જે મનુષ્ય શરાબી નથી તેને શરાબમુક્ત હોવાનો નશો નથી ચડતો! એક એવો સમાજ રચાઇ ચૂક્યો છે, જેમાં શરાબનું સેવન ન કરનાર વ્યક્તિ કેવળ સદ્્ગુણી જ નહીં, સંપત્તિવાન ગણાવો જોઇએ. થોડાંક વર્ષો પર એવી પરિસ્થિતિ હતી કે પતિ શરાબનું સેવન કરે, પરંતુ પત્ની ન કરે. હવે એ બાબતે જેન્ડર બાયસ ખતમ થઇ ગયો છે. શરાબના પ્રવેશ પછી પરિવાર તેવો ને તેવો રહે છે ખરો? એવા દિવસો આવ્યા છે, જેમાં પત્ની નીચું જોઇને કહેશે: 'હું નથી પીતી.' વ્યસનમુક્ત હોવું એટલે સંપત્તિવાન હોવું. વ્યસનમુક્ત માણસનું સ્વરાજ ઇર્ષ્યાને પાત્ર ગણાવું જોઇએ. પ્રત્યેક વ્યસન જીવનને ખતમ કરીને હંગામી મજાનો અનુભવ કરાવે છે. પશુતા અને મનુષ્યતા વચ્ચેનો તફાવત જ ખતમ થાય ત્યારે બચે છે શું? પશુતા પ્રાપ્ત કરવાની તે વળી ફેશન હોઈ શકે?
એક લેખકનું અવસાન થયું. મુંબઇમાં શ્રદ્ધાંજલિ સભા મળી. એમાં એ લેખક કેવા શરાબી અને માંસાહારી હતા તેની વાતો એક સાહિત્યકારે એવી તો ચગાવી કે શ્રોતાઓને થયું: અરે! અમે તો જીવનનો લહાવો લેવાનું ચૂકી ગયા! ભવિષ્યમાં લગ્ન પછી હનિમૂન માટે ગયેલા યુવકના મનમાં પત્ની વર્જિન (અનન્યપૂર્વા) હોય એ બાબતે કોઇ જ વહેમ નહીં હોય. બંને શરાબ લેશે અને એવો નશો ચડશે, જેમાં બધો આગ્રહ ખરી પડશે. લગ્નજીવનમાં એ જ નશો પતિને એવાં એવાં આકર્ષક સ્થાનો સુધી લઇ જશે, જેની પત્નીએ કલ્પના પણ કરી નહીં હોય! બાળકો પેદા થશે, પરંતુ એમાં બાયોલોજિકલ માલિકીભાવ નહીં હોય. સિન્થેટિક સંતાનોનાં સિન્થેટિક માતાપિતા દેશ-પરદેશ ફરશે અને મજા કરશે. પરદેશમાં બંને મુક્ત રીતે મજા માણશે અને સિન્થેટિક સંબંધોમાં મળતું સુખ ભોગવશે. એવા સુખને પ્રગટ કરનારી એક ઉક્તિ હશે: 'One night stand.' આ શબ્દપ્રયોગની ખૂબી અેક જ વાક્યમાં સમાઇ જનારી છે: તું પણ એન્જોય કર અને હું પણ એન્જોય કરું. બોલો! આમાં ક્યાંય પરિવારનું લોકતંત્ર ખોરવાયું? ના, નથી ખોરવાયું, પરંતુ એક વાતમાં ધબકડો થયો. લોકતંત્ર જળવાયું, પરંતુ પ્રેમતંત્ર ખાડે ગયું! પ્રેમતંત્ર અને સેક્સતંત્ર વચ્ચે રાણા પ્રતાપ અને ગબ્બરસિંગ વચ્ચે હોય એવો વિકરાળ તફાવત છે.
'ઉડતા પંજાબ' ફિલ્મ જોઇ નથી, પરંતુ એમાં એક વાતની પ્રતીતિ કેન્દ્રમાં હશે. ડ્રગનું સેવન સુખદાયી ખરું, પરંતુ છેવટે એ સુખ ખારા સમુદ્રમાં વિલીન થતું હોય છે. ડ્રગ લેનારા યુવકને જે વ્યસન પડી ગયું તેનો અંત કેવો વિકરાળ? માતાપિતા, બાળકો અને પત્નીની લાચારી કેટલા રૂપિયાની પડી? પ્રત્યેક વ્યસન જીવનને ખતમ કરીને હંગામી મજાનો અનુભવ કરાવે છે. પશુતા અને મનુષ્યતા વચ્ચેનો તફાવત જ ખતમ થાય ત્યારે બચે છે શું? પશુતા પ્રાપ્ત કરવાની તે વળી ફેશન હોઇ શકે? પ્રત્યેક વ્યસન પોતાની કિંમત માગે છે. પૂજ્ય રવિશંકર મહારાજ એક વાત વારંવાર કરતા. મૃત્યુ પામેલી માતાનું શબ સામે જ હોય, ત્યારે રડતા પુત્રને સ્વજનો કહે છે: 'ભઇલા, થોડુંક ખાઇલે, તો થોડો આધાર થાય.' પુત્ર રડતો રહે છે અને ના પાડે છે. થોડીક ક્ષણો વીતે છે અને સ્વજનો કહે છે: 'ભઇલા! એક બીડી પી લે, તને સારું લાગશે.' પુત્ર માની જાય છે. પૂજ્ય મહારાજ કહેતા: 'મેં કેટલાય લોકોને રડતાં રડતાં બીડી પીતા સગી આંખે જોયા છે!' બીડી જાણે કહે છે: 'તારી મા મરી ગઇ, તેમાં મારે શું! હું તને નહીં છોડું.' વ્યસન સાથે જોડાયેલી આવી નિર્દયતા નોંધવા જેવી છે. થોડીક દાદાગીરી સાથે વ્યસનથી દૂર રહેવાનું છે. કૉલેજોની હોસ્ટેલમાં રહેનારા વિદ્યાર્થીઓ વચ્ચે એક વિદ્યાર્થી જરૂર એવો હશે જે ગૂટખા ન ખાતો હોય, સિગરેટ ન ફૂંકતો હોય અને શરાબ ન લેતો હોય. એવા એ એકલા વિદ્યાર્થીને મારી અંગત વિનંતી છે: 'તું થોડાક ગુમાન સાથે તારા દયનીય દોસ્તોને કહેજે: હું ગર્વ સાથે કહું છું કે તમે ગુલામ છો અને હું સ્વતંત્ર છું. તમે મારી મશ્કરી કરો છો? પંદર વર્ષ પછી તમે મને સામે મળશો ત્યારે હું કદાચ તમને ઝટ ઓળખી પણ ન શકું, કારણ કે તમે અકાળે ખખડી જઇને ઘરડા થઇ ગયા હશો.' હોસ્ટેલમાં રહેનારા આવા એકલદોકલ યુવાનને શોધી કાઢીને યુનિવર્સિટીના કુલપતિએ તેનું જાહેર સન્માન કરવું જોઇએ. આપણું કોણ સાંભળે? મારી આવી ગાંડીઘેલી વાતો યુવાનો સુધી પહોંચાડવા માટે હું ગુજરાતનાં ગામોમાં ચાલતો ફર્યો છું. પંચશીલ આંદોલન એ યુવાનીને સડતી બચાવી લેવા માટેનું આંદોલન હતું. દસ વર્ષને અંતે કુલ 60,000 સંકલ્પપત્રો શિબિર પૂરા થયા પછી ભરાયાં હતાં. સૌથી વધારે પદયાત્રા કચ્છ જિલ્લામાં થઇ હતી અને તેનું આયોજન રસનિધિ અંતાણીએ કર્યું હતું. તે વખતે હરેશ ધોળકિયા પણ કાયમ સાથે ફરતા. વ્યસનમાં ખુવાર થયેલાં કરોડો કુટુંબોનો ખરો આંકડો કદી નહીં મળે. ઘરની કામવાળીને પૂછી જોજો. એનો ધણી શરાબ ઢીંચીને ઘરે આવે, ત્યારે કેટલી ગાળાગાળી કરે છે? એનો પગાર શરાબ ઓહિયાં કરી જાય છે અને બાળકોની દેખતાં માતાની મારઝૂડ થાય તે નફામાં? તમિલનાડુના ગવર્નર મુ. પ્રભુદાસ પટવારીએ એમના રાજભવનમાં જમવા બોલાવ્યો ત્યારે 'ચોટલાખત' વિશે વાત કરી હતી. 1920-25ના ગાળામાં અમદાવાદના મિલમજૂરો છૂટથી શરાબ પીતા અને પઠાણો પાસેથી વ્યાજે પૈસા લેતા. પઠાણ કાગળ પર લખાવી લેતો કે સમયસર પૈસા ન ચૂકવાય તો પઠાણ મજૂરની પત્નીને રાતે પોતાના ઘરે લઇ જશે. એ લખાણ કાયદામાં ટકી ન શકે, પરંતુ વ્યસનમાં ડૂબેલો મિલમજૂર ગમે તે લખાણ પર સહી કરી આપતો. ઉઘરાણીનો દિવસ આવી પહોંચે અને પૈસા ન ચૂકવાય, ત્યારે પઠાણ મજૂરની પત્નીનો ચોટલો ઝાલીને ખેંચી જતો. એ લખાણને 'ચોટલાખત' કહેવાનો રિવાજ પડી ગયેલો. ભદ્ર ગણાતા પરિવારોમાં ઓછા ઉધામા નથી થતા. હવેલીના રુદનમાં અને ઝૂંપડીના રુદનમાં ઝાઝો તફાવત નથી હોતો. પરિવારની ખુવારી કેટલાની પડી? આ પ્રશ્ન વિશે વિચારવાનું શરૂ થાય, તો જ વ્યસનમુક્તિ કેટલી લાભદાયી તેનો સાચો જવાબ જરૂર મળે. વ્યસનમુક્તિનો વૈભવ જેમને પ્રાપ્ત થયો હોય એવા લોકોએ ગરિમાપૂર્વક કહેવું જોઇએ: 'ગર્વ સે કહો, મૈં વ્યસનમુક્ત હૂઁ!'
તા. 2મેની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં મળેલી એક મિટિંગમાં બિહારના મુખ્યમંત્રી શ્રી નીતીશકુમારજી સાથે થોડી વાતો થઇ હતી. બિહારમાં શરાબબંદી લાગુ કરવા બદલ મેં એમને અભિનંદન આપ્યાં અને પૂછ્યું: 'ત્યાંના સર્વોદય કાર્યકરોએ આ પગલાને ટેકો જાહેર કર્યો છે ખરો? તમારા આવા પગલાને ગાંધીજી અને મોરારજી દેસાઇનો ટેકો મળત.' જવાબમાં મૌન સેવીને પછી છેક ધીમા સાદે કહ્યું: 'વે અબ બૂઢે હો ગયે હૈં.' મેં એમને કહ્યું: 'જો હું ઉંમરમાં થોડો નાનો હોત તો ગુજરાતથી 30-40 યુવાનો સાથે ત્યાં આવીને પટનામાં તમારા ટેકામાં રોજ પ્રભાતફેરી કાઢી હોત. મેં યુવાનીમાં આવાં થોડાંક કામો કર્યાં હતાં, પરંતુ હવે...?' એમણે સ્મિત વેર્યું, પણ કશું બોલ્યા નહીં.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os-TDK39R6YbhT6rxhS%2Bz%3Di9bWZB77aRHqHyPZmwU-8cA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment