વનામાં તણાઈને આપણે 'પ્લાસ્ટિક મુક્ત' ભારત બોલીએ કે કહીએ ત્યારે એનો અભિપ્રેત અર્થ આપણને પ્રતીત થાય છે ખરો? આવતી કાલે કોઈ આપણને 'લોખંડ મુક્ત ભારત બનાવીએ' એમ કહે તો આપણને હસવું આવશે અને આપણે કહેનારની મજાક કરીશું, કારણ કે એ અશક્ય છે. પ્લાસ્ટિક બાબતે પણ એ જ વાત ખરી છે એમ કહી શકાય. આજે પ્લાસ્ટિક માનવીય જીવનનું અવિભાજ્ય અંગ બની ગયું છે.
આપણને પ્લાસ્ટિક મુક્ત ભારત શા માટે જોઈએ છે? કારણ કે આ તમામ પ્લાસ્ટિકને કારણે આપણો પરિસર ખરાબ થાય છે, ગંદો થાય છે! પ્લાસ્ટિકમાં શું જીવ છે? એનો જન્મ આપણો પરિસર ખરાબ કરવા થયો છે કે શું? ઊલટું, પ્લાસ્ેિટક બહુગુણી મટિરિયલ છે. વજનમાં એકદમ હલકું, ક્યારેય નષ્ટ ન થનારું, વિવિધ ગુણ ધરાવતું, બનાવવામાં સરળ-સહેલું, દેખાવમાં આકર્ષક અને અત્યંત સસ્તું એવું આ મટિરિયલ છે. એનાં અવિનાશીપણા અને સસ્તાપણાંના ગુણે પ્લાસ્ટિકને બદનામી આપી છે! હવે ખરો મુદ્દો, ખરો સવાલ આવે છે કે, સમાજે પ્લાસ્ટિક બાબતે માહિતગાર કેવી રીતે થવું? એક સમાજ તરીકે આપણે સૌ આ બાબતનો ગંભીરતાથી વિચાર કરતા નથી. ખરેખર તો પ્લાસ્ટિકના વધારે પડતા સસ્તાપણામાંથી આ સવાલ ઊભો થાય છે. કયા પ્લાસ્ટિકમાંથી વધારે ને વધારે કચરો પેદા થાય છે એ બાબતનો આપણે અભ્યાસ કરીએ તો ધ્યાન પર આવશે કે જે પ્લાસ્ટિક કૉડીના ભાવે આપણને સહેલાઈથી ઉપલબ્ધ થાય છે અને જે રિસાઈકલ થતું નથી કે રિસાઈકલ કરી શકાતું નથી એ જ પ્લાસ્ટિક કચરામાં ફેંકી દેવાયેલું હશે. સામેના છેડે જે પ્લાસ્ટિકનો ભંગાર બજારમાં સરખો-સારો ભાવ મળે છે એ પ્લાસ્ટિક ફેંકી દેવામાં આવે તો કોઈને કોઈ એ ફેંકેલું પ્લાસ્ટિક જીવવા માટે ઉપાડી લેશે. એ રિસાઈકલ થાય છે. રિસાઈકલ થઈ શકે એવું પ્લાસ્ટિક નિસર્ગમાં, પ્રકૃતિમાં ભારે ઊથલપાથલ મચાવે એવી સંભાવના બહુ જ ઓછી હોય છે, મોટાભાગે નગણ્ય હોય છે. આપણા ભારતમાં સમાજને અતિ પાતળાં, અતિ સસ્તાં અને અવિનાશી પ્લાસ્ટિકથી મુક્ત કરવાનો છે, પણ એ વાત પર ધ્યાન નહીં આપીને આપણે જાણે તમામ પ્રકારના પ્લાસ્ટિક સામે યુદ્ધ પોકારી દીધું છે. એક વાત તો તરત જ સમજી લેવી જોઈએ કે સમસ્યા, સવાલ સમજાશે તો તેનો જવાબ મેળવવાનું સહેલું થઈ જાય છે. આપણને સમસ્યા સમજાઈ ગઈ છે તો એમ કહી શકીએ કે અતિ પાતળું, અતિ સસ્તું પ્લાસ્ટિક બનાવવાનું બંધ કરવું જોઈએ. સ્વાભાવિક છે કે જો આવો નિયમ બનાવો તો જે લોકોનું જીવન આ પ્રકારનું પ્લાસ્ટિક બનાવવા ઉપર જ નિર્ભર છે એ લોકો અસહકાર કરવાના જ, પછી એમની સામે હંમેશાં સરકારેે નમતું જોખવું પડે છે..., પણ જે સરકારે આ દેશમાં અશક્ય જણાતી નૉટબંધી કરી દેખાડી એ સરકાર પાતળાં, સસ્તાં પ્લાસ્ટિક પર બંધી કેમ લાદી શકતી નથી? એ સિવાય પણ સસ્તાં પ્લાસ્ટિક પર મોટા પ્રમાણમાં ટેક્સ લગાડીને એકદમ મોંઘું બનાવી દેવાનું કાર્ય તો સરળ છે. પેટ્રોલની કિંમતમાં એક રાતમાં વધારો થાય છે તો અતિ સસ્તું પ્લાસ્ટિક મોંઘું કરવામાં કેટલો સમય લાગે? અતિ પાતળું અને અતિ સસ્તાં પ્લાસ્ટિક પર કરવેરો લાદવાનો વિચાર સરકારે હવે, આ સમયે ગંભીરતાથી કરવો જોઈએ. પ્લાસ્ટિકનો નાશ ન પામવાનો એટલે અવિનાશીપણાનો જન્મદત્ત ગુણ છે. એ ક્યારેય અને કદી પણ નષ્ટ થવાનું નથી. એ ક્યારેય પ્રકૃતિમાં ભળી શકવાનું નથી. પ્લાસ્ટિક સેંકડો વર્ષો સુધી જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં ટકી રહેવાનું છે. પ્લાસ્ટિકના ખોટી રીતના વપરાશે આપણે એના આ ગુણને દુર્ગુણ ઠેરવી દીધો છે. એટલે જ કોઈએ બદલાવાનું હોય તો તે આપણે જ બદલાવાનું છે. પાતળું પ્લાસ્ટિક બનાવવાનું બંધ કરવું, પ્લાસ્ટિકને મોંઘું બનાવવું જેવી બાબતો સામાન્ય માણસના હાથમાં નથી, પણ જનતા કે સામાન્ય લોકો, જેમને પ્લાસ્ટિક ફેંકી દીધા બાદ વિદ્રુપ-ખરાબ પરિસરનો સૌથી વધારે ત્રાસ થાય છે, તેમના જ હાથમાં આવા પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવાનું છે! તો જનતા શા માટે એમ નથી કરતી? સામાન્ય લોકોએ-જનતાએ જો એમ કર્યું તો ત્રાસ આપનારા પ્લાસ્ટિકનો જવાબ શોધવાની બાબત ઝાઝી મુશ્કેલ રહેશે નહીં. સમાજે-લોકોએ પોતે થઈને આ પગલું ભરવું એ પણ પાછી મૂળભૂત સમસ્યા છે. જો કોઈ સુધારણા કરવાની હોય તે સરકારે કરવી. અમને ફાયદાકારક હશે તો અમે એમાં સહભાગી બનીશું, એવું વલણ સમાજમાં ઊંડું ઊતરી ગયું છે. અતિ પાતળાં અને અતિ સસ્તાં પ્લાસ્ટિકની ચૂડમાંથી સમાજે છૂટવું હશે તો જનતાએ સૌપ્રથમ આ પ્રકારનું પ્લાસ્ટિક વાપરવાનું બંધ કરી દેવું પડશે. નિયમ, દંડ, સજા કરીને કોઈ પણ સમસ્યા દૂર કરી શકાતી નથી, કારણ કે છટકબારીઓ શોધી કાઢવામાં આપણે ઉસ્તાદ છીએ. પહેેલી વાત જ એ છે કે આ પ્રકારનાં પ્લાસ્ટિકનો વપરાશ જ જો બંધ કરી દેવાય તો એની માગ ઘટવાથી એનું ઉત્પાદન આપોઆપ થંભી જશે. ધારો કે આમ થઈ શક્યું તો સવાલ છે કે આજે અસ્તિત્વમાં છે એ પ્લાસ્ટિકનું શું? તરત જ આ સવાલ પૂછાવાનો. આવા પ્લાસ્ટિકનું ઉત્પાદન બંધ થઈ જાય તો રહી ગયેલા કે આજે હાથમાં છે એ પ્લાસ્ટિકને ભેગું કરવાની બાબત એવી ગંભીર નહીં રહે. અનેક સંસ્થા આવા પાતળા પ્લાસ્ટિકમાંથી તેલ કાઢે છે. કેટલાક વળી આ પ્લાસ્ટિકમાંથી પેકિંગનું મટિરિયલ બનાવે છે. એ લોકો સુધી આ પ્લાસ્ટિક પહોંચાડવાની જવાબદારી જેણે એનો વપરાશ કર્યો છે એની હોવી જોઈએ. હવે સવાલ થાય રૅપિંગની, પેકિંગની સમસ્યા કેવી રીતે દૂર કરવી? આ સમસ્યાનો સહેલો ઉપાય એક દહીં વેચનારે કર્યો છે. એક જણ દહીં લેવા ગયો. વિક્રેતાએ દહીં આપ્યું ને ઘરાકને કહ્યું, "૬૫ રૂપિયા દહીંના અને ૨૫ રૂપિયા આ ડબ્બાના. ઘરાકે કહ્યું, "મને ડબો નથી જોઈતો. તો વિક્રેતાએ કહ્યું, "તો પછી તમારો ડબ્બો લઈ આવો નહીં તો આ ડબ્બો પાછો આપીને તમારા ૨૫ રૂપિયા પરત લઈ લેજો. બિસ્કિટ, મમરા, પાણીપૂરીની પૂરી, વૅફર, ચૉકલેટ જેવા અનેક પદાર્થ આજે પ્લાસ્ટિકના રૅપરમાં પૅક કરેલાં આવે છે. આ વિક્રેતાઓ ડબ્બાનો વિકલ્પ અમલમાં મૂકશે કે? બની શકે કે એમ કરવું કદાચ તેમને માટે શક્ય ન થાય, પણ જાડાં પ્લાસ્ટિકના રૅપર, જેનું રિસાઈકલ કરવું શક્ય હોય એવી સામગ્રી તો વિક્રેતા નક્કી જ વાપરી શકે છે. વપરાઈને જેનો ઉપયોગ ખતમ થઈ ગયો હોય ને વપરાશકારે એને રસ્તામાં ફેંકી દીધું હોય એવું પ્લાસ્ટિક મહાભયાનક રાક્ષસ છે. એને જન્મ આપનારો કારખાનેદાર પ્રકૃતિનો ગુનેગાર છે તો આવા પ્લાસ્ટિકની સેવા લઈને એ ગમે ત્યાં ફેંકી દેનારો માણસ તો વળી કુદરતનો મહા મહા દુષ્ટ વિરોધી છે એમ ચોક્કસ જ કહી શકાય. આપણે નિસર્ગનો, કુદરતનો જ એક હિસ્સો છીએ. એ આધારે પ્લાસ્ટિકનો ગેરવપરાશ કરીને આપણે જ પોતાના પગ ઉપર કુહાડી મારીએ છીએ. આપણે વેળાસર નહીં જાગીએ તો આપણે જ પેદા કરેલો પ્લાસ્ટિકરૂપી મહારાક્ષસ ક્યારે આપણને ગળી જશે એની ખબર સુધ્ધાં નહીં પડે. તો અતિ પાતળાં પ્લાસ્ટિકનું ઉચ્ચાટન કરવું અશક્ય છે કે? એ સવાલનો જવાબ છે, 'જરા પણ નહીં.' એવી તો કંઈ કેટલીય બાબતો આપણે કરી દેખાડી છે. અછબડાં-ઓરી, પ્લેગ જેવા રોગોનું સમૂળગું ઉચ્ચાટન આપણે કર્યું છે. પોલિયો પણ નાબૂદ થવાના આરે આવી ગયો છે. તમાકુનું સેવન કરવું અને ધૂમ્રપાનની કુટેવ બાબતે સતત ટોક્યા કરવાથી, એના દુષ્પરિણામોની સતત જાણ કર્યા કરવાથી એમાં હવે ઘટાડો થયાનું જોવા મળી રહ્યું છે. સ્વચ્છ પરિસર, સ્વચ્છ ભારત એ ઝુંબેશ પ્લાસ્ટિકના વિરોધમાં નથી, પણ પ્લાસ્ટિકના ખોટી રીતના વપરાશની વિરોધી છે, એ બાબત દરેક જણે ધ્યાન પર લેવી ઘટે! બદલાતા રહેવું, પરિવર્તન પામતા રહેવું એ કુદરતનો, પ્રકૃતિનો સ્થાયી ભાવ છે. 'અતિરેક હોય ત્યાં વિનાશ હોય', એ કથન તો આપણને સૌને ખબર જ છે ત્યારે કુદરત આપણને ફટકો મારે એ પહેલા આપણે જાગીએ. આપણે બદલાઈએ. પ્લાસ્ટિક મુક્તિ માટે અજ્ઞાનીની જેમ ભટક્યા કરવાને બદલે પ્લાસ્ટિક સંબંધી જાણકાર બનીએ અને આપણો પરિસર સુંદર બનાવીએ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OuMjRH5hzttgHJZgM7Dr%2B42r67aC4GBwY46_HyZkDU3zQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment