Wednesday, 11 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ મ...મ...માફ કરો (Gujarati)


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મ...મ...માફ કરો!
કવર સ્ટોરી-શ્રીલેખા યાજ્ઞિક

જે ૭મી જુલાઈ ૨૦૧૮નો દિવસ વિશ્ર્વમાં 'માફી' દિવસ તરીકે ઓળખાય છે.

ટૂંકમાં કહીએ તો આજે 'ગ્લોબલ ફરગીવનેસ ડે' છે. ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓની વાત કરીએ તો ક્ષમાનું સ્થાન પહેલું ગણાય છે. તંત્ર યુગમાં માનવી ઝડપથી સફળતા મેળવવાની કોશિશ કરી રહ્યો છે. વિશ્ર્વના અનેક નેતાની સફળતાનું મુખ્ય કારણ અન્યના દિલને દુભાવવાને બદલે તેના દ્વારા

જાણ્યે-અજાણ્યે થયેલી ભૂલને માફ કરવાનું જોવા મળે છે.

અબ્રાહમ લિંકન દૃઢપણે માનતા હતા કે કોઈપણ માનવી કે પ્રાણીને લઘુતાગ્રંથિનો અનુભવ કરાવવો તે સરાસર અન્યાય છે. માફી આપવાનું કામ નબળી વ્યક્તિ ક્યારેય કરી શકતી નથી. માફી આપનાર વ્યક્તિ વાસ્તવમાં સ્વને પ્રેમ કરતી જોવા મળે છે. વાસ્તવમાં જે વ્યક્તિ સ્વને આદર-સમ્માન આપી શકતી હોય તે અન્યના દુર્ગુણોને પણ સરળતાથી માફ કરી શકે છે. તેથી જ 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્' કહેવામાં આવે છે. ગાંધીબાપુ વારંવાર કહેતા હતા કે માનવી જ્યારે પોતાની જાતને માફ કરી શકવા સક્ષમ બને ત્યારે જ તે અન્યની ભૂલને માફ કરી શકવા સક્ષમ બને છે.

અબ્રાહમ લિંકનનું માનવું હતું કે જે વ્યક્તિ જીવનમાં નાની-મોટી ભૂલ નથી કરતો તે જીવનમાં ક્યારેય આગળ આવી શકતો નથી. ભૂલ કરનારને માફ કરવું એ વાક્ય પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અગ્રિમ સ્થાને હોવું જરૂરી છે. વિશ્ર્વના અનેક નેતાની મહાનતા વિશે જ્યારે વાત થતી હોય ત્યારે ગૌતમ બુદ્ધ, મહાત્મા ગાંધી, નહેરુ ચાચા તથા નેલ્સન મંડેલાની યાદ આપણને અચૂક આવે.

ક્ષમાનું સ્થાન જીવનમાં કેવું હોય તેનો પાઠ સૌપ્રથમ ભગવાન શ્રી ગૌતમ બુદ્ધના આચરણ દ્વારા મેળવી શકાય. વૃક્ષ નીચે ધ્યાનમાં બેસવાનો ગૌતમ બુદ્ધનો નિત્યક્રમ હતો. તેેમની આસપાસ કેટલાંક બાળકો પણ નિયમિત આવીને બેસતાં. થોડો સમય બેસીને તેઓ રોજ પાછા જતાં. બાળકોના પિતા વાસ્તવમાં એક મોટા વેપારી હતા. તેમના મતે જીવનમાં સૌથી પ્રમુખ કાર્ય ધન કમાવવાનું હતું. પોતાના સંતાનોને રોજ એક સંત પાસે કલાકો બેસતાં જાણીને વેપારી પિતાને ગુસ્સો આવ્યો. એક દિવસ વેપારી પિતા ઓચિંતા ગૌતમ બુદ્ધ પાસે પહોંચી ગયા. તેમના સંતાન પણ બુદ્ધ ભગવાનની સામે જ બેઠેલા હતા. વેપારી પિતા ગુસ્સામાં થોડો સમય ઊભા રહ્યા. અચાનક પિતાને શું સૂઝ્યું કે તેઓ ગૌતમ બુદ્ધના ચહેરા ઉપર થૂંક્યા. ગૌતમ બુદ્ધે વેપારીની આવી હરકતને અણદેખી કરી દીધી. વેપારીના બાળકો તો પિતાની આવી હરકત જોઈને હતપ્રભ બની ગયા. વેપારી બાળકોને ગૌતમ બુદ્ધની પાસેથી જબરજસ્તી ઉઠાડીને ઘરે આવ્યો. ઘરે આવ્યા બાદ તેને રાત્રિભર ઊંઘ ન આવી. મારા ખરાબ વર્તનને પણ એક વ્યક્તિએ ગણકાર્યું નહીં, કોઈ ગુસ્સો નહીં કે અણગમો નહીં. રાતભર એ પિતા વિચારતો રહ્યો કે વાસ્તવમાં મારા સંતાનો જે વ્યક્તિ પાસે જાય છે તે સંત હોવા જોઈએ. પિતા સંતાનો સાથે બીજે દિવસે સવારે ગૌતમ બુદ્ધ પાસે પહોંચી ગયા. તેમણે માફી માગી. વેપારીની વાત સાંભળીને પણ ગૌતમ બુદ્ધ શાંત રહ્યા. બુદ્ધે શાંત ચિત્તે જણાવ્યું કે હું શા માટે આપને માફ કરું જ્યારે તમે કંઈ ખોટું ર્ક્યું જ નથી. વેપારી તો બુદ્ધ ભગવાનની આ વાત સાંભળીને તેમના ચરણોમાં ઢળી પડ્યો.

માન્યું કે જમાનો બદલાયો છે. સંજોગો બદલાયા છે તેમ છતાં માનવીના દિલના એક ખૂણામાં માનવતા હજી જીવંત છે. આજે સમાજમાં અનેક મોટા રોગ પ્રસરેલા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ વ્યક્તિમાં ધીરજનો અભાવ તથા અન્યને માફ કરવાની ક્ષમતા ખૂટી ગઈ છે વિસ્કોન્સિન યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક સંશોધન પ્રમાણે માફી આપવાની ક્ષમતા વ્યક્તિમાં જેટલી વધુ તેટલી તેની તંદુરસ્તી વધુ જોવા મળે છે. અન્યની ભૂલને માફ કરવાનો ગુણ જેટલો ઓછો તેટલાં વધુ સ્વાસ્થ્ય સંબંધિત પ્રશ્ર્નો જોવા મળે છે.

વાસ્તવમાં એવું કહેવાય છે કે વિશ્ર્વમાં અનેક લોકો નાની નાની વાતને મોટું સ્વરૂપ આપીને પ્રશ્ર્નો કે મુશ્કેલીને આમંત્રે છે. પરિણામે જીવનમાં સતત માનસિક તાણનો અનુભવ કરતા રહે છે. આજના માનવીમાં જતું કરવાની ભાવના જ ભૂલાઈ ગયેલી છે. કામવાળી બાઈ કે ઓફિસમાં પટાવાળાની ભૂલ આપણને પહેલી દેખાય છે. તેને માફ કરવાને બદલે તેમની સામે તુચ્છકારભર્યો વ્યવહાર કરવામાં આવે છે. માનવી ગમે તેટલો મહાન બને પણ તેની આસપાસની નાની વ્યક્તિ પ્રત્યેનો વર્તાવ તેના સંસ્કારોને દર્શાવે છે. ચાલો, ચાચા નહેરુની માફ કરવાની મહાનતાનો પ્રસંગ પણ જાણી લઈએ. ભારતના વડા પ્રધાનપદે જ્યારે નહેરુચાચા હતા તે સમયનો આ કિસ્સો છે. નહેરુજીને એક દિવસ કોઈ કારણસર રાત્રિના ઊંઘ આવતી ન હતી. થોડો સમય બાગમાં ફરવાનું નક્કી ર્ક્યું. નહેરુચાચાના શયનકક્ષની દેખભાળ-સાફસફાઈ કરતાં સેવક પણ વયોવૃદ્ધ હતા. નહેરુજી બાગમાં લટાર મારતા હતા તે દરમિયાન સેવકે તેમના શયનકક્ષમાં જઈને પલંગની ચાદર બરાબર કરી. સેવક વયોવૃદ્ધ હોવાને કારણે તથા રાત્રિનો સમય વધુ થઈ ગયો હોવાથી સેવકને અચાનક ચાચા નહેરુના પલંગ ઉપર આંખ મળી ગઈ. પળ-બે-પળમાં તો તેઓ ગાઢ નિદ્રામાં હતા. થોડા સમય બાદ નહેરુચાચા શયનકક્ષમાં આવ્યા. તેમણે જોયું કે સેવક તેમના પલંગ ઉપર ગાઢ નિદ્રામાં સૂઈ ગયા છે. નહેરુજીએ ધીમેથી એક ઓશિકું લીધું અને પાસે રહેલા સોફા ઉપર લંબાવી દીધું. વહેલી સવારના પાંચ વાગ્યે તેમના માટે ચા લઈને બીજો સેવક આવ્યો. શયનકક્ષનું દૃશ્ય જોઈને તે સેવક હતપ્રભ બની ગયો. ચાચા નહેરુ તેમના સમય પ્રમાણે ઉઠ્યા, તેમણે થોડો પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખી નિત્યક્રમ પતાવ્યો. ચા-પાણી પીધા. વહેલી સવારના મોર્નિંગ વૉક માટે નીકળી ગયા. અન્ય સેવકોએ પંડિત નહેરુના પલંગ ઉપર નિદ્રા માણી રહેલા સેવકને ઉઠાડ્યો. તેને ધમકાવ્યો. મુખ્ય સેવકે તો તેને નોકરીમાંથી બરતરફ પણ કરી નાખ્યો. ચાચા નહેરુ તો આ વાતને અન્ય કામમાં ભૂલી પણ ગયા હતા. બે-ત્રણ દિવસ બાદ અચાનક તેમને તેમના પ્રિય વૃદ્ધ સેવકની યાદ આવી. તેમણે તે સેવક વિશે પૂછપરછ કરી, ત્યારે જાણવા મળ્યું કે તેને તેની હરકતને કારણે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. પંડિતજીએ સેવકનો પક્ષ લઈને તેને પાછા લાવવાની જીદ કરી. પંડિતજીની ઈચ્છાને માન આપીને તે વૃદ્ધને નોકરીમાં પાછા રાખવામાં આવ્યા. વળી તેમને તેમનું સોંપવામાં આવેલું પહેલું કામ એટલે કે શયનકક્ષની દેખભાળની કે તેને સાફસૂથરું રાખવાની ફરજ પાછી સોંપવામાં આવી.

માફી આપવાની વાત નીકળે અને ગાંધીબાપુનું નામ ન લેવામાં આવે તે કેમ ચાલે? ગાંધીબાપુના પુત્ર હરિલાલને બાપુની સામે થોડો ગજગ્રાહ હતો. એક વખત બા-બાપુ ચંપારણમાં કોઈ કામાર્થે ગયા હતા. હરિલાલે તે જાણ્યું. બા-બાપુ સદાય ભીડથી ઘેરાયેલા રહેતાં. હરિલાલ ભીડને ચીરતા બા-બાપુ પાસે પહોંચી ગયા. હરિલાલના હાથમાં એક મોટી નારંગી હતી. તેમણે કસ્તુરબાના હાથમાં આપતા ભારપૂર્વક જણાવ્યું કે આ આખી નારંગી હું તમારા માટે જ લાવ્યો છું. તમારે એકલાએ જ ખાવાની છે. બાપુને નારંગીમાંથી ભાગ આપતા નહીં. કસ્તુરબા બાપુની સામે જોઈ રહ્યા. બાપુએ પણ આંખોથી ઈશારો કરીને બાને શાંત રહેવા જણાવ્યું.

બીજો પ્રસંગ છે ગાંધીબાપુ વર્ધામાં થોડો સમય માટે હતા. તે સમયે એક શંકાસ્પદ વ્યક્તિને બાપુની સેવામાં હાજર લોકો પકડી લાવ્યા. બાપુએ તે વ્યક્તિને પ્રેમથી પાસે બેસાડ્યો. તેના કામ વિશે જાણકારી મેળવી. તેણે જણાવ્યું કે હાલમાં હું મુશ્કેલ સંજોગોમાંથી પસાર થઈ રહ્યો છું. ઘર ચલાવવા માટે મેં અંગ્રેજ અધિકારીને તમારા રોજબરોજના કાર્યક્રમની માહિતી આપવાની જાસૂસીનું કામ હાથમાં લીધું છે. ગાંધીબાપુએ શાંતચિત્તે તે વ્યક્તિની વાત સાંભળી. બાપુએ તેને સજા કરવાને બદલે શાંતિથી જણાવ્યું કે હું રોજ મારા કાર્યક્રમની વિગતો મારા રૂમની અધખુલ્લી બારીમાં એક ચિઠ્ઠીમાં લખીને રાખીશ. તમારે તે બારી ખોલીને રોજ તે ચિઠ્ઠી લઈ લેવી. એક-બે મહિના સુધી તો બધું બરાબર ચાલ્યું. અંગ્રેજ અધિકારી તેમના કામની ચોકસાઈ જોઈને તેની ઉપર ખુશ થઈ ગયા. તેને મોટો પુરસ્કાર આપવાનું પણ નક્કી થયું. ધોળિયા અધિકારીએ તેની પાકી ખબરનું રહસ્ય જાણવા માગ્યું ત્યારે તે જાસૂસે ગાંધીબાપુની મહાનતાની વાત જણાવી. અંગ્રેજ અધિકારી તો અવાચક બનીને તેમણે નીમેલા જાસૂસને જોતા જ રહ્યા!

માફી કે ક્ષમાની વાત આવે એટલે શાંતિ માટે નૉબલ પ્રાઈઝ મેળવનાર નેલ્સન મંડેલા, માર્ટિન લ્યૂથક કિંગ તથા મધર ટેરેસાની યાદ આપણને અચૂક આવે. મધર ટેરેસાનું માનવું હતું કે જો તમે કોઈ વ્યક્તિને ખરા દિલથી પ્રેમ કરતાં હોવ તો તેની ભૂલને માફ કરતાં પણ શીખવું જોઈએ. માર્ટિન લ્યૂથર કિંગનું માનવું હતું કે જો સમાજમાં બદલાની ભાવના રાખનાર વ્યક્તિ આંખની સામે આંખને ફોડવાની કે દાંતની સામે દાંત તોડવાની ભાવના રાખતો થશે તો એક સમય એવો આવશે કે દુનિયામાં મોટા ભાગના લોકો અંધ અને બોખા જ જોવા મળશે. જીવનના ૨૭ વર્ષ જેલમાં પસાર કરનાર નેલ્સન મંડેલાએ અન્ય સહ-રાજકારણીની સામે બદલાની ભાવનાને તિલાંજલિ આપીને દક્ષિણ આફ્રિકાના વિકાસની વાતોને જ પ્રાધાન્ય આપ્યું. તેમનું દૃઢપણે માનવું હતું કે મારા જીવનમાં ફક્ત બે રસ્તા ખુલ્લા છે જેનું નામ છે સર્વે પ્રત્યે દયાભાવ તથા ક્ષમાભાવ.

કુટુંબમાં, સમાજમાં કે આપની આસપાસમાં અન્યની ભૂલને મોટી કરવાનું છોડી દઈએ. વેરભાવ લેવાની ભાવના આજના દિવસથી આપણે સર્વે ભૂલી જઈશું. 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્'ને જીવનમાં પ્રાધાન્ય આપીને એક સુંદર સમાજનું સર્જન કરવાની શક્તિ આપણા બધામાં છુપાયેલી છે. જરૂર છે ફક્ત તેને બહાર લાવવાની. આપનું શું કહેવું છે?



--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Osxj9zo0%3DneW%2B0MP-aBQkxUsV3JqYFKMVqEJXJuPWRQ0A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment