ભારતીય રસોડામાં સદાબહાર ગણાતી કોઈ મસાલેદાર વસ્તુ હોય તો તે છે આદું. મોસમમાં બદલાવ થવાની સાથે સામાન્ય રીતે સ્વાસ્થ્યમાં થોડો ફેરફાર થતો જોવા મળે છે. શરદી-સળેખમ કે તાવનું જોર વધવા લાગે છે. ભાગ્યશાળી લોકોના ઘરમાં દાદીમાં કે વડીલોની હૂંફ હોય તો તરત જ આદુંનો ઉપયોગ કરીને ઝટપટ ઉકાળો કે ગરમાગરમ ચા તૈયાર થઈ જાય છે. સ્વાસ્થ્યને ટકાટક બનાવવાનું પ્રથમ પગલું એટલે જ આદુંવાળી ગરમાગરમ ચા ગણાય છે. ભારતીય ભોજનમાં આદુંનો ઉપયોગ છૂટથી કરવામાં આવે છે. વરસતાં વરસાદમાં ભીંજાયા બાદ ગરમાગરમ આદુંવાળી ચાની લહેજત માણવાની અનેક શોખીનોને આદત બની ગઈ હોય છે. શરીર પ્રત્યે સજાગ અનેક આધુનિક લોકો આદું-લીંબુ અને મધનો ઉપયોગ કરીને ગરમાગરમ ચા પીવાનું પસંદ કરતા હોય છે. ભોજનનો સ્વાદ વધારવાની સાથે આદું અનેક રોગને નાથવામાં ઉપયોગી છે. આદુંની વિશિષ્ટતા એટલે આધુનિક યુગમાં તેનો વિવિધ રીતે ઉપયોગ શક્ય છે. ભોજનમાં તાજા આદુંનો ઉપયોગ, આદુંની સૂકવણી, આદુંનો રસ, આદુંનો મુરબ્બો, આદુંનો પાક કે આદુંની કેપ્સ્યુલ - ગોળી કે પિપરમિંટ સરળતાથી મળતી થઈ ગઈ છે. આદુંનો પાક મુખ્યત્વે ભારત, ચીન, જમૈકા, ફિઝી, ઈન્ડોનેશિયા અને ઓસ્ટે્રલિયામાં થાય છે.
ઉનાળામાં કેરીનો રસ-રોટલી કે રસ-પૂરીનો આસ્વાદ માણવાની મોજ પડી જતી હોય છે. એક સમય હતો કે થાળીમાં રસ-પૂરી પીરસાય તેની સાથે વડીલો રસમાં સૂંઠનો પાઉડર એક નાની ચમચી ભભરાવીને રસ ખાવાનો આગ્રહ રાખતા હતા. તેનું મુખ્ય કારણ ગેસ કે અપચાની સમસ્યાથી રાહત ગણાતું. આદુંમાં ડાયેટરી ફાઈબર, પ્રોટીન, મિનરલ્સ, પોટેશિયમ, મેંગેનિઝ, ફોસ્ફરસ, ઝીંક, વિટામિન સી, આયર્ન, નિઆસિન, રિબોફ્લેવિન જેવાં સત્ત્વો સમાયેલા છે. સ્વાસ્થ્ય માટે આદું કેટલું ગુણકારી છે તે પણ જાણી લઈએ: ઊલટી-ઉબકામાં ફાયદાકરક: સામાન્ય રીતે સવારના સમયે ગર્ભવતી મહિલાને ઊલટી કે ઊબકાની તકલીફ થતી હોય છે. આવા સમયે આદુંનો ઉપયોગ ગુણકારી ગણાય છે. આદુંની ઉપર લીંબુ-મીઠું ભભરાવીને કે આદુંનો ઉકાળો પી શકાય છે. કૅન્સરમાં ઉપયોગી: કૅન્સરના દર્દીઓને કિમોથેરાપીની સારવારમાંથી પસાર થવું પડ્યું હોય ત્યારે આદુંનો વિવિધ રીતે ઉપયોગ આહારમાં કરવાથી દર્દમાં રાહત થાય છે. માથાના દુખાવામાં ગુણકારી: માનસિક તાણ કે ગરમી ને કારણે માથાનો દુખાવો હોય કે માઈગ્રેનના દર્દીને આદુંનો રસ કે આદુંની ચા પીવડાવવાથી રાહત થાય છે. ચયાપચયની ક્રિયામાં ગુણકારી: દિવસ કે રાત્રિના સમયે વધુ પડતું ભારી ભોજન કરવામાં આવ્યું હોય કે વધુ પડતી મીઠાઈની મોજ માણી હોય ત્યારબાદ આદુંની થોડી કતરણ કે આદુંનો એક ચમચી રસ પી લેવાથી ચયાપચયની ક્રિયામાં ફાયદો થાય છે. ગેસની તકલીફમાં ફાયદો: મોસમમાં બદલાવની સાથે પેટની ગરબડનો શિકાર મોટા ભાગે લોકો બનતાં હોય છે. આવા સંજોગોમાં પેટમાં દુખાવાની સાથે ગેસને કારણે છાતીમાં દુખાવાની પણ તકલીફ થતી જોવા મળે છે. ભોજન બાદ આદુંનો ઉપયોગ કરવાથી ગેસની તકલીફને દૂર કરે છે. સૂંઠ પાઉડરને એક લિટર પાણીમાં ભેળવીને પાણીને ઉકાળી લેવું. નવશેકું પાણી દિવસભર પીવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. સાંધાના દુખાવામાં ફાયદાકારક: આદું હાંડકાંને મજબૂત બનાવે છે. સાંધાના દુખાવાને દૂર ભગાડે છે. આદુંમાં સમાયેલો ગુણધર્મ એટલે જિંજરોલ, જે વિવિધ પ્રકારના સાંધાના દર્દ જેવા કે ઘૂંટણમાં દુખાવો, રૂમેટોઈડ આર્થરાઈટિસ, ઓસ્ટિયો આર્થરાઈટિસના દુખાવામાં રાહત આપે છે. અસ્થમામાં ફાયદાકારક: અસ્થમાની તકલીફ મોટે ભાગે ચોમાસામાં વધુ થતી જોવા મળે છે. આદુંમાં રોગપ્રતિકારક શક્તિનું પ્રમાણ વધુ છે. ઝેરુમબોન નામક ગુણધર્મ આદુંમાં સમાયેલો છે. શ્ર્વાસોશ્ર્વાસની તકલીફમાં રાહત આપે છે. મોટાપાને દૂર કરે છે: નિયમિત રૂપે આદુંનો ઉપયોગ આહારમાં કરવાથી ચયાપચયની ક્રિયામાં સુધારો થાય છે. આદુંની ચા કે આદુંની કતરણ ચાવી જવાથી શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ થાય છે. શરીર બેડોળ બનતું અટકે છે. સૂંઠવાળું પાણી બનાવીને દિવસભર નવશેકું પીવાથી શરીરમાં જમા થયેલી ચરબી ધીમેધીમે દૂર થાય છે. હૃદયની ધમનીઓને મજબૂત બનાવે છે: આદુંનો ઉપયોગ પ્રમાણભાન રાખીને કરવાથી શરીરમાં એલડીએલ કોલૅસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડીને એચડીએલ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે. ધમનીઓમાં લોહી ગંઠાઈ જતું નથી. લોહીનું પરિભ્રમણ યોગ્ય રીતે થવાને કારણે હૃદય મજબૂત બને છે. લોહીના ઊંચા-દબાણની તકલીફ હોય તો ઓછી થાય છે. ડાયાબિટીસમાં ગુણકારી: આદુંનો ઉપયોગ આહારમાં નિયમિત કરવાથી લોહીમાં શર્કરાનું પ્રમાણ જળવાઈ રહે છે. શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ યોગ્ય માત્રામાં જળવાઈ રહે છે. શરીરના કચરાને દૂર કરે છે : આદુંનો ઉપયોગ આહારમાં કરવાથી પ્રસ્વેદ દ્વારા શરીરનો કચરો દૂર થાય છે. નિષ્ણાતો દ્વારા કરવામાં આવેલા સંશોધન થકી જાણવા મળ્યું છે કે આદુંનો ઉપયોગ આહારમાં કરવાથી શરીરનો કચરો જે પ્રસ્વેદરૂપે બહાર નીકળે છે જે બેક્ટેરિયા કે વાઈરલ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. ત્વચા ચમકીલી બનાવે છે. આદુંની ખરીદી કઈ રીતે કરશો? આદુંની ખરીદી કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે કે તેની છાલ કરમાયેલી ન હોય. વધુ પડતી જાડી છાલને પણ પસંદ ન કરવી. આદુંની છાલને થોડી ખોતરીને ચકાસી લેવી. તેની સુગંધ તીખી તથા ધમધમતી હોય તો તે ખરીદવા માટે યોગ્ય છે. આદુંની સાચવણી કેવી રીતે કરશો? આદુંને વહેતાં પાણીથી ધોઈ લેવું. માટીવાળું લાગે તો આદુંને પાણીમાં પલાળી દેવું. માટી નીકળી જાય એટલે સ્વચ્છ પાણીથી સાફ કરી તેને થોડો સમય સૂકા કપડાં પર રાખવું. બરાબર સૂકું થઈ જાય એટલે કાગળમાં કે જાડા કપડાંમાં લપેટીને રાખવું. લાંબા સમય સુધી આદું બગડતું નથી. આદુંની કતરણ બનાવીને સૂકવણી પણ બનાવી શકાય છે. તાજા આદુંનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી ગણાય છે. બજારમાં આદુંના માવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી વિવિધ ચીજો આસાનીથી મળી રહે છે. જેનો ઉપયોગ પણ આપ કરી શકો છો. આદુંનું અવનવું: આદુંનો ઉપયોગ પ્રાચીનકાળથી થતો આવ્યો છે. અત્તર બનાવવા માટે પણ આદુંનો ઉપયોગ થાય છે. આદું માટે એવું પણ કહેવાય છે કે તે ભારત તથા ચીનમાં સૌથી પ્રાચીન હર્બલ સારવાર આદુંથી શરૂ થઈ હતી. આશરે ૨ હજાર વર્ષ પૂર્વે પણ આદુંની સારવારનો ઉપયોગ શરીરના વિવિધ ભાગોમાં આવતાં સોજા કે અતિસારની તકલીફમાં કરવામાં આવતો હતો. આદુંની કતરણ ઉપર લીંબુ-મીઠું ં ભભરાવીને તાજું ખાવાથી ભોજનનો સ્વાદ વધે છે. ૧૬મી સદીમાં ઈંગ્લૅન્ડના રાણી એલિઝાબેથ જિંજર બ્રેડમૅનની વાર્તાના દીવાના હતાં. આદુંની વાતો કરવી હોય તો ૫ હજાર વર્ષ પૂર્વેનો ઈતિહાસ આપણે વાગોળવો પડશે. ચીનના જાણીતા ફિલસૂફ ક્ધફ્યૂસિયસે આદુંના પાઉડરનો ઉપયોગ ર્ક્યો હતો. રોમનો પણ આદુંને સમૃદ્ધિનું પ્રતીક ગણતા. ૧૩મી સદીમાં આદુંને વિશ્ર્વના વિવિધ દેશોમાં વહાણો ભરીને મોકલવામાં આવ્યું હતું. આદુંને કિંમતી જણસ ગણવામાં આવતું હતું. સ્વાસ્થ્યને તાજગી બક્ષતાં આદુંનો ઉપયોગ આહારમાં યોગ્ય પ્રમાણભાન રાખીને કરવો આવશ્યક છે. |
--
You received this message because you are subscribed to the Google Groups "Keep_Mailing" group.
To unsubscribe from this group and stop receiving emails from it, send an email to
keep_mailing+unsubscribe@googlegroups.com.
To post to this group, send email to
keep_mailing@googlegroups.com.
Visit this group at
https://groups.google.com/group/keep_mailing.
To view this discussion on the web visit
https://groups.google.com/d/msgid/keep_mailing/CAH3M5OujDfJ6XJLyU51vMU4C9mW87qoW7Umyd%3DyPk7ie%2Boy4kA%40mail.gmail.com.
For more options, visit
https://groups.google.com/d/optout.
No comments:
Post a Comment