ભાભી મારી મમ્મીને વૃદ્ધાશ્રમમાં મોકલવાની જીદે, તો ભાઈ લાચાર
સવાલ: હું પરણીને દસ વર્ષથી સાસરે છું. આમ તો બધું ઠીકઠાક જ ચાલે છે. મારાં સાસરામાં બધાનું મન રાખીને જીવો તો ઠીક નહીં તો બે-ચાર વાસણ ખખડશે જ તે હું જાણું છું. પણ મારે ઝઘડા નથી કરવા એટલે ચૂપચાપ રહી જીવે જાઉં છું. હમણાં પ્રોબ્લેમ પિયરમાં ઊભો થયો છે. મારા ખૂબ ભણેલા સધ્ધર ભાઈ-ભાભી મારી મમ્મીને વૃદ્ધાશ્રમમાં મૂકવા કહી રહ્યા છે. મારું મન કકળી રહ્યું છે. મારા સાસરાવાળા મારી મમ્મીને મારી પાસે રાખવાનો વિચાર સુધ્ધાં ના કરવા દે અને મમ્મી માટે શું કરું તે જ નથી સમજાતું. મમ્મી દુ:ખી છે પણ તેની પાસે પણ કોઈ રસ્તો નથી ઘરનો કંકાસ ઓછો કરવાનો. ભાભી સમજવા તૈયાર નથી, ભાઈ મજબૂર છે. હું શું કરું?
------------------------------ જવાબ 'વૃદ્ધાશ્રમ કોઈ પણ સમાજ પર લાગેલું કલંક છે.' આ હું દૃઢપણે માનું છું. એક સમય એવો હતો કે દીકરો હોવો કોઈ પણ કુટુંબ માટે અનિવાર્ય મનાતું. દીકરે દીવો થાય તેવું માનનારા આજે પણ ઓછા નથી. પણ તે કુળદીપક જ કુલાંગાર પાકે અને આખું કુટુંબ ખેદાનમેદાન થાય તેવા કિસ્સા સમાજમાં ઘણાં બને છે. આજે લોકોનો દીકરી પ્રત્યે દૃષ્ટિકોણ થોડો ઘણો બતલાયો છે. દીકરીને પણ ઘણી જગ્યાએ એટલું જ માન અપાય છે. જેટલું દીકરાને, પણ એમાંની જ કોઈક દીકરી પણ ક્યારેક કુસંસ્કારી પાકે ત્યારે તમે કહ્યું તેવા સંજોગો ઊભા કરે છે. તમારો ભાઈ તમારાં ભાભીને કારણે જ ધર્મસંકટમાં મુકાયો હશે ને? ભાભી પણ કોઈકના ઘરની દીકરી જ છેને? કેવો વિરોધાભાસ ને? એક બાજુ કહેવાય દીકરી બે કુળ અજવાળતી ઘરદીવડી અને સામા પક્ષની હકીકત એ છે કે સમાજમાં આટલા બધા વૃદ્ધાશ્રમોના અસ્તિત્વમાં નિમિત્ત બનનાર વહુ પણ કોઈકની તો દીકરી જ છેને? તે એમ નથી વિચારતી કે મારાં માતા-પિતાને હું નથી ભૂલતી તો મારાં ઘરમાં રહેલા સાસુ-સસરાએ પણ મારા પતિને લોહીપાણી એક કરી મારી જેમ જ ઉછેર્યો હશે. દીકરો માની વાત માને તો 'માવડિયો' અને વહુનું માને તો 'વહુઘેલો'. દરેક દીકરો ઈચ્છતો હોય છે કે પત્ની અને માતા બંનેનાં સંવાદિતા જળવાય તો જ ઘરમાં શાંતિ રહે, પરંતુ પત્નીનું અડિયલપણું અને ક્યારેક માતાનું પણ ક્રૂર વલણ સંસાર સળગાવીને જ જંપે છે. તમારાં કેસમાં તમારી માતાનાં સ્વભાવ વિશે નથી જાણતી એટલે વધુ ના કહી શકું, પણ તમારો પ્રશ્ર્ન વાંચી એટલું સમજી શકી છું કે રોજના કંકાસથી બચવા ભાઈ આ નિર્ણય લેવા જઈ રહ્યો છે. જો તમારી જેમ જ તમારાં ભાભી પણ સમજુ હોત તો કદાચ આ વેળા ના આવી હોત. આજકાલ ઘણાં ઘરોમાં જોવા મળી રહ્યુંં છે કે નવાંગતુક પત્ની પહેલેથી જ મનમાં સાસરિયાઓ પરત્વેના પૂર્વગૃહ લઈને જ પ્રવેશ કરે છે. આમાં દીકરાઓ ખોટા દંડાઈ જાય છે. દીકરો તો કોક જ હોય જે ખુશીખુશી માને વૃદ્ધાશ્રમમાં ધકેલવા માગતો હોય, મૂળ જડ ઘરમાં સાસુ-વહુ વચ્ચે રહેલો વિસંવાદ હોય છે. સાસુને સદંતર હડધૂત કરતી વહુ વિચારતી નથી કે તેની પણ મા છે, તેની ભાભી તેની સાથે આવું વર્તન કરશે તો? તમે હમણાં તો તમારાં ભાઈ-ભાભી બંને સાથે પહેલાં એકલાં વાત કરો અને છતાં વાત વણસતી લાગે તો તમારાં કુટુંબના કોઈ વડીલને દરમિયાનગીરી કરવા કહો. આ બધું કરતાં પહેલા એક વાર તમારાં પતિ સાથે પણ ચર્ચા કરો કે શું કરવું? અને તમારાં માતા સાથે પણ મનમોકળી ચર્ચા કરો. ક્યાંયથી પણ એકાદ તાર ફરી જોડાય તેવો લાગે તો સારું જ છે, પણ તમારી માતાને લાગતું હોય કે આ જ એકમાત્ર અંતિમ ઉપાય છે અને ભાઈ પણ તૈયાર હોય તો તમારાં મનમાં આ બોજ લઈ તમે પરિસ્થિતિ તો નહીં જ બદલી શકો ને? એમ પણ બને કે, વૃદ્ધાશ્રમમાં અનેક સમદુ:ખીયા લોકોમાં તમારી માતાને કોઈ સહિયર મળી જાય. ઘણાં વૃદ્ધાશ્રમોમાં વૃદ્ધો ખરેખર જીવનનો અંતિમ તબક્કો ખૂબ ખુશહાલીમાં વિતાવે છે. ઘરના લોકોની જેમ જ તેઓ એકબીજાની સંભાળ લે છે અને માતાના ગયા બાદ પણ તમે તેમને પરત લાવવાના પ્રયત્ન કરતાં જ રહેજો. કદાચ ભાઈ-ભાભીને પોતે ખોટું કર્યું તેવો અહેસાસ થાય. આ પરિસ્થિતિમાં તમે કંઈ કરી શકો તેમ નથી તો તેને શરણે જવામાં જ સાર છે. ઘણી વખત એવું બને છે આપણે લાચાર હોઈએ સંજોગો સામે. તે વખતે કંઈ ચાલે નહીં, આપણું. સમય જ આનો ઉપાય બતાવશે. તમે પોતે કમાતા હોવ તો તમે તેમને કોઈ અલગ ઘરમાં ભાડે પણ રાખી શકતે, પણ તેવી કોઈ શક્યતા પણ આ કેસમાં નથી. તેથી તમે તમારાં સ્તર ઉપર જેટલું બને તેટલું વધુ તમારી માતાને દૂર રહીને પણ હૂંફ આપવાનું કામ કરી શકો. દુનિયાનું કડવું કહેવાય તેવું સત્ય છે આ. આજની દીકરીઓ ઘણી આગળ નીકળી ગઈ પણ વૃદ્ધાશ્રમની વધતી સંખ્યામાં ક્યાંક તેમનો ફાળો ચોક્કસ જ છે. શા માટે લગ્ન પછી જ દીકરા મા-બાપને વૃદ્ધાશ્રમમાં છોડવા તૈયાર થાય છે? આ પ્રશ્ર્નના જવાબમાં દીકરીઓને વિચારવા જેવું ઘણું મળશે. ખેર ભગવાન તમને તમારી પરિસ્થિતિ મુજબ વર્તીને સમયને જીતવાની શક્તિ આપે તે જ પ્રાર્થના. ------------------------- લગ્નનાં પચ્ચીસ વર્ષેય પતિ મને હડધૂત જ કરે છે સવાલ: તમારાં આગળના લગભગ બધા સવાલ-જવાબ મેં વાંચ્યા છે. પતિ-પત્નીના સંબંધ વિશે તમે આગળ ઘણું જણાવ્યું છે. પણ મારી વાત કદાચ અલગ છે. મારા પતિ હું કોઈ પણ વાતમાં મારો મત દૃઢતાથી મૂકવા પ્રયત્ન કરું કે તરત જ શરૂ કરશે કે, તું દલીલ કરે છે. હંમેશાં દર વાતમાં ચર્ચા કરે છે. કોઈ પણ વાતમાં તેમને મારો દોષ જ દેખાય. અમારાં લગ્નજીવનને પચીસ વર્ષ થયાં. છેલ્લે સામાન્ય વાતચીત ક્યારે કરી અમે તેં સુધ્ધાં હું ભૂલી ગઈ છું. દર વાતમાં વડચકા જ તૈયાર હોય. હું કમાતી નથી કે નથી પિયરમાં જવાય તેવું ઘર. જ્યારે ને ત્યારે બસ આવેશમાં આવી તડને ફડ જ કરે. હું ખૂબ મૂંઝાઉ છું. મારે શું કરવું? કોને કહેવું, આ બધું? ------------------------------- જવાબ પ્રિય બહેન, તમારી સમસ્યા વાંચીને મારાં એક દૃઢ મંતવ્યને બળ મળ્યું છે. 'આપણા સમાજમાં લગભગ મોટા ભાગના લગ્નજીવન સ્ત્રીઓની લાચારી ઉપર ટક્યાં છે.' તમારાં પતિ જાણે છે કે તમે ક્યાં જશો? કરી કરીને શું કરશો? એટલે પોતાનો પ્રભાવ બતાવવાની એક પણ તક તેઓ ચૂકતા નથી. તેઓ ભૂલી ગયાં છે કે પતિ-પત્ની સંસાર રથના બે પૈડાં છે. એક મોટું એક નાનું હશે તો રથ ખોડંગાશે. મજા નહીં આવે તેમાં. બંને પૈડાને સમાન રખાશે તો જીવનનો પ્રવાસ અદ્ભુત બની જશે. કોઈ એક પૈડાથી તો રથ ચાલે જ નહીં. બંનેને એકબીજાની અનિવાર્ય જરૂરત છે, હતી અને જીવનપ્રવાસ પૂરો કરવા સુધી રહેવાની જ. પોતાનો જ્યાં જન્મ થયો, યૌવન સુધી જે ઘરમાં તે રહી અને જે તેના જન્મદાતા, સહોદર છે તે બધાને તથા પોતાનાં સૌ મિત્રગણને સદા માટે પાછળ કરી દઈ એક સ્ત્રી જ્યારે કોઈ પુરુષ સાથે લગ્ન કરી તેના ઘેર જાય છે, ત્યારે તે ક્ષણે જ એ સ્ત્રી એક વેંત ઊંચી હોય છે. જીવનસફરનો આગળનો પ્રવાસ જે-તે પુરુષના સથવારે કરવાનો નક્કી કરવા માટે તે પહેલા જ તબક્કે પોતાનાં લોકો-પોતાનાં ઘરબારનું બલિદાન આપે છે. આવી સ્ત્રીનું માનસન્માન જાળવવાની નૈતિક જવાબદારી તે પુરુષની છે. પતિ-પત્નીનો સંબંધ માત્ર દૈહિકસુખ, વંશવૃદ્ધિ કે ઘર-કુટુંબને સંભાળવા પૂરતો મર્યાદિત નથી. પણ આ બધું તમારા પતિ જેવા અહંભાવને પ્રાધાન્ય માનતા લોકો સમજતા નથી. અને કદાચ સમજતા હોય તો પણ તે માનતા નથી. તેઓ માને છે કે સ્ત્રીને ઘર-અનાજ-કપડાં આપી દીધા પછી તેમની જવાબદારી પૂરી, પણ સ્ત્રી એથી વિશેષ એક માણસ છે. તેને પણ સ્વત્વ છે. ઈચ્છાઓ છે, માન-અપમાન છે. આ બધાને ઘણાં પુરુષો અવગણે છે. તેઓ ભૂલી જાય છે કે તેમની સફળતા તેમની પત્ની તેમના વિશે શું માને છે, તેમની પત્ની તેમનો કેટલો આદર કરે છે તેમાં રહેલી છે. પતિ-પત્ની સારા મિત્રો બને તે લગ્નજીવન ઉત્તમ હોય છે. જેમ પોતાના મિત્રો સાથે વ્યક્તિ કોઈ પણ વાત કરી શકે. વિના સંકોચે કરી શકાય તેમ પતિ-પત્ની વચ્ચે પણ સાહજિકતા હોવી જોઈએ, જે આપ બંને વચ્ચે નથી. આમાં તો તમે સૌપ્રથમ તેમની સાથે સીધી વાત, નો બકવાસના ધોરણે વાત કરી શકો. મનમાં મૂંઝાયા કરવાથી કોઈ ફાયદો નહીં થાય. એક દિવસ બધો મૂંઝારો વ્યક્ત કરી દો. આ પાર કે પેલે પાર. તમે તમારી ખાસ મિત્ર સાથે આ અંગે વાતચીત કરી મન હળવું કરતા રહો. તમારું રપ વર્ષનું લગ્નજીવન તમે ભારે હૈયે વિતાવી દીધું તે ખરેખર દુ:ખની વાત છે. ખેર જે થયું તે થયું. જાગ્યા ત્યાંથી સવાર. તમારી મનગમતી પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારું ફોકસ તમારા પતિ શું કરે છે? શું નહીં તેની જ આસપાસ હશે તો અનાયાસે તમે સતત તેમની ટીકા કરતાં જશો. માટે ફોકસ ચેન્જ કરો. ક્યારેક વધુ પડતાં લાડ કે કાળજી તે પણ સામી વ્યક્તિ ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડે છે. તેમને એક યા બીજી રીતે તમારી અનિવાર્યતાનો અહેસાસ આપી શકો તમે? ઉત્તમ પતિ તો તે જ હોય જે માત્ર પત્નીની આંખ કે હાવભાવથી તે શું કહેશે તે સમજી જાય. તમારાં પતિને આ સ્ટેજ સુધી લઈ જવા માટે તમે પ્રયત્ન કરતાં રહો. ઈન શોર્ટ તેમની 'હા'માં 'હા' અને 'ના'માં 'ના' નહીં જ કરવાનું. તમારું ઘર-સંસાર તમારો સહિયારો છે. તેમના એકલાનું શાસન નથી. સતત બોલબોલ કરવાને બદલે જરૂર હોય ત્યારે જરૂર હોય તેટલું જ બોલો. સતત બોલતી વ્યક્તિ ક્યારેક સાચી વાત કરે તો પણ ધ્યાનમાં લેવાતી નથી. ઓછું બોલી તેમના સુધી મેસેજ પહોંચાડો કે તમે સુખી નથી, તેમના વર્તનથી અને પોતાનું મનપસંદ કરી મનને રાહત આપો. આ બધા મૂંઝારાથી એક દિવસ તેઓ પણ ચોક્કસ સમજશે કે, 'સારો સફળ પતિ એ નથી કે પત્નીના આંસુ લૂછે પણ એ છે કે પત્નીની આંખમાં આંસુ આવવા ના દે.' વિશ યુ બેસ્ટ લક. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os_UuCNowL0Dj0oH3PY-Th-RMQBvE5cHkTiCAaJ4ovbBw%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment