Sunday, 8 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સત્ય વગર ધર્મ ટકી શકે નહીં (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સત્ય વગર ધર્મ ટકી શકે નહીં, અસત્ય મનને વિભાજિત કરે છે!
જિનદર્શન - મહેન્દ્ર પુનાતર

ભગવાન મહાવીરે કહ્યું છે 'સચ્ચામ્મિ વસદિ તવો' સત્યમાં તપ રહેલું છે. 'સચ્ચામ્મિ સજમો તહવસે તેસા વિ ગુણા' સત્યમાં સંયમ અને બાકીના બધા ગુણો રહેલાં છે. સત્યના ત્રણ તબક્કા છે. સમજવું, જાણવું અને અનુભવવું. સત્યના અનેક પાસાઓ છે. દરેક બાબતમાં કાંઈક ને કાંઈક સત્ય રહેલું હોય છે. સત્યને ખંડિત રીતે જોઈ શકાય નહીં તેને સર્વાંગી તરીકે નિહાળવું પડે.

સત્યમાં તપ, સંયમ અને સર્વગુણોનો વાસ છે. 'એક સધે તો સબ સધે'. સત્ય જો સધાઈ જાય તો બધું સધાઈ જશે. બહારનું અને ભીતરનું જીવન એક થઈ જશે. અંદરના બધા ઉપદ્રવો સમી જશે. જીવનમાં વિરોધાભાસ જૂઠના કારણે છે. જૂઠના કારણે દંભ અને દેખાવ કરવો પડે છે. ચહેરા પર અનેક ચહેરાઓ લગાવવા પડે છે અને જાતને છેતરવી

પડે છે.

અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતોમાં અહિંસા જૈન ધર્મનો પ્રાણ છે અને સત્ય તેનો પાયો છે. સત્ય વગર ધર્મ ટકી શકે નહીં. તમામ સિદ્ધાંતો, વ્રતો અને નિયમો તેના પર આધારિત છે. જીવન, ધર્મ અને વહેવારમાં સત્ય મોખરે રહેલું છે.

સાચું બોલવું, સાંભળવું અને અનુસરવું કોઈને ગમતું નથી. માણસો વાતવાતમાં વગર કારણે જૂઠું બોલતા હોય છે અને એકબીજાને બનાવતા હોય છે. આ જગતમાં સાચું શું અને ખોટું શું એ સમજવું મુશ્કેલ છે. દરેક માણસ પોતાની વાતને સાચી માનતો હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વગર સત્યને સમજી શકાય નહીં. સત્યને સમજવા માટે ખુલ્લું દિલ, વિશાળ દૃષ્ટિ જોઈએ. માણસ પોતાના તરફ નજર કરે અને આત્મનિરીક્ષણ કરે ત્યારે સત્યને પારખી શકે છે. માણસ જે કાંઈ કરે છે તેમાં કેટલું સત્ય છે, કેટલું જૂઠ છે તે પોતાની રીતે જાણે છે, પરંતુ સત્ય તરફ આંખ મીંચી લે છે અને તર્ક, દલીલ અને અન્ય વાતોને આજુબાજુ ગોઠવીને પોતાના મનને ઠસાવવાનો પ્રયાસ કરે છે કે પોતે જે કાંઈ કરી રહ્યો છે તે સત્ય છે. કેટલીક વાતો આપણા મનમાં ઠસી ગઈ છે સાચું બોલીને ધંધો થઈ શકે નહીં. કેટલીક વાતો છુપાવવી પડે. સાચું બોલીને પણ આ બધું કેમ ન થઈ શકે? જૂઠું બોલતી વખતે આપણે આપણી સાથે દગો કરીએ છીએ. જૂઠ અને ફરેબ કરીએ ત્યારે દિલમાં અકળામણ થતી હોય છે.

મહાવીરપ્રભુએ કહ્યું છે માણસે સત્યના માર્ગે ચાલવું જરૂરી છે. અસત્ય મનને વિભાજિત કરે છે અને તેની આંતરિકતા તૂટે છે. માણસ જૂઠ બોલતો હોય ત્યારે તેના અંતરનો એક હિસ્સો સદૈવ હાજર હોય છે તે અંદરખાને ઠપકો આપતો હોય છે. વિરોધ ઉઠાવતો હોય છે અને કહેતો હોય છે તું જે કરી રહ્યો છે તે બરાબર નથી. મન ડંખતું હોય છે. જૂઠાપણા સાથે કોઈ પણ માણસ પૂરેપૂરો રાજી હોતો નથી. સત્ય આપણને અખંડ અને અવિભાજિત રાખી શકે છે. જેના વડે અખંડ રહી શકીએ તેને મહાવીરે પૂણ્ય કહ્યું છે અને જેનાથી ખંડિત થઈએ તેને પાપ કહ્યું છે. જગતમાં અત્યારે અશાંતિ અને ઉપદ્રવ છે તેનું મુખ્ય કારણ દરેક માણસ પોતાના કહેવાતા સત્ય માટે લડી રહ્યો છે. હું કહું એ જ સાચું, બીજું બધું ખોટું. ભગવાન મહાવીરે સત્યની એક મહત્ત્વપૂર્ણ વાત કહી છે તે આપણે જો સમજીએ તો સત્ય સમજાઈ જાય. ભગવાન મહાવીરે કહ્યું છે કે પૂર્ણ સત્યની અભિવ્યક્તિ ક્યારેય થઈ શકતી નથી. દરેકની વાતમાં સત્યના થોડા થોડા અંશો રહેલા છે. આવા થોડા થોડા સત્યના અંશો આપણને પૂર્ણ સત્ય તરફ દોરી જાય છે. પોતાની વાત સાચી છે એવી જીદ અને આગ્રહ રાખવામાં પણ હિંસા છે. તર્કથી તમે સાચાને ખોટું અને ખોટાને સાચું ઠરાવી શકો છો, પણ તે પૂર્ણ સત્ય બની શકતું નથી. આ અંગેનું એક દૃષ્ટાંત આપણે સમજીએ.

યુનાનના એક મોટા ધારાશાસ્ત્રી પાસે એક વિદ્યાર્થી આવ્યો. તેણે કહ્યું: મારે કાયદાનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. હાલ મારી પાસે ફીના પૈસા નથી હું પહેલો કેસ જીતીશ ત્યારે તમારી ફી ચૂકવી દઈશ. ધારાશાસ્ત્રીએ કહ્યું, ભલે હું તને ભણાવીશ.

આ વિદ્યાર્થીનું કાયદાનું જ્ઞાન પૂરું થયું અને ઘણો વખત વીતી ગયો. એટલે ધારાશાસ્ત્રીએ ફીના પૈસાની ઉઘરાણી કરી ત્યારે આ વિદ્યાર્થીએ કહ્યું: હું કોર્ટમાં કેસ લડવાનો નથી. એટલે પહેલો કેસ જીતવાનો પ્રશ્ર્ન નથી અને શરત પ્રમાણે તમે મારી પાસેથી ફી લઈ શકશો નહીં.

ધારાશાસ્ત્રીએ કહ્યું, હું તારી સામે કોર્ટમાં કેસ કરીશ અને ફીની વસૂલી કરીશ. વિદ્યાર્થીએ કહ્યું: હું કેસ જીતીશ કે હારીશ પણ તમારી ફી આપીશ નહીં. ધારાશાસ્ત્રીએ કહ્યું: કેવી રીતે? વિદ્યાર્થીએ કહ્યું, કેસ હું જીતીશ તો કોર્ટ મને પૈસા આપવાનું કહેશે નહીં અને હારીશ તો તેનો અર્થ એ થયો કે પહેલો કેસ હું હારી ગયો એટલે મારે ફીના પૈસા ચૂકવવા નહીં પડે.

ધારાશાસ્ત્રીએ કહ્યું: તું જીતીશ તો પણ તારે મને ફીના પૈસા ચૂકવવા પડશે અને હારીશ તો પણ તું ફીના પૈસા આપવામાંથી છટકી શકીશ નહીં. હું કેસ જીતીશ તો કોર્ટ મને તારી પાસેથી ફીના પૈસા અપાવશે અને હારીશ તો તેનો અર્થ એ થયો કે તું પહેલો કેસ જીતી ગયો અને તારે ફીના પૈસા ચૂકવવા પડશે.

આપણું સત્ય પણ આવું વિભાજિત અને અધૂરું છે. મહાવીર પ્રભુ કહે છે સત્ય હંમેશાં અધૂરું પકડાય છે. ભાષાની, તર્કની, બોલનારની, સાંભળનારની એક સીમા હોય છે. સત્ય આ સીમાથી પાર છે. આપણી વાતની જેમ દરેકની વાતમાં સત્યના અંશો રહેલા હોય છે. બીજાને સમજવાની કોશિશ કરીએ તો સત્યને સમજી શકાય. સત્ય એટલે સમાધાન, સત્ય એટલે ખુલ્લું મન, સત્ય એટલે સમજણ, સત્ય એટલે પ્રેમ અને અહિંસા, સત્ય એટલે શાંતિ. આ વિચારસરણીમાંથી મહાવીરનો અનેકાન્તવાદ અને સ્યાદવાદનો સિદ્ધાંત પ્રગટ થયો છે. સંસારમાં રહેલી તમામ વસ્તુઓ બહુમુખી, બહુ આયામી છે તેના અનેક જુદા જુદા પાસાઓ હોય છે. એક વ્યક્તિ પિતાની દૃષ્ટિએ પુત્ર છે, પુત્રની દૃષ્ટિએ પિતા છે. બહેનની દૃષ્ટિએ ભાઈ છે. આમ તેના વિવિધરૂપ છે. આપણે એમ નહીં કહી શકીએ કે આમાંથી કોઈનો દૃષ્ટિકોણ ખોટો છે. તમે કોઈ પણ વસ્તુને કયા સ્વરૂપમાં જુઓ છો તેના પર આ બધાનો આધાર છે. વિવાદ વસ્તુમાં નથી. આપણી જોવાની દૃષ્ટિમાં છે. આપણે એમ નહીં કહી શકીએ હું જે જોઉં છું તે સત્ય છે.

અનેકાન્તવાદ ભગવાન મહાવીરની જગતને અણમોલ ભેટ છે. માનવજાતને અશાંતિ, વેરઝેર અને વિષાદમાંથી ઉગારવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે, પણ મહાવીરના સત્યને આપણે જૈનો પણ સમજી શક્યા નથી. મહાવીરના સત્ય કરતાં આપણને આપણું સત્ય વધારે વહાલું લાગે છે. મહાવીરના સત્યને આપણે સમજી શક્યા હોત તો આટલા સંપ્રદાયો નહોત. મહાવીરના સત્યને આપણે સમજી શક્યા હોત તો તીર્થોના ઝઘડા ન હોત. મહાવીરના સત્યને આપણે સમજી શક્યા હોત તો ધર્મના આટલા વિવાદ ન હોત. મહાવીરના સત્યને આપણે સમજી શક્યા હોત તો સમગ્ર જૈન સમાજ એક અને અખંડ હોત. મહાવીરના સત્યને સમજીને આપણે આપણા પ્રશ્ર્નોનું સમાધાન કરી શકતા નથી તેનું આશ્ર્ચર્ય છે. હજુ કેટલાય એવાં ધર્મસ્થાનો છે જ્યાં સવારમાં દસ વાગ્યા સુધી મહાવીર શ્ર્વેતામ્બર રહે છે અને દસ વાગ્યા પછી મહાવીર દિગમ્બર બની જાય છે. મહાવીરને પણ આપણે વિભાજિત કરી નાખ્યા છે.

મહાવીરના સત્યને આપણે શોકેસમાં સાચવીને મૂકી દીધું છે. આપણે દુનિયાના લોકોને કહીએ છીએ જુઓ આ અમારું સત્ય, અમારો અનેકાન્તવાદ. આમાં દુનિયાના તમામ પ્રશ્ર્નોનું સમાધાન છે, પણ આ સત્ય અમારા માટે કામનું નથી. અમે તમારા માટે સાચવીને રાખ્યું છે. જગતને આપણે જે સત્ય સમજાવીએ છીએ તેનું આપણે ખુદ પાલન કરતા નથી. મહાવીરના સિદ્ધાંતો અને વચનો આપણે પોથીમાં મૂકી દીધા છે. જીવન સાથેનો તેનો કશો સંબંધ નથી. આપણે આપણું બધું સારું બીજાને બતાવીએ છીએ, પણ ખુદ પાલન કરતા નથી. મહાવીરના સિદ્ધાંતો અને વચનો શાશ્ર્વત છે, કોઈ પણ સમય આવશે પણ આ ટકી રહેશે.

મહાવીરને આપણે એટલી હદે વિભાજિત કરી નાખ્યા છે કે મહાવીર ખુદ આપણે આંગણે આવીને ઊભા રહે તો પણ આપણે તેમને ઓળખી શકીશું નહીં. આપણે તેમને પૂછીશું કે તમે મહાવીર છો તેની ખાતરી શું? તમે શ્ર્વેતામ્બર મહાવીર છો કે દેરાવાસી? અને છેલ્લે પ્રશ્ર્ન પૂછીશું તમે એક તિથિવાળા મહાવીર છો કે બે તિથિવાળા મહાવીર. આપણી જે માન્યતા છે તેનો પાર ન ઊતરે તો મહાવીરનો પણ આપણે સ્વીકાર કરીશું નહીં. મહાવીરના સિદ્ધાંતો અને અનેકાન્તવાદને ખરા અર્થમાં સમજવાનો સમય આવી ગયો છે. આપણે જો વિભાજિત રહીશું તો ટકી શકીશું નહીં. કોઈ પણ ધર્મની મજબૂતાઈનો આધાર તેના અનુયાયીઓની એકતા પર રહેલો છે. મહાવીરનું સત્ય ત્યારે જૈન સમાજને સમજાશે ત્યારે સોનાનો સૂરજ ઊગશે.

ભગવાન મહાવીરે સત્યને તપ કહ્યું છે, તેમાં માણસની કસોટી થાય છે. માન, અપમાન, ભલું, બૂરું, સારું-ખરાબ બધું એમાં સહન કરવું પડે છે. સત્યના માર્ગે ચાલવાવાળો માણસ એવું નહીં વિચારે કે બીજા શું કહે છે. ભીતરમાં રહેલી સચ્ચાઈ અને મનમાં રહેલો ભાવ પ્રગટ કરવો અને પોતાની રીતે પહેચાનવો એનું નામ તપ. આમાં ખૂબ સંયમ અને સ્થિરતાની જરૂર પડે છે. સત્યનો માર્ગ કઠીન છે, પરંતુ તેનો પ્રભાવ પણ એટલો જ છે. એટલે જ સમાજ સાચા માણસોથી ડરે છે. સાચા માણસોનો સામનો કરવાનું બહુ મુશ્કેલ છે. સત્યના માર્ગે ચાલવું હોય તો એકલા જવું પડે. માણસ મોટાભાગે બીજા કામ કરે છે તેમ કરે છે, બીજા ચાલે છે તેમ ચાલે છે. કારણ કે, તેમાં સલામતી છે. બીજાથી અલગ ચાલવામાં જોખમ રહેલું હોય છે, એટલે માણસ ગાડરિયા પ્રવાહની જેમ તણાયા કરે છે અને ટોળામાં રહે છે. ભીડમાં ખોવાઈ જાય છે, ટોળામાં ડર ચાલ્યો જાય છે. ટોળાશાહીએ સત્યનો દાટ વાળી દીધો છે. ખરાબ કામો અને દુષ્કૃત્યો જેટલા સમૂહમાં થાય છે એટલા એકલા કરી શકતા નથી. ભીડમાં માણસ હેવાન બની જાય છે.

સત્ય સિવાય બીજો કોઈ મોટો ધર્મ નથી. સત્ય એ સૌથી મોટું પૂણ્ય છે. તેના કારણે ઘણાં પાપો અટકી જાય છે. સત્ય આપણા મનમાં, વિચારમાં અને કાર્યમાં હોવું જોઈએ. સત્ય બોલવામાં દંભ હોવો જોઈએ નહીં. આપણા સ્વાર્થ ખાતર, આપણા લાભ ખાતર, મજબૂરીથી કે બીજો કોઈ માર્ગ ન રહે ત્યારે સત્ય બોલીએ તો હકીકતમાં એ સત્ય રહેતું નથી. સત્યમાં પણ સ્વાર્થ, લોભ, લાલચ કે લાભનો ભાવ હોવો જોઈએ નહીં. સત્ય જીવનની દરેક પ્રવૃત્તિમાં વણાઈ જવું જોઈએ. સત્યમાં કોઈ શરત હોઈ શકે નહીં. બીજાના સત્યને સ્વીકારવું એ સૌથી વધુ મુશ્કેલ છે. એમાં અહંકારને દૂર કરવો પડે છે. સત્યનો સ્વીકાર અને સન્માન બહુ મોટી વાત છે. મોટા ભાગે બીજાના સત્યને આપણે સ્વીકારી શકતા નથી. આપણા માટે આપણું સત્ય વધુ મહત્ત્વનું છે. બીજાના સત્યમાં વિશ્ર્વાસ બેસતો નથી. આપણું સત્ય બીજા પર લાદવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં. આ પાપ છે. કારણ કે આનાથી શત્રુતા, દુશ્મનાવટ ઊભી થાય છે અને છેવટે તે હિંસામાં પરિણમે છે.

જે દિવસે જીવનમાંથી સત્ય સંપૂર્ણપણે અદૃશ્ય થશે ત્યારે અંધકાર સિવાય કશું બાકી નહીં રહે. ધર્મ છે ત્યાં સુધી સત્ય છે અને સત્ય છે ત્યાં સુધી ધર્મ છે. સત્ય અને ધર્મનું અનુશરણ જ માણસને સન્માર્ગે વાળી શકે છે.




--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuAoDX2WKKqbkQE7p%2Br1ATH%3D01rk0qXXBi7rfvF4G6O%2BA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment