આપણી જિંદગી ખરેખર અજાયબી અને આશ્ર્ચર્યથી ભરપૂર છે. મોટા ભાગના લોકો હાઇ-ફાઇ ડિગ્રી, ઊંચા પગારવાળી આકર્ષક નોકરી, સમૃદ્ધ જીવન, આધુનિક સુખ સગવડથી ભરેલ જીવન જીવવા માટે રીતસરની દોટ મૂકતા હોય છે ત્યારે કેટલાક લોકોે એવા પણ હોય છે જેઓ ભરયુવાનીમાં પોતાની ઝળહળતી કારકિર્દી અને એશોઆરામભરી જિંદગીનો સ્વેચ્છાએ ત્યાગ કરીને ઇશ્ર્વરીય કાર્યને જ પોતાની મંજિલ માનીને આગળ વધે છે. તામિલનાડુના બે યુવાનો લક્ષ્મી નરસિંહા અને શ્રીવાત્સને ભગવાનના દરબારમાં કાર્ય કરવા પોતાની સોફ્ટવેર એન્જિનિયર તરીકેની કામગીરી છોડીને નવો ચીલો ચાતર્યો છે. વાત એમ છે કે તામિલનાડુના તિરુચિરાપલ્લીની નજીક, કાવેરી નદીના કિનારે શ્રીરંગમ ખાતે શ્રીરંગનાથસ્વામીનું ભવ્ય મંદિર આવેલું છે. હિન્દુઓ અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયનું આ મંદિર ૧૫૦થી વધુ એકરમાં ફેલાયેલું એશિયાનું સૌથી મોટું કાર્યરત મંદિર ગણાય છે. આ મંદિરનું પોતાનું મોટું રસોડું છે જે મડાપલ્લીના નામે ઓળખાય છે. આ મંદિર સાથે થોડાં વર્ષો પૂર્વે જોડાયેલા મહંત શ્રી પોન જયરામનને લાગ્યું કે મંદિરના રસોડાને જે પારંપરિક પરંપરાથી અને પવિત્રતાથી ચલાવવું જોઇએ એમાં ઘણી ઊણપ વર્તાય છે. આ રસોડાની ગુણવત્તા વધારીને તેની ભવ્ય પ્રતિષ્ઠાને પુન: સ્થાપિત કરવાનો તેમણે દૃઢ નિશ્ર્ચય કર્યો. તેમને થોડા એવા સમર્પિત લોકોની જરૂરત હતી જે પારંપરિક રીતે ભગવાનની સેવા અર્થે પોતાનું જીવન સમર્પિત કરે. ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરનાર, શ્રીરંગમ નિવાસી ક્રિષ્ણમાચારી દ્વારા આ વાતની ખબર એક ૪૦ વર્ષના યુવાન લક્ષ્મી નરસિંહાને પડી. આ સોફ્ટવેર એન્જિનિયર , જે તેના શાળાકીય જીવનમાં 'બડીંગ મેથેમેટિશિયન'(ઉગતો ગણિતશાસ્ત્રી)નું બિરૂદ મેળવી ચૂકેલો એ કવિતાઓ પણ લખી જાણતો. વાયોલિન વગાડી શકતો અને શાળામાં ટેબલ ટેનિસમાં ઉચ્ચ ક્રમાંક પ્રાપ્ત કરનાર આ યુવાન એટલે જાણે બહુમુખી પ્રતિભા. તેના પિતા વેંકટપથી પ્રાચીન પ્રસિદ્ધ તામિલ કાવ્ય સંગ્રહ 'નાલાયિર દિવ્ય પ્રસાદમ્પ અને વૈદિક ગ્રંથ 'શ્રી ભાષ્યમ'ના નિષ્ણાત અભ્યાસુ. તેઓ ચાહતા હતા કે તેમનો દીકરો પણ આવા ઐતિહાસિક ગ્રંથો શીખવામાં રસ લે, પણ એ ઉંમરમાં લક્ષ્મી નરસિંહાને તેમાં ખાસ રસ પડતો નહીં. તેને નવી ટૅકનોલોજીમાં ભારે રસ હોઇ સોફ્ટવૅર એન્જિનિયર બનીને આઇ.ટી. (ઇન્ફોર્મેશન ટેકનોલાોજી) ક્ષેત્રમાં નોકરી કરવાનું પસંદ કર્યું. જોકે, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રોમાં સેવા આપવાનું કે દાનધર્મ કરવાનું એ કયારેય ચૂકતો ન હતો. તેની એક ઇચ્છા શ્રીરંગનાથ સ્વામી મંદિરમાં સેવા આપવાની પણ હતી અને એ માટે એ યોગ્ય સમયની રાહ જોઇ રહ્યો હતો. ત્યારે એને ખ્યાલ પણ નહીં હોય કે માત્ર ચાલીસ વર્ષની ઉંમરમાં આવી તક તેને મળશે. જેવું પેલા પ્રકાશક દ્વારા એની જાણમાં આવ્યું કે મંદિરને સેવાભાવીઓની જરૂર છે તેણે ઉચ્ચ પગારવાળી નોકરી છોડી દઇને મંદિરમાં ધાર્મિક અભ્યાસ કરવાનું શરૂ કર્યું. આ અભ્યાસ કરીને તેના દિમાગમાં એકદમ સ્પષ્ટ થઇ ગયું કે તે કાયમ માટે કોર્પોરેટ વિશ્ર્વનો ત્યાગ કરશે અને મંદિરના રસોડામાં સેવા આપીને રામાનુજ સંપ્રદાયને આગળ વધારશે. આ વર્ષની શરૂઆતથી જ એ આ મંદિરના રસોડામાં પોતાની સેવા આપી રહ્યો છે. આ જ રીતે પ્રકાશક ક્રિષ્ણમાચારીના સંસર્ગથી અન્ય એક ૩૧ વર્ષીય સૉફ્ટવેર એન્જિનિયર શ્રીવાત્સને પણ નામાંકિત કંપનીની નોકરી છોડીને મંદિરમાં સેવા આપવાનો નિર્ણય કર્યો છે. બેંગલોરની સારા પગારવાળી નોકરી છોડીને તેણે શ્રીરંગમ આવીને શ્રીરંગનાથસ્વામીના ચરણોમાં સેવા આપવાનું પસંદ કર્યું હતું. બેંગલોરથી બેગબિસ્તરા બાંધીને શ્રીવાત્સન જ્યારે શ્રીરંગમ આવ્યો ત્યારે તેની સાથે તેની ગર્ભવતી પત્ની પણ હતી. રસોડામાં રસોઇયા તરીકે કામ કરતાં આ બે એંજિનિયરો મંદિરની તમામ પ્રાચીન રસમોને નિભાવે છે. પરંપરા અને પાવિત્ર્ય જાળવતાં વસ્ત્રો પહેરે છે. તેમના આવ્યા પછી મંદિરના આ રસોડામાં ક્રાંતિકારી બદલાવ આવ્યો છે. ક્રિષ્ણમાચારીના જણાવ્યા પ્રમાણે મંદિરનું રસોડું (મડાપલ્લી) એટલે એકદમ પવિત્ર સ્થળ. અહીં કામ કરતી વ્યક્તિએ પહેરવાના કપડાથી માંડીને અનેક પ્રકારના રીતરિવાજોનું પાલન કરવું પડે છે. શરીર પર બાર પ્રકારના તિલક ધારણ કરવા પડે છે. પંચકચ્છમ (ધોતિયા જેવું વસ્ત્ર) પહેરવું પડે છે. કુવાના પાણીથી નહાવું પડે છે. ખુલ્લા પગે ચાલવું પડે છે. દાયકાઓથી માણસો દ્વારા આ પરંપરાની ઉપેક્ષા થઇ રહી છે. ઘણા લોકો આ પવિત્ર અને ઉચ્ચ પરંપરા વિશે ભાષણ આપી શકે છે, પણ જ્યારે આ બધું કરવાનું આવે ત્યારે હાથ ઊંચા કરી દે છે. આવા સંજોગોમાં આ બે શિક્ષિત યુવાનોએ પારંપરિક મૂલ્યોની પુન: પ્રતિષ્ઠા કરતાં અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે. તેઓ પ્રાચીન કૂવાની સાફસૂફીથી માંડીને રસાયણ વગરના શાકભાજીમાંથી ઉત્તમ પ્રકારના ભોજન રાંધી જાણે છે. પારંપરિક માટીના વાસણો વાપરવાનું પણ શીખી ગયા છે. અને આ સેવા આપતા આપતા તેઓ રામાનુજ સંપ્રદાયના દિવ્ય વિચારોનો પ્રચાર અને પ્રસાર પણ કરતા જાય છે. તેમને છેલ્લી નોકરીમાં મળતી હતી તેના પાંચ ટકા જેટલી આવક પણ અહીં પ્રાપ્ય નથી, છતાં ભગવાનની સેવા અને સ્વામી રામાનુજ જે પ્રકારે સેવા કરતાં હતાં એવી જ સેવા કરવાનો જે અનુભવ મળે છે તે ખરેખર અમૂલ્ય અને સંતોષ આપનારો બની રહ્યો છે. મંદિરના મહંત પોન જયરામન પણ તેમને હિંમત અને પ્રેરણા પૂરા પાડે છે. મંદિરમાં આવતા ભક્તો અને મુલાકાતીઓ પણ આ આધુનિક શિક્ષિત યુવાનોની ભગવાન શ્રીરંગનાથ પ્રત્યેની ભક્તિ અને પ્રણાલિકાગત સંસ્કારોની જાળવણી જોઇને સાનંદાશ્ર્ચર્ય અનુભવે છે. તેમના વખાણ કરતાં થાકતાં નથી. અહીં મળતા ભોજનના સ્વાદમાં ઘણો જ સુધારો થયો છે. જાણેકે શાસ્ત્રોકત રીતે તૈયાર થતી અહીંની રસોઇમાં ભગવાનના પરમ આશીર્વાદ ભળી જતાં હોય. આ બેઉ જણાને આશા છે કે અમારા કાર્યોને જોઇને અન્ય લોકો પણ આ કાર્ય માટે આગળ આવશે અને આ મંદિરની જે ભવ્ય અને દિવ્ય પરંપરા ભુલાઇ ગયેલી એ ધીરે ધીરે પુન: સ્થાપિત થશે. આપણા શિક્ષિત ગુજરાતીઓમાં પણ ખાસ કરીને જૈન યુવક-યુવતીઓમાં પ્રભુપ્રીતિ વધવાની તેમ જ સંસાર છોડવાની ભાવના પ્રબળ થતી જાય છે. તાજેતરમાં જ મૂળ રાજસ્થાનના પણ છેલ્લી બે પેઢીથી માલેગાવ,મહારાષ્ટ્રમાં સ્થિત એક જૈન પરિવારની ડૉક્ટર ક્ધયાએ ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધી છે. શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન ઝળહળતી ફતેહ અને સુવર્ણચંદ્રક પ્રાપ્ત કરનાર આ હીના નામની યુવતીની આવક પણ ઘણી સારી હતી. પરંતુ એશોઆરામની જિંદગી છોડીને તેણે સાધ્વીજીવન પસંદ કર્યું છે. દીક્ષા ગ્રહણ કરનાર હીનાને નાનપણથી જ સાધ્વી થવાના ભાવ જાગ્યા હતાં પણ માબાપની ઇચ્છા હતી કે તે ડૉક્ટર બને. આ ઇચ્છા પૂર્ણ કર્યા બાદ હવે તેણે જીવન પોતાની મરજી મુજબ જીવવાનું નક્કી કર્યું છે. બીજા એક ક્સ્સિામાં ૨૪ વર્ષના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મોક્ષેશ શાહે પણ દીક્ષા ગ્રહણ કરી છે. કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં તેના કુટુંબનો ધીકતો વ્યવસાય છે. આ સઘળું છોડીને એ હવે સંયમ માર્ગે આગળ વધશે. મોજ-મજા છોડીને મોક્ષમાર્ગે પ્રસ્થાન કરવા પોતાનું સઘળું ત્યજીને નીકળી પડેલા આ યુવાનો ટકી શકે એ મહત્ત્વનું છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OtXTh23m%3D-L25SdRRY9tbsPqbXTyanr1NkfPmk%3DZhHcZw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment