ભારત માટે એની રાષ્ટ્રીય રમત હૉકીમાં અત્યારે સુવર્ણકાળ તો નથી ચાલી રહ્યો, પરંતુ ૭૦ વર્ષ પહેલાં જે ગોલ્ડન પિરિયડ ચાલતો હતો ત્યારના લેજન્ડ અને મહાન હૉકી-ખેલાડી બલબીર સિંહ સિનિયર દાયકાઓ પછી ફરી અત્યારે (સકારાત્મક રીતે) ચર્ચામાં જરૂર છે. ૯૪ વર્ષના આ એ ખેલાડી ભારતના સૌથી મોટી ઉંમરના હયાત ઑલિમ્પિક્સ ખેલાડી છે. તેમના વિશે જાણીને તેમના પછીની કંઈ કેટલીયે પેઢીઓને પ્રેરણા મળી હશે અને હજી પણ મળતી રહી છે. પુરુષોની હૉકીમાં ભારતનો ટૂંકો ઇતિહાસ જાણી લઈએ તો ૧૯૪૭માં બ્રિટનથી આઝાદી મળી એ પહેલાં ઑલિમ્પિક્સ હૉકીમાં ભારત બ્રિટિશ ધ્વજ હેઠળ સતત ત્રણ વખત (૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૬) ગોલ્ડ મેડલ વિજેતા બની ચૂક્યું હતું. ૧૯૩૬થી ૧૯૪૮ સુધી બીજા વિશ્ર્વયુદ્ધને કારણે એક પણ ઑલિમ્પિક્સ નહોતી થઈ અને છેક ૧૯૪૮માં યોજાઈ હતી. ભારત ૧૯૪૭માં સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું હતું અને ત્યાર બાદ પણ ભારતે તિરંગા હેઠળ ઉપરાઉપરી ત્રણ વાર (૧૯૪૮, ૧૯૫૨, ૧૯૫૬)માં હૉકીમાં સુવર્ણચંદ્રક જીતી લીધો હતો. અહીં આપણે એ પાછલા ત્રણ ચૅમ્પિયનપદ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર બલબીર સિંહ સિનિયરની વાત કરવાની છે. ભારત આમ તો વિક્રમજનક આઠ વખત (૧૯૨૮, ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૮, ૧૯૫૨, ૧૯૫૬, ૧૯૬૪, ૧૯૮૦) હૉકીમાં વિશ્ર્વવિજેતા બન્યું છે, પરંતુ આઝાદી પછીના જે લાગલગાટ ત્રણ ઑલિમ્પિક્સ ગોલ્ડ મેડલ જીતેલા હતા એ હૉકીમાં ભારતની 'રત્નમાળા'ના મુખ્ય ત્રણ રત્નો તરીકે ઓળખાય છે. ૧૯૨૪ની ૧૦મી ઑક્ટોબરે પંજાબના હરિપુર ખાલસા ગામમાં જન્મેલા બલબીર સિંહ એ ત્રણેય ચૅમ્પિયન ભારતીય ટીમના મેમ્બર હતા. આપણે તેમના વિશે વધુ ચર્ચા કરીએ એ પહેલાં જાણી લઈએ કે આડકતરી રીતે તેમને અનુલક્ષીને બૉલીવૂડમાં અક્ષય કુમાર અભિનીત ફિલ્મ બની છે જે આવતા મહિને રિલીઝ થવાની છે. 'ગોલ્ડ' નામની એ ફિલ્મ બલબીર સિંહ પરની બાયોપિક નથી, પરંતુ ૧૯૩૩થી ૧૯૪૮ સુધીમાં ભારતીય હૉકી જે રીતે હૉકીજગતમાં સર્વોચ્ચ શિખર પર પહોંચી હતી એની ગાથા પર અને સત્ય ઘટનાઓ પર આધારિત છે. બલબીર સિંહ ભારતમાં ચંડીગઢ ખાતે અને કૅનેડામાં બર્નબી શહેરમાં ઘર છે. તેમના ભૂતકાળ વિશે જાણીએ તો તેમને નાનપણથી જ હૉકી રમવાનો શોખ હતો. તેઓ પંજાબમાં અમૃતસરની તથા મોગા શહેરની કૉલેજમાં તેમ જ લાહોરની સિખ નેશનલ કૉલેજમાં ભણ્યા હતા. એમાં પણ તેઓ હૉકી-પ્લેયર તરીકે વધુ જાણીતા હતા. ખાસ કરીને અમૃતસરની ખાલસા કૉલેજના કોચ હરબૈલ સિંહ તેમના પર્ફોર્મન્સથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે જ બલબીર સિંહના પરિવારને આગ્રહ કર્યો હતો કે તમારે તમારા આ 'રત્ન'ને લાહોરની કૉલેજમાંથી અમૃતસરની કૉલેજમાં ટ્રાન્સફર કરાવી દેવો જોઈએ કે જેથી તેને હૉકીની સારી તાલીમ આપી શકાય. ૧૯૪૨ની સાલમાં બલબીર સિંહને અમૃતસરની કૉલેજમાં ટ્રાન્સફર અપાવ્યા પછી હરબૈલ સિંહે તેમને ટ્રેઇનિંગ આપવાની શરૂઆત કરી દીધી હતી. ૧૯૪૩માં બલબીર સિંહ પંજાબ યુનિવર્સિટી વતી રમ્યા હતા. ૧૯૪૩, ૧૯૪૪ અને ૧૯૪૫માં બલબીર સિંહના સુકાનમાં આ યુનિવર્સિટીની ટીમ ઑલ-ઇન્ડિયા ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધામાં ચૅમ્પિયન બની હતી. ૧૯૪૭માં સેન્ટર ફૉરવર્ડ ખેલાડી બલબીરે પંજાબને નેશનલ ચૅમ્પિયન બનાવ્યું હતું. એ અરસામાં ભારત સ્વતંત્ર થયું હતું અને પાકિસ્તાન સાથેના ભાગલાને કારણે દેશભરમાં જે તંગદિલી સર્જાઈ હતી એ દરમિયાન બલબીર સિંહનો પરિવાર લુધિયાણામાં રહેવા આવી ગયો હતો જ્યાં બલબીર સિંહને પંજાબ પોલીસમાં નોકરી મળી હતી અને ત્યારથી તેમણે પંજાબ પોલીસની હૉકી ટીમની કૅપ્ટન્સી સંભાળી હતી. પછીના વર્ષે (૧૯૪૮) બલબીર સિંહનો ખરો 'સુવર્ણકાળ' શરૂ હતો. ભારત હજી તો બ્રિટનની નાગચૂડમાંથી છૂટીને આઝાદ થયું હતું ત્યાં તો ભારતીય હૉકી ટીમે સમર ઑલિમ્પિક્સ માટે લંડન જવાનું થયું હતું. એમાં ભારતની બીજી મૅચ આર્જેન્ટિના સામે રમાઈ હતી અને એ મૅચથી બલબીર સિંહે ઑલિમ્પિક્સમાં ડેબ્યૂ કર્યું હતું. ભારતે આર્જેન્ટિનાને ૯-૧થી હરાવ્યું હતું અને એ ૯માંથી ૬ ગોલ બલબીર સિંહે કર્યા હતા. એમાં તેમના હૅટ-ટ્રિક ગોલે ભારતની જીતને ચાર ચાંદ લગાવી દીધા હતા. ત્યાર બાદ બલબીરને ખાસ કરીને બ્રિટન સામેની ફાઇનલ માટેની ટીમમાં લેવામાં આવ્યા હતા. એ ક્ષણો ભારતીય ટીમ માટે અવિસ્મરણીય હતી. બ્રિટન પાસેથી મેળવેલી આઝાદી બાદ ભારતનું એ પહેલું જ વર્ષ હતું, ફાઇનલમાં ભારતે બ્રિટનનો સામનો કરવાનો હતો અને એ ફાઇનલ લંડનની ધરતી પર રમાવાની હતી. બલબીર સિંહે એ નિર્ણાયક મુકાબલામાં પહેલા બે ગોલ કર્યા હતા અને છેવટે ભારતે બ્રિટનને ૪-૦થી હરાવ્યું હતું. ૧૯૪૮થી માંડીને ૧૯૫૨ની ઑલિમ્પિક્સ દરમિયાનના ચાર વર્ષમાં બલબીર સિંહે સ્થાનિક સ્તરે પોતાની ટીમોને ઘણી મૅચો જિતાડી હતી. તેમની ઑલિમ્પિક્સ વિશેની વધુ વાતો જાણતાં પહેલાં ૧૯૪૬ની સાલનો એક રસપ્રદ કિસ્સો જાણી લઈએ. ત્યારે ભારત હજી આઝાદ નહોતું થયું. બલબીર સિંહ ત્યારે ૨૦ વર્ષના હતા. તેઓ પંજાબ પોલીસની ટીમ વતી હૉકી રમવા માટે કરારબદ્ધ હતા, પરંતુ એક વાર તેઓ દિલ્હીમાં સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (સીપીડબ્લ્યૂડી)ની ટીમ વતી રમ્યા હતા. એની જાણ થતાં જ બ્રિટિશ શાસન હેઠળની પંજાબ પોલીસે બલબીર સિંહની ધરપકડ કરી હતી અને પોલીસો તેમને હાથકડી પહેરાવીને દિલ્હીથી જલંધર લઈ આવ્યા હતા. તેમને ચેતવણી અપાઈ હતી કે 'તમારે પંજાબ પોલીસની ટીમ વતી જ રમતા રહેવું છે કે જેલમાં જવું છે?' બલબીરે પંજાબ પોલીસની ટીમ પસંદ કરી હતી અને ત્યારથી તેમની કરિયર ઉંચકાઈ હતી. તેમને બલબીર સિંહ 'સિનિયર' કેમ કહેવાય છે એનો પણ મજાનો કિસ્સો છે. એ અરસામાં ભારતીય ટીમમાં બલબીર સિંહ નામવાળા ચાર ખેલાડીઓ હતા અને ચારેયમાં આપણા આ બલબીર સિંહ સિનિયરમોસ્ટ હતા એટલે તેમને 'સિનિયર'ની ઓળખ અપાઈ હતી. તેમના ઑલિમ્પિક્સના પર્ફોર્મન્સ પર પાછા આવીએ તો ૧૯૫૨ની ઑલિમ્પિક્સ ફિનલૅન્ડના હેલસિન્કી શહેરમાં યોજાઈ હતી અને એમાં બલબીર સિંહ પોતાના જૂના અને જાણીતા કોચ હરબૈલ સિંહના કોચિંગમાં રમેલી ટીમના વાઇસ-કૅપ્ટન હતા. ઓપનિંગ સેરેમનીમાં તિરંગા સાથે ચાલી રહેલા બલબીરના નેતૃત્વમાં ભારતીય ઍથ્લેટોએ પરેડ કરી હતી. શરૂઆતની મૅચો ભારતે આસાનીથી જીતી હતી અને બ્રિટન સામેની સેમી ફાઇનલ ભારતે ૩-૧થી જીતી હતી જેમાં ત્રણેય ગોલ (હૅટ-ટ્રિક ગોલ) બલબીર સિંહે કર્યા હતા. એનાથી પણ ચડિયાતો તેમનો પર્ફોર્મન્સ ફાઇનલમાં હતો. એમાં ભારતે નેધરલૅન્ડ્સને ૬-૧થી પછાડ્યું હતું અને છમાંથી પાંચ ગોલ બલબીર સિંહની સ્ટિકથી થયા હતા. ઑલિમ્પિક્સની ફાઇનલમાં સૌથી વધુ પાંચ ગોલ કરવાનો તેમનો એ નવો વિશ્ર્વવિક્રમ બન્યો હતો. એ ઑલિમ્પિક્સમાં ભારતના કુલ ૧૩માંથી ૯ ગોલ (૭૦ ટકા ગોલ) બલબીર સિંહે કર્યા હતા. ત્યાર પછીની ૧૯૫૬ની મેલબર્ન ઑલિમ્પિક્સમાં બલબીર સિંહે પ્રગતિ કરી હતી. તેમને એ મહારમતોત્સવમાં ભારતીય હૉકી ટીમના સુકાની બનાવવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાન સામેની શરૂઆતની જ મૅચમાં તેમણે પાંચ ગોલ કર્યા હતા. જોકે, ઈજા થતાં તેમણે બાકીની લીગ મૅચો ગુમાવવી પડી હતી. સેમી ફાઇનલ અને ફાઇનલમાં તેઓ રમ્યા હતા. ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને ૧-૦થી હરાવી દીધું હતું. બે વર્ષ બાદ (૧૯૫૮માં) ટોક્યોની એશિયન ગેમ્સમાં બલબીર સિંહે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. એના આગલા વર્ષમાં (૧૯૫૭માં) તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર મેળવનાર તેઓ દેશના પ્રથમ સ્પોર્ટ્સમૅન હતા. બલબીર સિંહ ૧૯૭૦ના દાયકામાં ભારતીય હૉકી ટીમના કોચ બન્યા હતા. ૧૯૭૧માં તેમના કોચિંગમાં ભારતે વર્લ્ડ કપ હૉકીમાં બ્રૉન્ઝ મેડલ જીતી લીધો હતો. ૧૯૭૫માં તેઓ ભારતીય ટીમના મૅનેજર હતા અને એ ટીમે વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. બલબીર સિંહે બે આત્મકથા લખી છે જેના ટાઇટલ છે, 'ધ ગોલ્ડન હૅટ-ટ્રિક' (૧૯૭૭) અને 'ધ ગોલ્ડન યાર્ડસ્ટિક-ઇન ક્વેસ્ટ ઑફ હૉકી એક્સેલન્સ' (૨૦૦૮). ૨૦૧૫ની સાલમાં 'મેજર ધ્યાનચંદ લાઇફટાઇમ અચિવમેન્ટ અવૉર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે, ભારતના દંતકથા સમાન હૉકી ખેલાડી મેજર ધ્યાનચંદના એક કથિત વિક્રમની બાબતમાં બલબીર સિંહનો રેકૉર્ડને લગતો વિવાદ વર્ષોથી ચાલે છે. બલબીર સિંહે ૧૯૫૨ની હેલસિન્કી ઑલિમ્પિક્સની ફાઇનલમાં પાંચ ગોલ કર્યા હતા જે રેકૉર્ડ-બુક મુજબ ફાઇનલના વ્યક્તિગત ગોલની બાબતમાં વિશ્ર્વવિક્રમ છે. જોકે, છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન પ્રગટ થયેલા વિવિધ અહેવાલો મુજબ ધ્યાનચંદે ૧૯૩૬માં જર્મની સામેની ઑલિમ્પિક્સની ફાઇનલમાં ૮-૧ના વિજયમાં જે ૬ ગોલ નોંધાવ્યા હતા એને અતૂટ વર્લ્ડ રેકૉર્ડ તરીકે બતાવાયો છે. નવાઈની વાત એ છે કે ખુદ ધ્યાનચંદે ૧૯૫૨માં પ્રકાશિત થયેલી 'ગોલ' ટાઇટલવાળી આત્મકથામાં આ મુજબ લખ્યું હતું: 'જર્મની જ્યારે ૪ ગોલથી પાછળ હતું ત્યારે એક ગોલ એ ટીમે કર્યો હતો. મૅચમાં ભારતના આઠ ગોલ સામે જર્મનીનો એ એકમાત્ર ગોલ હતો. વાસ્તવમાં, આખી ટુર્નામેન્ટમાં ભારત વિરુદ્ધ થયેલો એ એકમાત્ર ગોલ હતો. ભારત વતી રૂપ સિંહ, તપસેલ અને જાફરે એક-એક ગોલ કર્યો હતો, દારાએ બે ગોલ કર્યા હતા અને મેં ત્રણ ગોલ કર્યા હતા.' એટલું જ નહીં, ઇન્ટરનેશનલ હૉકી ફેડરેશનની રેકૉર્ડ-બુકમાં પણ બર્લિન ઑલિમ્પિક્સની જર્મની સામેની ફાઇનલના ભારતના આઠમાંથી માત્ર ત્રણ ગોલ ધ્યાનચંદના નામે લખાયા છે. બલબીર સિંહના પિતા દલિપ સિંહ સ્વાતંત્ર્ય સેનાની હતા. બલબીરના પત્ની મૂળ લાહોરનાં હતાં. બલબીરે તેમની સાથે ૧૯૪૬ની સાલમાં લગ્ન કર્યાં હતા. તેમને એક પુત્રી (સુશબીર) અને ત્રણ પુત્રો (કંવલબીર, ગુરબીર, કરણબીર) કૅનેડામાં સ્થાયી થયા છે. ૨૦૦૬ના એક ટીવી ઇન્ટરવ્યૂમાં બલબીરે પોતાના પરિવારને લગતી ચર્ચામાં કહ્યું હતું કે 'મારા ત્રણ જમાઈઓમાંથી એક ચીનનો, એક સિંગાપોરનો અને એક યુક્રેનનો છે.' બલબીર સિંહે મીડિયામાં અનેક ઇન્ટરવ્યૂ આપ્યા છે. જ્યારે પણ તેમને ભારતીય હૉકીના સુવર્ણકાળ વિશે પૂછવામાં આવે છે ત્યારે તેઓ ગજબના ઉત્સાહિત થઈ જાય છે અને પોતાને એ કાળ વિશે જે પણ સ્મૃતિમાં હોય એ કહી દે છે. જ્યારે પણ કોઈ પત્રકાર તેની મુલાકાત લેવા જાય ત્યારે બલબીર સિંહ સૌથી પહેલાં એ પત્રકારને તેમના ખબરઅંતર પૂછે છે અને પત્રકાર જ્યારે તેમને એ જ સવાલ કરે ત્યારે ફટ દઈને કહે છે, 'હું હંમેશાં સ્વસ્થ અને આનંદમાં જ હોઉં છું.' ઈશ્ર્વરને પ્રાર્થના કરીએ કે તેઓ જીવનની સદી આ જ સ્વસ્થતા સાથે પૂરી કરે અને હજી ઘણાં વર્ષો સુધી યુવા પેઢી માટે પ્રેરણારૂપ બનતા રહે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuTbCtpXZuxnZ1eZ5z_wVJ1DBpwmKF5%2BFYZvppups5Fkw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment