એકઝાટકે એનું નામ ક્રાઈમમાં આવતા માધુરીએ એની સાથેનો પ્રેમસંબંધ તોડી નાખ્યો. પણ સંજયે અન્ડરવર્લ્ડ સાથેનો સંબંધ એમ તોડયો નહિ. બહુમતી હિન્દુઓ મૂળભૂત રીતે વાયોલન્ટ નથી. અમનપસંદ છે. થોડીક મારામારી કરીને પછી વિકાસના રસ્તે ચાલવાનું પસંદ કરે છે. ''છે એવું કોઈ કે જે ખરેખર સારું હોય? સારપ એકમનગમતી કલ્પના જ છે, જેને આપણે હકીકત માની લીધી છે.'' ''આ તો ભારે ડરામણી વાત છે!''
''હા, માણસને હંમેશા જે ખરાબ બન્યું હોય એ ભૂલવા માંગે છે. અને જે મનમાં જ સારપની કહાની ગૂંથી હોય, એને માનવા લાગે છે. એ રીતે એ સહેલું લાગે છે.''
''માણસ નબળાં મનનું પ્રાણી છે, એ બચવા માટે ખોટું બોલે.''
''જૂઠું બોલવું એ માનવીય કળા છે. માનવજાત ઘણી વાર પતોાની જાતને ય સાચું કહી શકતી નથી!''
આ સંવાદો ૧૯૫૦માં આવેલી અકીરા કુરોસાવાની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'રાશોમાન'ના છે.
જાણકારોને ખબર જ હશે કે એ ફિલ્મની થીમ એક જ ઘટનાને જોવાના બધાના અલગ-અલગ એંગલ હોય છે, અને સત્યનું અર્થઘટન અએ રીતે બદલાતું રહે છે.
પોતપોતાના અનુગ્રહ-પૂર્વગ્રહ યાને પોઝિટિવ કે નેગેટિવ બાયસ મુજબ લોકો સચ્ચાઈને પારખવા કે સમજવાની કોશિશ કરે છે. જેમ કે, 'સંજુ' ફિલ્મમાં બોમ્બબ્લાસ્ટની બાબતે સંજય દત્તની ભૂમિકા ખલનાયકની હતી, એમાં તો બેમત નથી, પણ એની ઈન્ટેન્સીટી કેટલી હતી? એ ઘટના બન્યા પછી જન્મીને લગ્ન કરવાની ઉંમર સુધી પહોંચી ગયા હોય એવી પેઢી આવી ગઈ હોય ત્યારે એનો ક્વિક રિકેપ જરૃરી છે.
એ સમયનું ઘણું સાહિત્ય સચવાયેલું છે અને ઘણી ઘટનાઓ યાદ છે. પણ સિનિયર અને પ્રમાણમાં વેલ બેલેન્સ્ડ, ન્યુટ્રલ ગણાતા પત્રકાર શેખર ગુપ્તાએ ઘટનાક્રમનો સંપૂર્ણ સારાંશ લખ્યો છે.
સંજય દત્તની અસલી જીંદગી વિશે સ્યુગર કોટેડ ફિલ્મથી વધુ જાણવા માટે એટલી જ ઉપયોગી યાસીર ઉસ્માનની 'બિગડા શહજાદા' કિતાબ છે. બધાનો સરવાળો હિન્દુસ્તાનના ઈતિહાસની એક ટર્નિંગ પોઈન્ટ જેવી ઘટનાને રિવાઈન્ડ કરવા મજબૂર કરે એમ છે.
'સંજૂ' ફિલ્મમાં સેકન્ડોમાં કહેવાઈ ગયું છે કે ૬ ડિસેમ્બર, ૧૯૯૨માં વિવાદિત ઢાંચો ગણાતી બાબરી મસ્જીદ પડી ગઈ એને લીધે તોફાન થયા અને એના રિએક્શનમાં બોમ્બ બ્લાસ્ટમાં મુખ્ય આરોપી ટાઈગર મેમણ હતો. વેલ, ઈતિહાસ પ્રાથમિક શાળામાં ભણાવાય ત્યારે વાર્તારૃપ હોય છે.
પણ પીએચડીના થિસિસમાં તો સાઈટેશન સાથે હકીકતો નોંધવી પડે છે. 'લગે રહો મુન્નાભાઈ'માં ગાંધીજીનું પોપ્યુલર સરલીકરણ થયું, એવું હવે મુન્નાભાઈનું 'સ્યુગરીકરણ' થયું છે, ત્યારે 'બ્લેક ફ્રાઈડે' જેવી ફિલ્મ ન જોઈ હોય તો 'સંજૂ' જોનારા બાબાલોગને સવાલ થઈ શકે કે આખિર હુઆ ક્યા થા?
૧૯૯૨માં બાબરી મસ્જીદ તૂટી એના ઈમોશનલ ને પોલિટિકલ આફ્ટરશોક્સ જે આવ્યા હોય તે, ઓન રેકોર્ડ એ એક પથ્થરનો ઢાંચો હતો, કોઈ જીવતી વ્યક્તિ નહિ. પણ આપણી પ્રજા-લાગણીના ઉભરાથી ટેવાયેલી છે.
પથ્થર માટે પર્સન પતાવી દેવામાં એને કોઈ નવાઈ લાગતી નથી. અભાવમાં જીવતા લોકો ઉશ્કેરાવા માટે તૈયાર બેઠાં હોય છે. 'ભયભીત' થઈને 'ભયાનક' બની જાય છે. વાયોલન્સ આમ પણ ભારતીય સમાજને સહજ લાગે છે. લાશની તસવીરો હોય કે ઘરમાં પડતા તમાચા.
તો બાબરી મસ્જીદ તૂટી એ પાછળ આખો એક બેલકેશ હતો, લઘુમતી તુષ્ટિકરણના સતત ભરાતા તરભાણાનો! શાહબાનો કેસમાં સુપ્રિમના પ્રોગ્રેસીવ ચુકાદાને કટ્ટરપંથી રૃઢિચુસ્ત માનસિકતા માટે રિવર્સ કરી દેવાયેલો. કાશ્મીરમાંથી વતની પંડિતોને અત્યાચાર કરી હાંકી કઢાયેલા. આજે અંદાજ ઓછો આવે, પણ શાંતિપ્રિય મહાત્મા ગાંધીએ નિરીક્ષણ કરેલું કે 'સરેરાશ મુસલમાન ગુંડો છે અને સરેરાશ હિન્દુ કાયર છે!' એને સાર્થક બનાવતા હોય એમ મુંબઈ સહિત ઠેર ઠેર મુસ્લિમ અન્ડરવર્લ્ડના ડોન લોકોનો દબદબો હતો. એને કાઉન્ટર કરનારા હિન્દુ ક્રિમિનલ્સ પણ એવા જ અપરાધી હોવા છતાં દબાયેલી જનતામાં હીરો ગણાતા હતા.
આ બેકગ્રાઉન્ડમાં બહુમતીના બદલાતા મિજાજનો ખ્યાલ વૉટબેન્ક માટે અસલી પ્રગતિને બદલે નકલી થાબડભાણામાં જીવતી લઘુમતીને ઓછો આવતો હતો.
આમ પણ આપણે ત્યાં રમખાણોમાં મોટા ભાગે ગરીબોનો ખો નીકળતો હોય છે. અયોધ્યામાં બાબરી પડી એ પહેલા જ પાકિસ્તાની શાસક જનરલ ઝિયાએ માત્ર ભારત જ નહિ, જગતભરમાં ત્રાસવાદ ભડકાવતું જે જેહાદી ઉગ્રવાદી કોકટેલ તૈયાર કરેલું (તાલિબાન, અલ કાયદા વગેરે) એના પરિણામે ધાર્મિક ત્રાસવાદ અગાઉ 'કાશ્મીર કી કલી' જેવી ફિલ્મો બનતી એ કાશ્મીરમાં પગપેસારો કરી ગયો હતો.
૧૯૭૧ના બાંગ્લાદેશના બદલામાં ભારતના ટૂકડા કરવાનો પાકિસ્તાની લુચ્ચી જાસૂસી સંસ્થા આઈએસઆઈનો ટેરર પ્લાન પંજાબમાં જોઈએ એ પરિણામ ઘણી અશાંતિ છતાં લઈ આવ્યો નહોતો. કાશ્મીર કાયમી ડાયાબિટિસની જેમ પ્રજાએ સ્વીકારી લીધું હતું.
ત્યારે આઈએસઆઈનો ડોળો દુનિયાને દેખાડી દેવા માટે મુંબઈ પર હતો! મુંબઈ આમ પણ ગાંધી-જીન્નાહ-સરદાર વગેરેના ઘણા કલાકોનું સાક્ષી. પણ ઈકોનોમિક કેપિટલ. રાષ્ટ્રવાદી સંઘની પ્રયોગશાળા ગુજરાતીઓ માટે સેકન્ડ હોમ, અને હિન્દુવાદી શિવસેનાનો ગઢ. પણ બોલીવૂડને કારણે ભારત જ નહિ, જગતભરમાં એક આગવું ગ્લેમર હતું મુંબઈનું! વળી ફાઈનાન્સની જીવાદોરી અને હિન્દુ-મુસ્લીમ સમરસતાનું ય પ્રતીક! ને અન્ડરવર્લ્ડનો અડ્ડો પણ!
માટે અયોધ્યાની અસર સીધી એનાથી ૧૫૮૨ કિમી દૂર આવેલા મુંબઈમાં પડી! શરૃઆતમાં જૂની ટેવ મુજબ મુસ્લિમો સડક પર ઉતરી આવ્યા અને હિન્દુઓ રિસિવિંગ એન્ડ ઉપર રહ્યા. પછી એ વખતે ઉન્માદમાં આવેલ શિવસૈનિકોએ વળતો પ્રતિકાર કર્યો.
હુલ્લડખોર મુસ્લિમો બેકફૂટ પર આવી ગયા.
એ વખતે મુંબઈ પોલિસ અને પ્રશાસને પણ આંખમીંચામણા કર્યા (આ બધું શ્રીકૃષ્ણ પંચના રિપોર્ટમાં વિગતવાર નોંધાયેલું છે.) ડિસેમ્બરના અંત સુધીમાં ધીરે-ધીરે મુંબઈ શાંત થયું.
પણ જાન્યુઆરી ૧૯૯૩માં એક મહીના બાદ કોંકણના કિનારે દીધી નામની જગ્યાએ હથિયારોનો જથ્થો ઉતર્યો. ફેબુ્રઆરી ૧૯૯૩માં શેખડી ખાતે બીજો જથ્થો આવ્યો.
આ કુલ જથ્થો અસામાન્ય હતો. એમાં ૫૦૦થી વધુ ગ્રેનેડ્સ હતી. સાડા ત્રણ ટન વિસ્ફોટક આરડીએક્સ હતો. ૭૧ એસોલ્ટ (એકે-૫૬ જેવી મશીનગન) રાઈફલ્સ હતી! જસ્ટ થિંક, ૨૦૦૮માં ૧૬ વર્ષ પછી ૧૦ એકે રાઈફલે કેવો તરખાટ કસાબકંપનીના હાથમાં મુંબઈમાં મચાવેલો.
આ તો એ વખતે ૭૧ હતી જ્યારે મુંબઈ પોલીસે એ જોઈ જ નહોતી. ક્યારેય ગ્રેનેડ ફુટતા ય ફિલ્મો સિવાય નહોતી જોઈ!
૧૬ જાન્યુઆરીએ સંજય દત્તની ઘેર સાલેમનો ટ્રક હથિયારોનો થોડો જથ્થો ઉતારવા આવેલો. એ પહેલા જ ગરીબ વર્ગના માથાડી ગણાતા હિન્દુ મજૂરો ડોંગરી પાસે ફુટપાથ પર સૂતેલા એમનું ગળુ તીક્ષ્ણ હથિયારથી કાપીને એક જ સ્ટાઈલમાં હત્યાઓ કરવામાં આવી. જાણે શાંત પડેલ મહાનગરમાં કોઈ ફરી રમખાણ શરૃ કરાવવા માંગતું હોય એમ! અને એવું થયું જ.
ક્રોધિત હિન્દુ હુલ્લડખોરોએ આ વખતે વન-વે દાવ લીધો એવું ઘણી તપાસો નોંધે છે. ત્યાં સુધીમાં પેલા ડિઘીમાં ઉતરેલા હથિયારોને 'ઠેકાણે' પાડવાનું શરૃ થઈ ગયેલું. ફેબુ્રઆરીમાં શેખડીમાં બીજો જથ્થો આવ્યો ને પછી ૧૨ માર્ચે દાઉદને કાયમ માટે ભારતશત્રુ ભાગેડુ સાબિત કરતા બોમ્બબ્લાસ્ટ મુંબઈમાં થયા. જેના અનુસંધાને સંજયની ધરપકડ થઈ.
યાદ રાખજો, રમખાણોમાં માણસ બીજા માણસનો જીવ એમ જ ભાગ્યે જ લઈ શકે છે. બધા તરત જ ક્રૂર-હિંસક નથી થતા. એમને 'વિક્ટીમ' સિધ્ધ કરતું જસ્ટીફિકેશન આપી, એમનું તબક્કાવાર વનસાઈડેડ બ્રેઈનવોશિંગ કરાતું હોય છે. એટલે જ કાઉન્ટર એન્ટીડોટ તરીકે કોમવાદી ટેરરિઝમનો મુકાબલો કરવા માનવતાની કહાણીઓ અન્ડરલાઈન કરીને મુકાવી જોઈએ. આધુનિકતાને વળ ચડાવી સમર્થન આપવું જોઈએ. આટલું લાંબુ મંદબુદ્ધિના કઠપૂતળાં ઝનૂનીઓ વિચારતા નથી હોતા.
પ્લોટ એવો હોઈ શકે ટાઈમિંગ જોતાં કે પહેલા હિન્દુઓને ઉશ્કેરવા, એ પ્રતિકારમાં તૂટી પડે એટલે એ ઘટનાઓ યાદ દેવડાવી મુસ્લિમોને ઉશ્કેરવા અને સ્થાનિક નેટવર્કના સહયોગથી 'વળતા બદલા'નું જસ્ટીફિકેશન આપી ભારતમાં અંદરથી એટેક શરૃ કરવા. સરવાળે, નિર્દોષોનો બેઉ પક્ષે ખુરદો. ધાર્મિક-રાજકીય મેલી મુરાદો સંતોષવા. પર્ટિક્યુલરલી, આ કેસમાં પાકિસ્તાનની આઈએસઆઈ.
કોઈ પણ દીર્ઘદ્રષ્ટા બુદ્ધિમાનને સમજાય એરિયલ વ્યૂથી જુએ તો એવી સ્ક્રિપ્ટ છે. મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટની ખુવારી બાદ શિવસૈનિકો-હિન્દુઓ-પોલીસ વેરતૃષામાં પાગલ બનીને તૂટી પડે.
એ વખતે એમની જાણ બહાર એકે રાઈફલ્સ અને ગ્રેનેડ્સથી એમનો યુદ્ધ જેવો મુકાબલો થાય. અંતે ખુવારી એવી કાળજું કંપાવનારી હોય કે એના રિએક્શન હજુ તાજાં તાજાં ગ્લોબલ બની ઈકોનોમી માટે ચડાવતા ભારત દેશમાં આવે! દેશ આખો ભડકે બળી ખુવાર થવા લાગે સરહદ પર ટેટો ય ફોડયા વિના!
એ સમયના મુંબઈના જોઈન્ટ સીપી અને પછી પોલિસ કમિશ્નર બનેલા એમ.એન. સિંહ જેમણે બોમ્બ બ્લાસ્ટ કેસની રાકેશ મારિયા સાથે મળી તપાસ પણ કરેલી, એ એનો ખુલાસો આપે છે. બોમ્બ બ્લાસ્ટ થયા ત્યારે રાઈફલ અને ગ્રેનેડથી ભરેલી એક કાર સીએસટી સ્ટેશન પાસે આવેલ બીએનસીની ઓફિસ તરફ ધસી રહી હતી. પણ સેન્ચુરી બાઝારનો બોમ્બ ધાર્યા કરતાં વહેલો ફાટયો. મુંબઈના ફોર્ટ એરિયામાં કસાબવાળી કરવાનો પ્લાન પડતો મૂકી ગભરાયેલા ગેંગસ્ટર્સ એ કારને ત્યાં જ પડતી મૂકીને નાસી છૂટયા. વરલી પાસેથી મળી આવેલી એ કારનું રજીસ્ટ્રેશન ટાઈગર મેમણ ફેમિલીના નામે હતું.
પછી તો એક પછી એક કડીઓ ખુલતી ગઈ. ૨૫૭ નિર્દોષોના જીવ ગયા હોવા છતાં મુંબઈ પોલીસના જાણભેદુ અધિકારીઓ મુંબઈ બોમ્બ બ્લાસ્ટને નિષ્ફળ ઓપરેશન માને છે! કેમ? કારણ કે, એ પછી ભારતને ભડકે બાળવાનો પ્લોટ અણધાર્યો જ ઉઘાડો પડી ગયો.
દાઉદ-મેમણ જેવા છૂપી રીતે પાકિસ્તાની રિમોટ કંટ્રોલ પર કામ કરનારા ચહેરાઓ પબ્લિકલી એક્સપોઝ થઈ ગયા. એમનું નેટવર્ક તૂટયું. અને એ પાકિસ્તાનના કાળા કરતૂતોના સાક્ષી હોઈ લાદેનની ઘટના પછી પણ પાકિસ્તાન એને સાચવે છે. ૨૬/૧૧ના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદની જેમ જ.
અને મોસ્ટ ઈમ્પોર્ટન્ટ, જેવું આઈએસઆઈએ કદાચ ધાર્યું હશે, એવું રિએક્શન જ મુંબઈના હિન્દુઓએ ન આપ્યું. આવું અફઘાનિસ્તાનમાં થયા કરે સતત. પણ બહુમતી હિન્દુઓ મૂળભૂત રીતે વાયોલન્ટ નથી. અમનપસંદ છે.
રમખાણોથી થાકેલા-કંટાળેલા હિન્દુઓએ સંયમ રાખ્યો. મુંબઈમાં થોડાં છમકલાં થયા, પણ ધારી અશાંતિ ન થઈ. ગોધરાકાંડ પછી અક્ષરધામ એટેક વખતે ગુજરાતે પ્રતિશોધને બદલે ક્ષમામાર્ગ અપનાવ્યો એમ. ત્રાસવાદી ગુંડાઓ ગમે એટલું વન વે જોર કરે, સામો પ્રજામાંથી વળતો જવાબ જ ન મળે તો એની ઈમ્પેક્ટ ઘટી જાય. આર્મી, પોલિસ કાનૂની કાર્યવાહી કરી શકે. સંસદના હુમલાથી મુંબઈ ટ્રેન બ્લાસ્ટ, સાબરમતી એક્સપ્રેસ, ૨૬/૧૧ અનેક ઘટનાઓ એક સરખી મોડસ ઓપરેન્ડીથી પ્લાન થતી રહે છે. પણ ભારતનું સમન્વયવાદી સહિષ્ણુ ફેબ્રિક ક્યાંક ફાટતું હોવા છતાં સાવ જરી નથી જતું. અંતિમ અટ્ટહાસ્ય માનવતાપ્રેમી ગાંધીનું જીન્નાહના ટુ નેશન સામે હજુ સુધી તો જીતતું રહ્યું છે.
અને ઓલરેડી લાયસન્સવાળી બુ્રનો પોઈન્ટ ૨૭૦ રાઈફલ જે સાબર, હરણ, નીલગાય મારી શકે, પોઈન્ટ ૩૭૫ હોલેન્ડ મેગ્નમ ડબલ બેરલ જે સિંહ કે હાથી મારી શકે, શોટગન અને ત્રણ હથિયાર ઉપરાંત પોઈન્ટ નાઈન એમએમની ઓટોમેટિક પિસ્તોલ પણ સંજય દત્ત પાસે (ગેરકાયદેસર લીધેલી) હતી. પછી પરિવારની 'સુરક્ષા' માટે એકે-૫૬ ત્રણ ને ગ્રેનેડ એણે ક્યાં રાખવાની જરૃર હતી? એ ય સાંસદ તરીકે સુરક્ષા મેળવતા બાપ માટે? હનીફ-સમીરે કબૂલાત કરી, યુસુફ અને કેરસીએ હથિયારનો નાશ કર્યો - એ પહેલા જ પપ્પાને પૂછ્યું હોત તો?
મહેશ ભટ્ટ જેવા સુપરસેક્યુલર ગણાતા ડાયરેક્ટર પણ સ્પષ્ટ કહે છે કે આજે કપાળે ટીકો કરી ફરતા સંજૂબાબા એક જમાનામાં માતાના પ્રેમને લીધે કુરાનની આયાતવાળું લોકેટ ચડાવી ફરતા.
મતલબ, સંભવ છે બે વસ્તુ ભેગી થઈ હોય. એક મુસ્લિમોમાં વધતી અસુરક્ષાની ભાવના અને સતત ધિક્કારની કોમેન્ટસને લીધે ઓલરેડી અર્ધબુદ્ધુ એવા એના દિમાગમાં થયેલો કેમિકલ લોચો. અને બીજું એનું પહેલેથી એસ્ટાબ્લિશ થયેલું ક્રાઈમ માટેનું ફેસિનેશન. એવું તો બને કે દાદા માણસોથી કોઈ પણ સીધી લાઈનનો માણસ થોડો ડરીનેય સારા સંબંધ રાખે, કે જરાક સ્માર્ટ હોય એ એમના પાવરથી બીજાને થોડાક ઈમ્પ્રેસ કરે (આપણને 'ભાઈ' ઓળખે હોં !)
પણ સંજય દત્તને ક્રિમિનલ્સ સાથે દોસ્તી રાખવાનો શોખ હતો. કેવળ બીક નહોતી. ચાર્મ હતો. જેલમાં ટાડા માટે ગયા પછી ય એની ઘરે હથિયાર ઉતારવા આવેલા અબુ સાલેમને ફોન કરી 'મિશન કાશ્મીર' વખતે વિધુ વિનોદ ચોપરા પરની અન્ડરવર્લ્ડની ધમકી એણે પાછી ખેંચાવેલી. પણ દાઉદ-અનીસ-શકીલના સંબંધો સાલેમ સાથે બગડતા અમેરિકામાં એના શૉમાં આવનાર સાલેમની ટિપ એણે ડી ગેંગને આપેલી. સાલેમ ત્યારે છટકી ગયો, પછી સંજય દત્તને મારવા એણે શૂટર રાખેલો. જે અંતે સાલેમનો જીવ બચાવનાર અકબર ખાન નામના માણસે વચ્ચે પડી હટાવેલો એવું યાસીર ઉસ્માને નોંધ્યું છે.
એની ટેપ તો જગજાહેર છે. જેમાં શરાબ-શબાબ ઉપરાંત ધાકધમકીની દોસ્તારીની ભાષામાં થતી વાતો છે. સંજય દત્તના આખા જીવનમાંથી ખ્યાલ આવે કે આગ સાથે રમવાની લિમિટ સેટ કરતાં એને આવડે એટલો મેચ્યોર કે હોંશિયાર એ થયો જ નહિ. એકઝાટકે એનું નામ ક્રાઈમમાં આવતા માધુરીએ એની સાથેનો પ્રેમસંબંધ તોડી નાખ્યો. પણ સંજયે અન્ડરવર્લ્ડ સાથેનો સંબંધ એમ તોડયો નહિ.
આ જ સંબંધની રૃએ એણે હથિયારો સ્વીકાર્યા હશે. એ દેશવિરોધી કાવતરાંમાં સંડોવાયેલો હોવાનું તો હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરે પણ માનતા નહોતા. ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહાએ ટ્રેડમાર્ક સ્ટાઈલમાં કહેલું કે ''સંજુને સ્ટોક એક્સચેન્જ શું એ ય ખબર નથી, તો ત્યાં થનાર બ્લાસ્ટનો પ્લોટ એના ભેજાંમાં ઘૂસે નહિ.'' પણ ખોટા લોકોની સંગતમાં ભરોસામાં ય વગર વાંકે ભોગવવાનું આવે જ.
ડ્રગ છોડવા માટે ગુટકાપ્રેમી જનતામાં સંજય એક પોઝિટિવ મિસાલ છે તો ક્રિમીનલ્સ સાથેની યારીમાં એણે દેશદ્રોહ જેટલું વિચાર્યું નહિ હોય, પણ સમયસર હથિયારની ઉમદા બાબતે જાણ ન કરતાં એ સ્ટિકર ચોંટી ગયું. અનુભવે જ આવે એવું જ્ઞાન છે કે નેગેટીવ માઈન્ડસેટ ધરાવતા ભાઈબંધો પર ભરોસો કરવા જાવ, તો થોડું સહન કરવાનું આવે. સંજય દત્તે એનું ચૂકવણું આ જન્મમાં જ કરી લીધું. બ્રેઈન ટયુમરમાં પત્ની રિચાને ગુમાવી. એ પહેલા જ મુંબઈ એને દીકરી સાથે મળવા આવેલ રિચા એના લફરાં ને વર્તનથી આઘાતગ્રસ્ત થઈ જતી હતી. માન્યતાના આવ્યા પહેલા એના પૈસા ય ઘણા દોસ્તોએ ઉડાડયા. સંજય નવા ને ગુમનામ લોકો પર ઝટ ભરોસો મૂકતો એટલે તો કેટલાય નવા દિગ્દર્શકોની પહેલી ફિલ્મો એણે કરેલી ઃ લોરેન્સ ડિસોઝાથી રાજકુમાર હિરાણી સુધી. આખો ટ્રેક છે, મદદગાર બનવાનો અને દુનિયાદારીની સમજ વિના ભોટ બનીને કાનૂન ન સમજવાનો!
પણ શિસ્તના નામે કડક પિતાએ બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યો ત્યારથી માના લાડમાં તોફાની બનેલ બાળક પૂરેપૂરો શિક્ષિત સમજુ થઈ ન શક્યો. એની આ ધાર પર જીવવાની આદત જ છોકરીઓમાં એને હોટ બનાવતી હોય. ડ્રગ રિહેબમાં સંજૂને બિલ નામનો મિત્ર મળેલો, જેણે એને ખેડૂત બનવામાં પાર્ટનર બનવા ઓફર કરેલી. સંજૂએ વર્ષો પછી જોયું કે ડ્રગ છોડી એણે અમેરિકામાં ખેતીમાંથી રોલ્સ રોયસ, પ્રાઈવેટ જેટ, મહેલ સાથે એસ્ટેટ પેદા કરેલી!
એની સામે સંજયે સતત ટેન્શનમાં જીવવું પડયું, એ સળિયા વગરની જેલ! ન્યાય ખાતર કહેવું પડે કે એ નદીમ કે નીરવની જેમ ભારત છોડી ભાગી શકત પણ પિતાના માન માટે ય કાયદાને માન આપી સજા પૂરી કરી. સંજૂ ફિલ્મ જોઈ પ્રિયા દત્તે પણ કહેલું ''સંજય દત્ત કાયમ પરિસ્થિતિનો શિકાર છે, એવું નથી. એણે ઘણા ખોટા નિર્ણયો પણ લીધા હતા.'' ધેટ્સ ઈટ. લેટ્સ હોપ સંજૂની સફળતા પછી બાબા સાચા નિર્ણયો જ લે.
|
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ot6-mpdiOhfTzjGJgLoy8bbmFCDMfnRA6njns5xuAqykA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment