Sunday, 22 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ આસામની ઊડતી પરી ભારતની શાન (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આસામની ઊડતી પરી ભારતની શાન!
કવર સ્ટોરી-અજય મોતીવાલા

હિમા દાસ...આ નામ ગુરુવાર, ૧૨મી જુલાઈ ૨૦૧૮ના દિવસે ફિનલૅન્ડના રનિંગ ટ્રૅક પરથી ઓચિંતું જ ઉદ્ભવ્યું અને જોતજોતામાં ભારતભરમાં એ નામની ચર્ચા થવા લાગી. માત્ર દેશમાં જ નહીં, વિશ્ર્વના ટ્રૅક ઍન્ડ ફીલ્ડના નકશા પર હિમા દાસ અને ભારત, એમ બે નામ ચમકી ગયા.

 

જો હિંમત હોય અને કંઈક કરવાની પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો મંઝિલ હાંસલ કરી શકાય છે. આ વાત આસામની એક સાધારણ ખેડૂતની ૧૮ વર્ષીય ઍથ્લેટ-પુત્રી હિમા દાસે સાચી પુરવાર કરી આપી છે. હિમાએ ફિનલૅન્ડના ટૅમ્પીયર શહેરમાં ઇતિહાસ રચ્યો છે. તે આઇએએએફ (ઇન્ટરનેશનલ અસોસિયેશન ઑફ ઍથ્લેટિક્સ ફેડરેશન્સ)ની વર્લ્ડ અન્ડર-૨૦ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની ૪૦૦ મીટર દોડમાં ગોલ્ડ મેડલ જીતી છે. ભારતને આઇએએએફની ટ્રૅક ઍન્ડ ફીલ્ડ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક મળ્યો હોય એવું પહેલી જ વખત બન્યું છે. હિમાએ આ રેસ ૫૧.૪૬ સેક્ધડમાં પૂરી કરી હતી.

 

વિશ્ર્વસ્તરે ટ્રૅક ઍન્ડ ફીલ્ડની સ્પર્ધામાં જે સિદ્ધિ મિલ્ખા સિંહ કે પી. ટી. ઉષા નહોતાં મેળવી શક્યાં એ કામ હિમાએ કરી દેખાડ્યું છે. મિલ્ખા અને ઉષા પોતપોતાની હરીફાઈમાં ચોથા નંબરે આવ્યા હતા અને જરાક માટે બ્રૉન્ઝ મેડલ ચૂકી ગયાં હતાં. જોકે, હિમાએ તો અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. તે સિલ્વર કે બ્રૉન્ઝ મેડલ નહીં, પણ સીધો ગોલ્ડ મેડલ જ જીતી લાવી છે. તે ઍથ્લેટિક્સમાં દેશની 'ગોલ્ડન ગર્લ' બની ગઈ છે.

 

દોડમાં ૩૫મી સેક્ધડ વખતે હિમા પહેલી ત્રણ રનર્સમાં પણ નહોતી, પરંતુ ક્ષણવારમાં તે ઝડપ વધારીને આગળ નીકળવા લાગી હતી અને મોખરે થયા બાદ તેણે ફિનિશિંગ લાઇન પાર કરીને ભારત માટે નવો ઇતિહાસ રચી દીધો હતો. તેણે કહ્યું છે, '૪૦૦ મીટરની રેસમાં છેલ્લા ૧૦૦ મીટરની દોડ હંમેશાં મારી ફેવરિટ રહી છે. હું મારામાંથી બનેએટલી બાકી રહેલી શક્તિને બહાર લાવું છું અને એ રેસ જીતી લેવા પૂરો પ્રયત્ન કરું છું. એ વખતે સ્ટેડિયમમાં મારા માટે તમામ પ્રકારની પરિસ્થિતિ અનુકૂળ હતી અને ક્રાઉડનો સપોર્ટ પણ અદ્ભુત હતો એટલે જીતવામાં મને સરળતા પડી હતી.'

 

સામાન્ય રીતે કોઈ મહિલા રનર રેસ જીતી લીધા બાદ થાકને કારણે બેસી પડતી હોય છે, પરંતુ હિમાએ એવું કરવાને બદલે યુવા વર્ગ માટે દૃષ્ટાંત બની જાય એવું કર્યું હતું. તેણે તરત જ સામે સેલિબ્રેશન માટે ઊભેલા પોતાના કોચિંગ-સ્ટાફ અને ભારત-તરફી પ્રેક્ષકોને તાબડતોબ તિરંગો લઈ આવવાનો ઇશારો કર્યો હતો. તિરંગો પોતાની પાસે આવ્યો એટલે તેણે તરત બે હાથે એ લહેરાવ્યો હતો અને ખભા પર ઓઢી લીધો હતો. સમગ્ર વિશ્ર્વએ તેની આ દેશદાઝ જોઈ હતી. ગોલ્ડ મેડલ સ્વીકારતી વખતે અને રાષ્ટ્રગીત દરમિયાન હિમાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. રનિંગમાં વિશ્ર્વ-સ્તરે ભારત વતી (મહિલા કે પુરુષ વર્ગમાં) જુનિયર કે સિનિયર સ્તર પર પહેલી જ વાર સુવર્ણચંદ્રક જીતવામાં આવે તો એ ગૌરવ અપાવનાર ઍથ્લેટનું હૃદય ભરાઈ આવે એ સ્વાભાવિક છે. અને એમાં પણ પ્રબળ દેશપ્રેમ ધરાવતી ઍથ્લેટની તો વાત જ શું કરવી! હિમાની દેશભક્તિને સોશિયલ મીડિયા પર કરોડો દેશવાસીઓએ તો માણી જ હતી, ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેની આ પ્રતિક્રિયાથી પ્રભાવિત થઈ ગયા હતા અને તેના પર પ્રશંસાના ફૂલો વરસાવ્યા હતા.

 

૪૦૦ મીટરની એ રેસ શરૂ થઈ ત્યારે એવું લાગતું હતું કે અમેરિકાની ટેલર મેસન આ રેસ જીતશે. જોકે, હિમાએ તેને તેમ જ રોમાનિયાની ઍન્ડ્રિયા મિકલૉસને પાછળ રાખીને રેસ જીતી લીધી હતી. ઍન્ડ્રિયા બીજા નંબરે આવી હતી અને ટેલરે ત્રીજા સ્થાનથી સંતોષ માની લેવો પડ્યો હતો.

 

હિમાની સફળતા પાછળ ખુદ તેની અથાક મહેનત અને હિંમત કારણભૂત છે જ, તેના મમ્મી-પપ્પાના પણ મોટા યોગદાનો છે.

 

હિમા દાસ આસામ રાજ્યના નાગાંવ જિલ્લાના ધિંગ ગામની છે. ગામમાં બધા તેને 'ધિંગ એક્સપ્રેસ' કહીને બોલાવે છે. તેના પિતા રણજિત દાસ ડાંગરની ખેતી કરે છે. હિમાનો પરિવાર સાવ સાધારણ છે. હિમાએ હજી બે વર્ષ પહેલાં રેસિંગ ટ્રૅક પર પગ મૂક્યો હતો, ૪૦૦ મીટર દોડમાં આ વર્ષે પહેલી જ વાર દોડી હતી, હજી ગત્માર્ચમાં પ્રથમ વાર વ્યક્તિગત્ રેસમાં ભાગ લીધો હતો અને પહેલી જ વખત વિશ્ર્વસ્તરની મોટી સ્પર્ધાનો હિસ્સો બની હતી. તેના કોચ નિપોન દાસે કહ્યું છે, 'મને ખાતરી હતી કે હિમા પહેલા ત્રણ સ્થાનમાં તો આવશે જ. તે ક્યારેય પોતાની હરીફની ક્ષમતાનો વિચાર નથી કરતી. ફક્ત પોતાનું ટાઇમિંગ સુધારવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. ૪૦૦ મીટરની વર્લ્ડ રેસમાં તેણે પોતાની ખરી ક્ષમતા બતાવી દીધી.'

 

ભાલા ફેંકની હરીફાઈ પણ ટ્રૅક ઍન્ડ ફીલ્ડના ક્ષેત્રે ગણાય અને એમાં ૨૦૧૬ની સાલમાં વિશ્ર્વવિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડા પછી હિમા બીજી એવી ઍથ્લેટ છે જે સમગ્ર ટ્રૅક ઍન્ડ ફીલ્ડમાં સુવર્ણચંદ્રક જીતી છે. જોકે, રનિંગમાં ગોલ્ડ મેળવનારી તે પહેલી જ ભારતીય ઍથ્લેટ છે.

હિમાએ રનિંગ ટ્રૅક પર જે હરણફાળ પ્રગતિ નોંધાવી છે એ જાણવા જેવી છે. આ વર્ષના માર્ચ મહિનામાં તે પહેલી જ વખત વ્યક્તિગત રેસમાં દોડી હતી જેમાં તેણે ૪૦૦ મીટરનું અંતર ૫૩.૨૧ સેક્ધડમાં પૂરું કર્યું હતું. મે મહિનામાં દિલ્હીમાં ૧૦૦ મીટરની દોડમાં પાંચમા નંબરે આવી હતી, પણ સપ્ટેમ્બરમાં ચેન્નઈમાં ૨૦૦ મીટરમાં પ્રથમ આવીને તેણે પોતાની અસલી તાકાત બતાવી આપી હતી. ચાર જ મહિનામાં તેણે ૪૦૦ મીટરનું ટાઇમિંગ ૫૩.૨૧ સેક્ધડથી સુધારીને ૫૧.૧૩ સેક્ધડનું કરી નાખ્યું હતું. ૪૦૦ મીટરની દોડમાં આ તેનું શ્રેષ્ઠ ટાઇમિંગ છે. જોકે, ફિનલૅન્ડમાં તેણે ૫૧.૪૬ સેક્ધડના ટાઇમિંગ સાથે ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

 

ભારતીય ટ્રૅક ઍન્ડ ફીલ્ડની લેજન્ડ પી. ટી. ઉષા ૧૯૮૪ની ઑલિમ્પિક્સમાં ૪૦૦ મીટર હર્ડલ્સમાં જરાક માટે બ્રૉન્ઝ મેડલ ચૂકી ગઈ હતી. તેણે એક ઇન્ટરવ્યૂમાં હિમાને અભિનંદન આપતા કહ્યું છે, 'હિમાએ છેલ્લાં પાંચ મહિનામાં જે પ્રગતિ કરી છે એ જોતાં મને લાગે છે કે તે ભારતની મનજિત કૌરનો ૫૧.૦૫ સેક્ધડનો રાષ્ટ્રીય વિક્રમ પણ થોડા સમયમાં તોડી નાખશે. મને લાગે છે કે આવતા મહિને જકાર્તામાં યોજાનારી એશિયન ગેમ્સમાં તે ૪૦૦ મીટરની દોડ ૫૦.૬૫ સેક્ધડની આસપાસના ટાઇમિંગમાં પૂરી કરશે. બે વર્ષમાં તેનું આ ટાઇમિંગ ૫૦ સેક્ધડથી પણ ઓછું થઈ જશે તો મને જરાય નવાઈ નહીં લાગે.'

 

આસામના ધિંગ ગામે આ દેશને ઘણા જાણીતા કલાકારો, લેખકો અને રાજકીય નેતાઓ આપ્યા છે. ખેલકૂદના દૃષ્ટિકોણથી જોઈએ તો આસામ રાજ્યએ દેશને ઘણા નામાંકિતો આપ્યા છે. ભારતીય ટેબલ ટેનિસના લેજન્ડ કમલેશ મહેતાના પત્ની મોનાલિસા બરુઆ-મહેતા મૂળ આસામનાં છે. એક સમયે તેઓ ભારતની મહિલા ટેબલ ટેનિસ ખેલાડીઓમાં ટોચનાં સ્થાને હતાં. ૧૯૮૭માં તેમને અર્જુન અવૉર્ડથી સન્માનિત કરાયાં હતાં.

 

હિમાના પપ્પા રણજિત દાસ અને તેમના ત્રણ ભાઈઓની ગામમાં કુલ મળીને ૪૫ વીઘા જમીન છે. એમાં તેઓ ડાંગરની ખેતી કરે છે અને હિમા તેના પપ્પાને એ કામમાં મદદ કરે છે. હિમાની મમ્મી જોનાલી દાસ એક મુલાકાતમાં હિમા વિશેની કેટલીક રસપ્રદ અંગત વાતો કરતા કહે છે, 'હિમા નાની હતી ત્યારે ઘણી વાર હું તેના પપ્પાને કહેતી કે હિમા જે ઇચ્છે છે એ કરવાની તેને છૂટ ન આપો. તે છોકરી છે અને તેણે અમુક મર્યાદા રાખવાની હોય. હિમા સ્કૂલમાં હતી ત્યારે એક વાર તેણે સુમો કારની સાથે રેસ લગાવી હતી અને જીતી ગઈ હતી.'

 

એક વાર તો તેણે હદ જ કરી નાખી હતી. તે સ્કૂલેથી મિત્રો જોડે ઘર તરફ પાછી આવી રહી હતી ત્યારની આ વાત છે. તેનું ઘર બે કિલોમીટર દૂર હતું. એક પૅસેન્જર વાહનના ડ્રાઇવરે હિમાને અવગણીને તેના મિત્રોને લિફ્ટ આપી હતી જેનાથી હિમા ગુસ્સે થઈ ગઈ હતી. તે એટલી બધી ક્રોધમાં આવી ગઈ હતી કે તેણે એ ડ્રાઇવરને ચૅલેન્જ આપી કે 'તારા કરતાં હું દોડીને વહેલી ઘરે પહોંચીશ.'

 

હિમા ત્યારે ખાડા-ટેકરાવાળા જે માર્ગો પર પૂરપાટ દોડી હતી એ માર્ગો પર પેલું વાહન ઠેબાં ખાતું-ખાતું આવ્યું હતું અને હિમા આસાનીથી એનાથી આગળ નીકળીને ઘરે પહોંચી ગઈ હતી. હિમાની મમ્મી કહે છે, 'હિમાની એ કરતૂતથી હું તેના પર ખૂબ ગુસ્સે થઈ હતી અને તેની ખૂબ ધોલધપાટ કરી હતી. આવું કદી બીજી વાર ન કરવાની ચેતવણી પણ તેને આપી હતી. જોકે, તેના પપ્પાએ તેની આ કરતૂતને હળવાશથી લીધી હતી. હવે મને ખબર પડી કે તેના પપ્પાએ કેમ ત્યારે તેના પર ગુસ્સો નહોતો કર્યો.'

 

હિમાને રનિંગની કરિયરમાં મેડલ-વિનર સુધી પહોંચાડવામાં તેના કાકા (જાહેર આરોગ્ય વિભાગના નિવૃત્ત કર્મચારી) સોનારામ દાસ અને કાકી (નિવૃત્ત શિક્ષિકા) પુષ્પલતા દાસના પણ મહત્ત્વના યોગદાનો છે. હિમા નાની હતી ત્યારે તેમણે તેની ઍથ્લેટિક્સની કળાને પારખી લીધી હતી અને સ્થાનિક ક્ષેત્રની નવોદયા વિદ્યાલયમાં સેમસુલ હક નામના ઇન્સ્ટ્રક્ટર પાસે તાલીમ અપાવી હતી. હિમા ૯ વર્ષની હતી ત્યાં સુધી ફૂટબૉલ બહુ સારું રમતી હતી. હક કહે છે, 'ઘણી વાર એવું બનતું કે હિમા ફૂટબૉલ અમારા કબજામાંથી આંચકીને દૂર ભાગવા લાગતી એટલે અમે તેને પકડવા દોડતા, પરંતુ તે એટલું ઝડપથી દોડતી કે અમારા હાથમાં જ નહોતી આવતી.'

 

હિમાની દોડવાની એ ક્ષમતા જોઈને તેને ઇન્સ્ટ્રક્ટરે ફૂટબૉલની આદત છોડાવીને રનિંગની તાલીમ આપવાની શરૂઆત કરી હતી. હિમા ૧૭ જણના સંયુક્ત પરિવારમાં રહે છે. તે દરરોજ પરોઢિયે તેના ઘરથી ૫૦ મીટર દૂર મેદાનમાં દોડવા જતી હતી.

 

૯-૧૦ વર્ષની ઉંમરે દોડવાનું શીખેલી હિમા દાસ 'એટલું ઝડપથી દોડી' કે ફિનલૅન્ડની વિશ્ર્વસ્પર્ધામાં ૪૦૦ મીટરનો ગોલ્ડ મેડલ જીતી લાવી. સલામ છે, આસામની આ કમાલની રનરને.

 

-----------------------------

હિમાનું બીજું રૂપ: ગેરકાયદે લોકોની ઘૂસણખોરી અને દારૂના સ્ટૉલની વિરુદ્ધમાં ઝુંબેશ

 

હિમા દાસનું ધિંગ ગામ થોડા સમયથી ખૂબ ચર્ચામાં રહ્યું છે. આ ગામની મોટા પ્રમાણમાં જમીનનું બ્રહ્મપુત્રા નદીના તાંડવને કારણે ધોવાણ થઈ ગયું છે. આ ગામમાં બહારથી ગેરકાનૂની રીતે ઘૂસી આવેલા લોકોની સંખ્યા ખૂબ વધી ગઈ છે અને હિમા થોડા અઠવાડિયાઓથી એવા લોકોની ઘૂસણખોરી સામેના આંદોલનમાં જોડાઈ છે. એટલું જ નહીં, તેના ગામમાં તેમ જ આજુબાજુના ગામોમાં દારૂના સ્ટૉલ મોટા પ્રમાણમાં ફૂટી નીકળ્યા છે અને હિમાએ જ થોડા મહિના પહેલાં આવા કેટલાક સ્ટૉલના તોડકામની ઝુંબેશ શરૂ કરાવી હતી. જેમ હિમાએ દોડવાની હરીફાઈમાં ઑલિમ્પિક્સના મેડલને પોતાની મંઝિલ બનાવી છે એ રીતે સામાજિક સુધારના સ્તરે તે પોતાના ગામમાં ગેરકાનૂની લોકોની ઘૂસણખોરી અટકાવવા માગે છે અને દારૂના સ્ટૉલની નાબૂદી કરાવવા કટિબદ્ધ છે.

 

આસામના બે ગામો, ધિંગ અને કંધુલીમારીના ૩૦૦ કરતાં પણ વધુ પરિવારો હિમા દાસને ઍથ્લેટ કરતાં સામાજિક કાર્યકર તરીકે વધુ ઓળખે છે. ગેરકાનૂની દારૂના સ્ટૉલ્સ સામેની હિમા દાસની ઝુંબેશ કોઈ નવી વાત નથી. ૨૦૧૬ની સાલમાં જ્યારે તે માંડ ૧૬ વર્ષની હતી ત્યારે તેણે કેટલીક મહિલાઓની આગેવાની લઈને દારૂના એક ગેરકાયદે સ્ટૉલને તોડાવ્યો હતો. એ અભિયાનમાં તેના પિતા રણજિત દાસ પણ જોડાયા હતા. સ્ટૉલના માલિકે એ તોડકામ સામે પોલીસમાં રણજિત દાસ અને બીજા બે જણ સામે ફરિયાદ નોંધાવી હતી. એ કેસમાં સુનાવણી ચાલી રહી છે.





--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Os%3DVtmr4EsEBvZRBGjdE19AAve64QkMxdUPf32K-iqj9w%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment