Thursday, 26 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ દેશસેવા પછી બાળસેવા (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




દેશસેવા પછી બાળસેવા!
કવર સ્ટોરી-અનિશ ઈનામદાર

દુનિયામાં અને માનવ જીવનમાં એવું શું ખેંચાણ હશે જે એક માણસને ૯૯ વર્ષની વય સુધી અને પછી પણ સતત કામ કરતો, સમાજનું ભલું કરવાની ખેવના સાથે સતત ચાલતો-દોડતો રાખે? આનો જવાબ ખોળવા માટે આપણે વાત કરવી પડે પશ્ર્ચિમ બંગાળના સુધાંશુ બિશ્ર્વાસની. હા આ માણસ એક કાળે બ્રિટિશ શાસન સામે દેશની સ્વતંત્રતા માટે લડ્યો. હિમાલયમાં વર્ષો ગાળ્યા અને પાછા આવીને ગરીબ લોકો તથા ગરીબ બાળકોના કલ્યાણના કામે લાગી ગયો હતો. કોઈ નાણાં, કોઈ ખ્યાતિ, કોઈ મદદ મળે એવી કોઈ પણ ઈચ્છા વિના આ માણસ સતત કાર્ય કરતો રહે છે. આ એ માણસ છે જેમને બીજી એપ્રિલ, ૨૦૧૮ના દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મશ્રીનો ખિતાબ આપવામાં આવ્યો હતો. આ ઉદ્યમી માણસનીવાત સમજવી એ પણ સંભારણું છે. એક પત્રકાર સુધાંશુ બિશ્ર્વાસને મળવા ગયો હતો. એને લાગે છે કે સુધાંશુને મળ્યાનો એનો અનુભવ જાણે લૌકિક નથી... કુછ ઔર હૈ!

 

આ પત્રકાર કહે છે, એને સ્કૂલો, અનાથાશ્રમો અને દવાખાનાઓ ચલાવતા આ નૉનજનેઅરિઅન (૯૦થી ૯૯ વર્ષથી ઉપરની વ્યક્તિ)ને મળવાનું થયું. એ ગરીબો માટે સતત કાર્યરત રહે છે. જીવનમાં હીરો કોણ બને? સામાન્ય સ્ત્રી કે પુરુષ અસામાન્ય ભોગ આપે, જેનાથી એની આસપાસના લોકો સારી રીતે જીવી શકે... એ હીરો બને એવો સાદો જવાબ આપણે આપી દઈએ. દેશ માટેના પ્રેમ કે સાથી દેશબંધુઓ સુખી થાય એવી ખેવના અને એ ખેવનાને સાકાર સ્વરૂપમાં લાવવાની મથામણ કરનારા સુધાંશુ બિશ્ર્વાસ આપણને કરુણા, ધૈર્ય અને માનવ જીવનના હેતુ અંગે શિક્ષણ આપે છે.

 

ગીરદીથી ભરેલી ટ્રેનમાંથી આ પત્રકાર દક્ષિણ દુર્ગાપુરના સ્ટેશને ઊતરે છે ત્યારે આકાશમાં કાળાં વાદળો ઘેરાવાનો આરંભ થયો છે. સ્ટેશનની બહાર આવીને વાહન શોધે છે. એ કોલકતાથી ૩૫ કિલોમીટરના અંતરે ૨૪ પરગણા જિલ્લાના એક ગામના રસ્તામાં છે. આ જિલ્લો અને નજીકનો સુંદરબન જિલ્લો ભારતમાં સૌથી વધુ ગરીબ જિલ્લા હોવાનું કહેવાયું છે. રિક્ષા મળતી નથી એટલે એ પત્રકાર સુધાંશુ બિશ્ર્વાસને મળવા આછા વરસાદમાં બે કિલોમીટર ચાલીને આવેલા 'શ્રી રામકૃષ્ણ સેવાશ્રમ' (એસઆરકેએસ) ખાતે પહોંચે છે. શહેરીકરણ અહીં પણ આભડી ગયું છે એટલે કુટુંબો દ્વારા વૃદ્ધોને તરછોડી દેવામાં આવતા આ સાધુ ચરિત પુરુષે નજીકનાં ગામોના ૨૯ વરિષ્ઠ નાગરિકોને આશરો આપ્યો છે. અહીં એક દવાખાનું પણ છે.

 

ગામડાંમાં ડૉક્ટરોની બિનભરોસાની હાજરી રહેતી હોઈને બિસ્વાસે જનરલ મેડિસિન અને હોમિયોપેથીનો અભ્યાસ કર્યો છે. અન્ય ફિઝિશ્યનો પાસેથી દવાનાં સેમ્પલો એકત્ર કરી બીમાર લોકોમાં આપી દે છે. ભીનાં અંગ અને ભીનાં કપડાં સૂકવી.

 

પત્રકારે સુધાંશુ બિશ્ર્વાસને ગામમાં સ્ટેશનેથી આવવા માટે કોઈ વાહન ન હોવાનું કહેતાં એમણે જવાબ આપ્યો, "માગ નહીં તો પુરવઠો નહીં.

 

બાળપણમાં એટલે કે સુધાંશુ સાતમા ધોરણમાં હતા ત્યારે એમનો ભેટો સ્વતંત્રતાના લડવૈયા પ્રખ્યાત નૃપેન ચક્રવતી સાથે થઈ ગયો. એ વખતે બેની માધવ દાસ, બીના દાસ, કલ્યાણી દાસ જેવા મહાન ક્રાંતિકારી, આઝાદીના લડવૈયાઓ સુધાંશુના શિક્ષકગણમાં હતા. બાળ સુધાંશુ નૃપેનથી ખેંચાઈને એમની સાથે જોડાયા. કોલકતાના આલ્બર્ટ હૉલમાં સ્વાંતત્ર્યના ચળવળકારો પર થયેલા અંગ્રેજ પોલીસના દમનમાંથી સુધાંશુ ભાગી છૂટ્યા. ૧૯૩૯માં તેઓ મેટ્રિકની પરીક્ષામાં બેઠા હતા ત્યારે પોલીસે તેમની ધરપકડ કરી હતી. જોકે, પછીથી તેમને પરીક્ષા આપવા દેવાની પરવાનગી અપાઈ હતી. એ જ સમયથી એમના મગજમાં બાળકોનાં ભણતર-શિક્ષણની બાબત એમના મનમાં ઘર કરીને બેસી ગઈ હતી. એમના મનમાં કોતરાઈ ગયેલી એ વાત આજે ગરીબ બાળકોને શિક્ષણ મળી રહે એવી સુવિધા ખડી કરવા સ્વરૂપે સાકાર થઈ છે.

 

એક સમયનો સ્વાતંત્ર્ય લડવૈયો એનાં છેલ્લા વર્ષો અહીં ગાળવા કેમ તૈયાર થયો, એવો વિચાર પેલા પત્રકારના મગજમાં રમતો હતો એને ઓળખીને સુધાંશુએ કહ્યું "માનવ સર્જિત શિક્ષણ આપવા માટે. વાતચીતમાં જાણવા મળ્યું કે માતૃભૂમિની આઝાદીના ખ્યાલે કિશોર વયમાં જ સુધાંશુએ ઘર ત્યજી દીધું હતું. બ્રિટિશ વહીવટી તંત્ર પર હુમલો કરી શકાય એ માટે સુધાંશુએ ત્યારે પાંચ જીવંત બૉમ્બ એક સ્થળેથી બીજા સ્થળે સફળતાથી પહોંચાડ્યા હતા. સુધાંશુ બિસ્વાસ સામસામા ગોળીબારમાં અનેક વાર ઊગરી જવા જેટલા બડભાગી રહ્યા હતા. બ્રિટિશ શાસને એમની ધરપકડ કરી કેટલાંક વર્ષો માટે જેલમાં પાઠવી દીધા હતા. પત્રકારને ખબર પડી ત્યારે એ આભો બની ગયો હતો કે એની સામે બઠેલો માણસ એક કાળના પ્રખ્યાત ક્રાંતિકારી જૂથ 'અનુશીલન સમિતિ'નો સક્રિય સભ્ય હતો. આગળ જતાં ૧૯૪૮માં એમણે સમાજિક જીવન ત્યજી દીધું અને હિમાલયની દિશામાં પ્રયાણ કર્યું હતું. એ વિશે સુધાંશુ કહે છે, "મેં ૧૪ વર્ષ રઝળતા સંત તરીકે હિમાલયના ભ્રમણમાં વીતાવ્યા હતા. ત્યાં હું સંખ્યાબંધ સંતો-સાધુઓના સંપર્કમાં આવ્યો હતો, જેમણે દુન્યવી જીવન ત્યજીને એકાંતનું જીવન સ્વીકાર્યું હતું. મેં વારાણસીમાં 'અસ્પૃશ્યો'ની સાથે રહીને કેટલાંક વર્ષો વીતાવ્યા હતાં. છેક ૧૯૬૦-૬૧માં બિસ્વાસ કોલકતા પરત આવ્યા હતા.

 

તેમના મનમાં સ્વામી વિવેકાનંદનું કથન 'માનવ સેવા એ જ પ્રભુ સેવા' સતત ઘૂમરાતું હતું. એમણે તેમની એસઆરકેએસ સંસ્થાની સ્થાપના કરી હતી. એમની એ સંસ્થામાં કોઈ ધાર્મિક પ્રાર્થના સ્થળ નથી એની નવાઈ ન જ હોવી જોઈએ. છેલ્લાં ચાળીસ વર્ષમાં એમણે અંતરિયાળ ગામોમાં ગરીબ બાળકો, શોષિત અને વંચિત બાળકો માટે ૧૮ મફત શિક્ષણ અને ભોજન આપતી સ્કૂલો સ્થાપી. આમાંની મોટાભાગની સ્કૂલો સુંદરબન જેવા અતિશય ગરીબ જિલ્લાનાં ગામોમાં છે. આ તમામ સ્કૂલો આત્મનિર્ભર છે. ગ્રાન્ટ માટે હરગિજ નથી, એવુું સ્પષ્ટપણે જોઈ શકાય. બિસ્વાસની સ્કૂલના શિક્ષકો જે તે ગામના છે, આમ ઑનરશિપ સર્જવામાં આવી છે. અત્યાર સુધીમાં હજારો અનાથ છોકરાઓ એસઆરકેએસમાં રહે છે અને ભણે છે.

 

સુધાંશુ બિશ્ર્વાસે એક તબક્કે રામકૃષ્ણપુર ખાતે એક નોખું મંદિર બંધાવવાનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. એ વિશે એમણે કહ્યું હતું કે, "અમારા ગામમાં મંદિર નથી. આ ટાવર જેવું બહુમાળી મંદિર ૫૦૦ ભક્તોનો સમાવેશ કરશે. આ મંદિર જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, ધર્મના બાધ વિના તમામ લોકોને સ્વીકારશે-આવકારશે. અમે એવું પણ નક્કી કર્યું છે કે વિવિધ ધર્મના લગભગ બધા જ મુખ્ય તહેવારોની ઉજવણી એક જ છાપરા તળે કરીશું.

 

સુધાંશુ બિશ્ર્વાસ હજીય ટટ્ટાર બેસે છે. ભૂતકાળની વાત કરતી વખતે તેમના ચહેરા પરની ચમક વધારે ઝગારા મારે છે, ઉંડાણ ધરાવતી એમની આંખમાંથી પુરાણ અને શાસ્ત્રોનાં કથનો અંગેનું એમનું જ્ઞાનનું તેજ સામાને આંજી દે છે. એમના આશ્રમમાં તળાવ છે, કૃષિ માટે જમીનનો નાનકડો પટ્ટો છે, ફળ આપનારાં વૃક્ષો છે. ગમ્મતની વાત એવી છે કે સુધાંશુ જાતે ગણિત શીખવે છે. ખાસ કરીને દસમા ધોરણના વિદ્યાર્થીઓને ગણિત ભણાવે છે, કેલક્યૂલેટરની મદદ વિના. પેલો પત્રકાર કહે છે, "હું હવે નક્કરપણે માનું છું કે જીવન અનિશ્ર્ચિત હોય છે. જગતની માયા ક્ષણભંગુર છે. હું એવા માણસને મળ્યો છું જે દરેક બાબતોમાં મારા કરતાં ચડિયાતો છે. આ ઉંમરે પણ એ મારા કરતાં વધારે શારીરિક પરિશ્રમ કરે છે. વળી, નોંધ લેવા જેવા અનેક કામ મારા કરતાં પણ વધારે કરે છે! એ એકલો જ બીજોઓ માટે જીવે છે અને બાકીના તો જીવતાં છતાં મૃતપાય છે.

 

રામકૃષ્ણપુરની પ્રાથમિક અનૌપચારિક સ્કૂલે સંખ્યાબંધ ગરીબ અને અનાથ બાળકોની જિંદગી પલટી નાખી છે. અહીંના શિક્ષકોના દાવા અનુસાર સેંકડો માજી વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા છે, ડૉક્ટર અથવા એન્જિનિયર બન્યા છે.

 

બિશ્ર્વાસ કહે છે, "દસ વર્ષના સંવનન બાદ હું મારી શાળાઓ સાથે પરણ્યો છું. દેશપ્રેમને કારણે ખાધેલી ગોળીનું નિશાન આજે પણ એમના શરીર પર મોજૂદ છે. સુધાંશુ વિશે એક વાત બહુ જાણમાં નથી. તેઓ હિમાલયમાં ૧૪ વર્ષની સાધના બાદ ૧૯૬૧માં કોલકતા પરત આવ્યા બાદ તેઓ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક અસોસિયેશન સાથે જોડાયા હતા અને કોઈ કારણથી સંસદની સમક્ષ ભૂખહડતાળ પણ કરી હતી. વળી, ૧૯૬૨માં તેમણે થોડો વ્યવસાય-ધંધો કર્યો હતો, કારણ કરે થોડાં નાણાં ભેગા કરીને એમાંથી સમાજ કલ્યાણના કામ કરી શકાય એવું તેમનું માનવું છે.

 

સારાં કાર્યો કે સમાજ કલ્યાણના કામને વધાવવા શબ્દોનાં સાથિયાની જરૂર ન હોય, માથું ઝુકાવીને કે નમન કરીને પણ બીરદાવી શકાય છે!



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot6b9b%3DvaWF1Hc-Vqof01-1y%3Dx_eKTtwuGMFbp2ifc%2BJA%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment