Sunday, 8 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સિલિંડર વાળો (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સિલિંડર વાળો!
સ્પર્ધકની કૃતિ - જિજ્ઞેશ ઠક્કર - ડોંબિવલી (પશ્ર્ચિમ)

સવારના ૯ વાગ્યા હતા. તાનાજી પોતાના કાર્યસ્થળ તરફ વધી રહ્યો હતો. એના હાથમાં એક કપડાની થેલી હતી. જેમાં તેની પત્નીએ બનાવી આપેલી જુવારની રોટલી અને બટેટાનું શાક હતું. ૫૫ વર્ષની વય વટાવી ચૂકેલો તાનાજી ઝડપભેર પોતાના કાર્યસ્થળે પહોંચી ગયો.

ત્રીસ વર્ષ પહેલાં તાનાજી આ શહેરમાં આવ્યો હતો. ગામડામાં પાંચમી સુધી ભણ્યા બાદ પરિસ્થિતિ એવી સર્જાઇ કે એને અભ્યાસ અધૂરો મૂકી કામે લાગવું પડ્યું હતું. તેણે કેટલાંક વર્ષ હાઇવે પરના ઢાબા પર કામ કર્યું, પરંતુ અત્યંત ઓછી આવકને લીધે તે કામ છોડી દીધું હતું. શહેરમાં રહેતા તેના એક મિત્રએ તેને કામ અપાવવાનું વચન આપ્યું હતું, તેથી તે શહેરમાં આવ્યો હતો.

"શક્તિ ગેસ એજન્સીમાં તાનાજીને સિલિંડર ડિલિવર કરવાનું કામ મળ્યું હતું. પગાર મામૂલી હતો પણ શહેરમાં શરૂઆત તો થઇ કમાવવાની. માસિક પગાર અને રોજિંદા બક્ષિસથી એનું કામ ચાલવા લાગ્યું. બે વર્ષ બાદ સ્થિર આવક અને કામ જોઇ વડીલોએ તેનાં લગ્ન કરાવી દીધાં હતાં. ત્રણ વર્ષ પત્નીને ગામડામાં રાખ્યા બાદ તાનાજીએ ચાલીમાં પોતાની માલિકીનું એક ઘર લીધું હતું. પત્ની અને એક વર્ષની બાળકીને તેણે ગામડેથી શહેરમાં રહેવા બોલાવી લીધાં હતાં. એણે આટલાં વર્ષોથી સખત મહેનત કરી પોતાના કુટુંબને સારી સ્થિતિમાં રાખવાનો પ્રયત્ન કર્યો હતો. હવે તેના ઉપર બે છોકરીઓ અને છોકરા સિવાય તેની પત્ની અને ગામડામાં રહેતાં મા-બાપની જવાબદારી હતી.

સાડા નવ વાગ્યે તાનાજી ઑફિસમાં પહોંચી ગયો અને યુનિફોર્મ પહેરીને પોતાના એરિયાના ઓર્ડરની રસીદો એણે મેળવી લીધી. આજે તેને કુલ ૩૮ સિલિંડર્સની ડિલિવરી કરવાની હતી. તે તેના ગ્રુપનો લીડર હતો, સૌથી સિનિયર, તેની સાથે ત્રણ જુનિયર ડિલિવરી બોયઝ પણ હતા. તેઓએ મળીને બધાં સિલિંડર ડિલિવરી વેનમાં ચઢાવ્યાં. આ કાર્ય હમણાં કેટલાંક વર્ષોથી સહેલું થઇ ગયું હતું. નહીં તો પહેલાં તેમણે આ બધાં જ સિલિંડર લોખંડની હાથ વડે ખેંચીને ચલાવાતી ગાડી પર લાદવાં પડતાં. આ કાર્ય ખૂબ જ થકાવનારું હતું, કારણ કે એક ગાડીમાં માંડ ૧૫થી ૧૮ સિલિંડર મૂકી શકાતાં. પછી એ કામ પૂર્ણ થાય એટલે પાછું સેંટર જઇ પૈસા જમા કરાવી બીજાં સિલિંડર લાવવાં પડતાં અને આવી બે-ત્રણ ફેરીઓ થઇ જતી. હવે એક જ આંટામાં બધાં સિલિંડર પહોંચાડી શકાતાં. બે આંટા થાય તો ય થાક નહોતો લાગતો કારણ વેન હાથથી ખેંચવાની નહોતી.

પોતાના એરિયામાં પહોંચતા જ તેણે કામ વહેંચી નાખ્યું. તાનાજીની ઉંમર જોતા તેના સાથીદારો તેને ત્રીજા અને ચોથા માળની ડિલિવરી કરવા નહોતા દેતા. છતાંય અગર ક્યારેક જવું પડે તો તેને કોઇ સમસ્યા નહોતી. ચૌદ કિલોથી વધુ વજનનું સિલિંડર પોતાના ખભા પર ઊંચકીને ત્રીજે-ચોથે માળે પહોંચી જવું હવે તેને થોડું થાકદાયક જણાતું હતું. આ કામ તે છેલ્લાં ત્રીસ વર્ષથી કરી રહ્યો હતો. હવે શરીર તેને જવાબ આપી રહ્યું હતું. દિવસે તેને ૧૩ થી ૧૫ સિલિંડર તો આવતા જ.

તેણે આજના દિવસની પહેલી ડિલિવરી કરવા સિલિંડર ઊંચકી લીધું. તેના એરિયામાં જૂની ઇમારતો હોવાને લીધે લિફ્ટ હતી જ નહીં, તેથી દાદરા ચઢીને જ જવું પડતું. બીજે માળે રૂમ નં ૨૦૩ ની બેલ વગાડી, શ્રીમતી રૂપારેલે દરવાજો ખોલ્યો. તાનાજીને જોતાં જ બોલ્યા, "અરે વાહ, એક જ દિવસમાં સિલિંડર આવી ગયું! "ક્યા બાત હૈ તાનાજી જૂનો ડિલિવરી બૉય હોવાથી તેને બધાં જ ઓળખતાં. રોજ લગભગ ત્રણથી ચાર ગુજરાતી ઘરોમાં ડિલિવરી કરતો હોવાથી હવે તેને ઘણીખરી ગુજરાતી ભાષા સમજાતી અને થોડું ઘણું તે બોલી પણ લેતો. "અબ પહેલે જૈસા નહીં હૈ, કામ ફટાફટ હો જાતા હૈ, તુમ લોગોં કા આદમી પીએમ હૈ ના તાનાજીએ કીધું. "યહ તુમને સહી બોલા.

રૂપારેલબેન બોલ્યાં. સિલિંડર મૂકી પૈસા લઇ પાવતી આપી દીધી. સાધારણરીતે રાઉંડ ફીગર કરી દસ-બાર રૂપિયા તેને બક્ષિસ પેટે મળી જતાં. વળી એમાં કેટલાક લોકો કંઇ કહેતા નહીં, તો વળી કેટલાક લોકો એક રૂપિયો પણ જવા નહોતા દેતા. રૂપારેલ ફેમિલી ક્યારેય વાદ-વિવાદ કરતો નહીં. તેણે તેથી જ બોણી કરવા તેમનું ઘર પસંદ કર્યું હતું. છ સિલિંડર ડિલિવર કરતાં કરતાં એક વાગી ગયો હતો. તે થાકી ગયો હતો. મે મહિનાની કાતિલ ગરમીમાં ખૂબ જ થાક લાગતો. હજુ બે ડિલિવરી એણે કરવાની હતી. પછી જ જમવા જઇશું એમ એણે નક્કી કરેલું કેમ કે જમીન ટાંકી ઉપાડી દાદરા ચઢવા ખૂબ પરિશ્રમ લાગતો અને તે ખૂબ જ થાકદાયક પણ હતું. લગભગ બધા જ ઘરે બે સિલિંડર હોવાને લીધે તેનું કામ સરળ હતું. પહેલાં તો ખાલી સિલિંડરને કાઢી નવું સિલિંડર જોઇંટ કરી આપવું પડતું ! હવે તો લોકોએ ઘરે ટ્રોલી વસાવી રાખી હતી. સિલિંડરથી લાદીને નુકસાન ન થાય એ હેતુથી એમણે લીધેલી ટ્રોલી ડિલિવરી બોયઝનું કામ પણ સહેલું કરી દેતી. શ્રીમતી પવારે તેમને ૬૬૭ રૂપિયા લેવા માટે બે હજારની નોટ આપી, એ તો સારૂં હતું કે આ સાતમી ડિલિવરી હતી. પવાર હિસાબના ખૂબ જ ચુસ્ત હતાં. બે હજારની નોટ આવ્યા બાદ છુટ્ટાની સમસ્યા ખૂબ જ થતી.

હવે છેલ્લી ડિલિવરી હતી. મહેશ કોટકના નામની પાવતી હતી. તેઓ છેલ્લા પંદર વર્ષથી અહીં રહેતા હતા. તાનાજી અનેક વખત તેમના ઘરે ડિલિવરી આપી ચૂક્યો હતો. પહેલે માળે ૧૦૧ નંબરની રૂમની ડોરબેલ રણકી...

મહેશભાઇએ પોતે જ દરવાજો ખોલ્યો. આટલાં વર્ષોમાં માંડ સાત-આઠ વખત જ તેણે એમને જોયા હતા. કોટક ફેમિલીમાં ત્રણ જ સદસ્યો હતા. પતિ-પત્ની અને તેમની આઠ વર્ષની છોકરી કાજલ. મહેશભાઇ ટ્રોલી પર અંદરથી ખાલી ટાંકી લાવ્યા અને નવી ટાંકી એ જ ટ્રોલી પર લઇને અંદર મૂકી આવ્યા. દરમ્યાન એમણે તાનાજીને અંદર સોફા પર બેસવા કીધું. સાધારણ રીતે લોકો ઉંબરા પર જ લેવડ-દેવડ પતાવતા. અંદર જવાનું ઓછું જ થતું. કોઇક ઘરમાં કોઇક પાણી માટે પૂછતું અથવા જવલ્લે જ કોઇ ચા પીવડાવતું.

"આપ ક્યા લોગે? લીંબુ શરબત યા કોલ્ડ ડ્રિન્ક ? કિતની ગરમી હૈ બાહર. મહેશભાઇએ કીધું. ઘરમાં એસી ચાલુ હતું એટલે તાનાજીને પણ સારું મહેસૂસ થયું. "પાની દેંગે તો ભી ચલેગા તેણે મહેશભાઇને જણાવ્યું. અને એમના હાથમાં સિલિંડરનું બિલ આપ્યું.

"મમતા, કોલ્ડ ડ્રિન્ક લઇ આવ કહીને તેમણે પાંચસો રૂપિયાની બે નોટ તાનાજીના હાથમાં આપી. "કીતના હુવા?

એમણે તાનાજીને પૂછ્યું "૬૮૦ દે દો '૬૬૭' હૈ, ઉપર કા બક્ષિસ. પૈસાની લેવડ-દેવડ પતી ત્યાં જ કોલ્ડડ્રિન્ક પણ આવી ગયું

તાનાજીએ ધીમે ધીમે ગ્લાસ પતાવ્યો. એસીની ઠંડક અને હવે પીધેલા ઠંડા પીણાને લીધે તાનાજીને થોડી સ્ફૂર્તિ અનુભવાઇ. તેણે ગ્લાસ પાછો આપવા હાથ આગળ કર્યો.

"કાજલ, અંકલ જઇ રહ્યા છે, આવી જા જલદી.

કાજલ અંદરના ઓરડામાંથી બહાર આવી, તેના હાથમાં એક થેલી હતી. એણે આવીને થેલી તાનાજી સમક્ષ ધરી અને કીધું, "અંકલ યે આપ કે લીએ.

તાનાજી હેબતાઇ ગયો. "દો દિન પહેલે કાજલ કા બર્થ ડે થા, મહેશભાઇ બોલ્યા, "ઇસ મેં આપકે લિયે એક શર્ટ ઔર એક પેંટ હૈ. આપ પીછલી બાર આયે થે તભી મૈં ને માપ કા અંદાજ લગા લિયા થા. દેખ લો નિકાલ કે, એમ કહીને મહેશભાઇએ શર્ટ અને પેન્ટ થેલીમાંથી બહાર કાઢ્યાં. એમનો અંદાજ બરાબર હતો. બંને તાનાજીને બંધ બેસતાં હતાં. એમણે પાછાં બંને વીંટીને થેલીમાં નાખી થેલી તાનાજીને આપી દીધી. તાનાજી અવાક થઇને તેમની સામે જોતો જ રહ્યો. એક-બે રૂપિયા માટે ઝઘડી પડતા લોકો એણે જોયા હતા, આઠ - દસ રૂપિયા બક્ષિસ આપતી વખતે મોઢાં બગાડતી ગૃહિણીઓ એણે જોઇ હતી. આજ સુધી કોઇ એ એને આવી રીતે ભેટ નહોતી આપી. તેની આંખ ભીની થઇ ગઇ. એ કશું પણ બોલી જ ન શક્યો. પણ તેના ચહેરા પરના હાવભાવ બધું જ કહી રહ્યા હતા.

"અરે યાર, આપ કે લીયે હૈ, આપ ભી તો ઇતના વજનદાર સિલિંડર હર મહિને હમારે ઘર દે જાતે હો... તો હમારા ભી તો કુછ ફર્ઝ બનતા હૈ મહેશભાઇ બોલ્યા, "મેરી બેટી કા જન્મદિન થા ઔર ઇસ બાર હમને તય કિયા થા કી ઇસ મહિને જબ આપ આઓગે તો હમ લોગ આપ કો ગિફ્ટ દેંગે.

તાનાજીની આંખમાંથી આંસુ આવી ગયાં. એ કશું બોલી ન શક્યો. એણે છોકરીના માથા પર હાથ ફેરવ્યો અને બંને પતિ-પત્ની સામે હાથ જોડી "શુક્રિયા કહીને ખાલી સિલિંડર ખભે ચડાવી બીજા હાથમાં થેલી લઇ દાદરા ઊતરી ગયો.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Otf42bKyCwa6L33%3DxRX%2BavrCWrSYoEy9CM1hGk41%2BJOHg%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment