આર્મી ઑફિસર્સના ઘરનું ફરજંદ. બાળપણથી સપનું જુએ કે લશ્કરમાં જોડાવું, 'કમાન્ડો' બનીને. સ્કૂલ બાદ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પસંદગી પામ્યા. ત્યાં અને ઈન્ડિયન મિલિટરી એકેડેમીમાં ચાર વર્ષની આકરી તાલીમ પૂરી કરી. સપનું સાકાર થવા આડે ઔપચારિકતાઓ શેષ હતી ઑફિસર ટ્રેઈનિંગ કોમ્પિટિશનનો છેલ્લો દિવસ હતો. હા, એમને બરાબર યાદ છે એ ૧૯૯પની ર૯મી એપ્રિલ.
'મારી કંપની 'સંગ્રો'નું હું નેતૃત્વ કરી રહ્યો હતો. ઈન્ડિયન મિલિટરી એકેડેમીમાં મારી પાસિંગ આઉટ પરેડની શરૂઆત મેં એકદમ પ્રભાવશાળી કરી. આઠ ફૂટના ખાડાને કૂદી ગયો ઝિગઝેગ સમતુલા જાળવી અને ઊંચા રેમ્પ પર ચડવાનું હતું. હું સડસડાટ પહોંચી ગયો. ટોચ પર અને અકસ્માતે પડી ગયો.' આ અકસ્માતમાં નવીન ગુલિયાની કરોડરજ્જુને ઈજા થઈ અને આખા શરીરે લકવો મારી ગયો. ડૉક્ટરે ૧૦૦ ટકા ડિસએબલ જાહેર કરવા સાથે ઉમેર્યું 'પેશન્ટ વધુને વધુ ત્રણ દિવસ કાઢશે.' એ એક્સિડન્ટ વખતે નવીનજીની ઉંમર હતી રર વર્ષ અને ગઈ કાલે ૧૬મી જુલાઈએ પૂરા કર્યાં ૪૫ વર્ષ. આજે નવીન ગુલિયા ત્રણ દિવસના જીવનને આખરી મહેતલને જોજનો પાછળ છોડી ચૂક્યા છે. ૧૦૦ ટકા દિવ્યાંગ અને વ્હિલચેર પર હોવા છતાં અનોખા સાહસિક, અનેક એવૉર્ડ વિજેતા, વિક્રમસર્જક, લેખક, વિચારક, સમાજસેવક, અને મોટિવેશનલ સ્પીકર છે. આ બધાથી વિશેષ તેઓ સેંકડો-હજારો માટે પ્રેરણારૂપ છે, જીવતા રહેવાનું કારણ છે. આ ચમત્કાર કેવી રીતે થયો? હરિયાણાના ગુડગાંવમાં રહેતા નવીન ગુલિયા સાથે ટેલિફોન પર આ મિશન ઈમ્પોસિબલ કેવી રીતે પોસિબલ બન્યું એની ઘણી વાતો કરી, જેમાંથી ઘણી તો માની ન શકાય. 'ઈજા બાદ હું જાગ્યો ત્યારે આર્મી ઑફિસર બનવાનું સપનું પૂરું કરવાથી એક ડગલું દૂર હોવાનો અહેસાસ થયો. હવે કમરથી નીચેનું શરીર નિર્જીવ થઈ ગયું હતું. મહિનાઓ સુધી હૉસ્પિટલના બિછાનામાં પડ્યો રહ્યો, ત્યારે ખૂબ વિચાર્યું. ઘણાં પૂછતાં કે તારી સાથે જ આવું કેમ થયું? અને હું વિચારતો કે તમારી સાથે આવું કેમ ન થયું? જો આ કોઈની પણ સાથે બની શકે, તો મારા ચાન્સ સૌની જેટલા જ હોય, હું પૂરાં બે વર્ષ હૉસ્પિટલમાં રહ્યો. હા, ચોથે મહિને જ વ્હિલચેર પર આવી ગયો હતો.' 'આ અવસ્થામાં શું કામ આવ્યું?' 'એક તો હું તાલીમબદ્ધ ખેલાડી હતો ને પાછો લશ્કરમાં હતો. આ બધાએ બહેતર ભાવિ માટે તૈયાર કરવામાં ઘણો ફાળો આપ્યો. એ સિવાય હું રિડર્સ ડાયજેસ્ટ વાચવાનો શોખીન. એમાં ઘણી પ્રેરણા-કથાઓ વાચી હતી. મનોમન સ્પષ્ટ હતો કે જો હું પડકાર ઝીલી લઉં, તો આ સંજોગોને નાથી શકીશ.' 'મેં ક્યારેક જાત પર દયા ન ખાધી. કોઈની સહાનુભૂતિનોય મહોતાજ ન રહ્યો. સૌ પ્રથમ મેં મનને ઉપયોગી કામકાજમાં પરોવી દીધું. મેં પુસ્તકો વાંચવાનું અને ભણવાનું શરૂ કરી દીધું. ખાલી ચેસબોર્ડ પર એકલો ચેસ રમતો. ૧૯૯૯માં કોમ્પ્યુટર્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી લીધી. મારા ઘણાં સાથીઓએ મોટી કંપનીમાં નોકરી સ્વીકારી લીધી, પરંતુ મને ફુલ-ટાઈમ જોબમાં રસ નહોતો. એને બદલે મેં નેશનલ ડિફેન્સ એકેડેમીમાં દિવ્યાંગ સૈનિકોને કોમ્પ્યુટર શીખવવાનું શરૂ કરી દીધું.' 'આ સફરમાં સાહસવૃત્તિ ક્યારે જોડાઈ?' 'આમ તો હું ભણવામાં સાવ સાધારણ હતો. શારીરિક રીતેય નબળો એટલે ક્યારેય ખેલકૂદમાં ભાગ લઈ શકતો નહોતો. સ્કૂલમાં સાથીઓના મેણાટોણાથી હું ખૂબ હતાશ થઈ જતો, પરંતુ હવે લાગે છે કે જીવનમાં હતાશા આવે એ જરૂરી છે કારણ કે એનાથી ઊણપો-મર્યાદા પર કામ કરવાનું જોમ મળે. આથી જ હું બહુ ઝડપથી સ્કૂલનો આગેવાન ખેલાડી બની શક્યો હતો. સ્વભાવથી હું સાહસ-પ્રેમી છું. મારે ભરપૂર જિંદગી જીવવી છે. જોખમો લેવા છે અને મારા દિલની ઈચ્છા પૂરી કરવી છે. કારણ એટલું જ કે આપણી પાસે ખૂબ ઓછો સમય છે. ઘણાંને આશ્ર્ચર્ય થાય છે કે છેલ્લાં વીસેક વર્ષમાં મેં કલ્પના બહારના સાહસો કર્યા છે.' 'થોડી વિગતો આપશો?' 'મેં હેન્ડ-ગ્લાઈડર્સ ઉડાવ્યા ને એડવેન્ચર એરક્રાફ્ટ પણ, મેં ખાસ હેન્ડ ક્ધટ્રોલ્ડ કાર ડિઝાઈન કરી, જે રિજેક્ટ થઈ. આથી મેં ડિફરન્ટલી એબલ લોકો માટે હેન્ડ ક્ધટ્રોલ્ડ કિટ ડિઝાઈન કરી. ર૦૦૪માં હું મારી ખાસ કાર લઈને દિલ્હીથી નીકળી પડ્યો. આમાં એક્સેલેટર, બ્રેક અને ક્લચ સહિતના મોટા ભાગના કંટ્રોલ્સ હાથમાં જ રખાયા હતા. મેં સતત પપ કલાક ડ્રાઈવિંગ કર્યું. ૧૮૬૩૨ ફૂટની ઊંચાઈએ પહોંચ્યો. વિશ્ર્વના સૌથી ઊંચા મોટરેબલ ઘાટ મારસિમિક લા સુધી પહોંચનારી હું પહેલી વ્યક્તિ બન્યો.' 'આ સાહસમાં સફળતાથી તમારી ઓળખ ઊભી થઈ હશે ને?' 'હા, આ કામિયાબી પછી લોકો મને ઓળખતા થયા. લિમ્કા બુક ઑફ રેકોર્ડ્સમાં નામ આવ્યું. જો કે લોકોએ મેં સતત પપ કલાક કાર ચલાવી એ જોયું પણ એ અગાઉની એક હજાર અસફળતાની ક્યાં કોઈને ખબર છે? ક્યારેક ઘણાં બાળકો માસુમિયતથી પૂછે કે કોઈ કેટલી વાર ફેઈલ થઈ શકે? જો તમે એક હજાર વાર નિષ્ફળ જવા મનથી તૈયાર ન હો તો સફળતાના હકદાર નથી.' 'આજ સુધી તમે એક લાખ કિલોમીટર ડ્રાઈવિંગ કરી ચૂક્યા છો. સાથો સાથ સમાજસેવા કરો છો અને લોકોને પ્રેરણા આપો છો. આ બધા વચ્ચે કોઈ કડી છે?' 'જુઓ આપણે જે કંઈ કરીએ કે કરી શકીએ એ મનમાં હોય છે. મને ઘણાં કહે કે અમે તમારી જેવું ન કરી શકીએ. હું માનું છું કે કોઈએ ક્યારેય આવા શબ્દો ઉચ્ચારવા ન જોઈએ કારણ કે સૌથી પહેલાં તમારું મગજ એમ માનવા લાગશે અને તમે જીવનમાં કોઈ પડકારનો સામનો નહીં કરી શકો. બાળપણથી હું પણ વિધેયાત્મક અભિગમ નહોતો ધરાવતો પણ આકરી મહેનત-ધગશ-સાતત્યથી એ કેળવ્યો છે. સાચું કહું તો આજે મને જિંદગીથી કોઈ ફરિયાદ નથી. હકીકતમાં તો સલામતીના ચાહકોને ફરિયાદ રહેવાની કારણ કે તેઓ જોખમ લેતા નથી. કોઈ સમસ્યાના ઉકેલ કે પ્રેરણા માટે મને મળવા આવે ત્યારે મારો પહેલો સવાલ હોય કે તમારો એકશન-પ્લાન શું છે? તમારી સમસ્યાના રોદણા રડવામાં સમય વેડફવાને બદલે ઉકેલની ચર્ચા કરીએ.' 'આજના યુવાનને ટૂંકો મેસેજ આપવો હોય તો શું કહો!' 'જોયેલા સપના પાછળ મચી પડો. મને કોઈ મળે તો હું અચુક પૂછું કે તમે જોયેલા સપનાને સાકાર કરવા માટે આજે શું કર્યુું? મોટે ભાગે જવાબ મળ્યો કંઈ નહીં. અચ્છા, તો ગઈ કાલે શું કર્યું? ફરી એ જ જવાબ મળે. અચ્છા તો પરમ દિવસે શું કર્યું? એ દોહરાવાય. જો પોતાના સપના માટે કોઈનાય પણ આવા જ જવાબ હોય તો માની લો કે એ તમારું સપનું નથી. કે જેના માટે તમે મરવાય તૈયાર થઈ જાઓ અને ઊંઘ ઉડાડી ન મૂકે એ સપનું કેવું? ભલે તમે એક દિવસ મિત્રને ન મળો, કસરત ન કરો, રમવા ન જાઓ કે પૂજા ન કરો. પરંતુ એકેય દિવસ એવો ન હોવો જોઈએ કે જ્યારે સપનાને સાકાર કરવા પ્રયાસ ન કર્યો. ખરેખર એવું હોય તો સપના માટે તમે જરાય ગંભીર નથી. આ જીવન વેડફવા માટે નથી. શ્ર્વાસનું ચાલવું ય બહું મોટી વાત છે. જે લોકો જીવનને વ્યર્થ માને છે, તેઓ માત્ર બે મિનિટ શ્ર્વાસ રોકીને તો જુએ. બધુ સમજાઈ જશે.' 'તમે નાના બાળકો માટે ઘણું કરો છો-એ અંગે જણાવશો?' 'જુઓ, મેં લગ્ન કર્યા છે, પણ બધા ગરીબ, દિવ્યાંગ બાળકોને હું મારા સંતાન માનું છું. આવા બાળકો માટે હું સંસ્થા ચલાવું છું. ર૦૦૭માં મેં ગુડગાંવના ભિખારી બાળકો માટે કામ શરૂ કર્યું, પછી એમાં નજીકના ગામના બાળકોનેય આવરી લીધા છે. પણ લોકોને આ બહુ ન ગમ્યું. હકીકતમાં તો રોડ પર ગંદુંગોબરું, દિવ્યાંગ કે કૃષકાય બાળક દેખાય એટલે આપણે તેને કંઈક આપી દઈને સંતોષ માનીએ. આનાથી આપણા મનને સારું લાગે છે. પરંતુ આ સામાજિક ભ્રષ્ટાચાર છે. એ બાળકને તો ગંદુ જ દેખાવું છે કે જેથી લોકો વધુ દયા ખાય ને ભીખ આપે. આ ભીખની રકમ એના હેન્ડલર લઈ જાય તો ખરેખર બાળકના સુખ માટે તમે કંઈ કર્યું કે એને યાતનાના કૂવામાં વધુ એક ધક્કો માર્યો? તમે ખિસ્સામાં નકામા પડેલા બે-ચાર સિક્કા આપી દો અને જાત પર ખુશ થાઓ, પરંતુ આનાથી એની સ્થિતિ સુધરવાની છે? ના. એની પાસે પોતાનો અવાજ નથી, વિચાર નથી અને વિકલ્પ નથી. આ બાળકોને તમારા સમય, માર્ગદર્શન, તબીબી સારવાર અને શિક્ષણની જરૂર છે. હું બાળકોને આ બધુ આપવા પ્રયત્નશીલ છું.' નવીન ગુલિયા જેવા વધુ માણસોની સમાજને, દેશને અને દુનિયાને જરૂર છે. એમને મળવા કે વાતચીત માત્રથી મક્કમતા અને વિધેયાત્મકતાનો ચેપ લાગે એ કેટલી મોટી સિદ્ધિ અને મૂડી કહેવાય? જેમ નવીન ગુલિયા સાથે વાત કરીએ અને વધુ જાણીએ એમ અહોભાવ વધતો જાય. પોતાની તકલીફો કે મુશ્કેલી માટે રડવાને બદલે તેઓ ખૂબ ઝિંદાદિલીથી જીવે છે. તેઓ માત્ર દિવ્યાંગો માટે નહિ, સૌની માટે રોલ મોડેલ છે. અકસ્માત થયા બાદ કારકિર્દી, જીવન અને સપનાનો કચ્ચરઘાણ નીકળી ગયો, પણ આ યુવાન હૉસ્પિટલમાં નર્સને જોકસ કહેતો હતો અને મોટે અવાજે હસતો હતો. સરકાર સાથે બાખડતો હતો કે ઈન્ડિયન મિલિટરી એકેડેમીમાં પરેડ કરતી વખતે હું ઘાયલ થયો છું એટલે મને પેન્શન મળવું જોઈએ (એ મેળવીને જંપ્યા) અને કૅપ્ટનનો હોદ્દો મળવો જોઈએ. જોકે એમની એક ઈચ્છા અધૂરી રહી કે જે કેડેટનો ધક્કો મારવાથી અકસ્માત થયો એ ક્યારેય મળવા ન આવ્યો. 'એકચ્યુઅલી મારે એને કહેવું છે કે આ બનાવનો મન પર ભાર ન રાખીશ, પણ એનામાં મને મોઢું બતાવવાની હિંમત નથી.' પછી તો કૉમ્પ્યુટર કોર્સમાં ૯૯ ટકા માર્ક્સ લાવ્યા. રોજ દોસ્તો ઊંચકીને સિમ્બાયોસીસ કૉલેજનાં ૪૦ પગથિયાં ચડાવે અને ઉતારે. ને નવીનજીએ કૉમ્પ્યુટર મૅનેજમેન્ટની માસ્ટર્સ ડિગ્રીમાં ફર્સ્ટ કલાસ મેળવ્યો. નવીન ગુલિયાના વ્યક્તિત્વને શોભે એવી વધુ બે વાત. તેમનો કાર ચલાવવા કરતાં વિમાન ઉડાવવું વધુ સરળ લાગે છે. વિમાનના ક્ધટ્રોલ ખૂબ સરળ હોય. સ્ટિયરિંગ ઊંચકો એટલે વિમાન ઉપર જાય અને નીચે લાવો એટલે ઉતરાણ. અને કારની જેમ વિમાન ઊથલી ન પડે! જીવન માટેના જોશે એમને રોમેન્ટિક ફિલ્ડમાંય ગજબનાક સફળતા અપાવી. ગોવાની ખુશી સાથે ઓનલાઈન ઓળખાણ થઈ. એ છોકરી એનું દિલ દઈ બેઠી કે દિલ્હી આવીને પરણી ગઈ. ખરેખર આ બેનમૂન ઝિંદાદિલીને સલામ. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OsZRESP3mKwTVtMX4eksTrk%3DUeYtN5PDaWbbkD%2BqP%2BUvQ%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment