Monday, 23 July 2018

[ ::: ♥Keep_Mailing♥ ::: ]™ સ્ત્રીની સલામતી ક્યાં? (Gujarati)



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘરની અંદર અને બહાર વાસનાનો શિકાર બનતી સ્ત્રીની સલામતી ક્યાં?
ઘટના અને અર્થઘટન-સોનલ શુક્લ

બળાત્કારોમાં વેરાયટી આવતી જાય છે. ઉ.પ્ર.માં દીકરી જોડે સૂતેલી માતા ઉપર પાંચ ઓળખીતા કે સંબંધીઓએ બળાત્કાર કર્યો અને પહેલા અહેવાલમાં તો એમ આવ્યું કે બાજુના મંદિરની યજ્ઞશાળામાં વેદી પર ચડાવી બાળી મૂકવાનો પ્રયાસ થયો. આમ તો ઘણી રીતે સ્ત્રીઓની આહુતિઓ અપાય છે, પણ તે આમ યજ્ઞની વેદી ઉપર નહીં. પ્રાચીન ભારતના સુવર્ણ કાળમાં જેમને વેદી પર ચડાવતા હતા તે પુરુષો હતા. વિશ્ર્વામિત્રનો યજ્ઞ અને શુન:શેપની કથા જાણો છોને? ક.મા. મુનશીએ એ પોતાની રીતે કહી છે.

 

ટૂંકમાં એક હરિશ્ર્ચંદ્ર રાજાએ (એ પેલા સત્યવાદી હતા કે નહીં તે ખબર નથી, પણ રામાયણકથા મંગળ નામના 'સસ્તુ સાહિત્ય' પ્રકાશનમાં રામાયણની આડકથાઓમાં આવે છે.) પુત્રપ્રાપ્તિ લગ્ન કરી વરુણદેવને આરાધેલા. દેવ પ્રગટ થયા ત્યારે એવું વચન આપ્યું કે પુત્ર જન્મે ત્યારે એને વરુણને ચડાવી દેશે. આવ્યો તો ખરો પણ માંડ મળેલા દીકરાને વધેરવો કેમ ગમે? 'હમણાં નહીં', 'આવતે વર્ષે', 'ભણવા જાય પછી' વગેરે ઠાગાાઠૈયા કર્યાં પણ પછી તો લાગ્યો શાપ, દેવ વરુણ એટલે રોગ થયો જલંધર. રાજા તરફડે. કોમ્પ્રોમાઈઝ થયું કે કોઈ પણ યુવાનનો વધ કરી યજ્ઞમાં નાખે તો ચાલે. રાજા હતા, મોં માંગે એટલી સમૃદ્ધિ આપવા તૈયાર હતા, પણ દીકરો કોણ વેચે? તે પણ વધેરવા માટે?

 

સામાન્ય લોકોમાં રાજા કરતાં વધુ નૈતિકતા હતી. આખરે રાજાનો ઢંઢેરો અનેક પ્રદેશોમાં અને જંગલોમાં પીટાતો ગયો. એક જંગલમાં એક તપભ્રષ્ટ બ્રાહ્મણ તેના પરિવાર જોડે રહેતો હતો. અપાર સમૃદ્ધિ મળે તેનો એને લોભ થયો, પણ કહે કે મોટો તો મને બહુ વહાલો છે એ નહીં આપું. બ્રાહ્મણી કહે નાના વગર તો જીવી નહીં શકું. વચલો વા'ને ઊડી જા, એ હતો શુન:શેપ એણે રાજાના માણસ તરફ ફરીને કહ્યું 'ચાલો' ત્યાર પછીની વાત મુનશીએ રાજા ત્રિશંકુને સદેહે સ્વર્ગ જવાનો મોહ હતો તે કથા જોડે જોડી છે અને શુન:શેપને એમનો જ પુત્ર બતાવ્યો છે. અને હા, એનો વધ થતો નથી. ટૂંકમાં વધ ચડાવવા માટે તો બત્રીસ લક્ષણા પુરુષ જોઈએ. ભગવાનને એથી નીચું શેં ખપે? એમાં સ્ત્રી ક્યાંથી આવે? એ બાપડીઓ તો ઘરના ચુલા પ્રાયમસમાં બળી મરે.

 

બેશરમી બળાત્કારીઓએ મંદિરની પણ અદબ ના રાખી. હવે કહે છે કે ત્યાં કોઈ ઝૂંપડામાં બાળવા લઈ ગયેલા. ઘરની બહાર સ્ત્રીઓને ખતરા છે, ઘરની અંદર પણ એ વાસનાનો શિકાર બનતી હોય છે. તો પછી એની સલામતી ક્યાં?

 

બાઈનો પતિ ક્યાંક બહારગામ હતો. બળાત્કારીઓ જાણકાર હતા. એકે બીજાને બીજાએ ત્રીજાને કહ્યું હશે ને કે ચાલ ભાઈ, જરા જબરદસ્તી કરી આવીએ! વધુ વિગતો તો આ લખાય છે ત્યાં સુધી આવી નથી. જ્યાં સુધી લોકેશનને લાગે વળગે છે ત્યાં તો વેરાયટી હોય છે જ. કઠુઆમાં પણ ઘટના મંદિરમાં બનેલી. મદ્રેસામાં મૌલવી છોકરી તેમ જ છોકરાની છેડતી કરે કે તેથી વધુ અત્યાચાર કરે તે પણ સમાચારમાં આવે છે. ચર્ચોમાં પાપિયા પાદરીઓ ઓછા નથી. એમના ભવાડા તો જગજાહેર થયા છે કારણ કે કેથોલિક ચર્ચે એમાં માફીઓ માગવી પડી છે અને ફાઈન ભરવા પડ્યા છે. આવી બાબતોમાં સર્વધર્મ સમાનતા જોવા મળે છે. હજી તો આ પારંપારિક ધર્મસ્થાનોની વાત છે.

 

ગુરુજીઓની ઉસ્તાદી ક્યાં કમ દેખાય છે? એ બધું પણ ધાર્મિક આશ્રમોમાં જ ચાલે છે. તેમ છતાં 'આ તો બહુ સારા છે.' 'આ બાબા તો લોકસેવા પણ કરે છે.' 'એક વાર આવો તો તમને સમજ પડશે' વગેરે વટાળ પ્રવૃત્તિનો જ એક ભાગ નહીં તો શું છે? સીધું સાદું ધર્મપાલન કરો તેટલું બસ નથી. તમારે ફળાણા ઢીકણાં જાણીતા વગર જાણીતા ગુરુ પકડવા જ પડે, નહીં તો આઉટ ઑફ ફેશન થઈ જાઓ.

 

વીડિયોવાળા બળાત્કારો

સો વાતની એક વાત કે હવે બળાત્કારોનું કેટેગરાઈઝેશન કરવું પડશે. કઈ કઈ કેટેગરીમાં આવી ઘટનાને મુકીશું? બાપ, દાદો કે ભાઈ કરે તે તો ઈનસેસ્ટમાં આવે એટલે કે લોહીના પારિવારિક સંબંધમાં ન કરાય એવા ધાર્મિક અને નૈતિક સિદ્ધાંત તોડવાનો ગુન્હો છે.

 

કાનૂની દૃષ્ટિએ આ પ્રકાર માટે કોઈ વિશેષ સજા છે કે અરેરેના ઉચાટ જોડે સામાન્ય બળાત્કાર ગણાય. હા, એ કસ્ટોડિયલ બળાત્કાર ગણાય જેમાં પોતે નથી કર્યો એ બાપ, દાદા કે ડૉક્ટર દ્વારા એના ક્લિનિકમાં કે હોસ્ટેલ અધિકારી જેમના રક્ષણ અને અધિકાર હેઠળ સ્ત્રી, બાળકી કે છોકરો છે તે આરોપીએ પુરવાર કરવું પડે.

 

બીજો બળાત્કાર છે નાની બાળકીઓ ઉપરનો. (નાના છોકરાઓ ઉપરનો પણ એમાં આવે.) બાળકલ્યાણના પોસ્કો કાનૂન હેઠળ આવે જેમાં બાળકો ઉપરના જાતીય હુમલાઓ આવે.

 

પતિ પત્ની પર પેલીની અનિચ્છાએ બળાત્કાર કરે તે માટે કોઈ કાનૂન કે કાનૂની સહાય નથી.

 

હવે નવો પ્રકાર નીકળ્યો છે એક વાર કુકર્મ કરી એનો વીડિયો ઉતારી પેલી છોકરી કે બાઈને બ્લેકમેઈલ કરી એની ઉપર ગમે ત્યારે બળાત્કાર કરી પોતાની વાસના તૃપ્ત કરવી. અહીં વાત પૂરી થતી નથી. ઉપરથી પેલો હરામખોર બીજા માણસોને પણ લઈ આવે અને છોકરી કે સ્ત્રી સામૂહિક બળાત્કારનો ભોગ બનતી જ રહે. ક્યારેક તો એણે સ્વેચ્છાએ પણ પ્રેમી જોડે સંબંધ કર્યો હોય તો એ પ્રેમનો ડોળ કરનાર બદમાશ વીડિયો લઈને પછી સોશ્યલ મીડિયા ઉપર મૂકી દેવાનો ભય દેખાડી સ્ત્રી શરીરનો ઉપભોગ કરતો જ રહે છે, આ વીડિયોવાળા બળાત્કારીઓ માટે જુદા અને વધુ કડક નિયમો અને સજાનાં ધોરણો બનાવવાનો સમય પાકી ગયો છે.

 

વીડિયો એક જ ટેક્નોલોજીનું અહીં દૂષણ નથી. સ્માર્ટફોન લઈને ફરતા છોકરાઓ એમાં અશ્લીલ ફિલ્મો જુએ છે અને એની અસરમાં વધુ ચગે છે. તાજેતરમાં બનેલો કિસ્સો એ પ્રકારનો છે, એક આઠ વર્ષની છોકરીને ઘરમાં બોલાવી એની જોડેના મિત્રો અનેે તેમના બીજા મિત્રોએ મળીને બળાત્કાર કર્યો. એમાં એક જ છોકરો પંદર વર્ષનો હતો. બાકીના નવ, દસ, અગિયાર, બારની વયના હતા.

 

આ કુળદીપકો આગળ જઈને શું શું કરશે તેની કલ્પના માત્ર ધ્રુજાવી દે છે. પાછા છોકરામાં ગણાઈ જાય એટલે જેલ તો થાય નહીં. જે મળ્યા તેમને ઘાલ્યા છે બાળસુધારગૃહમાં. આવાં ગૃહોમાંથી કેટલા સુધરીને નીકળ્યા એનો સમાજને ક્યારેય અહેવાલ અપાતો નથી. પોતાની કરિયર માટે મરી પડતા સમાજશાસ્ત્રીઓ પણ સમાજના સળગતા પ્રશ્ર્નો ઉઠાવતા નથી, નથી એની ઉપર કાંઈ રિસર્ચ કરતા.

 

હવે ત્યાં ચોર, ભિખારી, રસ્તે સુનારા અને બીજાં બાળકોને રાખ્યાં હોય ત્યાં આવા 'બાળ' ગુન્હેગારોને રાખવાનો શો ફાયદો? એમને માટે અલગ બાળગૃહો હોવાં જોઈએ જ્યાં એમને પૂરું સેક્સ એજ્યુકેશન અપાય અને જેંડર તાલીમ અપાય જેમાં સમજાવાય કે સ્ત્રીપુરુષ ભેદથી સમાજ અને સ્ત્રીપુરુષ સૌ કેવી રીતે તૂટે છે અને પ્રગતિને બદલે અવગતિએ જાય છે. 'મારે જોઈએ છે અને મને મળવું જ જોઈએ.'

 

એવો પોતાનો જન્મસિદ્ધ હક સમજતા છોકરાઓ અને પુરુષોનો ઉછેર કહેવાતા સારા માણસોના ઘરે થાય છે. અહીં માબાપ અને દાદાદાદી સૌ જવાબદાર હોય છે. બાળશિક્ષણના મહર્ષિ એ.એસ. નીલે તો પુસ્તક લખેલું છે કે કોઈ પ્રોબ્લેમ ચાઈલ્ડ હોતું નથી, હોય છે પ્રોબ્લેમ પેરંટ્સ યાને કિ સમસ્યાપૂર્ણ માબાપ.

 

સ્ત્રીઓ પણ પિતૃસત્તામાં જ ઉછરેલી છે, એનાં મૂલ્યો અને પરંપરાઓ એને ગળથૂથીમાંથી મળેલાં છે. ધર્મને નામે એને પોતાનું નીચું સ્થાન છે એમ શીખવાય છે. એમાં પરિવાર, જ્ઞાતિ અને સાંસ્કૃતિક સંસ્થાઓ ટાપશી પુરાવે છે.

 

આજ કાલ છાપામાં આવે છે કે અમુક દુર્ઘટના બની ત્યારે મદદ કરવાને બદલે કેટલાક વીડિયો લેતા હતા. જો કે પૃથ્વી હજી રસાતાળ નહીં થઈ જાય કારણ કે નાનાં ગામોમાં તો મદદ આપવા લોકો જલદી તૈયાર થઈ જાય છે.

 

હજી હમણાં જ આપણે કિસ્સો જાણ્યો કે એક પરિવારની કાર નદીમાં પૂલ ઉપરથી પડી ગઈ ત્યારે તરતોતરત જે જુવાનિયાં ત્યાં ઊભેલા એમણે ચારે જણને બચાવી લીધા. આ નસીબદારોની કાર ખડકો વચ્ચે ફસાઈ ગયેલી. એમની કારનો આગળનો કાચ ફોડી કાઢી લવાયા. શાબાશ કમનસીબે બળાત્કારીની મારપીટ કરવા સિવાય અન્ય કોઈ સહાય લોકો કરતા નથી. પેલી છોકરીઓએ કોર્ટકેસમાં જવાનું, એણે કદાચ બીજા સ્થળે જઈ વસવાટ કરવો પડે, એને સો ટકા માનસચિકિત્સકની જરૂર પડે, એના સ્વાસ્થ્યનો પણ સવાલ ઊઠે. અહીં કોણ મદદ કરે છે? જગજાહેર છે કે આપણા દાનેશ્ર્વરીઓ મંદિર, મસ્જિદ કે દેરાસર માટે આપે, ગુરુજીઓનાં ચરણે ધરે કે પછી અનાથાશ્રમ માટે આપે, પણ બળાત્કારનો ભોગ બનેલાં કે એમને મદદ કરતી સંસ્થાઓને દાન આપવા લોકો જલદી નીકળતા નથી. દેશમાં સશક્ત અને સમર્થ નારીઓ ઊભી થાય તે માટે તો નહીં જ, પછી છોકરીઓ ઉપર જબરદસ્તી થાય ત્યારે અરેરે કરવાનું બીજું શું?

--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to keep_mailing@googlegroups.com.
Visit this group at https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5Ou0tqWP2B660vCdmT8HnLryG9TiaKBb4dAyaZyMYP%2B%3D1A%40mail.gmail.com.
For more options, visit https://groups.google.com/d/optout.

No comments:

Post a Comment