મેંએક કહેવત સાંભળી હતી 'પારકા હાથમાં કુહાડી સારી લાગે' પણ મારા જેવા આવો અનુભવ જાતે કરવાનું વિચારે. આમ તો હું જન્મથી વિચિત્ર પ્રકારનો છું. મારા ઘરના ઘણીવાર વાતો કરતા હોય છે કે 'અમારા ઘરમાં સાવ શાંતિ, ચેન, સુકુન બધું હતું.. પછી મિલનનો જન્મ થયો.' મારા આવા સ્વભાવને લોકો આમ ગણતરી કરે પણ તમે જોયું જ હશે કે ગેરેજવાળો એન્જીન ખોલતો હોય ત્યારે તમે ત્યાં ઊભા ઊભા ડોકા ન કાઢો તો મારે કહો એ હારી જવું. કોઈ કારણ વગર એક બોલ ખોલવાનો પ્રયત્ન શરૂ કરજો એકાદ વ્યક્તિ તો મળી જ રહેશે જે કહેશે કે 'લાવ તો મને ટ્રાય કરવા દે.' તમે કોઈ બિલ્ડિંગ પાસે હાથનું નેજું કરીને ઊભા રહેજો અને મારી ચેલેન્જ છે કે ત્યાંથી પસાર થતા લોકો એકવાર બિલ્ડિંગ તરફ નજર કરશે જ. આ ટેવ બધાંમાં હોય જ. દા.ત. આજે દેશની કે રાજ્યની જે કંઈ પરિસ્થિતિ હોય એના માટે આગલી સરકાર જ જવાબદાર હોય અને આ અફળ નિયમ કાયમ જ રહે! હવે મારામાં આવી ટેવ થોડી વધારે હોય તો એમાં ખોટું શું? એ વાત અલગ છે કે મને બધા કામો ડાબા હાથનો ખેલ લાગે અને પછી ખબર પડે કે જમણો હાથ અને પગ બંને વાપર્યા પછી પણ કામ પતતું નથી તો પછી એમ હાર થોડી માની લેવાય?
મારી ટેવ વિશે તો તમને અગાઉ જ કહી દીધું એટલે મારી સાથે જ આવું બનતું રહે! હું રોજ નક્કી કરું કે એક રિક્ષા પાછળ લખેલું હતું કે 'તું તારુ કર.' તો પણ સ્વભાવ તો ફરે જ નહીં અને એમાં પણ રાતના ૧૨ વાગા સુધી પ્રોગ્રામ પૂરો કરીને ૨ વાગે ઘેર પહોંચી સૂતા હોઈએ અને પત્નીનો અવાજ આવે અને એ પણ કામ અને સૂચનાઓ સાથે તો પછી આપણે પણ મરદ છીએ. એવું શું કામ હોઇ કે બૈરાઓ કરી શકે અને આપણે ન કરી શકીએ? આમ તો લગ્નની શરૂઆતમાં તમને ખૂબ પ્રેમાળ શબ્દોથી જગાડવામાં આવે પણ ૧૦ વર્ષ પછી પ્રેમાળ શબ્દ ન હોય તમને માત્ર જગાડવામાં આવતા હોય. 'મને પણ શબ્દો કાને પડ્યા કે નઘરોળ પાડાની જેમ સૂવો છો જાગો દસ વાગ્યા આજુબાજુવાળા પોતાની ઓફિસે જઈ અને કામકાજ પણ કરવા માંડ્યા તમારે તો બસ સૂઈ રહેવું.' મને પહેલી વાર ખબર પડી કે અવાજનું પ્રદૂષણ માત્ર વાહનો જ કરે છે એવું નથી પત્નીઓના અવાજના ડેસિબલ સાંભળો તો પેલો પ્રતિબંધ મૂકવાનું મન થાય! આ પ્રદૂષણ સાથે એક ઓર્ડર પણ હતો કે જો વહેલા જાગીને શાક નહીં લઈ આવું તો મારે ભૂખ્યા રહેવાનું હતું અને હું પણ મારી પ્રકૃતિ મુજબ બોલી જ ગયો કે શું બૈરાના કામ પુરુષોથી ના થાય? બસ પછી આ મરદે ખંખોરિયું ખાઈ લીધું અને ચાલતો થયો ત્યારે સૂચના મળી કે પ્લાસ્ટિકના ઝભલા બંધ થઈ ગયા છે એટલે મારા જ જૂના પેન્ટમાંથી બનેલી થેલી લઈને રવાના થયો. માર્કેટમાં પહોંચતા સાથે ગીરદી જોઈને એકવાર તો પાછીપાની કરવાની ઇચ્છા થઈ પણ મર્દાનગી લાજે એવા કામ કરાય? એક બટાકાની લારી પાસે જઈને અનોખી અદામાં અને જાણે રોજ શાકભાજી લેવા જતો હોઉં એવી અદામાં બટાકાનો ભાવ પૂછ્યો. ભાવ સાંભળ્યો પણ એમ થયું કે હજુ તો ઘણી મોટી માર્કેટ છે, પાંચ જગ્યાએ ભાવ પૂછ્યા વગર થોડું લેવાય? હિંમત કરીને આગળ વધ્યો ત્યારે એક જૂની વાત યાદ આવી. અમે ભણતા ત્યારે એક ધણખૂંટનો પાઠ આવતો બૈરાઓ જેટલા ધણીથી ના બીતા એટલા ધણખૂંટથી બીતા કારણ કે પતિઓને મેં ક્યારેય ઢીક મારતા નથી જોયા! હું જાણે કોઈ ધણખૂંટ હોઉં એમ આગળ વધતો ગયો. મને તો શાકભાજી કરતા આજુબાજુની લીલોતરી જોવી વધારે ગમતી હતી પણ હવે છેલ્લે સુધી પહોંચી ગયો હતો એટલે પરત ફરવાનું હતું. જેવું લારીએ લારીએ ઊભું રહેવાનું શરૂ કર્યું ત્યારે ખબર પડી કે ધણખૂંટ ધીક મારે કે ન મારે બૈરાઓ કોણીઓ બહુ મારે છે. રેકડીના માલિક સાથે વાત કરવી એ એવરેસ્ટ શીખર સર કરવા કરતાં પણ અઘરું હતું! પાછું એમ પણ હતું કે આ તો મારા ડાબા હાથનો ખેલ છે એટલે સૌથી સારી શાકભાજી ખરીદવાની હતી. કોઈ ટકોરો મારે તો પણ અવાજ આવવો જોઈએ અને ઇતિહાસમાં લખાવું જોઈએ કે બાકી શાકભાજી તો મિલનભાઈ જ ખરીદી શકે! દૂધીમાં નખ ભરાવીને ચેક કર્યા સાથે જ ખબર શાકભાજીવાળા બહેને જોખી નાખી અને ૨૦ રૂપિયા આપવાની સૂચના આપી. વિરોધ તો કર્યો પણ લગભગ ૨૦-૨૫ નખના નિશાન હતાં એટલે ખરીદવી જ પડી! આવી જ ઘટના ભીંડા સાથે પણ બની. ભીંડો કુણો છે કે નહીં એ ચેક કરવા દાંડીઓ તોડી અને જેટલી તોડી હતી એ બધી જ છાબડામાં ગોઠવાઇ ગઈ! હા રિંગણામાં અનુભવ સારો રહ્યો પણ રિંગણના કાંટા લાગે તો બહુ બળતરા થાય એ પહેલીવાર ખબર પડી! શાકભાજીની ખરીદી તો થઈ ગઈ અને ઇડરિયા ગઢ જીતવાનો આનંદ પણ મળી ગયો પણ જેવું યાદ આવ્યું કે બૈરાઓ કોથમીર, લીમડો મફત માગે એ ભૂલી ગયો એટલે જ્યાં જ્યાં શાકભાજી ખરીદી હતી એ રેકડીઓ પર પરત ફર્યો. પહેલા ન માગ્યું હોય અને પછી માગો એની તકલીફ તો હોય જ પણ હિંમત કરી મહામહેનતે તેમને સમજાવી થોડો લીમડો, કોથમરી, મરચાં, આદું મફત લીધાં. રાજીપો તો એવો હતો કે હાશ આજે કંઈક કરી બતાવ્યું. ઘેર પહોંચ્યો ત્યારે ખબર પડી કે બપોરના ૨.૩૦ થઈ ગયા છે અને પત્નીશ્રી તેમજ પુત્રશ્રીએ તો જમી પણ લીધું છે. તો પણ વટ પાડવા જેવી થેલી ઊંધી કરી એ સાથે ટિપ્પણીઓ શરૂ થઈ. 'આ આખી દૂધીમાં બૈરાઓએ નખ ભરાવ્યા છે અને તમને એ જ મળી? આ દાંડી તૂટેલા ભીંડા લેવાતા હશે? અને ફ્રિઝમાં જગ્યા ન હોય એટલું શાકભાજી લાવવાનું? ન્યાત જમાડવી છે કે શું? અને લીમડો, કોથમરી, મરચાં, આદું ક્યાં?' હું કંઈ જ ન બોલ્યો પણ મને એમને કેમ કહું કે બાજુવાળા સ્મિતાબેન રસ્તામાં મળી ગયા અને ચાર વસ્તુ જ લેવા જતા હતાં અને હું ભોળો એમને ના ન પાડી શક્યો. બે સ્માઇલ અને પાંચ મિનિટના વાર્તા લાભના બદલામાં મેં આદું, લીમડો, કોથમીર અને મરચાં એમને સુપ્રત કર્યા પરંતુ સમય વર્તે સાવધાન એ વાતને મનમાં લઇ અને સઘળો દોષ મેં મારી ઉપર લઈ અને એટલું જ કહ્યું કે તો હું ભૂલી ગયો કારણ મને ખબર છે ભૂલવાની સજા ઓછી હોય, સાચી વાત જો રજૂ કરું તો મારે પંદર દિવસ કાર્યક્રમો બંધ રહે. જે થયું એ સારું થયું પણ દરેક વાત શક્ય નથી એ ખબર પડી. જેમ કે છીંકતી વખતે આંખ ખુલ્લી ન રખાય, ડાયેરિયા થયા હોય ત્યારે શંખ ન વગાડાય, વોશરૂમ જવું હોય ત્યારે ખાલી છે કે નહીં એ ચેક કર્યા પહેલા ઠંડું પાણી ન પીવાય. છેલ્લે એક એવો મોટો લોચો થઈ ગયો હતો કે ડાયેરિયા થયા હતાં અને ઊંઘની ગોળી લેવાઇ ગઈ ત્યારથી નક્કી કર્યું કે પાછું વળી જવું. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OujQDDJb2P6%2BLe5%2BrWMCo1CwEe1sLqHKSEO624ia6eOOA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment