વનલીલાએ જ્યારે આ કહ્યું ત્યારે સુરેનને નશેમન ગુલ ગુલ દિલમેં બાગ બાગ થઈ ગયું. જાણે બગાસું ખાતાં મોઢામાં પતાસું આવી ગયું. વાત પણ એની પતાસાં જેવી મીઠી મધ જેવી હતીને! જોકે અહીં મધ એટલે સંદર્ભે મદ્ય છે. વરસમાં બે-ત્રણ વાર આવા આકસ્મિક રંગતના પ્રસંગો આવી જાય છે અને તે માટે વનલીલાનાં સંગીતપ્રેમનો શુક્રગુઝાર.
વરસમાં બે-ત્રણ વાર સંગીતના પ્રોગ્રામ માટે વનલીલાને સુરત-રાજકોટ જેવા શહેરમાં જવું પડે છે. સાથે એની બંને સહેલીઓ લતા અને નીરૂને પણ સાથે લઈ જાય છે. આમ સુરેન, સુકેતુ અને નરેનને નશીલી પાર્ટી કરવાનો મોકો મળી જાય છે. સુરેન, સુકેતુ અને નરેન ત્રણેય બાળપણના મિત્રો-લંગોટિયા મિત્ર કહી શકાયું. એક જ ગામના-પ્રાથમિક શિક્ષણ તે નાના ગામડામાં પછી કૉલેજ અભ્યાસ બાજુના શહેરમાં-કૉલેજ પછી બધા અલગ પડી ગયા. વર્ષો પછી અનાયાસ મુંબઈમાં મેળાપ થઈ ગયો. સુરેન સી.એ. છે. ધીકતી પ્રેક્ટિસ છે. સુકેતુ બિલ્ડર છે અને નરેન ડૉક્ટર છે. બધા સાન્તાક્રુઝ-પાર્લામાં રહે છે. થ્રી બીએચકે ફ્લેટ ઘરમાં બબ્બે ગાડી આમ સંપન્ન છે. ત્રણેયની પત્નીઓ પણ હવે સહેલી બની ગઈ છે. વનલીલા આ લોકો સાથે કૉલેજમાં સાથે હતી, તેના પપ્પા અને સુરેનના પપ્પા મિત્રો આમ એ લોકોનું ગોઠવાઈ ગયેલ. - જો આ વખતે મસાલા કાજુ ખાસ ક્રાફર્ડ માર્કેટથી લાવ્યો છું. કંઈ ગરબડ ન જોઈએ. - ચાલો બધું ગોઠવાઈ ગયું હવે ફ્રીઝમાંથી અંગુરકી બેટીકો નીકાલો-અરે એક મિનિટ, એક મિનિટ આ ખૂણામાં પડેલ વનલીલા ભાભીની સિતાર ઉપર આ કપડું લગાવી દઉં એની સામે ક્યાં આપણે આવું બધું... એમાં કંઈ વાંધો નહીં એને સૂર સાથે સંબંધ છે. ને આપણે સૂરા સાથે ફક્ત કાનો-માત્રાનો ફર્ક છે-સુરિયા આ ડ્રોઈંગ રૂમમાં ગોઠવવા કરતાં ગેસ્ટ રૂમમાં રાખ્યું હોત તો ! કદાચ બનવાકાળને એ લોકો પાછા આવી ચડે તો! એય શુભ શુભ બોલ તેં તો મને ગભરાવી મુક્યો અને એ લોકો પાછા ક્યાંથી આવે? ફ્લાઈટ તો ક્યારની ઊપડી ગઈ. બરાબર ત્યારે જ ડોરબેલ રણકી ઊઠી. માર્યા ઠાર, કેતુ તું આ બધું અંદરના રૂમમાં લઈજા-નરેન તું પણ જરા હાથ હલાવ હું જોઉં છું કોણ છે, જે હોય તેને બહાર વાતચીતમાં રોકી રાખું છું. સુરેને પીપહોલમાંથી બહાર નજર કરી. બોલ્યો 'આલબેલ... સબ સલામત ...આરામથી... આરામથી કોઈ ભય નથી. આ તો કવિવર શ્રી વિહારીનાથ ઠાકુર પધાર્યા છે. વિહારી પણ આ લોકોનો નાનપણનો મિત્ર છે. નામી કવિ છે. 'આ વિહારી પણ એવો છેને! મારો તો શ્ર્વાસ અધ્ધર થઈ ગયેલ અને સાલો એવા ટાઈમે આવે કે આપણે કંઈ આગતાસ્વાગતા પણ ન કરી શકીએ. જ્યારે આવે ત્યારે વનલીલા ઘરમાં ન હોય ત્યારે જ ટપકી પડે. વનલીલા ઘરમાં હોય તો કંઈ ગરમ ગરમ નાસ્તો પણ બનાવી નાખે અને આજે આપણે એને કંઈ ઓફર પણ ન કરી શકીએ એ રહ્યો પાછો મહાત્મા. 'ઓહો, તો આજે તમારા લોકોની આ સ્પેશ્યલ પાર્ટી ચાલી રહી છે, ભાઈ આમાં તો હું કબાબમાં હડ્ડી જેવો થઈ ગયો. એનીવે, નો પ્રોબ્લેમ તમને લોકોને ડિસ્ટર્બ નહીં કરું હું પછી કોઈ વાર આવી ચડીશ. 'અરે એમ તે હોય કંઈ બેસ, બેસ તું ક્યાં પારકો છે? બેસ મજા આવશે. જૂની વાતોના ગપાટા મારશું, તને પણ કંઈક ફ્રૂટજ્યુસ જેવું નીચેથી મંગાવી દઉં છું.' 'એ ભાઈ જો એ આપણી સામે બેસીને જ્યુસ કે લસ્સી જેવું કંઈ પીશે તો આપણને ઠીક નહીં લાગે-મજા નહીં આવે. એને પણ પેપ્સી થમ્સઅપ જેવું કંઈક ગ્લાસમાં આપ જેથી દેખાવમાં આપણા જેવું લાગે.' 'આમ તો એને પણ આપણી સાથે જોડી શકાય, પણ એ તો મહાપુરુષ. કંઈ ખોટું કરાય નહીં, કદી ખોટું બોલાય નહીં, કદી કોઈનું ખરાબ વિચારાય નહીં, આડું-અવળું કંઈ કરવાનું નહીં. શ્રીમાન સત્યવાદી, આદર્શવાદી.' 'કેતુડા એવું કંઈ નથી. આ સુરેન અને વનલીલાની સગાઈ થઈ ત્યારે સુરેને આપણને પાર્ટી આપેલ ત્યારે આ શ્રીમાન આદર્શવાદીએ ભરપૂર પીધેલ મને બરાબર યાદ છે. 'કોઈ નશો ચડાવવા પીએ છે, કોઈ નશો ઉતારવા' 'એ કવિવર જરા એક-બે પગથિયાં ઊતરી જાવ, કંઈ અમને સમજાય એવું બોલો, અમારું સ્તર એટલું ઊંચું છે કે તમારી ઊંચી ભાષા સમજી શકીએ.' 'અને ઓય, નશા બે-ત્રણ પ્રકારના હોય છે. સંપત્તિનો નશો, સ્ટેટસનો નશો કે પછી પ્રેમનો નશો તો આપને આમાંથી કયો નશો ચડેલ કવિવર?' 'અને આપણે તો ડૉક્ટર, એન્જિનિયર કે વકીલ બન્યા એટલે આપણી કુંડળીમાં જીન્સમાં પ્રેમ નામનું કોઈ તત્ત્વ કદાચ ન હોય, પણ આ વિહારી તો જન્મજાત કવિ છે. યાદ છેને નાનપણથી શાયરી-ફાયરી કર્યા કરતો, તો એનામાં તો પ્રેમનો અંકુર હોય જ તો એ અંકુરનો ક્યારેક તો કોટો ફુટ્યો હશે જ ને!' વિહારીએ કહ્યું, 'કોણે કહ્યું કે ડૉક્ટર એન્જિનિયરમાં પ્રેમના અંકુર ન હોય. યાદ છે આપણા કલાસમાં ભણતી પેલી કલીકા સાથે આ નરેનને તો નાનો કોટો નહીં મોટું વટવૃક્ષ થયેલ.' 'એ કંઈ પ્રેમ ન કહેવાય, પ્રેમ તો બહુ ગહન ચીઝ છે. અત્યારે આ લતા રૂપસુંદરી જેવી છે અને સર્વાંગ મારી છે, પણ તે વખતે નોટબુકની આપલે કરતાં ફક્ત એક બીજીનાં આંગળાંના સ્પર્શ માત્રથી કેવી ઝણઝણાટી થઈ જતી, પણ એ કંઈ પ્યાર બ્યાર જેવું ન હતું. બાકી આપણા જમાનામાં તો લગ્ન નક્કી થતાં, બાપાના દિમાગમાં ને લગ્ન ઉજવાતાં બાપાના ફળિયામાં-પણ વિહારી આજ તો તારી જ વાત કર અમે તો લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયા છીએ, અમારી વાતો પૂરી થઈ. તું હજી એકલો કેમ છે? મતલબ કંઈ પ્રેમ-પ્રકરણ હતું?' 'આજ તો મહેફિલ જામી છે-રંગત છે-આજનો થોડો રંગ માણી લે, વિહારી આ આપણા અંગત લોકોની મહેફિલ છે.' એમ કહીને નરેને વિહારીને ગ્લાસ અરધો ભર્યો. 'જો આજે ના પાડતો નહીં, મિત્રોને ખાતર થોડું ગળું ભીનું કર.' 'ગ્લાસ ખાલી કર ને મનમાં જે હોય તે પણ ખાલી કર બધા આપણા જ છે.' વિહારીએ કહ્યું-'આટલાં વર્ષોથી તમારી સાથે જ છું. તમારાથી શું છુપું? ખરેખર મારા જીવનમાં પ્રેમ જેવું કંઈ ન હતું. આપણે તો પેલી ગઝલમાં આવે છે ને તેમ જિગર તરબોળ રાખ્યું છે, નજર ઘેઘૂર રાખી છે. જિંદગીને જીવનના નશામાં ચૂર રાખી દે' 'પણ વિહારી ઘણી વાર હસતાં ચહેરા પાછળ દર્દ છુપાયેલ હોય છે.' સુરેને ગ્લાસ ભરી વિહારી સામે સરકાવ્યો. 'વિહારી, જે રીતે તારી કવિતામાં વ્યથા હોય છે-તડપન હોય છે એ એક ભગ્નહૃદયના પ્રેમીની આહ જેવી છે. જો હવે ભૂતકાળને બદલી શકાવાનો નથી એનો ધુંધવાટ મનમાં રાખ્યા કરતાં એ ઠાલવી દે અમે ક્યાં તને કોણ હતી એ કે શું હતું કંઈ પૂછવાના છીએ' આમ કહી સુકેતુએ ભરેલો ગ્લાસ વિહારીના હાથમાં પકડાવ્યો. વિહારીએ ગ્લાસ ખાલી કર્યો, આંખો બંધ કરીને બેઠો, જાણે અંદર ઊતરી ગયો. જાણે સ્વગત બોલતો હોય તેમ ધીમા અવાજમાં બોલ્યો-'કાલીઘેલી એ પળોના સમયને વર્ષો થયાં એક ચહેરો નજર સામે હોવાના દિવસો ચાલી ગયા.' ચહેરા ઉપર વ્યથા ચીતરાઈ. 'વિહારી... બોલ... બોલી નાંખ વિહારી.' 'શબ્દની બેડી પડી છે જીભમાં શું બોલીએ, અને તમે સમજો નહીં મૌનમાં શું બોલીએ?' 'વિહારી, તારી વ્યથા જ તારા પ્રેમની ચાડી ખાય છે.' 'હા મિત્રો મને પણ કૉલેજકાળમાં પ્રેમ થઈ ગયેલ.' વિહારીની આ વાત આ ત્રણેય મિત્રો માટે નવી હતી. 'વિહારી તેં તો આ બાબત અમને કંઈ અણસાર આવવા દીધો નથી.' 'બધું એકપક્ષી હતું. મિત્રો.' વિહારીએ બાજુમાં પડેલ ગ્લાસ ખાલી કર્યો. 'પણ વિહારી એ દિવસોમાં તો તારી આગળ પાછળ છોકરીઓ પતંગિયાની જેમ ફરતી-જો તેં એ છોકરી પાસે એકરાર કર્યો હોત તો એ ચોક્કસ તારી જિંદગીમાં આવી ગઈ હોત. તારે માટે તો કેટલીયે છોકરીઓ તડપતી.' 'તારી વાત સાચી છે, પણ કુદરતના આટાપાટા જ નિરાળા છે. અત્યારે મારી પાસે ગાડી, બંગલો બધું છે, પણ ત્યારે મારી કેવી મુફલિસી હતી તે તમે બધા જાણો છો. નાની રૂમમાં રહેવાનું એમાં પથારીવશ માંદી માનો ખાટલો જ્યારે એ છોકરી દોલતમંદ કુટુંબની-ઘરમાં નોકર ચાકરની ભરમાર હું તેને મારા ઘરમાં લાવીને દુ:ખી કરવા નહોતો માગતો-આમ આ બધું કાળની ગર્તામાં ધરબાઈ ગયું.' 'પણ વિહારી તારી આવી ઉત્કટ લાગણીનો એ છોકરીને કંઈ અણસાર ખરો?' નરેને પૂછ્યું. વિહારીએ બાજુમાં પડેલ ગ્લાસ ખાલી કર્યો. બધી ભરાયેલ લાગણી મનમાંથી કાઢી નાખી એટલે ખાલીપણાની ભાવના હોય કે પછી જે કંઈ હાંસલ ન થઈ શક્યું તેના અફસોસનો ભાર હોય પણ મગજ ભાર અને ખાલીપણાનું જાણે સંતુલન ગુમાવતું હોય તેમ અર્ધ બેહોશ અવસ્થામાં ટેબલ ઉપર વિહારીએ માથું ઢાળી દીધું. મોઢેથી અસ્પષ્ટ ઉચ્ચાર સરી પડ્યા... ના, વ...ન. લીલા. ને આની કંઈ જાણ નથી. ત્રણેય મિત્રો અવાચક થઈને હાકાબાકા જેવા એકબીજા સામું જોઈ રહ્યાં. બહાર કડાકા સાથે કમોસમનો વરસાદ તૂટી પડ્યો. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ov%3Dbhjzq5GQQ%3Du_aJOYy7rSncWxdwcqoAg2E%2BLthBHkUQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment