને નક્કામું લાગે છે. વાંચવાનું ગમતું હોય તો પણ વાંચવામાં જીવ તો લાગવો જોઈએને? યુટ્યૂબ ઉપર દૃશ્યો ફરતાં હોય છે, પણ આંખો એટલી સ્થિર થઈ હોય છે કે કોઈ દૃશ્યો સ્પર્શતાં નથી. લોંગ ડ્રાઇવમાં પણ મૂડ હોય તો મજા આવે. દરિયાની ભીની રેતી દરેક વખતે ટાઢક જ આપે એવું જરૂરી નથી. એક જગ્યાએ એક વખત મજા આવી હોય એવી જ મજા બીજી વખતે ક્યાં આવે છે? એક છોકરો અને છોકરી મળ્યાં. બંને વચ્ચે પહેલાં દોસ્તી થઈ અને પછી પ્રેમ. છોકરાએ છોકરીને પૂછ્યું કે તને શું ગમે? છોકરીએ કહ્યું, મને પહાડ ગમે. પર્વત પર છવાયેલી ગ્રીનરી મને અંદરથી છલોછલ ભરી દે છે. ટોચ ઉપર જ્યારે વાદળનો સ્પર્શ થાય છે ત્યારે મારી રગેરગમાં રોમાંચ ફેલાઈ જાય છે. છોકરો તેને એક હિલસ્ટેશન પર ફરવા લઈ ગયો. છોકરીને લાગ્યું કે જાણે દરેક સપના સાકાર થઈને સામે ઊભા છે. જે વિચારેલું એ બધું જ હતું. છોકરીએ કહ્યું, મારી જિંદગીનો આ યાદગાર દિવસ છે. છોકરો બોલ્યો નહીં, પણ એના માટે પણ એ દિવસ મેમોરેબલ જ હતો. બંને પાછાં આવ્યાં. એકબીજા સાથે પ્રેમની કબૂલાત કરી. થયું એવું કે છોકરીને સ્ટડી માટે વિદેશ જવાનું થયું. એ દેશમાં વધુ સુંદર પહાડો હતા. રજાના દિવસે એ પહાડો પર ફરવા ગઈ. તેની કલ્પના કરતાં વધુ સુંદર વાતાવરણ ત્યાં હતું. પર્વત પર છવાયેલી ગ્રીનરી, ખળખળ વહેતાં ઝરણાં, ટોચને અડતાં વાદળ અને ઠંડી હવાની ભીનાશ સહિત બધું જ હતું. છોકરીને થયું કે બધું જ છે છતાં મજા કેમ નથી આવતી? કેમ કંઈ સ્પર્શતું નથી? કેમ આ ઠંડકનો અહેસાસ થતો નથી? ટોચને અડતાં વાદળ જોઈને કેમ આંખ જરાયે ચમકતી નથી? રોમાંચથી કેમ એકેય રુવાડું ફરકતું નથી? તેણે પોતાના પ્રેમીને વિડિયો કોલ કર્યો? આખું વાતાવરણ બતાવ્યું પછી સ્ક્રીન પોતાના તરફ લઈને ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. યાર, બધું જ છે, પણ કંઈ નથી ગમતું! મને બહુ કંટાળો આવે છે. એમ થાય છે કે અહીં આવી જ ન હોત તો સારું થાત. પ્રેમીએ મનાવવાનો પ્રયાસ કર્યો. મજામાં રહે, જો હું તારી સાથે જ છું, મને તારી નજીક હોવ એવું ફીલ કર! છોકરીએ કહ્યું, નથી થતું એવું! બધું કરી જોયું! આશ્વાસન ન આપ! રડવું છે તો રડી લેવા દે! એ રીતે પણ કદાચ હળવા થઈ જવાય! આપણે ઘણી વખત સ્થળને મહત્ત્વ આપતા હોઈએ છીએ, પણ પછી સમજાતું હોય છે કે સ્થળ નહીં પણ વ્યક્તિ મહત્ત્વની હોય છે. પહેલાં જ્યારે જિંદગીમાં કોઈ નથી હોતું ત્યારે પણ કંઈક ગમતું હોય છે. જિંદગીમાં કોઈ આવે પછી એની હાજરી જે ગમતું હોય એમાં ઉમેરાઈ જાય છે. એની ગેરહાજરી થાય ત્યારે ગમતું હોય એ બધું જ ગાયબ થઈ જાય છે. આપણને એ વ્યક્તિ જ ગમવા લાગતી હોય છે. વ્યક્તિ ગમે ત્યારે તેની સાથે જ્યાં હોઈએ એ બધું જ ગમતીલું લાગવા માંડે છે. આપણા સંબંધો જ સરવાળે જિંદગીને જીવવા જેવી બનાવતા હોય છે. પ્રેમી, પ્રેમિકા, પત્ની, પતિ, મિત્ર, કલીગ, પરિવારના સભ્યો સહિત આપણા જીવનમાં જે હોય એ જ જિંદગીનાં ઘરેણાં છે. જિંદગી એનાથી શોભતી હોય છે. જિંદગીને પણ શણગાર જોઈતા હોય છે. નિર્વસ્ત્ર જિંદગી પણ કદરૂપી લાગે છે. જિંદગીને સજાવવી પડે, શણગારવી પડે, એને લાડ કરવા પડે, જિંદગીને પેમ્પર કરવી પડે. પોતાના લોકો હોય ત્યારે જિંદગી આપોઆપ જ વ્હાલી લાગે છે. દરેક પાસે એવા થોડાક લોકો હોય જ છે જે જિંદગીને રળિયામણી બનાવે. આવા લોકોને અમાનતની જેમ સાચવી રાખવાના હોય છે. ક્યારેક વાંધાવચકા પડે, ક્યારેક નારાજગી થાય, ક્યારેક ઝઘડા થઈ જાય અને ક્યારેક લડી લેવાનું પણ મન થાય, જે થાય તે પણ સરવાળે એક વાત યાદ રાખવાની કે આ મારી વ્યક્તિ છે, આ મારા લોકો છે, મારી જિંદગી આ લોકોથી જ રળિયાત છે. તમારા સંબંધોની તમને કેટલી કદર છે? તમારા લોકો માટે તમે કેટલા હાજર હોવ છો? બે મિત્રોની આ વાત છે. બંને સાથે ભણ્યા. સાથે મોટા થયા. જિંદગી ક્યારેક ટર્ન લેતી હોય છે. એક મિત્રને કામ સબબ બહારગામ રહેવા જવાનું થયું. ધીમે ધીમે સંપર્કો ઓછા થઈ ગયા. વોટ્સએપ ઉપર ક્યારેક હાય-હલો થાય. દરેક સંપર્ક કાયમ માટે સતત રહેતા નથી. ઘણો સમય થઈ ગયો, બંને મળ્યા ન હતા. એક મિત્રને કામ સબબ જૂના શહેરમાં જવાનું થયું. જૂનો મિત્ર ત્યાં જ રહેતો હતો, કામ પતાવ્યું. ફ્લાઇટને બે કલાકની વાર હતી. તેણે મિત્રને ફોન કર્યો. તારા શહેરમાં આવ્યો છું. ફ્લાઇટને વાર છે. ચલ, તને મળવા આવું છું. પેલો મિત્ર ડિસ્ટર્બ હતો. તેણે કહ્યું, યાર રહેવા દેને! હું બહુ ખરાબ ટાઇમમાંથી પસાર થાઉં છું. મજા આવતી નથી. તને સારી રીતે ટ્રીટ નહીં કરી શકું. મિત્રએ કહ્યું, હું આવું છું. તે વધુ કંઈ વાત કર્યા વગર મિત્ર પાસે પહોંચી ગયો. તેની સાથે વાતો કરી. તેની તકલીફ પૂછી. જે રસ્તા બતાવાય એ બતાવ્યા. તેને થોડોક હસાવ્યો. પેલા મિત્રને પણ સારું લાગ્યું. ચાલ હવે હું જાઉં? મિત્રએ રજા માગી. વિદાય વખતે તેના મિત્રએ પૂછ્યું કે, મેં તને કહ્યું કે હું ખરાબ સમયમાંથી પસાર થાઉં છું, તું નહીં આવ, તો પણ તું કેમ આવ્યો? મિત્રએ ગળે વળગીને કહ્યું કે, હું એટલા માટે આવ્યો, કારણ કે મેં જિંદગીનો ઘણો સારો સમય તારી સાથે વિતાવ્યો છે. તું ના પાડે અને હું ન આવું તો તો મારી દોસ્તી લાજે. ક્યારેક આપણી વ્યક્તિ ના કહે ત્યારે જ આપણી હાજરી જરૂરી હોય છે. તને યાદ છે, એક વખત તે પાર્ટી રાખી હતી અને મને કહ્યું હતું કે યાર તું આવને, હું બહુ મજામાં છું. તું હોઈશ તો મારી મજા બેવડાઈ જશે. જેની હાજરીથી મજા બેવડાઈ જતી હોય છે એની હાજરીથી જ ગમ, પીડા, વેદના, દર્દ, ઉદાસી અને મુશ્કેલી અડધી થઈ જતી હોય છે. આપણે ઘણી વખત કહેતા હોઈએ છીએ કે સંબંધોની કિંમત ચૂકવવી પડતી હોય છે, હા ચૂકવવી પડતી હશે, પણ કોઈ કિંમત સંબંધથી વધુ મૂલ્યવાન તો હોતી જ નથી. એક યુવાનની આ વાત છે. તેને મજા આવતી નહોતી. તેને વિચાર આવ્યો કે શું કરું? તેને પોતાની એક મિત્ર યાદ આવી. તેણે ફોન કર્યો. તેણે કહ્યું કે યાર મજા નહોતી આવતી એટલે થયું કે તારી સાથે વાત કરું. છોકરીએ કહ્યું અરે દોસ્ત, બોલને! શું કહે છે? છોકરીએ એની સાથે ગપ્પાં માર્યાં, હસવું આવે અને હળવાશ લાગે એવી વાતો કરી. તેના ફ્રેન્ડે કહ્યું, થેંક્યૂ ડિયર, તેં આટલી વખત વાત કરી તો મને મજા આવી! પછી પૂછ્યું, બાય ધ વે, તું ક્યાં છે? છોકરીએ કહ્યું, વરસાદમાં છું, હેડફોન કાનમાં ભરાવીને જતી હતી ત્યાં તારો ફોન આવ્યો. એમ હતું કે વરસાદ વધે એ પહેલાં ઘરે પહોંચી જાઉં, પણ તેં કહ્યું કે મજામાં નથી એટલે વરસતા વરસાદમાં રોકાઈ ગઈ! આખી ભીંજાઈ ગઈ છું, હવે હું જાઉં? તેના ફ્રેન્ડે કહ્યું, અરે યાર એવું હતું તો કહી દેવું હતું ને! છોકરીએ કહ્યું, મારા ભીંજાઈ જવા કરતાં તારું હળવું થવું વધુ જરૂરી લાગ્યું. દોસ્ત, અમુક સમયે અમુક વાતોને ડિલે ન કરવી જોઈએ, જ્યારે જરૂર હોય ત્યારે હાજર હોવું એ જ દોસ્તી છે. ચલ હવે, મજામાં રહે! હસી દે એટલે હું જાઉં! દરેકની જિંદગીમાં આવા દોસ્ત હોય જ છે, બસ તેને સાચવતા આવડવું જોઈએ. માણસને માણસ પાસેથી શું જોઈતું હોય છે? થોડોક સમય, થોડોક સંગાથ, થોડુંક સાંનિધ્ય અને થોડીક સંવેદના. ગમે એવો મજબૂત માણસ હોય એની સંવેદના ક્યારેક ક્ષુબ્ધ થઈ જતી હોય છે. જો એ સંવેદનાને તમે ફરીથી સક્રિય કરી શકો તો તમારો સંબંધ સાર્થક. આપણા લોકો તરફથી ક્યારેક સાદ પડતો હોય છે. દરેક સાદમાં શબ્દો નથી હોતા, દરેક સાદને અવાજ નથી હોતો, અમુક સાદ મૌન હોય છે. મૌનને સાંભળતા આવડવું જોઈએ પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતા અને દરકાર હોય તો મૌનનો સાદ પણ સંભળાય છે. મૌનનો સાદ સાંભળવા સરવા કાનની નહીં, પણ નરવા દિલની જરૂર પડતી હોય છે. સાચો સંબંધ એ છે જે ખબર પણ પડવા દેતા નથી કે એ તમારા માટે હાજર છે. એક મિત્રને ખબર પડી કે તેનો મિત્ર મજામાં નથી. મિત્રનો સ્વભાવ એને ખબર હતી કે જો હું તેના માટે આવ્યો છું એવી ખબર એને પડશે તો એને નહીં ગમે, એટલે તેણે બહાનું શોધ્યું અને મિત્ર પાસે પહોંચી ગયો. મિત્રએ પોતાની પીડાની વાત કરી. તેની વાત સાંભળીને કહ્યું કે યાર આવું હોય તો બોલાવી લેવાય ને, હું આવી જ જાત. આ તો સારું થયું કે કામ નીકળી આવ્યું, નહીંતર મને તો ખબર જ ન પડત ને. મિત્રએ કહ્યું, હવે તો સાચું બોલી દે કે, તું મારા માટે આવ્યો છે. હું તને રગેરગથી ઓળખું છું. તેં મારી પાસે આવવા માટે જ બહાનું શોધ્યું છે. બહાનું બનાવવું પડે તો બનાવો, મૂરખ સાબિત થવું પડે તો થાવ, કામ બગડે તો બગડવા દો, પણ જેને જરૂર છે તેની પાસે પહોંચી જાવ. એટલા માટે નહીં કે જ્યારે આપણને જરૂર હોય ત્યારે એ આવી જાય કે એ હોય, એટલા માટે કે આપણને આપણા સંબંધોનું ગૌરવ થાય! સમય તો સારો અને ખરાબ થતો રહેવાનો, મૂડ તો સેટ અને અપસેટ થતો રહેવાનો, સંજોગો તો ગુડ અને બેડ બનતા રહેવાના, આપણે એવા ને એવા રહેવા જોઈએ. છેલ્લો સીન: સંબંધો સુખનો પર્યાય છે. સંબંધો જેટલા સુદૃઢ, એટલી જ જિંદગી સુંદર. સાચો સુખી એ જ છે જેના સંબંધો સ્વસ્થ અને સાર્થક છે. -કેયુ. ('દિવ્ય ભાસ્કર', 'કળશ' પૂર્તિ, તા. 25 જુલાઇ 2018, બુધવાર, 'ચિંતનની પળે' કોલમ) kkantu@gmail.com --
Blog: www.krishnkantunadkat. blogspot.com
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot96e7Kp2kuUP_QTPpdX8REVBJgR-i8T%3DLqdkNRp%3Da_%2Bw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment